સવાર સવારમાં ગોવાળિયા માલ ઢોર લઈને ડેમ બાજુ ચરાવવા નીકળી ગયા હતા. દિવસ જેમ જેમ ઉપર ચડતો જશે તેમ તેમ ગીરમાં તાપ ખૂબ વધતો જશે. તેથી માલ ઢોરને વહેલી સવારેથી લઇ દસ અગિયાર વાગ્યા સુધી રખડાવીને જેવો તડકો ચાલુ થાય એટલે ગોવાળિયા ભેહુંને પાણીમાં બેસાડી દે છે અને ગાયોને મોટા મોટા વડલાના છાયડામાં બેસાડી દે છે. આ તડકાની સિઝનમાં ગીરમાં ખાસ કંઇ ચરવાનું તો હોતું નથી. પરંતુ આખો દિવસ ઘરે રાખે તો માલ ઢોરની ખરીયુ વધી જાય છે. અને કાયમ છુટા ચરેલા માલ ઘરે રઘવાટ કર્યા કરે છે. એટલે જંગલમાં રખડીને માલઢોર જાળા જાખરમાં રહેલું ઘાસ, ઝાડ નીચે પડેલાં પાંદડાં, બાવળનાં પવડા, ખીજડીની સાંઘરી આવું બધું ખાઈને થોડી ઘણી ભૂખ મિટાવે છે. સાથે સાથે પથ્થર પર જીભ ફેરવી, ધૂળ ચાટીને શરીરની કેલ્શિયમની ખપત પણ પૂરી કરે છે.
ગેલો આજે બે ચાર દિવસ પછી માલમાં આઢયો છે. બધો માલ સવારની ઠંડકમાં પોળી ગયો છે. બધા ગોવાળિયા એક જગ્યાએ ભેગા થઈને બેઠા છે. ગેલો કાલે શિકારીને કેમ કરીને પકડ્યો એ વાત માંડીને બેઠો છે. બધા ગોવાળિયા આંખો ફાડીને હેરતભરી નજરે સાંભળી રહ્યા છે. ગેલાની વાતમાં બનાવમાં આવતા ચઢાવ-ઉતાર પ્રમાણે અવાજની વધ ઘટ થતી હતી. કાલના બહાદુરી પૂર્ણ બનાવનો ગર્વ ગેલાના મોઢા પર પણ દેખાઈ રહ્યો હતો. સાથે સાથે આટલા વર્ષો પછી પોતાના માથે લાગેલી સામતને મારવાની સાજીશની કાળી ટીલી મિટાવવાનો સંતોષ પણ દેખાઈ રહ્યો હતો.
કનો ગેલામામાની બાજુમાં બેઠો છે. રાધી સામે તેના આપાની બાજુમાં બેઠી છે. ગેલાની વાત સાંભળી રહેલા ગોવાળિયાના મોઢા પર પણ શૂરાતન દેખાઈ રહ્યું છે. કનો તો જાણે શિકારીને ગેલામામા નહિ, પરંતુ પોતે કૂટી રહ્યો હોય તેવી રીતે તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. કનાના મોઢા પરનું શૂરાતન જોઇ રાધી મનમાં મલકાતી હતી. કનાનું ધ્યાન હજી ગેલામામા તરફ જ હતું.
એક ભગરી ભેંસ ડેમ બાજુ પાણીમાં પડવા ચાલવા લાગી. જો એને પાછી ન વાળે તો અત્યારમાં એક પછી એક બધી ભેંસો પાણીમાં પડે. પાણીમાં પડેલી ભેંસોને પછી ચરવાનું પણ ન સૂઝે, અને તેને પાણીમાંથી બહાર કાઢવી ખૂબ અઘરી થઈ પડે. ગેલાનું ધ્યાન ભગરી પર જતા તેણે વાત અટકાવી કનાને કહ્યું,
" જા તો લ્યાં કના,ઓલી ભગરીને હાંકલજે.નકર ઈ અટાણમાં રાબડે પડહે મરહે."
કનો હાથમાં ડાંગ લઈ હાકલા કરતો પથ્થરના ઘા કરતો ભેંસ પાછળ દોડ્યો. ભગરી પાછી વળી ગઈ. કનો ચાલતો ચાલતો ડેમની પાળે ગયો. ડેમની ફરતે, બારેમાસ પૂરતું પાણી મળવાને લીધે ઘટાટોપ ઝાડવા જામી ગયેલા હતા. આ ઝાડવાના જુંડમાં અસંખ્ય પંખીડા રહેતા હતા. સવાર સવારમાં ડેમના પાણી પરથી આવતો પવન શીતળ લાગી રહ્યો હતો. તેમાં જુદા જુદા પક્ષીઓના ગુંજન ભળતાં હતા. ડેમની પાળની બાજુમાં ઉભેલા અડાબીડ વડલાની એક ડાળ પાળ પર ઝુકેલી હતી. આ જુકેલી ડાળની વડવાઈઓ જમીનમાં ઘૂસીને બરાબર સ્થિર થઈને વડના થડ જેવી થઈ ગઈ હતી. કનો લાકડીનો ટેકો લઇ ઝૂકેલી ડાળ પર ઠેકડો મારી બેઠો. લીલી વનરાઈમાંથી સંભળાઈ રહેલ કલરવમાંથી કનો અલગ અલગ પક્ષીઓના અવાજ ઓળખવા મથતો હતો. તેમાં સૌથી પહેલા કોયલના ટહુકા ઓળખાય ગયા. પરંતુ નજીકમાં સંભળાય રહેલા લલેડાનો કલશોર બીજા પક્ષીઓના અવાજને ઓળખવા દેતો ન હતો.ઘડીક વચ્ચે વચ્ચે દરજીડાનો ટી.ક.. ટીક..અવાજ આવતો હતો.તો દૂર કોઈ સાપને જોઈ કાબરા તેનો ક્રે... ક્રિ...જેવો કર્કશ અવાજ કરી સાપને મૂંઝવી દૂર ખદેડી રહ્યાં હતાં.ડેમને કિનારે વસવાટ કરતાં ટિટોડા ડેમમાં કોઈ જનાવર પાણી પીવા આવતા પોતાનાં બચ્ચાને સંતાડી દઈને આવેલા પ્રાણી પર ટી...ટી... ટિટી.. ટ્રિક.. ટ્રીક..ના અવાજ કરી હવાઈ હુમલા કરી રહ્યાં હતાં.દૂર દૂર ક્યાંક ઝાડના ઠોંગે બેઠેલા હોલાનો ઘુઘુ...ઘુ... નો ધીમો અવાજ આવી રહ્યો હતો.
ઘણીવાર લાગવા છતાં કનોઆવ્યો નહીં એટલે રાધીનું ધ્યાન ઘડીએ ઘડીએ ડેમ બાજુ જતું હતું. આ બાજુ ગેલાની વાત પણ હવે પૂરી થઈ ગઈ હતી. માલ ચરતો ચરતો થોડો આગળ નીકળી જતા,ગોવાળિયા પણ હવે ઊભા થઈ માલઢોર વધુ વિખરાઈ ન જાય તે માટે તેની ફરતે ગોઠવાઇ ગયા. ફરી એક ભેંસ ડેમ બાજુ ચાલવા લાગતા રાધી તેની પાછળ દોડી તેને પાછી વાળી. રાધી ડેમ તરફ ચાલવા લાગી. તે ડેમે પાળ પર પહોંચી પરંતુ કનો દેખાયો નહીં. રાધીએ ડેમની પાળ પર ચડીને જોયું તો ત્યાં દૂર ઝુકેલી વડલાની ડાળે ચડીને કનો બેઠો હતો. રાધીએ બૂમ પાડી કહ્યું, "લ્યા કાઠીયાવાડી કીમ આયા બેહી રયો સો? ડેમના પાણી હામું જોયે રાખે સો તે ડેમમાં પડવું હે?"
કનો હસવા લાગ્યો, "ના રે ના ડેમમાં પડે મારા દશમન, મને તો આયા હવા હારી લાગી, ને આ પંખીડાના ગીતડા હાભળવા ગોઠયા એટલે ઘડીક આયા વિહામો લઈ બેહી ગ્યો."
એટલામાં રાધી પણ કના પાસે પહોંચી ગઈ. તે કનો જે ડાળ પર બેઠો હતો, એ ડાળને ટેકો દઈ ઊભી રહી ગઈ. કનાનું ધ્યાન ડેમમાં તરી રહેલ બતક પર હતું. બતકની પાછળ પાછળ તેના નાનકડા બચ્ચાનું ટોળું પણ તરતું હતું. જ્યાં જ્યાં બતક જાય ત્યાં પાછળ પાછળ આ રૂપકડા બચ્ચાંનું ટોળું પણ તરતું જતું હતું. બધા બચ્ચાંમાંથી એકાદુ બચ્ચું પણ જો પાછળ રહી જાય તો મા બતક પાછી વળી તેને પોતાની સાથે લઈ જતી હતી. રાધીનું ધ્યાન પણ ત્યાં જ હતું. બચ્ચાની સાર સંભાળ રાખી રહેલ મા બતક તરફ ઇશારો કરી કનાએ રાધીને કહ્યું,
"જો રાધી ઈની માને બસ્સા કેવા વાલા સે!?"
રાધી, કનાનું દર્દ સમજી ગઈ. આમ પણ આટલા વર્ષોથી સાથે રહીને બન્ને એકબીજાને ખૂબ સારી રીતે જાણી ગયા હતા. ગીરનો ખોળો ખૂંદતા ખુંદતા,બાળ રમતો સાથે રમીને ગીરની માટી માથે ભરીને, ગીરની વાતો જાણતા જાણતા યુવાન થયેલા રાધી અને કનો એકબીજાના પૂરક બની ગયા હતા. આ બંનેની હાજરીથી રૂડુંને રળિયામણું લાગતું ગીરનું જંગલ એકબીજાની ગેરહાજરીમાં સુનું ને ઉજ્જડ લાગવા માંડતું.
એક વખત અઠવાડિયું ગામતરે ગયેલી રાધી પાછી આવીને માલ ચારવા આવી ત્યારે કનાએ રાધીને ઉધડી લઈ લીધી હતી, "નિયા આપડે હૂ દાટી હોય તે માડી હંગાથ હાલી જા સો? આયા તારા માલ વાળવા અમારે ધોડા કરવા પડે હે. તું અઠવાડિયું નો આવી ઈમાં ધોડા ધોડ કરીને મારા ટાંગા રય જ્યા. રાધીએ કહ્યું,
"તન હૂ ખબર પડે? કાઠીયાવાડી, ક્યાંક હગા હયમાં જાવું જોવે ઈમ મારી માડી કેતિ થિ! ને તે મારા માલ ઢોર વાળ્યા એમાં કાંય નવાઇ નથ કરી.તું મોટો ભણેશરી થયને નેહાળે જા સો ઈ ટાણે અડધો વારો કાયમ હુંય તારા માલ વાળતી'તી
ઈ ભૂલી નો જાતો હો પાસો! મારી માડી મન એની હારે મારા મોહાળે લઈ જયતી.મન કે, 'આવડી મોટી મારી હારતની થય તોય કાયમ જંગલમાં ભટક્યા કરે સો! ક્યાંક હગા વાલામાં ભળ્ય તો તન કોક ભાળે કે મારી સોરી જુવાન થય જય સે.ને મારી સોરી ગર્યની હિરણ નદી જેવી રૂપાળી સે."
વાત કરી રહેલી રાધીની સામે કનો, ધારી ધારી ને જોઈ રહ્યો હતો. તે'દી રાધી કનાને ખરેખર હિરણ નદી જેવી રૂપાળી લાગી રહી હતી.
ક્રમશ: ....
(ગીરનું જંગલ રૂપાળું,ગીરની નદી રૂપાળી, ગીરના માણસો રૂપાળા,ગીરના માણસોના મન રૂપાળા... વાંચતા રહો, "નેહડો(The heart of Gir)"
લેખક:અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621