પાછળના ભાગમાં આપણે જોયું કે...મીરાના માથે હાથ ફેરવતા ફેરવતા જાણે એમને પોતાનું નાનપણ યાદ આવી ગયું. પોતે પણ તો મા વગર મામીની રહેમ નજર હેઠળ ઉછર્યા હતા. એમની મામી એવી હતી કે મામા કંસને પણ સારો કહેવડાવે તેવી મળી હતી.માટે જ એમને મા વિનાની સુમન પ્રત્યે વધારે લગાવ હતો, પોતે નાનપણમાં મા વગર જે મુશ્કેલીઓ સહન કરી હતી, તે નહોતા ઈચ્છતા કે સુમન પણ તે પરિસ્થિતિમાથી પસાર થાય અને બાળપણમાં પોતાની જેમ એની પણ ઈચ્છાઓ અધૂરી રહી જાય. રાઘવ અને સુમનને સાથે જોઈ એમની આંખોને ઠંડક મળતી.
એમને નાની ઉંમરમાં જ મનોહર ભાઈ સાથે પરણાવી દેવામાં આવ્યા હતા, પણ નાની ઉંમરે ખૂબ દુઃખ ભોગવનાર મમતા ઉપર ભગવાને રહેમ નજર કરી હોય એમ મનોહર ભાઈ ખુબજ સરળ અને સાલસ સ્વભાવના માણસ હતા, તે મમતા બહેનને ખૂબ માન મરતબો અને પોતાના જીવનમાં એમને ખુબ મહત્વ આપતા હતા.
હવે આગળ........"ચાલ હવે સ્કૂલ જવા માટે તૈયાર થઈ જા આજે મે તારો ભાવતો નાસ્તો બનાવ્યો છે", મમતા બહેન મીરાને મનાવતા બોલ્યા. માએ પોતાની પસંદગીની વાનગી બનાવી છે તે જાણીને બધો ગુસ્સો હવામાં ઓગળી ગયો.
"હા મા, બનાવ બનાવ બધું તારી લાડલી મીરાને ભાવતું બનાવ, હું મોટો થઈ ગયો એટલે મને કોઈ પૂછતું જ નથી, રાઘવ, સુમન અને મીરા બસ આ બધાની લાઈનમા મારો તો નંબરજ લાગતો નથી", કિશોર પણ ખોટો ગુસ્સો બતાવતો મમતા બહેનના ખોળામાંથી મીરાને હટાવી પોતે સૂઈ ગયો.
"અરે બાપરે, હવે તું જ બાકી હતો મારી ફરિયાદ કરવાવાળો." મીઠો છણકો કરતા મમતા બહેન કિશોરના માથે હાથ ફેરવતા બોલ્યા.
"હાસ્તો, તું મારી પણ મા છે ને, અને હું ગમે એટલો મોટો થઈ જાઉં, તારા માટે તો હું તારો નાનકડો કિશોર જ રહેવાનો, અને આં મિરાડીની વાત તું વધારે ન સંભાળ એનેતો આદત છે બધી વાતોને બઢાવી ચડાવીને કહેવાની જેથી બધાનું ધ્યાન એના ઉપર રહે." કિશોર માની મમતા નું વ્હાલ માણતા બોલ્યો.
"ભાઈ, હું તારી સાથે નહિ બોલું જા", મીરા ચિડાઈ ગઈ.
" હા તો વધારે સારું, તારા જેવી ચીબાવલી જોડે મારે વાત પણ નથી કરવી. જોજે પાછું બોલી તેમાંથી ફરી જતી નહિ." ચિડાયેલ મીરાને વધારે ખીજવવાની કિશોરને મજા આવી.
"ચીબાવલી, મા ભાઈએ મને ચીબાવલી કહી જો, હવે હું તમને બતાવું જુઓ", બોલી મીરા કિશોરને મારવા દોડી.
મમતા બહેનના ખોળામાંથી ઉઠતા કિશોર પણ મીરાથી બચવા ભાગવા લાગ્યો.
બંનેની ભાગ દોડમાં અચાનક વચ્ચે રાઘવ આવી જતા, ત્રણે ભાઈ બહેન સામસામા અથડાઈ ગયા અને બઘવાઈ ગયા ઘડીભર શું કરવું એમનામાંથી કોઈને કંઈ સમજ ન પડી.
ખરેખર જ્યારે એક કરતાં વધારે બાળક હોય છે ત્યારે એમને માતા પિતા પ્રત્યે ફરિયાદ હમેશા રહે છે, કે મા કે પિતા ને પોતાના કરતાં બીજા ભાઈ કે બહેન પ્રત્યે વધારે લગાવ અને પ્રેમ છે. પણ મા હોય કે પિતા એમના માટે દરેક બાળક સમાન હોય છે, હા નાનું કે મોટું બાળક હોય તે પ્રમાણે એમની જરૂરિયાત અને માતા પિતાની તેમના પ્રત્યેની અલગ માવજત માંગી લે છે, પણ બાળમાનસ તેને પોતાના પ્રત્યે અન્યાય સમજી લે છે.
"હા હા હા, કેવા અથડાયા બધા, મજા પડી" જોર જોરથી આવતા હસવાના અવાજ તરફ બધાનું ધ્યાન ગયું. જોયું તો સુમન ઊભી ઊભી હસી રહી હતી અને તાંળી પાડી કુદી રહી હતી, એને જોઈ રાઘવ, મીરા અને કિશોર પણ હસી પડ્યા.
"ચાલો ચાલો, હવે તૈયાર થઈ જાઓ જલ્દી, સ્કૂલ જવા માટે મોડું થઈ જશે", મમતા બહેન છણકો કરતા બધાને બોલ્યા. અને બઘા ફરી કોણ પહેલા સ્કૂલ જવા માટે તૈયાર થાય છે તે માટે ઝઘડવા લાગ્યા.
આખરે ચારેય બાળકો આગલા દિવસની જેમજ તૈયાર થઈ સ્કૂલ જવા નીકળ્યા. રસ્તામાં એમની પાસેથી પસાર થતા કેટલાક છોકરાંઓ જે રાઘવના ક્લાસમાં હતા, તે રાઘવને જોઈ અંદર અંદર હસવા લાગ્યા.
🎉 યાદ છે હજુ, ભાઈ બહેનની સાથે ઝઘડવું અને પછી રમવું,
યાદ છે હજુ, માના ખોળામાં બેસવા રડવું અને પછી હસવું..
યાદ છે હજુ, મિત્રોને પાછળથી ધબ્બો મારવું અને પછી છુપાવું,
યાદ છે હજુ, નાની નાની વાતોમાં રિસાવું અને પછી માનવું..
યાદ છે હજુ, હમેશા છેલ્લી બેંચમાં બેસવું અને પછી સૂવું,
યાદ છે હજુ, સાઈકલની રેસમાં દોડ લગાવી અને પછી પડવું..🎉
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)