એની સીટની નજીક પહોંચી હું ચપ્પલ સરખી કરવાના બહાને ત્યાં ઉભો રહી ગયો. જોયું તો તે બર્થ ઉપર ઉંધી સુતી પોતાની ડાયરીમાં કશુંક લખી રહી હતી. મેં આછા અજવાળામાં આજુબાજુ જોયું અને હાથના ઇશારાથી કહ્યું કે, " હું છું તારી સાથે, તારે ગભરાવાની કોઈ જરૂર નથી."
પહેલીવાર તેમના ચહેરા ઉપર રાહતની રેખાઓ જોવા મળી. મરૂન સાડીનો પાલવ સંભાળતા એ થોડી હસી અને બંને હાથની હથેળીઓથી પોતાના ચહેરાને ઢાંકી દીધો, બિલકુલ આંચલની જેમ! કોઈની મદદ કરવાનો અહેસાસ કેટલો ખુબસુરત હોય છે નહિ! નરમ નરમ મખમલ ઉપર હાથ ફેરવતા હોય એવો.!!!
તેણે સાવધાનીથી પોતાની ડાયરીનું પાનું ફાડી સાવધાનીથી આજુબાજુ જોઈ મારા તરફ લંબાવી દીધું. સાચું કહું તો એ સમયે મને બહુ જ ડર લાગી રહ્યો હતો અંદરો અંદરથી મન કહિ રહ્યું હતું કે, " બસ ઉભો રહીં જા બેટા, પકડાઈ ગયો તો, ના લેવા ના દેવા મફતમાં માર ખાઈશ."
મેં ઉપરની બર્થ જોઈ તો એમનો પતિ મોઢું ફેરવીને સૂઈ રહ્યો હતો. એક બાજુ નિહારિકા પણ નસકોરાં બોલાવવા નો ડોળ કરતી સૂઇ રહી હતી અને બીજી બાજુ તેમના સાસુ-સસરા પણ ઘેરી ઊંઘમાં સૂઈ રહ્યા હતા.
મેં હિંમત કરી અને કાગળને પડ્યો, તો સમય ત્યાં જ રોકાઈ ગયો હતો!!!! બસ સમય એમ જ ઉભો રહી ગયો હોત જો એ કસમયે મારો મોબાઇલની રીંગ ન વાગી હોત!
અમે બંનેએ કાગળને બંને બાજુથી પકડેલો હતો અને મોબાઈલ પોતાની પૂરી તાકાત થી વાગી રહ્યો હતો. એનો હટ્ટોકટ્ટો પતિ પડખું બદલવા માટે ફર્યો, મારો શ્વાસ ત્યાં જ અટકી ગયો. વીજળીવેગે કાગળને ખિસ્સામાં નાખી દીધો અને ઝડપથી હું બાથરૂમ તરફ આગળ વધી ગયો. નિહારિકાનો પતિ અને એની સાસુ મારા ફોનની રીંગટોનથી જાગી ગયા હતા. તે સતર્કતાથી આજુબાજુ જોવા લાગ્યા. એના પતિએ નીચે નમીને મિડલ બર્થ ચેક કરી તો ત્યાં તેણે નિહારિકાને જોઈ પછી પોતાની બર્થ ઉપર સુઈ ગયો. મેં કમ્પાર્ટમેન્ટના દરવાજા પાસેથી નીકળી બાથરૂમ પાસે પહોંચી ફોન રિસીવ કર્યો.
"હાલો.. હજુ સુધી સુતી નથી?" ફોન આંચલનો હતો.
"નહિ, ક્યાં પહોંચી ટ્રેન?"
"ટ્રેન તો કદાચ વિજયનગર ની આજુબાજુ પહોંચી છે, તું હજુ સુધી સુતી નથી? સુઈ જા, કાલે કોલેજે નહિ જવાનું?" મેં કાગળ ખિસ્સામાંથી બહાર કાઢતાં બોલ્યો.
"નહિ કાલે તો શુક્લા સરની ખબર પૂછવા જવાનું છે ને!" મને એ વાતથી યાદ આવ્યું કે કેમેસ્ટ્રી પ્રોફેસર શુક્લા સાહેબનો પગ ફેક્ચર થઈ ગયો હતો. કાલે અમુક વિદ્યાર્થીઓ તેમની તબિયત પૂછવા માટે સાહેબના ઘરે જવાના હતા.
"તો તું બાકી લોકોની સાથે જ જવાની છો ને?" મેં કાગળની ઘડી ખોલતા એમજ પૂછ્યું. તો તે બોલી.
" નહિ, હું તો કારમાં જઈશ. ડ્રાઇવર હશે તો ઠીક નહિતર જાતે જ ડ્રાઇવિંગ કરીને જઈશ. બાકીના મિત્રો બસમાં જશે અને તું તો જાણે જ છે કે, આવી ગરમીમાં બાસમાં સફર કરવી..... મારાથી સહન નહીં થાય."
મારા મનમાં એકદમ શાંત સમુદ્રના પાણીમાં કોઈકે આવીને પથ્થર ફેંક્યો હોય એમ તરંગોની રેલમછેલ થાય એવો એહસાસ થયો.
મારા મિત્રો એ કહેલા શબ્દો મને ફરી પાછા યાદ આવી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "અમીર ઘરની છોકરીઓ મિડલ ક્લાસ છોકરા સાથે ઇશ્ક, મહોબ્બત કરી તો લે છે, પણ પ્રેમ જ્યારે સંઘર્ષ માંગે છે, બગાવત માંગે છે ત્યારે તે તૂટી જાય છે. પાછી ફરી જાય છે પોતાની બની બનાવેલ આરામદાયક જિંદગીમાં. બે-ચાર દિવસ આંસુ પાડી ને બધું જ ભૂલી જતી હોય છે. અને મારી જેવા લોકોની જિંદગી હંમેશ માટે બરબાદ થઈ જતી હોય છે.