સવાદી બીચની મુલાકાત
વળી એક શુક્રવાર એટલે અહીં મસ્કતમાં રજાનો દિવસ. ત્રણેક દિવસ એટલી ધગધગતી ગરમી પડી કે ઘરમાં સતત એસી ચાલુ રાખવું પડે. એક દિવસ રાત્રે જમીને નજીક જાણીતી રેસ્ટોરન્ટ માં ગોળો અને આઈસ્ક્રીમ ખાવા પોણા અગિયારે નીકળ્યાં તો પણ પવન લુ વાળો દઝાડતો હતો. રાત્રે સાડા અગિયારે પાછા ફરી કાર પાર્ક કરી ગેટ બંધ કરીએ તો તેનું લોખંડ પણ હાથ ન મુકાય એટલું ગરમ. સાંજે સાડા છ વાગે હું ઇવનિંગ વોક લેવા નીકળું તો પણ એક વિસ્તારમાં જ્યાં પર્વતો નજીક છે ત્યાં એકદમ ગરમ લુ અને બીજે રસ્તે એકાદ કિલોમીટર દૂર દરિયો છે ત્યાંથી પવનની સાધારણ ઠંડી લહેરખી આવે પણ પરસેવો એટલો કે ઘેર આવી કપડું નીચોવીને સુકવવું પડે અને નહાવું પડે.
એમાં આજે 24 જૂનના રાહત હતી એટલે અર્ધા દિવસની પિકનિક નક્કી કરી. નિરાંતે બપોરે પાકિસ્તાન તરફની સિંદરી કેરીનો રસ જમી થોડી ઊંઘ પણ ખેંચી 3.45 વાગે 42 ડિગ્રી જે ઘણે વખતે 48 થી ઓછું થયું એટલે મઝાની હવા (!) ગણી નીકળ્યાં 90 કિમી દૂર સવાદી બીચ જવા.
એ રસ્તો મસ્કત છોડો એટલે પર્વતો વચ્ચેથી થોડો સમય પછી સાવ સપાટ રણ જેવી રેતીની જમીન વચ્ચેથી પસાર થાય છે. વચ્ચે નાનાં ગામોમાં એક સરખી સફેદ વિલાઓ અને હાઇપર માર્કેટો પસાર થાય. ફરી સીબ વિસ્તાર જે મસ્કત નું જ પરું છે તેની બહારથી થઈ બરખા ગામ પસાર કરી બીજા 60 કિમી બિલકુલ સીધા જઈએ એટલે અગાઉ કહ્યું હતું તેમ સીધી સપાટ નિર્જન જમીન વચ્ચેથી ઓચિંતો એકદમ ભૂરો સમુદ્ર દેખા દે. જમણે વળી 11 કિમી જાઓ એટલે સવાદી બીચ આવે.
કાર પાર્કિંગ શુક્રવાર હોઈ ફૂલ હોય પણ અમે એટલી ઝડપે ગયેલાં કે 90 કિમી પોણા કલાકમાં કાપી, સાડાચારે પહોંચી ગયાં એટલે જગ્યા મળી ગઈ.
ઉપરથી કોઈ પેરા ગ્લાઈડર ખુબ ઉંચે, ઘરેરાટ કરતો પસાર થયો. આ બીચ પર પેરા ગ્લાઇડિંગ અને વોટર સ્કૂટર ની પણ રમતો છે. ભાવ એવા ઊંચા.
એકદમ ભૂરો સમુદ્ર. નમતી બપોર હતી તો પણ ઠંડી લહેરો. નજીક ખાખી રંગનાં ખડકો.
બીચ પર નહાવું હોય તો એમ, સામે બે નાના ટાપુઓ છે. એક પર જૂનો કિલ્લો છે અને બીજો આઇલેન્ડ થોડો દૂર છે. કિલ્લો 2019 માં આવ્યા ત્યારે જોયેલો એટલે આ વખતે દરિયાની વચ્ચે લગભગ કન્યાકુમારી માં કિનારાથી વિવેકાનંદ રોક દૂર છે એટલા જ અંતરે સામેથી દેખાય પણ થોડો દૂર આવેલા આઇલેન્ડ પર મોટરબોટ માં જવાનું નક્કી કરી પાંચ માણસો વચ્ચે આવવા, જવા અને એક થી દોઢ કલાક હોલ્ટ સાથે ટાપુનો ચકરાવો મારવાનાં પેકેજ (જે ફરજિયાત લેવું પડે. એકલા આવવા કે જવા કોઈ તૈયાર ન થાય) 8 રીયાલ એટલે 1600 રૂ. જેવામાં નક્કી કરી ગયાં. બોટમાં પાછળ ઉછળતી લહેર અને સામે કપાતું પાણી, દરિયા પર પથરાયેલાં ઢળી રહેલા સૂર્ય નાં ચાંદરણાં જોવાની મઝા આવી.
આઇલેન્ડ પર બોટ મોરો એટલે ચાંચ વાળો ભાગ કિનારા તરફ કરી ઊભી રહી. હું લાંબો માણસ તો સહેજ લબડી ઉતરી ગયો. પુત્ર એ થોડો જંપ લગાવ્યો અને તેની પત્નિ અને એની મમ્મી ને ખભેથી સપોર્ટ કરી બોટ થોડી નમાવી ઉતારવાં પડ્યાં.
થોડી ખડકાળ માટીની કેડી વટાવો એટલે અમુક બેસવા માટે એ બોટવાળાઓએ બનાવેલી ફાટેલાં કપડાંઓ થી કવર કરેલી જગ્યા આવે. અમને એક મળી ગાઈ. એક ઓમાની કુટુંબ એક ખડક વચ્ચે ગુફા જેવું હતું તેમાં ઘેરથી લાવેલ ખુરશીઓ નાખી બેઠું.
થોડા ઉપર જાઓ એટલે આબુના ટોડ રોક નું magnified version હોય તેવો મોટો ખડક આવ્યો જ્યાં જવા રસ્તો તો નહીં પણ રામસેતુ ના પત્થરો જેવી છીદ્રાળુ છીપરો અને પગથિયાં જેવા તૂટેલા પત્થરો પર થઈ પહેલાં પાંચ વર્ષના પૌત્ર સાથે અમે પછી પુત્રવધૂ છેક ટોચ સુધી જઈ આવ્યાં. ટોચ પરથી ડોક નીચી કરો એટલે એકદમ ભૂરો અને virgin, ચોખ્ખો સમુદ્ર નીચે ફીણ સાથે દેખાય.
ટાપુનો ઘેરાવો પોણા થી એક કિમી છે. સામે બીજા ખડક પર ફરવા અમુક અંતર સુધી પૌત્ર સાથે પછી હું અને પુત્ર ગયા. મીની ટ્રેકિંગ જેવો અનુભવ થયો. ચંદ્ર કે મંગળના ખડકો હોય તેવી જમીન. ખડકો એકદમ ધારદાર અને કડક. કોઈ સુકાઈ ગયેલી નાના છોડ જેવી વનસ્પતિનાં ઝીણા પાન એકદમ ભૂરા રંગનાં હતાં. ક્યારેક ખડકો માં હાથ ભરાવી ક્યારેક નમી હું ચડ્યો. વચ્ચે ધાર પર કેડી જેવું હતું ત્યાંથી ઊંધા V જેવી ખાંચ બનતી હતી ત્યાં ઊભી નીચે જોયું તો અમે ત્રીસેક મીટર ઉપર હતા અને દરિયો દેખાય બે ત્રણ માથોડાં જેટલો પણ સરખો ઊંડો હતો તેનું તળીયું પણ દેખાતું હતું! નીચે છીપ જેવા પથ્થરો અને સફેદ, ગ્રે શાલિગ્રામ જેવા દેખાતા હતા. Sea cucumber કહીએ તેવી કાળી લીલી કાકડી જેવી વનસ્પતિ દેખાઈ. ઉતરીને એની સપાટી નજીક ગયા. ઊંડાણ એટલું હતું કે તરવું શક્ય ન હતું. અમને એક બે છીપ અને શંખ જેવા માં જીવતાં ગોકળગાય જેવા જીવ પણ મળ્યા. પુત્ર કહે અગાઉ આવ્યા ત્યારે ઉપર ટોપો અને નીચે તીક્ષ્ણ ડંખ ધરાવતા પગો વાળી સ્ટિંગ રે ફિશ પણ જોયેલી.
અમે આ ખડકાળ જમીનની ટોચે ચડી ગૂગલ પર જોયું. પચાસ મીટર ઉંચે હતા. દૂર એકદમ ઝીણા, tiny કહીએ તેવાં સવાદી ગામનાં ઘરો અને વૃક્ષો દેખાતાં હતાં.
ઉપરથી આવી ઉતર્યા હતા તે તરફ દરિયામાં નહાવા પડ્યા. અંદર સ્વિમિંગ ની ચડ્ડી ઘેર થી જ પહેરી લાવેલા કેમ કે અહીં ખૂણે ખાંચરે પણ જાહેરમાં જાંગીયા ભેર થઈએ ને કદાચ નગ્ન થવાનો ગુનો થઈ પોલીસ ફીટ કરી દે.
કાંઠા નજીક હવે ભરતી શરૂ થયેલી તેની થપાટો ઝીલતા નીચે તળીયા નીચે સરકતી સફેદ કાંકરાળ રેતી અનુભવતા નાહ્યા કર્યું. હું થોડો આગળ ગયો. લગભગ સાડા પાંચ ફૂટ જેટલું, મારી ડોક જેટલું પાણી આવ્યું ત્યાં પગ જમીન થી અધ્ધર કરી એટલામાં તરતો રહ્યો. સહેજ જ દૂર નાનો ઢાળ પછી દેખાય નહીં એટલું ઊંડું પાણી શરૂ થતું હતું. એકદમ ડાર્ક બ્લ્યુ પાણી નીચે જમીન દેખાતી નહોતી. પૌત્રને પણ હવા ભરેલું જેકેટ પહેરાવી કાંઠા નજીક તરાવ્યો.
સૂર્ય નીચે ક્ષિતિજ સુધી આવી ગયો એટલે બોટવાળાને ફોન કર્યો. વીસેક મિનિટે તે આવ્યો ત્યાં સુધી સ્વચ્છ આકાશમાંથી સમુદ્રમાં ડૂબતો સૂર્યાસ્ત જોયો.
બોટવાળો આવ્યો એટલે ડેરા તંબુ એટલે કે પાણીની બોટલો, બદલેલાં કપડાં, ટુવાલો, ખાવાનું ભરેલી બેગ વગેરે ઉપાડી બેઠાં બોટમાં. એ સ્પીડ બોટ દ્વારા ટાપુનો ચકરાવો માર્યો. મોજાં પર ઉછળતી હતી તે અમદાવાદ ના રિવર ફ્રન્ટ પર રાઇડમાં પરાણે કાવો મારી ઉછાળે છે તેના કરતાં અલગ જ અને ખુબ રોમાંચક અનુભવ હતો.
કાંઠે પેરા ગ્લાઈડિંગ અને વોટર સ્પોર્ટ્સ ઉપરાંત બાળકો માટે ઘોડાગાડી, ઊંટ, ટટ્ટટુ હતાં. પૌત્રને ટટ્ટુ પર ઘોડેસવારી કરાવી. બસો મીટર ના એક રીયાલ એટલે બસો રૂપિયા. અહીં ભારતનો રેટ ગણીએ તો કામ ન આવે.
તેને નજીકમાં પ્લે એરિયામાં ભૂંગળાં માંથી થઈને લપસણીઓ અને હીંચકા ખવરાવ્યા એટલી વાર અમે એક લાકડાંની છત્રીમાં બેઠાં. પાર્કિંગ નજીક કોફી શોપ માંથી અહીં કરક કહેવાતી ચા લીધી અને અંધારે એ 11 કિમી કાપી પછી એક્સપ્રેસ હાઇવે પકડી અહીં એક કલાકની અંદર આવી ઘુબ્રા વિસ્તારમાં કામત હોટેલમાં ડીનર કર્યું. ખુબ સ્વાદિષ્ટ હતું. પુત્રએ કહી રાખેલું કે અહીં ગુજરાતીઓ ખુબ આવે છે અને તેમને માટે શોર બકોર સિવાય આનંદ ન ગણાય. સાચે એવું વાતાવરણ હતું. એક સરદારજી ફેમિલી ચૂપચાપ ધીમેથી વાતો કરતું ખાતું હતું. બાજુના ટેબલે બેઠેલ ગુજરાતી શ્રી. ટોપરાણી સાથે વાત થઈ. તેમનું કુટુંબ 70 વર્ષથી મસ્કત છે છતાં અહીંના નાગરિક નથી બનાવ્યા.
તો મસ્કતમાં ફરી એક યાદગાર હાફ ડે પિકનિક થઈ ગઈ. ફોટા મૂકું છું.
https://photos.app.goo.gl/SwuU8AUnUKMbUoEH6