(Orman) Ma in Gujarati Classic Stories by SHAMIM MERCHANT books and stories PDF | (ઓરમાન) મા

Featured Books
Categories
Share

(ઓરમાન) મા


"નિર્મલા, મારે તારી પાસેથી ફક્ત એક જ વસ્તુ જોઈએ છે; આપણા પરિવારને પ્રેમ અને જતનથી પૂર્ણ કરી નાખજે. મારી દીકરીને એક માની જરૂર છે. મને આશા છે કે તું તેના માટે એક પ્રેમાળ અને સારી માં સાબિત થઈશ."

જ્યારે અમારા લગ્ન થયા, ત્યારે મારા પતિ, નીરજે મારી પાસેથી આ લગ્નની ભેટ સ્વરૂપે માંગણી કરી હતી. નેત્રા ચાર વર્ષની હતી, જ્યારે નીરજની પહેલી પત્નીનું કેન્સરથી અવસાન થઈ ગયું. ખૂબ દુઃખ, દુવિધા અને પરિવારના દબાણના કારણે, નીરજ એક વર્ષ પછી ફરીથી લગ્ન કરવા માટે સંમત થઈ ગયો. અમે સહકર્મીઓ હતા અને મારા મનમાં તેના માટે લાગણી હતી.

ઓરમાન - મા!! 'સાવકી' નું કલંક દૂર કરવા અને નેત્રાની મા તરીકે મારી જાતને સાબિત કરવા માટે મને ઘણા પ્રયત્નો કરવા પડ્યા, બલિદાનો આપવા પડ્યા અને ખાસ્સો લાંબો સમય પણ લાગ્યો. નીરજના શંકાસ્પદ અને ધિક્કારપાત્ર સંબંધીઓએ મને એક ભયાનક, ફિલ્મી સાવકી મા તરીકે દર્શાવવામાં કોઈ કસર નહોતી છોડી. તેમની ક્રૂર ટિપ્પણી સાંભળીને મારા કાન અને હૃદય બળી જતા; જેમ કે:

"આ માત્ર પ્રારંભિક ચમક છે. રાહ જુઓ, ટૂંક સમયમાં તે તેના અસલી રંગ બતાવશે."

"એક ઓરમાન મા હંમેશા પારકી જ કહેવાય. તે તારી દીકરીની સંભાળ ફક્ત તારી સામે રાખે છે નીરજ."

"તેનો પ્રેમ અને માવજત બધુ જ બનાવટી છે. ચોક્કસ આ બધા પાછળ તેનો કોઈ ગુહ્ય હેતુ હશે."

આ તો કટાક્ષના જથ્થામાંથી થોડાક જ ઉદાહરણો છે. આવું તો મને કેટલુએ સહન કરવું પડતું. પરંતુ નીરજ ખૂબ જ પ્રેમાળ અને સહાયક પતિ હતો. તે હંમેશા મારી પડખે ઉભો રહેતો અને મારા માટે બધા સાથે લડતો. તેમ છતાં તેના કુટુંબીજનો નિર્લજ્જ, અસંવેદનશીલ અને અણનમ હતા. દરેક દિલ દુભાવતી ઘટના પછી નીરજ મારી પાસે માફી માંગતો. "હું ખરેખર ખૂબ જ દિલગીર છું નિર્મલા. મારા બધા સગા સંબંધી આંધળા થઈ ગયા લાગે છે! કોઈને નેત્રા માટે તારી ફિકર અને પ્રેમ દેખાતો કેમ નથી?"
અને હું નીરજને ગળે લાગીને કહેતી, "છોડો ને. સમય બતાવશે. તમે જોશો, મારી તપસ્યા વ્યર્થ નહીં જાય. એક દિવસ તેમને એહસાસ થઈ જશે."

કહેવાની જરૂર નથી કે નીરજના સંબંધીઓના વર્તન અને વલણથી મને ખૂબ જ દુઃખ થતું. પણ નીરજનો પ્રેમ મને શક્તિ આપતી. તદુપરાંત, જ્યારે નેત્રા મારી તરફ અપેક્ષાપૂર્વક જોતી, અને મને મમ્મી કહીને ગળે લાગતી, ત્યારે દરેક વેદના અને પીડા આ ખુશીની સામે મને નજીવ દેખાતી.

મેં તેના બધા નકામા સંબંધીઓ તરફ આંખ આડા કાન કરવાનું નક્કી કર્યું અને નેત્રાના ઉછેરમાં મારું મન પોરવી નાખ્યું. અમારી પાંચમી વર્ષગાંઠ પર નીરજે મારા હાથ પોતાના હાથમાં લીધા અને હળવેથી પૂછ્યું,
"નિર્મલા, શું તને પોતાના બાળકની ઈચ્છા નથી થતી?"
હું હસી પડી, "નીરજ, નેત્રા મારી જ દીકરી છે ને!"
તેણે સ્મિત કરતા મારા ખભે હાથ મૂકીને પ્રેમથી કહ્યું, "બેશક મારી જાન! મને તેના વિશે કોઈ શંકા નથી. હું આશ્ચર્યચકિત છું કે તમામ અવરોધો છતાં, નેત્રા માટેનો તારો પ્રેમ મજબૂત અને અવિશ્વસનીય છે. તું ખરેખર તેની માં છો. હકીકતમાં, તું મારા કરતાં તેની વધુ સારી રીતે કાળજી રાખે છે. પણ નિર્મલા, તું જાણે છે કે હું શું કહેવા માંગુ છું."
મેં મારી નજર નીચી કરીને જવાબ આપ્યો, "સાચું કહું, મને બાળક જોઈએ છે. પણ પહેલા, હું નેત્રા સાથે આ બાબત વિશે વાત કરવા માંગુ છું, અને જોઉં કે તેને કોઈ વાંધો તો નથી ને."
નીરજને આ જવાબની અપેક્ષા નહોતી, અને મારી ટિપ્પણીથી તેનું હૈયું ભરાઈ ગયું.

જીવન આગળ વધ્યું. જેમ જેમ વર્ષો વીતતા ગયા, જીવનની સફર સહેલી થતી ગઈ. લગભગ તકલીફ અને કટાક્ષ વગરની બની ગઈ. આખરે મેં નીરજના પરિવારનો આદર અને વિશ્વાસ જીતી લીધો. અલબત્તા તેના માટે મને પ્રેમ, ધીરજ અને બલિદાનની અતિશય જરૂર પડી. પરંતુ જો પૂછવામાં આવે તો, હું ખુશીથી તે બધું ફરીથી ભોગવવા તૈયાર થઈ જાઉં, માત્ર એટલા માટે કે નેત્રા ખૂબ જ પ્રેમાળ અને અદ્ભુત દીકરી બની ગઈ છે.

"દીદી, તમારા વિના જીવવાનું મને આવડતું જ નથી! તમારે નિયમિતપણે અમારી મુલાકાત લેવાનું વચન આપવું પડશે. હું જીજાજી પાસેથી પણ આ જ પ્રતિજ્ઞા લેવાનો છું."
નેત્રાએ નિલેશના કપાળ પર ચુંબન કર્યું અને પ્રેમથી કહ્યું, "હા મારા વહાલા વીરા, ચોક્કસ. કોઈપણ રીતે, મારે આવવું જ પડશે, કારણ કે મારા વગર તું ક્યાં ભણે છે?!"

મેં ડાયરી બંધ કરી અને મારા બંને બાળકોનો એકબીજા પ્રત્યેનો સ્નેહ જોઈને આનંદિત થઈ ઉઠી. મેં મારા પરિવાર અને એકબીજા પ્રત્યેના અમારા પ્રેમ વચ્ચે ક્યારેય 'ઓરમાન' શબ્દને હસ્તક્ષેપ થવા નથી દીધો.

લગ્નની છેલ્લી ઘડીની તૈયારીઓમાં નિલેશ તેના પિતાને મદદ કરવા ગયો અને નેત્રા મારી પાસે આવી. તે ખૂબ જ સુંદર દેખાતી હતી, મેં ક્યારેય એના જેટલી સુંદર દુલ્હન નહોતી જોઈ. તે આવીને મને ભેટી પડી. મેં તેને બાથમાં લેતા તેના કપાળે ચુંબન કર્યું. એક ક્ષણની ઝાંખીમાં અમે બંને ભાવુક થઈ ગયા. તે મારી સામે જોઈ રહી અને સ્મિત કર્યા પછી બોલી, "મમ્મી, જીવનનો સૌથી મોટો પાઠ મેં તમારી પાસેથી જ શીખ્યો છે."
હું મુંઝવણમાં પડી ગઈ. "શું બેટા?"
તેણે મારા હાથને ચુંબન કર્યું અને કહ્યું, "સંબંધ લાગણીઓ અને પ્રતિબદ્ધતાથી બંધાય છે, લોહીથી નહીં."

નેત્રાના એક વાક્યએ મારું આખું જીવન સાર્થક કરી નાખ્યું.

Shamim Merchant, Mumbai.
___________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/
__________________________________