Shree Meldi Maa Temple - 3 in Gujarati Spiritual Stories by Payal Chavda Palodara books and stories PDF | શ્રી મેલડી મા મંદિર - 3

Featured Books
Categories
Share

શ્રી મેલડી મા મંદિર - 3

શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા

ભાગ-૩

        હવે, તમને શ્રી મેલડીમાના ઇતિહાસ વિશે જાણીને એ ઉત્સુકતા તો થઇ જ હશે કે કેવું હશે તે મંદિર? હાલમાં કેવો હશે તે મહેલ? તો ચાલો આપણે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ શ્રી મેલડીમાના મંદિરે. ગાંધીનગર થી શ્રી મેલડી માનું મંદિર ૩૭ કિ.મી. જેટલું દૂર છે જે આશરે એક કલાક જેટલો સમય લાગે છે. ગાંધીનગર – કલોલ – છત્રાલ – કડી એમ રુટ પ્રમાણે માતાજીનું મંદિર આવે છે. કડી દરવાજે પ્રવેશતા જ ત્યાં તમને રાજાના મહેલના અમુક અંશો જોવા મળશે. જેમ કે, મહેલની દિવાલો, ઝરૂખાઓ, બારી, રૂમ વગેરે. મંદિરના ગેટમાં પ્રવેશતા ત્યાં વિશાળ મેદાન જોવા મળશે. મેદાનમાં પાર્કીગની વ્યવસ્થા બહુ સારી છે. તે પછી નીચે મેલડી માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે. શ્રધ્ધાળુઓ પહેલા નીચે આવેલ મંદિરમાં દર્શન કરીને પછી ઉપર સાતમા માળે આવેલ મંદિરમાં દર્શન કરવા જાય છે. મંદિરના પ્રાગણમાં એક બાજુ ફુલોના ઘણા બધા શ્રધ્ધાળુઓ દ્વારા માનેલા ગરબા જોવા મળે છે. નીચે દર્શન કર્યા બાદ સાતમા માળે જતા તમને ઉપરથી નીચે રાજાના મહેલનો નજારો જોવા મળશે. જેમ-જેમ ઉપર જશો તેમ-તેમ મહેલની દિવાલો જે દૂર સુધી પથરાયેલ છે તે તમને ઇતિહાસની ઝાંખી કરાવશે કે મહેલ એ જમાનામાં કયાં સુધી પથરાયેલ હતો અને સમૃધ્ધ હતો. સાતમા માળે માતાજીના મંદિરે પહોંચતા પવન તો એવો વાય કે જાણે ઉડી જ જઇશું. મંદિરના આહલાદક દર્શન કરવા હોય તો સવારના પહોરમાં જ જવું. કેમ કે, એ વખતમાં વાતાવરણ જ કંઇક ખુશનુમા હોય છે. સાતમા માળથી તમને આખા કડી શહેરનો નજારો જોવા મળે છે જે ઘણો જ અલૌકિત હોય છે. સવારના તમે દર્શન કરવા ગયા હોય ત્યાંથી શ્રધ્ધયાળુ જાસલપુર મેલડી માતાજીના મંદિરે અચૂકથી જાય છે. કડી થી જાસલપુર ૮ કિ.મી. જેટલું છે અને ત્યાં જતા આશરે ૧૫ થી ૨૦ મિનિટ લાગે છે. જાસલપુર મંદિરમાં પ્રવેશતા જ એક વાવ આવેલી છે. જયાંથી માતાજી પ્રગટ થયા હતા. ત્યાંના દર્શન કરી પછી શ્રધ્ધાળુઓ આગળ મંદિરમાં નીચે મેલડીમાંના દર્શન  કરે છે. માતાજીની મૂર્તિની આજુબાજુ ગોળ ફરતે નવ દુર્ગાઓની આબેહૂબ કલાકૃતિઓ બનાવવામાં આવેલ છે. નીચે મંદિરમાં દર્શન કરી ઉપર પ્રથમ માળે માતાજીનું સુંદર મંદિર બનાવવામાં આવેલ છે. વચ્ચે ગોળ આકારમાં વાવ જેવું બનાવવામાં આવેલ. જેનાથી નીચે સીધું જ માતાજીના મુખ્ય મંદિરના દર્શન થાય.

        જાસલપુરમાં પૂનમ હોય ત્યારે સુખડીઓનો પ્રસાદ ચઢાવવા શ્રધ્ધાળુઓ આવતા હોય છે. એ વખતે પ્રસાદી એટલી બધી હોય છે કે શ્રધ્ધાળુઓ ૫-૬ ટુકડા પણ લઇ તો પણ ખૂટે નહીં. પ્રસાદીનો ભંડાર થઇ જાય છે. મંદિરની સામે ભોજનાલય છે. ત્યાં પૂનમના દિવસે ખાસ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં હજારો શ્રધ્ધાળુ હોય તો પણ શાંતિથી બેસીને જમી શકે એટલી મોટી જગ્યા છે. એક જમવાની થાળી મંદિરમાં અને બીજી થાળી ભોજનાલયમાં બીરાજમાન મા અંન્નપૂર્ણાને ચઢાવવામાં આવે છે. જમવામાં ગરમ-ગરમ બટાંકાનું શાક, ગળ્યા ચણાનું શાક, પૂરી, દાળ-ભાત અને મોહનથાળનો પ્રસાદ હોય છે અને એ પણ ફકત ૨૦/- રૂપિયામાં. ત્યાં એક જ વખત લેવું એવું નથી. જેટલીવાર પણ લેવું હોય તમે લઇ શકો પણ શરતી ખાલી એટલી કે, જમવાનો બગાડ ન થવો જોઇએ. થાળી મૂકવા જઇએ ત્યારે તે એકદમ ખાલી જોઇએ ને જો કંઇક બાકી રહે તો તેઓ ઉભા-ઉભા ખવડાવે છે. કારણ કે, એમના મતે બગાડ ન થવો જોઇએ. ખાવું હોય તો બે નહિ ચાર વખત લેવા જાવો. પણ થાળીનું જમવાનું પૂરૂ કરવું જોઇએ. જાસલપુરથી પરત ફરતા અગર બહાર જમવાનું હોય તો કડી થી ગાંધીનગર રસ્તામાં ઘણી સારી રેસ્ટોરન્ટ આપને મળી જાય છે અને નાસ્તા માટે પણ ઘણા સ્થળ છે.

        આશા છે કે, આપ શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીના મંદિરની મુલાકાત લઇને ધન્યતા અનુભવશો.

સમાપ્ત........

-     પાયલ ચાવડા પાલોદરા