Tezaab - 11 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | તેજાબ - 11

Featured Books
Categories
Share

તેજાબ - 11

૧૧. દિલીપનો દાવ.....!

 ડબ્બામાં લોહીનાં ખાબોચિયાં વચ્ચે પાકિસ્તાની જસૂસોના મૃતદેહો પડ્યા હતા.

 તેમની પરવાહ કર્યા વગર સૌથી પહેલાં જે કેબીનમાં મુસાફરોને પૂરવામાં આવ્યા હતા એ કેબીન ઉઘાડવામાં આવી. કેબીન ઉઘડતાં જ બધા મુસાફરો સડસડાટ ડબ્બામાંથી બહાર દોડી ગયા.

 જાણે નવું જીવન મળ્યું હોય એવા હાવભાવ તેમના ચહેરા પર છવાયેલા હતા.

 ગમેતેમ તોય તેમણે મોતને ખૂબ જ નજીકથી જોયું હતું.

 ત્યાર બાદ બધા જાસૂસોને ડબ્બામાંથી બહાર લઈ જવાય. 

 આખા ડબ્બામાં ઠેકઠેકાણે લોહીના પાટોડા ભરાયા હતા.

 ‘આ નંગનું શું કરવું છે, મિસ્ટર દિલીપ ?’ જલાલુદ્દીનને પકડીને ઊભેલા એક સૈનિકે પૂછ્યું. 

 ‘અહીં અટારી સ્ટેશન પર કોઈ કેદખાનું છે ?’ 

 ‘હા, છે...!’

 ‘તો આને થોડી વાર માટે ત્યાં જ લઈ જઈને પૂરી દો. અહીનું કામ પત્યા પછી હું નિરાંતે એની પૂછપરછ કરીશ.’

 ‘ઓ.કે...’

 ચાર સૈનિકો જલાલુદ્દીનને ઘસડીને કેદખાના તરફ લઈ ગયા. 

 ત્યાર બાદ ફરીથી ટ્રેનની તલાશીનું કામ શરૂ થયું.

 દિલીપે સૌથી પહેલાં એન્જીનની તલાશી લીધી. પરંતુ ત્યાંથી કંઈ ન મળતાં ટોઇલેટ, છત વગેરે તપાસવામાં આવ્યાં. પરંતુ હથિયારોનો ક્યાંય પત્તો નહોતો.

 દિલીપ ટ્રેનના એકેએક ડબ્બામાં ફરી વળ્યો, પરંતુ તેને હથિયારો ક્યાંય ન દેખાયાં.

 કર્નલ સુરેન્દ્ર ત્યાગી, બ્રિગેડિયર જશપાલસિંઘ વગેરે સ્તબ્ધ બની ગયા હતા.

 હથિયારો ક્યાં હશે એ કોઈનેય નહોતું સમજાતું.

 ‘એક વાત કહું, મિસ્ટર દિલીપ ?’ છેવટે ચીફ સિક્યોરીટી ઓફિસરે મોં ઉઘાડ્યું.

 ‘બોલો !’ દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

 ‘આપ નાહક જ હેરાન થતા હો એવું મને લાગે છે.’ ચીફ સિક્યોરીટી ઓફિસર બોલ્યો, ‘હું માનું છું ત્યાં સુધી ટ્રેનમાં ક્યાંય હથિયારો નથી. માત્ર પાંચ નંબરના ડબ્બામાં જે પાકિસ્તાની જાસૂસો હતા તેમની પાસે જ થોડાં હથિયારો હતાં જે આપણે કબજે કરી લીધાં છે.’

 ઓફિસરની વાત સાંભળીને દિલીપની આંખોમાં કઠોરતા ઊતરી આવી.

 ‘ઓફિસર...ટ્રેનમાં હથિયાર નથી એવું તમે કયા આધારે કહો છો ?’ એણે ચીફ સિક્યોરીટી ઓફિસર સામે વેધક નજરે જોઈને એક એક શબ્દ પર ભાર મૂકતાં પૂછ્યું.

 ‘એટલા માટે મિસ્ટર દિલીપ, કે જો ટ્રેનમાં હથિયાર હોત તો આટલી ઝીણવટભરી તલાશી લીધાં પછી ક્યાંકથી તો મળી જ ગયાં હોત.’

 ‘ઝીણવટભરી તલાશી...?’

 ‘હા, મિસ્ટર દિલીપ ! આપ ટ્રેનના એક એક ખૂણામાં ફરી વળ્યા છો.’

 ‘ટ્રેનના એક એક ખૂણાની તલાશી લેવાઈ ગઈ છે એવું તમને કોણે કહ્યું ?’ દિલીપના અવાજમાં અચાનક કઠોરતા આવી ગઈ, ‘શું આપણે ગાર્ડનો ડબ્બો ચેક કર્યો છે? ટ્રેનની ઉપર-નીચેના ભાગમાં તપાસ કરી છે? લગેજ તપાસ્યો છે? તલાશી માટે આટલી બધી વસ્તુઓ બાકી છે તો પછી ટ્રેનમાં હથિયાર નથી એવું આપણે કેવી રીતે માની લેવું ?’

 દિલીપની વાત સાંભળીને ચીફ સીક્યોરીરી ઓફિસર એકદમ ડઘાઈ ગયો.

 એના ચહેરા પર ભોંઠપના હાવભાવ ઊપસી આવ્યા.

 દિલીપ એની હાલત પ્રત્યે ધ્યાન આપ્યા વગર ગાર્ડના ડબ્બામાં ચડી ગયો.

 ત્યાર બાદ પહેલાં કરતાં પણ વધુ ઝીણવટભરી તલાશીનું અભિયાન શરૂ થયું.

 એણે ગાર્ડના ડબ્બાની બારીકાઈથી તલાશી લીધી.

 ત્યાર બાદ ટ્રેનની છત, નીચેનો ભાગ તથા લગેજ પણ ચેક કરવામાં આવ્યાં.

 પરંતુ કોઈ પરિણામ ન આવ્યું.

 હથિયારો ક્યાંયથી ન મળ્યાં.

 આ કાર્યવાહીમાં બે કલાક વીટી ગયા.

 દિલીપના ચહેરા પર વ્યાકુળતા ફરી વળી.

 ‘સોરી..!’ છેવટે તે નિરાશ અવાજે બોલ્યો, ‘આ ટ્રેનમાં ક્યાંય કોઈ હથિયાર નથી.’

 છેલ્લા કેટલાંય કલાકોથી જે સુરક્ષા કર્મચારીઓ આ કાર્યવાહીમાં હેરાન થતા હતા તેમણે દિલીપની ઘોષણાથી રાહતનો શ્વાસ લીધો.

 ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેનને હવે યાર્ડમાં ઊભી રાખી દેવામાં આવી હતી.

 થોડી વાર પછી બધા ઓફિસરો એક વાર કસ્ટમ ઓફિસમાં એકઠા થયા.

 ચીફ સિક્યોરીટી ઓફિસરની આંખોમાં અત્યારે વિજયભરી ચમક પથરાયેલી હતી.

 ‘મિસ્ટર દિલીપ...!’ એ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘મારી વાત સાચી પડીને...? મેં કહ્યું હતું કે ટ્રેનમાં હથિયારો નથી. જો હોત તો આપણે પહેલી વખત તલાશી લીધી ત્યારે જ મળી ગયાં હોત. હથિયાર જેવી વસ્તુ છુપાવી શકાય એવી કોઈ જગ્યા ટ્રેનમાં હોય જ ક્યાં છે?’ 

 જવાબ આપવાને બદલે દિલીપ ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢીને ચૂપચાપ તેમાંથી એક સિગારેટ પેટાવવા લાગ્યો.

 અત્યારે એના મગજમાં કેવી ઉથલપાથલ થતી હતી એ કોઈ જ નહોતું જાણતું.

 ‘તમે સાચું જ કહ્યું હતું, ઓફિસર...’ છેવટે એ ધીમા અવાજે બોલ્યો, ‘મારી માન્યતા જ ખોટી હતી.’

 દિલીપની વાત સાંભળીને ચીફ સિક્યોરીટી ઓફિસરના હોઠ પર ફરકતું સ્મિત વધુ ગાઢ થયું.

 ગમેતેમ તોય દિલીપ જેવા ધુરંધર જાસૂસે એની સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હતી.

 ‘પરંતુ મારી એક માન્યતા બીજી પણ છે, ઓફિસર.’ દિલીપ સિગારેટ નો કસ ખેંચતાં બોલ્યો.

 ‘કેવી માન્યતા ?’ 

 ‘એ જ કે આ દુનિયામાં કોઈ પણ કામ કારણ વગર નથી થતું.’ 

 ‘એ તો હું પણ સ્વીકારું છું. પરંતુ આપ શું કહેવા માંગો છો એ મને નથી સમજાતું.’

 ‘મારી એક માન્યતા એવી પણ છે કે....’ દિલીપે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘દરેક વાત, દરેક માણસ નથી સમજી શકતો.’

 ‘એટલે ?’ ચીફ સિક્યોરીટી ઓફિસરે ડઘાઈને પૂછ્યું.

 એના ચહેરાનું સ્મિત આંખના પલકારામાં જ ઉડનછૂ થઈ ગયું.

 ‘આપ તો કોયડાની ભાષામાં વાત કરો છો, મિસ્ટર દિલીપ !’ એક કસ્ટમ ઓફિસર બોલ્યો, ‘પ્લીઝ. કંઈક ચોખવટથી કહો તો સમજ પડે.’

 ‘તમે લોકો જરા વિચારો....’ દિલીપે કસ્ટમ ઓફીસમાં મોજૂદ તમામ ઓફિસરો સામે નજર દોડાવતાં કહ્યું, ‘જો ખરેખર સમજોતા એક્સપ્રેસમાં હથિયારો નહોતાં તો પછી જલાલુદ્દીનને હિન્દુસ્તાન શા માટે મોકલવામાં આવ્યો ?’

 ‘જલાલુદ્દીન...! પેલો પાકિસ્તાની જાસૂસ ?’

 ‘હા....હું એની જ વાત કરું છું. અત્યારે તે આપણી કેદમાં છે. એટલું જ નહીં, થોડી વાર પહેલાં પાંચ નંબરના ડબ્બામાં મારા હાથેથી જે જાસૂસો માર્યા ગયા છે એ બધાને મોકલવા પાછળ શું કરણ હતું ? તમે લોકો ગમે તે કહો....પરંતુ હું દાવા સાથે કહું છે કે આ મામલો તમે માનો છો એટલો સીધો ને સરળ નથી. ચોક્કસ દાળમાં કંઈક કાળું છે. ક્યાંક કંઈક ગડબડ છે. હવે શું ગડબડ છે એ તો હું પણ હજુ સુધી નથી સમજી શક્યો. આપણે હજુ મામલાની વાસ્તવિકતા સુધી નથી પહોંચી શક્યા.’

 ‘મિસ્ટર દિલીપ !’ કર્નલ સુરેન્દ્ર ત્યાગી બોલ્યા, ‘મામલાની વાસ્તવિકતા સુધી પહોંચવાનો પણ એક ઉપાય આપણી પાસે છે. અને એ છે જલાલુદ્દીન ! આપણે જલાલુદ્દીનની પૂછપરછ કરવી જોઈએ. જો ક્યાંક કોઈ ગરબડ હશે તો પૂછપરછ દરમિયાન સામે આવી જશે.’

 ‘તમારી વાત બિલકુલ સાચી છે, ત્યાગીસાહેબ....!’ દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘તમારા પ્રસ્તાવ સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું. પરંતુ હું એકલો જ જલાલુદ્દીનને એકાંતમાં પૂછપરછ કરવા માંગું છું.’

 ‘જેવી આપણી ઈચ્છા.’

 દિલીપ સિગારેટના કસ ખેંચતો તરત જ ખુરશી પરથી ઊભો થઈ ગયો.

 ‘મિસ્ટર ગૌતમ !’ ચીફ સિક્યોરીટી ઓફિસરે એક કર્મચારીને બૂમ પાડી.

 ‘યસ સર !’ તરત જ ગૌતમ નામધારી કર્મચારી તેની પાસે આવીને તત્પર મુદ્રામાં ઊભો રહી ગયો.

 ‘મિસ્ટર ગૌતમ ! દિલીપસાહેબને જલાલુદ્દીન પાસે કેદખાનામાં લઈ જાઓ.’

 ‘ઓ.કે. !’ ગૌતમે કહ્યું. પછી દિલીપને ઉદ્દેશીને બોલ્યો, ‘આવો સર.’

 દિલીપ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

 તેઓ હજી કસ્ટમ ઓફિસમાંથી બહાર પણ નહોતા નીકળ્યા ત્યાં જ એક સુરક્ષા કર્મચારી ગભરાટભર્યા ચહેરે અંદર દોડી આવ્યો.

 ‘મિસ્ટર દિલીપ....મિસ્ટર દિલીપ..’ એણે હાંફતા અવાજે કહ્યું, ‘ગજબ થઈ ગયો.’

 દિલીપ ચમક્યો.

 કોઈક અજાણી આશંકાથી એના ધબકારા એકદમ વધી ગયા.

 ‘પ....પેલો પાકિસ્તાની જાસૂસ હતો ને...’

 ‘હા...એનું શું છે ? શું એ કેદમાંથી નાસી છૂટ્યો છે ?’ દિલીપે ધબકતા હૃદયે પૂછ્યું.

 ‘ના...’

 ‘તો..?’

 ‘એણે ઝેર ખાઈ લીધું છે.’

 ‘આ તું શું બકે છે ?’ તીવ્ર અવાજે કહેતો કહેતો ચીફ સિક્યોરીટી ઓફિસર ખુરશી પરથી ઊભો થઈ ગયો.

 કસ્ટમ ઓફિસમાં સન્નાટો ફરી વળ્યો.

 દિલીપ તરત જ સુરક્ષા કર્મચારી સાથે કેદખાના તરફ દોડી ગયો.

 કેદખાનું અટારી સ્ટેશનની ઈમારતમાં જ એક વિશાળ હોલમાં હતું. હોલને બે ભાગમાં વહેંચીને તેને કેદખાનાનું રૂપ આપવામાં આવ્યું હતું.

 કેદખાનાના એક ભાગ પર ‘જેન્ટ્સ’ અને બીજા ભાગ પર ‘લેડીઝ’ લખેલું હતું.

 અત્યારે જેન્ટ્સ વિભાગનો દરવાજો ખુલ્લો ફટાક હતો અને ત્યાં ત્રણ-ચાર સુરક્ષા કર્મચારીઓ હેબત તથા ગભરાટભર્યા ચહેરે ઊભા હતા.

 દિલીપ પર નજર પડતાં જ તેઓ એક તરફ ખસી ગયા.

 સામે જમીન પર જલાલુદ્દીન તરફડતી હાલતમાં પડ્યો હતો.

 એના જીવનની ગણતરીની સેકંડો જ બકી હતી.

 દિલીપે કેદખાનામાં પગ મૂક્યો ત્યારે એનો તરફડાટ શમી ગયો હતો.

 એ મૃત્યુ પામ્યો હતો.

 ‘જલાલુદ્દીન પાસે ઝેર ક્યાંથી ને કેવી રીતે આવ્યું ?’ દિલીપે ત્યાં મોજૂદ સુરક્ષા કર્મચારીઓને ઉદ્દેશીને તીવ્ર અવાજે પૂછ્યું, ‘તમે લોકોએ એની તલાશી નહોતી લીધી ?’

 ‘તલાશી તો પૂરેપૂરી લીધી હતી, સર !’ એક કર્મચારી ગભરાયેલા અવાજે બોલ્યો.

 ‘જો તમે પૂરેપૂરી તલાશી લીધી હતી તો પછી એણે ઝેર ક્યાંથી મળ્યું ? શું જલાલુદ્દીનને મળવા માટે કોઈ આવ્યું હતું ?’

 ‘ના, કોઈ નથી આવ્યું.’ એક અન્ય સુરક્ષા કર્મચારીએ મક્કમ અવાજે કહ્યું.

 ‘તો પછી આ બધું કેવી રીતે બન્યું ?’

 સૌ ચૂપ રહ્યા.

 દિલીપના આ સવાલનો જવાબ કોઈની પાસે નહોતો.

 આ દરમિયાન કર્નલ સુરેન્દ્ર ત્યાગી, બ્રિગેડિયર જશપાલસિંધ તથા ચીફ સિક્યોરીટી ઓફિસર પણ ત્યાં આવી પહોંચ્યા.

 જોતજોતામાં જ ત્યાં ઓફિસરોની ભીડ એકઠી થઈ ગઈ.

 દિલીપ આગળ વધીને જલાલુદ્દીનના મૃતદેહનું નિરીક્ષણ કરવા લાગ્યો.

 એની શોધપૂર્ણ નજર બારીકાઇથી મૃતદેહને અવલોકતી હતી.

 પછી મૃતદેહની ગરદન પર નજર પડતાં જ તે એકદમ ચમક્યો.

 ગરદન પર જમણી બાજુ કાનની બરાબર નીચે એક બારીક છિદ્રનું નિશાન હતું.

 જાણે થોડી વાર પહેલાં જ ત્યાં કોઈકે સોય ખૂંચાડી હોય એવું એ નિશાન હતું.

 દિલીપના દિમાગમાં ખળભળાટ મચી ગયો.

 જલાલુદ્દીને ઝેર ખાઈને આપઘાત નહોતો કર્યો પણ કોઈકે ઝેરી સોય ખૂંચાડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો એ વાત ઇન્જેક્શનના નિશાન પરથી સ્પષ્ટ થઈ જતી હતી.

 જલાલુદ્દીનનું મોં જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યું હતું.

 દિલીપના દિમાગમાં વિસ્ફોટ પર વિસ્ફોટ થવા લાગ્યા.

 રહસ્ય પ્રત્યેક પળે ઘૂંટાતું જતું હતું.

 ‘શું જુઓ છો, મિસ્ટર દિલીપ ?’ ચીફ સિક્યોરીટી ઓફિસરે તેની નજીક પહોંચીને પૂછ્યું.

 ‘કંઈ નહીં !’ દિલીપ મૃતદેહ પાસેથી ઊભો થતાં બોલ્યો, ‘ઓફિસર....હથિયારોની ખેપ વિશે માહિતી મેળવવાનો અપની પાસે જલાલુદ્દીનના રૂપમાં જ એકમાત્ર આધાર હતો એ પણ ખતમ થઈ ગયો છે એટલે આ પ્રકરણને આપણે અહીં જ પૂરું કરી નાખવું જોઈએ એમ હું માનું છું.’

 દિલીપની વાત સાંભળીને કેટલાય ઓફિસરો ચમક્યા.

 જ્યારથી દિલીપ કોઈનીય પરવા કર્યા વગર ઉતાવળી ચાલે કેદખાનામાંથી બહાર નીકળી ગયો.

 શું રમત રમવામાં આવી છે એ તે સમજી ચૂક્યો હતો.

 થોડી વાર પછી એણે અટારી સ્ટેશનેથી વિદાય લીધી.

 ‘ઓ.કે. ઓફિસર...!’ એણે ચીફ સિક્યોરીટી ઓફિસર સાથે હાથ મિલાવતાં કહ્યું, ‘મારી તપાસ પૂરી થઈ ગઈ છે. હવે અહીં મારું કંઈ કામ નથી એટલે હું રાજા લઉં છું.’

 ‘પરંતુ જલાલુદ્દીનનું મોત કેવી રીતે થયું એ રહસ્ય તો હજુ અકબંધ જ છે.’ ચીફ સિક્યોરીટી ઓફિસર મૂંઝવણભર્યા અવાજે બોલ્યો.

 ‘હા, એ તો છે જ !’ દિલીપનો અવાજ ગંભીર હતો, ‘જલાલુદ્દીનના મોતની તપાસ હવે તમારે જ કરવાની છે. તપાસ દરમિયાન જો તમને કોઈ ખાસ વાત દેખાય તો તરત જ મને જાણ કરજો.’

 ‘છતાંય તમારે આટલી જલદી અહીંથી ન જવું જોઈએ.’

 ‘મારું હવે અહીં કોઈ કામ નથી તો પછી રોકાઈને પણ હું શું કરું ?’ દિલીપ બોલ્યો, ‘હું તો માત્ર હથિયારોની તપાસ માટે જ અહીં આવ્યો હતો. પરંતુ હવે મને લાગે છે કે હથિયારોની ખેપ વિશે અમને મળેલી બાતમી ખોટી હતી એટલે અહીં રોકાઈને સમય બગાડવાથી કંઈ લાભ થાય તેમ નથી. આમેય અહીં કરતાં ઘાટીમાં મારી હાજરીની વધુ જરૂર છે.’

 ‘ઓ. કે..તમને યોગ્ય લાગે તે ખરું.’

 બધાંને આશ્ચર્યચકિત હાલતમાં છોડીને દિલીપે ત્યાંથી વિદાય લીધી.

 કર્નલ સુરેન્દ્ર ત્યાગી તથા બ્રિગેડિયર જશપાલસિંઘ પણ તેની સાથે જ હતા.

 દિલીપ કયો દાવ રમવા માગે છે એ કોઈ જ નહોતું જાણતું.

 દિલીપ અટારી સ્ટેશનેથી રવાના થયો ત્યારે રાતના સાડા દસ વાગ્યા હતા.

 થીડી વાર પછી ફરીથી એક વાર સ્ટેશન પર સન્નાટો છવાઈ ગયો.

 મુસાફરો ક્યારનાય ચાલ્યા ગયા હતા અને આખું સ્ટેશન સૂમસામ ભાસતું હતું.

 ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેન હજુ પણ યાર્ડમાં જ ઊભી હતી.

 યાર્ડના ચોકીદારનું નામ ભૈરવ હતું અને અત્યારે તે પોતાના કવાર્ટરમાં મોજૂદ હતો.

 એની પત્ની માયા થોડા દિવસોથી પિયર ગઈ હતી અને ભૈરવ આજે સાંજે જ તેને તેડી લાવ્યો હતો. માયા આમ તો આવતી કાલે આવવાની હતી, પરતું ભૈરવ તેને એક દિવસ વહેલી તેડી લાવ્યો હતો.

 બંને અત્યારે એકબીજાના આલિંગનમાં જકાડાઈને રજાઈ ઓઢીને સૂતાં હતાં.

 ઘણા દિવસો પછી થોડી વાર પહેલાં જ તેમણે શારીરિક સુખ માણ્યું હતું.

 પરંતુ એક વાતથી એ બંને બિલકુલ અજાણ હતાં.

 તેઓ રંગીનીમાં ડૂબેલાં હતાં એ જ વખતે તેમના કવાર્ટરની છત પર પગથી માથા સુધી કાળાં વસ્ત્રો પહેરેલા આઠ-દસ માણસો ચૂપચાપ પહોંચી ગયા હતા.

 પછી તેમણે છત પરથી નીચે સ્ટેશનના યાર્ડમાં છલાંગ લગાવી.

 છલાંગ લાગવાનારાઓમાં નાસીરખાનનો સમાવેશ પણ થતો હતો.

 અત્યારે એની સ્ફૂર્તિ જોવાલાયક હતી. સૌથી પહેલાં એણે પોતાની બગલઘોડી નીચે ફેંકી અને પછી પોતે પણ કૂદી પડ્યો. નીચે પહોંચતાં જ એણે બગલઘોડી ઊંચકીને બગલમાં દબાવી દીધી હતી.

 એની પાછળ પાછળ જ બીજાં દસ ત્રાસવાદીઓ કુદ્યા, જેમાં અનવર તથા રેશમા પણ સામેલ હતાં.

 બધાંના ચહેરા પર કપડાં બાંધેલાં હતાં અને હાથમાં એ.કે. ૭૪ એસોલ્ટ રાઈફલો જકડાયેલી હતી.

 તેમની આંખોમાં પથરાયેલી ક્રૂરતાભરી ચમક સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.

 કાળાં વસ્ત્રોમાં તેઓ ખૂબ જ ખતરનાક લાગતાં હતાં.

 પછી આ સમયે ચોકીદારના કવાર્ટરમાં લાઈટ ચાલુ જોઈને સૌ ચમક્યાં.

 ‘આ શું બાબા ?’ રેશમાના ધીમા અવાજમાં આશ્ચર્યનો સૂર હતો, ‘આપણને તો એમ જણાવવામાં આવ્યું હતું કે ચોકીદાર પોતાની પત્નીને તેડવા માટે સાસરે ગયો છે અને આવતી કાલે પાછો આવવાનો છે. તો પછી અત્યારે એના કવાર્ટરમાં શા માટે લાઈટ ચાલુ છે?’

 ‘શું બખેડો છે એ કંઈ સમજાતું નથી.’ નાસીરખાન બોલ્યો, ‘કંઈક ગડબડ થશે એવું લાગે છે.’ 

 ‘આપણે અંદર જઈને તપાસ કરવી જોઈએ, બાબા !’ એક અન્ય ત્રાસવાદી ધીમેથી બબડ્યો.

 ‘ચાલો જોઈએ.’

 નાસીરખાનનો આદેશ મળતાં જ સૌ દબાતે પગલે ક્વાર્ટર તરફ આગળ વધ્યા. 

 તેમના ભારે અચરજ વચ્ચે ક્વાર્ટરનો દરવાજો ઉઘાડો હતો.

 અંદર મોજૂદ ભૈરવ તથા માયા પોતાના પર આવનારી આફતથી બિલકુલ અજાણ હતાં.

 થોડી પળોમાં જ એક પછી એક બધા ત્રાસવાદીઓ અંદર ઘૂસી ગયા.

 સૌથી આગળ નાસીરખાન હતો.

 સશસ્ત્ર અજાણ્યા માનવીઓને જોઈને માયાના મોંમાંથી ચીસ સારી પડી.

 અનવરે તરત જ આગળ વધીને ક્વાર્ટરનો દરવાજો બંધ કરી દીધો.

 ‘ક.....કોણ છો તમે...?’ ભૈરવે ભયથી કંપતા અવાજે પૂછ્યું.

 બંને પતિ-પત્નીના ચહેરા ભયથી સફેદ પડી ગયા હતા.

 ‘તું જ આ યાર્ડનો ચોકીદાર છે ?’ નાસીરખાને તેમની સામે આગળ વધતાં પૂછ્યું.

 ‘હ...હા..’ ભૈરવે જલદી જલદી હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો.

 ‘પણ તું તો તારી પત્નીને તેડીને આવતી કાલે આવવાનો હતો. તો પછી એક દિવસ વહેલો કેવી રીતે આવી ગયો ?’

 બાપડો ભૈરવ આ સવાલનો જવાબ પણ શું આપે ?

 પોતે એક દિવસ વહેલો આવીને બહુ મોટી ભૂલ કરી નાખી છે એવો ભાસ હવે તેને થતો હતો.

 બંનેના જીવ તેને જોખમમાં દેખાતા હતા.

 એ જ વખતે અચાનક કોઈકે ધીમેથી ક્વાર્ટરનો દરવાજો ખટખટાવ્યો. 

 દરવાજો ખટખટાવવાનો અવાજ સાંભળતા જ ત્રાસવાદીઓના હોશ ઊડી ગયા.

 નાસીરખાન પણ એકદમ ચમક્યો.

 ‘અત્યારે વળી કોણ ગુડાયું ?’ એ ધીમેથી બબડ્યો.

 ‘ક્યાંક ચીફ સિક્યોરીટી ઓફિસર તો નહીં હોય ને, બાબા ?’ રેશમાએ પોતાનું અનુમાન વ્યક્ત કરતાં પૂછ્યું.

 વાત એમ હતી કે અટારી સ્ટેશનનો ચીફ સિક્યોરીટી ઓફિસર પણ ત્રાસવાદીઓ સાથે ભળેલો હતો અને એની મીઠી નજર હેઠળ જ આ બધું કામ થતું હતું.

 ‘ના...’ નાસીરખાને નકારમાં માથું હલાવ્યું, ‘ચીફ સિક્યોરીટી ઓફિસર ન હોય. એણે બરાબર સાડા અગિયાર વાગ્યે અહીં આવવાનો સમય આપ્યો હતો.’

 ‘તો પછી કોણ હશે ?’

 એ જ વખતે પુનઃ ધીમેથી દરવાજો ખટખટાવવામાં આવ્યો. 

 ‘હું જોઉં છું બાબા, કે કોણ છે ?’ અનવર હાથમાં રાઈફલ સંભાળીને ઝડપભેર દરવાજા તરફ આગળ વધ્યો.

 ‘ધ્યાન રાખીને દરવાજો ઉઘાડજે.’

 ‘આપ બેફીકર રહો.’

 અનવરે દરવાજા પાસે પહોંચીને સ્ટોપર નીચી કરી અને ચારેક ઇંચ જેટલા બંને પટ ઉઘાડ્યા.

 પછી બહાર ઊભેલા શખ્સ પર નજર પડતાં જ એના ચહેરા પર રાહતના હાવભાવ છવાયા.

 એણે દરવાજો પૂરેપૂરો ઉઘાડી નાખ્યો.

 આવનાર શખ્સ ચીફ સિક્યોરીટી ઓફિસર જ હતો.

 ‘તું...?’ નાસીરખાને અચરજભર્યા અવાજે પૂછ્યું, ‘તું તો સાડા અગિયાર વાગે આવવાનો હતો ને....?’

 ‘હું સાડા અગિયાર વાગ્યે જ આવત.’ ચીફ સિક્યોરીટી ઓફિસર અંદર પ્રવેશતાં બોલ્યો, ‘પરંતુ ક્વાર્ટરમાં લાઈટ ચાલુ જોઈને મારે આવવું પડ્યું. તમે લોકોએ લાઈટ શા માટે ચાલુ કરી છે ?’ 

 ‘અમે લાઈટ ચાલુ નથી કરી.’ રેશમાએ કહ્યું, ‘લાઈટ તો આ લોકોને કારણે ચાલુ છે.’ કહીને એણે પલંગ તરફ આંગળી ચીંધી.

 અને પલંગ પર સૂતેલાં ભૈરવ અને માયાને જોતાં જ ચીફ સિક્યોરીટી ઓફિસર ડઘાઈ ગયો.

 ભૈરવ અને માયા પણ તેને આ ત્રાસવાદીઓ સાથે ભળેલો જોઈને ચમકી ગયાં હતાં.

 ‘તું..’ ચીફ સિક્યોરીટી ઓફિસર ભૈરવને ઉદ્દેશીને બોલ્યો, ‘ભૈરવ, તું તો આવતી કાલે આવવાનો હતો ને ?’ 

 ‘સ..સાહેબ !’ સૂકા પાંદડાની જેમ થરથરતા ભૈરવે કંપતા અવાજે કહ્યું, ‘માયા તો કાલે જ આવવાનું કહેતી હતી; હું જ તેને આગ્રહ કરીને એક દિવસ વહેલો તેડી લાવ્યો છું. અહીં આટલો મોટો બખેડો થવાનો છે..આવી ધમાચકડી થવાની છે એની મને તો કંઈ ખબર જ નહોતી. 

 ભૈરવની વાત સાંભળીને ચીફ સિક્યોરીટી ઓફિસરના ચહેરા પર મૂંઝવણના ભાવ ઉપસી આવ્યા.

 એની આંખોમાં ચિંતા સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.

 ભૈરવ તથા માયાની અણધારી હાજરીથી મનોમન તે હચમચી ઊઠ્યો હતો.

 ‘શું વિચારો છો ઓફિસર ?’ એને મૂંઝાયેલો જોઈને રેશમાએ પૂછ્યું.

 ‘ક...કંઈ નહીં. હું આ બંનેનો વિચાર કરું છું.’ ચીફ સિક્યોરીટી ઓફિસર ચિંતાતુર અવાજે બોલ્યો, ‘આ લોકોએ એક દિવસ વહેલા આવીને બહુ મોટી ગડબડ કરી નાખી છે. અને એનાથીયે વધુ ભયંકર વાત એ છે કે તેઓ મને તમારી સાથે જોઈ ચૂક્યા છે.’

 ‘તો હવે શું કરવું છે ?’ અનવરે પૂછ્યું.

 ‘આ મુશ્કેલીનો એક જ ઉપાય છે. આ બંનેને સ્વધામ પહોંચાડવા પડશે. હવે તમને જીવતાં રાખી શકાય તેમ નથી.’

 ‘ન...ના..’

 ચીફ સિક્યોરીટી ઓફિસરની વાત સાંભળીને ભૈરવ અને માયા સર્વાંગે ધ્રૂજી ઉઠ્યાં.

 તેમના માથા પર જાણે કે આભ તૂટી પડ્યું.

 તેમની આંખોમાં મોતનો કારમો ભય ડોકિયાં કરવા લાગ્યો. 

 ‘ન...ના..!’ ભૈરવ ચીફ સિક્યોરીટી ઓફિસર સામે હાથ જોડીને કરગરતા અવાજે બોલ્યો, ‘અમને...અમને મારશો નહીં. આપ કહેશો એમ જ અમે કરીશું. અમે આપને આ લોકો સાથે જોયા છે તેની કોઈનેય ખબર નહીં પડે. અમારા પર રહેમ રાખો, સાહેબ.’

 ‘ના..’ ચીફ સિક્યોરીટી ઓફિસર આગળ વધીને પલંગ પાસે પહોંચ્યો, ‘એવું જોખમ હું વહોરી શકું તેમ નથી. તમે બંનેએ આ લોકો સાથે મને જોઈ તો લીધો જ છે. કાલે ઊઠીને પોલીસનો પંજો તમારી ગરદન સુધી પહોંચે અને તમે મારું નામ બકી નાખો તો મારાં સાતેય વહાણ ડૂબી જાય. તમારી સાથે સાથે હું પણ હડફેટમાં આવી જાઉં. તમને જીવતાં રાખીને હું હાથે કરીને મારા મોતને આમંત્રણ આપવા નથી માગતો. આ મુશ્કેલીનો એક જ ઉપાય છે અને એ છે તમારા બંનેનાં મોત.’

 ‘ના, સાહેબ !’ ભૈરવ અને માયા ફરીથી કરગર્યા.

 પરંતુ એ પથ્થરદિલ ચીફ ઓફિસર પર તેની કંઈ જ અસર ન થઈ.

 આ પળે તેને પોતાના સ્વાર્થ સિવાય બીજું કશુંય નહોતું સૂઝતું.

 પોતાનો ભાંડો ફૂટી ન જાય એટલા માટે તે બબ્બે નિર્દોષનાં બલિદાન લેવા માટે તૈયાર થઈ ગયો હતો.

 કોઈકે સાચું જ કહ્યું છે કે માણસના પગ નીચે જ્યારે રેલો આવે છે ત્યારે તે કોઈ પણ સંબંધને ભૂલીને માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે. આવા સમયે તે પોતાનાં નીતિ, ઈમાન, દયા, ધર્મ વગેરે બધું જ ભૂલી જાય છે.

 પોતાના મતલબ સિવાય તેને કશું જ યાદ નથી રહેતું.

 ચીફ સિક્યોરીટી ઓફિસર પણ પગ નીચે રેલો આવતાં જ અધમ બની ગયો હતો.

 એણે ત્રાસવાદીઓને સંકેત કર્યો.

 સંકેત મળતાં જ ચાર-પાંચ રાઈફલો ભૈરવ તથા માયા સામે તકાઈ.

 ‘ના...ગોળીથી નહીં.’ ચીફ સિક્યોરીટી ઓફિસર તરત જ બોલી ઊઠ્યો, ‘ગોળી છોડશો તો રાતના સન્નાટામાં દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાશે અને નાહક જ અણધારી આફત આવી પડશે.’

 ‘તો પછી ?’

 ‘ગળું દબાવીને આ બંનેને મોતને ઘાટ ઉતારવા પડશે.’

 વળતી જ પળે બે ત્રાસવાદીઓએ ભૈરવ તથા માયાનાં ગળા દબાવીને તેમના રામ રમાડી દીધા.

 બધું થોડી પળોમાં જ બની ગયું.

 ત્યાર બાદ ક્વાર્ટરની લાઈટ બુઝાવી નાખવામાં આવી.

 હવે ત્યાં ગાઢ અંધકાર છવાયેલો હતો.

 ભૈરવ તથા માયાની લાશો ક્વાર્ટરના એક ખૂણામાં પડી હતી.

 ત્રાસવાદીઓની નજરે માનવજીવનનું કોઈ મૂલ્ય નથી તે સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.

 ‘તમે લોકો મારી વાત બરાબર ધ્યાન રાખીને સાંભળી લો.’ અંધકારને ચીરીને ચીફ સિક્યોરીટી ઓફિસરનો ધીમો પણ સ્પષ્ટ અવાજ ગુંજી ઊઠ્યો, ‘હવે બાર વાગ્યા સુધી તમારે લોકોએ આ ક્વાર્ટરમાં રહેવાનું છે. બાર વાગ્યા પહેલાં તમારી કોઈ હિલચાલ કે સળવળાટ ન દેખાવો જોઈએ’

 ‘કેમ ?’ નાસીરખાને સહેજ તીખા અવાજે પૂછ્યું.

 ‘એટલા માટે કે બાર વાગ્યે યાર્ડની આજુબાજુના તમામ માણસોની ડ્યૂટી બદલાશે. ડ્યૂટી બદલાયા પછી જે નવા કર્મચારીઓ આવશે એ બધા મારા જ માણસો છે. તેમની હાજરીમાં આપણે બેધડક કોઈ પણ કામ કરી શકીશું.’

 ‘ગુડ...તો બાર વાગ્યા સુધી અમારે અહીં જ આરામ કરવાનો છે, એમ ને...?’

 ‘હા.’

 ‘કેપ્ટન દિલીપ અહીંથી ચાલ્યો ગયો છે ?’

 ‘હા....એ તો ક્યારનોય નિરાશ થઈને ચાલ્યો ગયો છે.’ ચીફ સિક્યોરીટી ઓફિસરના અવાજમાંથી ગર્વ નીતરતો હતો, ‘હથિયાર ન મળવાને કારણે એ ખૂબ જ વ્યાકુળ અને નિરાશ થઈ ગયો હતો અને જ્યારે મેં જલાલુદ્દીનને પણ ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખ્યો ત્યારે તો એની નિરાશાનો પાર ન રહ્યો. ગમે તે હોય બાબા, આઈ.એસ.આઈ.ના ચીફ કુરેશીસાહેબની બુદ્ધિમત્તાને ખરેખર દાદ આપવી પડશે. તેમણે ‘સમજોતા એક્સપ્રેસ’માં હથિયારો એવી જગ્યાએ છુપાવ્યાં કે દિલીપ જેવો ધુરંધર પણ તેને ન શોધી શક્યો. હું તો ત્યાં સુધી કહું છું કે જો આવી જ રીતે દરરોજ હથિયારો આવે તો પણ આપણને કોઈ મુશ્કેલી નહીં પડે.’

 ‘છતાંય મને એક વાતનું તો જરૂર દુઃખ છે.’ નાસીરખાન ગંભીર અવાજે બોલ્યો.

 ‘ટ્રેનમાં જે આઠ પાકિસ્તાની જાસૂસો હતા, એ બધાને દિલીપે એકલા હાથે મારી નાખ્યા.’

 ‘હા, એ તો છે. પરંતુ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવાની પણ પૂરેપૂરી તૈયારી રાખવી પડે છે. બનવાકાળ બને જ છે. જંગમાં આ બધું તો ચાલ્યે જ રાખે છે. ખેર, હવે દિલીપના ભયથી અટારી સ્ટેશન મુક્ત થઈ ગયું છે. હથિયારો ભરવા માટે તમે લોકો ટ્રક લાવ્યા છો ને ?’

 ‘હા....’ અનવરે જવાબ આપતાં કહ્યું, ‘ટ્રક લાવ્યા છીએ. અમે ટ્રકને યાર્ડની બહાર પશ્ચિમ ભાગમાં પાર્ક કરી છે.’

 ‘ગુડ, હવે મને રજા આપો. ડ્યૂટી બદલાયા પછી હું પાછો આવીશ.’

 ‘ભલે..’

 ચીફ સિક્યોરીટી ઓફિસર ધીમેથી દરવાજો ઉઘાડીને ક્વાર્ટરમાંથી બહાર નીકળી ગયો.

 અત્યારે ક્વાર્ટરની હાલત જોઈને ત્યાં આટલા બધા માણસો મોજૂદ હશે એની કલ્પના કોઈ કરી શકે તેમ નહોતું.

 ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો.

 છેવટે બાર પણ વાગી ગયા.

 નાઈટ ડ્યૂટીના કર્મચારીઓએ પોતપોતાની ડ્યૂટી સંભાળી લીધી. બાર વાગ્યે જે કર્મચારીઓની ડ્યૂટી પૂરી થતી હતી તેઓ ચાલ્યા ગયા હતા.

 બાર વાગતાં જ સૌ સજાગ બની ગયા.

 અટારી સ્ટેશન ધુમ્મસના આવરણમાં લપેટાઈ ગયું હતું.

 ધુમ્મસને કારણે સ્ટેશન પર છવાયેલું અજવાળું સીમિત થઈ ગયું હતું. દસ ડગલાં દૂર પડેલી વસ્તુ પણ માંડ માંડ જોઈ શકાતી હતી.

 રાતની નીરવ શાંતિમાં બધા ત્રાસવાદીઓ ક્વાર્ટરમાંથી નીકળીને ઊભેલી ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેન તરફ આગળ વધતા હતા.

 ‘ચીફ સિક્યોરીટી ઓફિસર ક્યાંય નથી દેખાતો.’ ટ્રેન તરફ આગળ વધી રહેલો એક ત્રાસવાદી એકદમ ધીમા અવાજે બબડ્યો. 

 ‘ચિંતા ન કર !’ બગલઘોડીને ટેકે સૌની આગળ ચાલી રહેલો નાસીરખાન બોલ્યો, ‘એ ટ્રેનની આજુબાજુમાં જ ક્યાંક ઊભો હશે. પોતાની જવાબદારી એ બરાબર સમજે છે.’

 રાતના સન્નાટામાં બગલઘોડીનો ઠક...ઠક....અવાજ ચારે તરફ ગુંજતો હતો.

 તેઓ ટ્રેન પાસે પહોંચ્યા કે તરત જ તેમને ચીફ સિક્યોરીટી ઓફિસર એન્જિન પાસે ઉભેલો દેખાયો.

 ‘બધું બરાબર છે ને ?’ નાસીરખાને તેની પાસે પહોંચીને પૂછ્યું.

 ‘તમે બિલકુલ બેફીકર રહો, બાબા. મારું દરેક કામ પરફેક્ટ જ હોય છે.’

 ‘વેરી ગુડ !’ નાસીરખાને સંતોષથી માથું ધુણાવ્યું.

 તેમનામાંથી એક ત્રાસવાદી એવો પણ હતો કે જેના હાથમાં એક થેલો જકડાયેલો હતો. નાસીરખાને તેને કશોક સંકેત કર્યો. સંકેત મળતાં જ તે થેલામાંથી એક ડિસમિસ તથા એક એક મિની ટોર્ચ કાઢીને બધાને આપવા લાગ્યો.

 બે મિનિટમાં જ બધા ત્રાસવાદીઓના હાથમાં ડિસમિસ તથા ટોર્ચ પહોંચી ગયાં.

 ‘હથિયાર ક્યાં છુપાવેલા છે એ તમને લોકોને જણાવવાની જરૂર નથી. તમે બધું જ જાણો છો.’ નાસીરખાન ઉત્સાહભેર બોલ્યો, ‘ટ્રેનની દરેક લાંબી સીટ નીચે એક કારબાઈન ગનને લોખંડની પટ્ટીથી ફીટ કરવામાં આવી છે. કુરેશીસાહેબે હથિયાર છુપાવવા માટે ખરેખર લાજવાબ જગ્યા શોધી છે. કારબાઈન ગન આ રીતે સીટની નીચે છુપાવી શકાય છે એની તો કોઈ કલ્પના પણ કર ઇશાકે તેમ નથી. આ ટ્રેનમાં દસ ડબ્બા છે અને દરેક ડબ્બામાં ચાલીસ ચાલીસ ગન છુપાવેલી છે. લોખંડની પટ્ટી સાવચેતીથી ખોલજો.....બહુ અવાજ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારી જરાસરખી બેદરકારીથી પણ આપણી બાજી ઊંધી વળી જશે.’

 ‘તમે ચિંતા ન કરો, બાબા, અમે આરામથી બધાં હથિયારો કાઢી લઈશું.’

 ‘હવે મોડું કર્યા વગર ફટાફટ કામે લાગી જાઓ.’

 તરત જ બધા ત્રાસવાદીઓ ‘સમજોતા એક્સપ્રેસ’ના સૌથી છેલ્લા ડબ્બામાં ચડી ગયા.

 ડબ્બામાં ચડતાંવેંત જ તેમની ટોર્ચ ચાલુ થઈ ગઈ હતી.

 સૌથી પહેલાં અનવર એક સીટ નીચે ઘૂસ્યો.

 પરંતુ નીચેના ભાગમાં નજર કરતાં જ એના પર વજ્રપાત થયો.

 સીટની નીચેની સપાટી એકદમ ખાલી હતી.

 એ તરત જ બહાર નીકળ્યો અને ફર્શ પર સૂતાં સૂતાં જ બીજી સીટની નીચેની સપાટી પર પ્રકાશ ફેંક્યો.

 પરંતુ ત્યાં પણ કંઈ નહોતું.

 ‘દગો !’ અનવરના મોંમાંથી દબાતી-ઘૂંટાટી ચીસ નીકળી ગઈ.

 ‘અહીં પણ કશુંય નથી.’ એ જ વખતે અન્ય સીટ નીચેથી બહાર નીકળતાં એક ત્રાસવાદી બોલ્યો.

 આ દરમિયાન નાસીરખાન તથા ચીફ સિક્યોરીટી ઓફિસર પણ એ ડબ્બામાં આવી પહોંચ્યા હતા.

 એક એક કરીને બધા ત્રાસવાદીઓએ સીટની નીચે તપાસ કરી.

 પરંતુ કોઈ સીટની નીચે ક્યાંય કારબાઇન નહોતી.

 ‘અહીં તો એક પણ ગન નથી, બાબા !’ એક ત્રાસવાદી તીવ્ર અવાજે બોલ્યો.

 ‘શું વાત કરે છે ?’ નાસીરખાને ચમકીને પૂછ્યું.

 ‘એ સાચું કહે છે બાબા !’ અનવર પણ ઊભો થતાં બોલ્યો, ‘કારબાઇનની વાત તો એક તરફ રહી, સીટની નીચે એક દેશી તમંચો પણ નથી.’

 ‘પણ એવું કેવી રીતે બને ?’ 

 ‘એમ જ બન્યું છે.’

 નાસીરખાન ચીફ સિક્યોરીટી ઓફિસર તરફ ફર્યો. એને હવે તેના પર શંકા ઉપજી હતી.

 ‘ઓફિસર !’ એ ઝેરી સપના ફૂંફાડા જેવા અવ્વાજે બોલ્યો, ‘ક્યાંક તું અમને ડબલ ક્રોસ તો નથી કરતો ને ? ધણીને કહેશે કે જાગતો રહેજે ને ચોરને કહેશે ખાતર પાડજે, એ કહેવતનો અમલ તો તેં નથી કર્યો ને ?’

 ‘અ....આ તમે શું કહો છો બાબા ?’ ચીફ સિક્યોરીટી ઓફિસરે ડઘાઈને કહ્યું, ‘મ...મારે એવું શા માટે કરવું પડે ?’

 ‘તેં એવું નથી કર્યું તો પછી હથિયારો ક્યાં ગયાં ? 

 ‘બાબા, સાવચેતી ખાતર છેલ્લા ડબ્બામાં હથિયારો ન રાખવામાં આવ્યા હોય એવું પણ બની શકે છે.’

 ‘એવું ન બને.’ 

 ‘શા માટે ન બને ?’ ઓફિસરે દલીલભર્યા અવાજે કહ્યું, ‘તમે બીજા ડબ્બાઓમાં તપાસ કરાવી જુઓ.’

 નાસીરખાને પોતાના સાથીદારોને બીજા ડબ્બાઓમાં તપાસ કરવાનો આદેશ આપ્યો.

 બધા ત્રાસવાદીઓ તરત જ એ ડબ્બામાંથી નીચે ઊતરી ગયા.

 તેમની પાછળ પાછળ નાસીરખાન અને ચીફ સિક્યોરીટી ઓફિસર પણ નીચે ઉતર્યા.

 ઓફિસરની હાલત એકદમ ખરાબ હતી. 

 આ દરમિયાન ત્રાસવાદીઓ બીજા ડબ્બામાં પણ ચડી ગયા હતા. દસેક મિનિટમાં જ તેઓ હતાશ ચહેરે પાછા ઊતરી ગયા. 

 ‘શું થયું ?’ નાસીરખાને વ્યાકુળ અવાજે પૂછ્યું.

 ‘બધી સીટો નીચેથી કારબાઇનો ગુમ છે, બાબા.’ રેશમા સહેજ ઊંચા અવાજે બોલી.

 એની વાત સાંભળીને ચીફ સિક્યોરીટી ઓફિસરનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો.

 ત્યાર બાદ ત્રાસવાદીઓ એક એક ડબ્બામાં ફરી વળ્યા, પરંતુ હથિયારો ક્યાંય નહોતાં.

 ચીફ સિક્યોરીટી ઓફિસરના હોશ ઊડી ગયા.

 નાસીરખાને કાળઝાળ રોષથી એની છાતી પર રાઈફલની નળી ગોઠવી દીધી અને પછી હિંસક તથા ઝનૂનભર્યા અવાજે કહ્યું, ‘બોલ....હવે તું શું કહે છે ?’

 ‘બ....બાબા !’ ઓફિસર ભયથી કંપતા અવાજે બોલ્યો, ‘પાકિસ્તાનથી હથિયારોની ખેપ મોકલવામાં આવી જ ન હોય એવું પણ બની શકે છે.’

 ‘સ્પાક !’ વળતી જ પળે બાજુમાં ઊભેલા અનવરે ઓફિસરના ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો અને પછી કહ્યું, ‘બેવકૂફ માણસ ! હથિયારોની ખેપ મોકલવામાં ન આવી હોત તો પાંચ નંબરના ડબ્બામાં મૃત્યુ પામેલા જાસૂસો તથા જલાલુદ્દીનની પણ શું જરૂર હતી ?’

 ચીફ સિક્યોરીટી ઓફિસર નિરુત્તર થઈ ગયો. આ સવાલનો એની પાસે કોઈ જવાબ નહોતો.

 ‘બોલ...હથિયારો ક્યાં છે ?’ નાસીરખાને કર્કશ અને કરડાકીભર્યા અવાજે પૂછ્યું.

 ‘હથિયારો મારી પાસે છે.’

 સહસા શાંત વાતાવરણમાં એક ગંભીર પરંતુ શાંત અને બુલંદ અવાજ ગુંજી ઊઠ્યો.

 અને આ અવાજ સાંભળતા જ સૌ એકદમ ચમકી ગયા.

 એ અવાજ બીજા કોઈનો નહીં પણ કેપ્ટન દિલીપનો જ હતો ! 

***********