૭. બંકરમાં યુદ્ધ.....!
બંકરની ઉપર બનેલી ઝૂંપડીમાં રહેલી અને સૂરદાસ હોવાનું નાટક ભજવતી વૃદ્ધ ડોશીના કાને પણ શ્રીનગર-લેહ રાજમાર્ગ પર થયેલ ગોળીબારનો અવાજ અથડાયો હતો.
આ ઉંમરે પણ એ ખૂબ જ ચુસ્ત, તંદુરસ્ત અને સ્ફૂર્તીલી હતી.
ગોળીઓનો અવાજ સાંભળતા જ એ પોતાની લાકડી લઈને ઝૂંપડીના પાછળના ભાગમાં પહોંચી.
ત્યાં પુષ્કળ માત્રામાં સૂતરની આંટીઓ પડી હતી જેના દ્વારા તે આખો દિવસ હાથવણાટનું કામ કરતી હતી.
એણે તાબડતોબ આંટીઓ એક તરફ ખસેડીને તેની નીચે રહેલો લાકડાનો તખ્તો સરકાવ્યો.
તખ્તો ખસતાં જ ખાલી જગ્યામાં નીચે બંકરમાં જવાની સીડી દેખાવા લાગી.
ડોશી ઝાપટાબંધ પગથિયાં ઊતરીને નીચે પહોંચી ગઈ.
બંકરમાં હજુ પણ દોડધામ ચાલુ હતી.
ત્રાસવાદીઓને ત્યાંથી ગયાને બહુ સમય પણ નહોતો વીત્યો.
‘શું વાત છે માઈ...?’ ડોશીને જોઈને નાસીરખાન એકદમ ચમક્યો, ‘તું આટલી ગભરાયેલી શા માટે છે ?’
‘નાસીર, હમણાં થોડી વાર પહેલાં તારા દસ માણસો રાજમાર્ગ તરફ ગયા છે ને...?’
‘હા....કેમ ? તેમને શું થયું છે ?’
‘શું થયું છે એની તો મને ખબર નથી પરંતુ મેં એ તરફથી ગોળીઓ છૂટવાના ભીષણ ધડાકા સાંભળ્યા છે’ ડોશીએ ગભરાટભર્યા અવાજે કહ્યું.
એની વાત સાંભળીને નાસીરખાન ખડખડાટ હસી પડ્યો.
‘તું હશે છે શા માટે ?’ ડોશીએ મૂંજવણભરી નજરે એની સામે જોતાં પૂછ્યું.
‘હસુ નહીં તો શું કરું માઈ...?’ નાસીરખાન પૂર્વવત અવાજે બોલ્યો, ‘તું આટલા વર્ષોથી અમારી સાથે રહેતી હોવા છતાંય જેહાદીઓને નથી ઓળખી શકી. ચોક્કસ જ તેમણે સડક પર કોઈક શિકાર મળી ગયો લાગે છે. આમેય આજે રાત્રે તેઓમોટા નરસંહાર માટે સરકાજી ગયા છે. આજે તેઓ જેટલું લોહી રેડે એટલું ઓછું છે.’
‘કેમ ?’
‘એટલા માટે કે કાલે અમેરિકામાં યુનોની મિટિંગ છે.’ નાસીરખાને કહ્યું, ‘કાશ્મીરનો મામલો હજુ ઠંડો નથી પડ્યો પરંતુ આજે પણ તેની આઝાદીનો જંગ જોરશોરથી ચાલુ છે, તે આપણે આખી દુનિયાને બતાવી આપવાનું છે. આજનો નરસંહાર યુનોની મિટિંગમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં પાકિસ્તાનને ખૂબ જ મદદરૂપ થશે સમજી ?’
‘ઓહ...પરંતુ કોણ જાણે કેમ મારો જીવ ખૂબ જ ગભરાય છે...!’ ડોશી કંપતા અવાજે બોલી.
નાસીરખાન ફરીથી હસ્યો.
‘તું હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગઈ છો, માઈ..!’ એણે કહ્યું, ‘હવે તારામાં પહેલાંના જેવી ગોળીઓના ધડાકા સાંભળવાની શક્તિ રહી નથી.’
એ બંનેની વતો પરવેઝ ખૂબ જ ગંભીરતાથી સાંભળતો હતો.
‘છતાંય આપણે બહાર નીકળી તપાસ કરવી જોઈએ, બાબા...!’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘ક્યાંક કંઈ ગડબડ થઈ હશે તો પાછળથી તે આપણને ભારે થઈ પડશે.’
‘શું તને પણ ડર લાગે છે ?’ નાસીરખાને પ્રશ્નાર્થ નજરે પરવેઝ સામે જોતાં પૂછ્યું.
‘ના, બિલકુલ નહીં...! એવી કોઈ વાત નથી. હું તો માત્ર સાવચેતી ખાતર જ કહેતો હતો.’
‘ભલે..તું કહે છે તો આપણે બહાર જઈને તપાસ કરી લઈએ.’
નાસીરખાન તરત જ બૂમો પાડીને અમુક ત્રાસવાદીઓને બોલાવવા લાગ્યો.
* * *
વીસ ભારતીય સૈનિકો હવે બે ટુકડીઓમાં વહેંચાઇ ગયા હતા.
બંને ટુકડીઓમાં દસ-દસ સૈનિકો હતા.
દસ સૈનિકોએ ત્રાસવાદીઓનાં કાળા વસ્ત્રો પહેરીને માથા પર પણ કાળા કપડાં બાંધી લીધાં હતાં.
દિલીપ પણ કાળા વસ્ત્રોમાં સજ્જ હતો. અલબત્ત, એણે માથા પર કાળું કપડું બાંધવાને બદલે હેટ જ પહેરી રાખી હતી. જોકે આ વેશમાં પણ તે કાશ્મીરી ત્રાસવાદી જેવો જ લાગતો હતો.
બીજા દસ સૈનિકોની ટુકડીનું નેતૃત્વ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ સંભાળ્યું.
‘કર્નલસાહેબ, તમારે શું કરવાનું છે એની તમને ખબર છે ને ?’ દિલીપે પૂછ્યું.
‘હા, મિસ્ટર દિલીપ !’ કર્નલ ત્યાગી તત્પર અવાજે બોલ્યા, ‘અમારે જમણી તરફ વળીને દક્ષિણ દિશાએથી ત્રાસવાદીઓના તાલીમકેન્દ્ર પર હુમલો કરવાનો છે.’
‘રાઈટ...! એક વાત બરાબર યાદ રાખજો. કોઈ પણ ત્રાસવાદી જીવતો ન રહેવો જોઈએ. આજે રાત્રે આપણે જળમૂળથી તાલીમકેન્દ્રનો નાશ કરી નાખવાનો છે.’
‘તમે બેફીકર રહો મિસ્ટર દિલીપ ! એમ જ થશે.’
‘ઓ.કે. તો ચાલો.’
તરત જ દસ શસ્ત્રસૈનિકોની ટુકડી જમણી તરફ વળીને દક્ષિણ દિશામાં ચાલી ગઈ.
હવે એક ટુકડી બાકી હતી. આ દસેય જણ કાળા વસ્ત્રોમાં સજ્જ હતા તેમાં બ્રિગેડિયર જશપાલસિંઘનો પણ સમાવેશ થઈ જતો હતો.
‘આપણે હવે શું કરવાનું છે, મિસ્ટર દિલીપ ?’ જશપાલસિંઘે પૂછ્યું.
‘આપણે પણ હવે તાલીમકેન્દ્ર તરફ જવાનું છે અને સૌથી પહેલાં વૃદ્ધ ડોશીની ઝૂંપડી પર ત્રાટકવાનું છે.’
‘ઓકે...’
બધા આગળ વધ્યા.
દિલીપના ખભા પર એક કારબાઇન લટકતી હતી જ્યારે હાથમાં કોલ્ટ રિવોલ્વર જકડાયેલી હતી.
એ જ વખતે કાળજું હચમચાવી મૂકે એવો એક બનાવ બન્યો.
તેઓની ટુકડી હજી કરીમબાબાની મઝાર પાસે પહોંચી હતી ત્યાં જ સામેના વૃક્ષ પાછળથી આગનો લીસોટો વેરતી, ભીષણ શોર મચાવતી એક ગોળી છૂટી.
ગોળીના ધડાકા સાથે જ એક કાળજગરી ચીસ પણ ગુંજી ઉઠી.
દિલીપે તરત જ પીઠ ફેરવીને જોયું તો પાછળ એક સૈનિકનો મૃતદેહ પડ્યો હતો.
તરત જ પળનોય વિલંબ કર્યા વગર બધા સૈનિકો,આમતેમ દોડીને ઝાડીઓ પાછળ છુપાઈ ગયા.
‘આ...આ ગોળી કોને છોડી, મિસ્ટર દિલીપ..?’ દિલીપની સાથે જ ઝાડીમાં છુપાયેલા એક સૈનિકે પૂછ્યું.
‘ગોળી ચોક્કસ કોઈક ત્રાસવાદીએ છોડી છે.; દિલીપ અંધકારમાં નજર દોડાવતાં બોલ્યો, ‘પરંતુ તે એકલો જ છે. એની સાથે તેના બીજા કોઈ સાથીદારો નથી. જો એના સાથીદારો પણ હોત તો એકસામટી કેટલીયે ગોળીઓ છૂટત અને આપણી ટૂકડીના મોટા ભાગના સૈનિકો શહીદ થઈ જાત.’
સૈનિક ધીમેથી માથું હલાવીને રહી ગયો.
અને દિલીપનું અનુમાન એકદમ સાચું હતું.
ગોળી છોડનાર ત્રાસવાદીને નાસીરખાને જ શું બન્યું છે એની તપાસ કરવા માટે શ્રીનગર-લેહ રાજમાર્ગ તરફ મોકલ્યો હતો. પરંતુ એનાથી ગોળી છોડવાની ભૂલ થઈ ગઈ હતી અને એનો પોતાનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો.
એકાએક દિલીપને ઝાડીઓમાંથી ધીમો સળવળાટ સંભળાયો. જાણે પોતાની પાછળ ઝાડીઓમાં કોઈક સરકતું સરકતું આવે છે એવો ભાસ એને થયો.
‘ખબરદાર...!’ એણે સ્ફૂર્તિથી ઝાડી તરફ જોઈને રિવોલ્વર આગળ લંબાવતા કઠોર અવાજે ચેતવણી ઉચ્ચારી, ‘કોણ છે ?’
‘આ...આપ શું કરો છો, મિસ્ટર દિલીપ ?’ આગંતુક હેબતાઈને બોલી ઊઠ્યો.
દિલીપને તેનો અવાજ પરિચિત લાગ્યો.
એણે ધ્યાનથી જોયું તો તે એની જ ટુકડીનો એક સૈનિક હતો.
‘તું અહીં શું કરે છે ?’ દિલીપે પૂછ્યું.
‘હું આપણે એક ખાસ વાત જણાવવા માટે આવ્યો છું, મિસ્ટર દિલીપ !’ આગંતુક સૈનિક બોલ્યો, ‘જો આપે ઉતાવળ કરીને ગોળી છોડી હોત તો હું નાહક જ શહીદ થઈ જાત.’
‘સોરી !’ દિલીપે દિલગીરી વ્યક્ત કરી અને પછી પૂછ્યું, ‘બોલ, શું કહેવું છે તારે ?’
‘મિસ્ટર દિલીપ, હમણાં જે ત્રાસવાદીએ ગોળી છોડી છે તે સામે ચિનારના વૃક્ષ પાછળ છુપાયો છે.’ કહીને સૈનિકે ઝાડીઓની વચ્ચેથી એક વૃક્ષ સામે આંગળી ચીંધી.
દિલીપે વૃક્ષ તરફ જોયું. વૃક્ષનું થડ ખૂબ જ જાડું હતું અને તેની પાછળ કોઈ પણ માણસ આરામથી છુપાઈ શકે તેમ હતો.
‘ત્રાસવાદી એ વૃક્ષ પાછળ જ છે એની તને પૂરી ખાતરી છે ?’
‘હા..પૂરી ખાતરી છે.’ સૈનિકે મક્કમ અવાજે બોલ્યો, ‘મેં મારી સગી આંખે તેને જોયો છે.’
‘એની સાથે બીજું કોઈ છે કે પછી તે એકલો જ છે?’
‘તે એકલો જ છે પરંતુ તેને શૂટ કરવામાં એક મુશ્કેલી છે.’
‘શું?’
‘વ્રુક્ષના થડ પાછળ એક ખાડો છે અને તે એ ખાડામાં ભરાઈ બેઠો છે. જ્યાં સુધી તે ખાડામાંથી બહાર ન નીકળે ત્યાં સુધી એને શૂટ કરી શકાય તેમ નથી.’
‘ચિંતા ન કર. એ વડવાંદરો ખાડામાંથી પણ બહાર નીકળશે.’
‘કેવી રીતે?’
‘તું જોયે રાખ.’
દિલીપે ખભા પરથી કારબાઇન કાઢીને ત્યાં જ ઝાડીઓમાં મૂકી દીધી.
ત્યાર બાદ એણે જે પગલું ભર્યું તે અત્યંત જોખમી અને ખતરનાક હતું. એણે પોતાના દેહને સંકોચ્યો અને પછી જંગલી ચિત્તાની જેમ વૃક્ષ તરફ છલાંગ લગાવી. માર્શલ આર્ટનો કોઈક નિપુણ યોદ્ધો જ આ જાતની લાંબી છલાંગ લગાવી શકે તેમ હતો. એનો દેહ હવાની સપાટીને કાપતો-ચીરતો સીધો જ વૃક્ષના થડ પાછળ છુપાયેલા ત્રાસવાદીની બરાબર બાજુમાં જઈ પડ્યો.
ત્રાસવાદીના મોંમાંથી ચીસ નીકળી ગઈ.એણે તરત જ ગોળી છોડી.
એ જ પળે દિલીપ ઉછળ્યો. ગોળી એના પગ પાસેથી પસાર થઈ ગઈ.
ત્રાસવાદી બીજી ગોળી છોડી શકે એ પહેલાં જ દિલીપનો પગ ગોળાકારે ફરીને ભીષણ લાતના રૂપમાં ત્રાસવાદીના મોં પર ઝીંકાયો.
ત્રાસવાદીના કંઠમાંથી પીડાભરી ચીસ સરી પડી. તે ખાડામાંથી ઊછળીને દૂર જઈ પડ્યો. એના હાથમાંથી રાઈફલ ફેંકાઈ ગઈ. હવે તે નિઃશસ્ત્ર હતો.
એ જ વખતે દિલીપની રિવોલ્વરમાંથી ઉપરાઉપરી બે ગોળીઓ છૂટીને તેની છાતીમાં સમાઈ ગઈ. એનો દેહ પળ-બેપળ તરફડીને શાંત થઈ ગયો.
ઝાડીઓમાં છુપાયેલા સૈનિકો ધીમે ધીમે બહાર નીકળી આવ્યા.
દિલીપની દિલેરી જોઈને તેમનાં આશ્ચર્યનો પાર નહોતો રહ્યો.
*******
ઝુંપડીમાં સાત-આઠ ત્રાસવાદીઓ મોજુદ હતા.ત્યાં એક મશાલ સળગતી હતી જેનું અજવાળું ચારે તરફ પથરાયેલું હતું.નાસીરખાન, પરવેઝ, રેશમા આ બધાં અત્યારે એકદમ સાવચેતીથી ઝુંપડીમાં ઊભાં હતાં. સૌ સશસ્ત્ર હતાં.ઝુંપડીમાં આવ્યા પછી બધાનું શ્રીનગર-લેહ રાજમાર્ગ પર જવાનું નાસીરખાનને યોગ્ય નહોતું લાગ્યું એટલે એણે પહેલાં એક ત્રાસવાદીને ત્યાં મોકલ્યો હતો.
પરંતુ થોડી પળો પહેલાં એમણે રાજમાર્ગ તરફથી ગોળીઓ છૂટવાનો તથા ચીસનો જે અવાજ સાંભળ્યો હતો, એનાથી તેઓ હચમચી ઉઠ્યાં હતાં.
‘આ...આ તો આપના જેહાદીની ચીસનો અવાજ હતો.’ નાસીરખાન ડઘાઈને બોલી ઊઠ્યો.
‘હા...’ રેશમાએ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.
‘કંઈક ગડબડ થઈ લાગે છે, બાબા...!’ પરવેઝ સિકંદર બોલ્યો, ‘ભારતીય સૈનિકોને આપના તાલીમકેન્દ્રની ખબર પડી ગઈ છે અને તેઓ અહીં હુમલો કરવા માટે આવતા હોય એવું મને લાગે છે’
પરવેઝની વાત સાંભળીને બધાંનાં કાળજાં કંપી ઉઠ્યાં.
પરવેઝના કથનમાં એમણે વજૂદ લાગ્યું.
‘આપણે તાબડતોબ અહીંથી નાસી છૂટવું જોઈએ, બાબા...!’ રેશમાએ ઉતાવળા અવાજે કહ્યું.
એ જ વખતે તેમના કાને કોઈકના દોડવાનાં પગલાંનો અવાજ સંભળાયો. સૈનિકોના બૂટનો અવાજ ઝુંપડી તરફ જ આવતો હતો.
‘ભાગો....’ બૂટનો અવાજ સાંભળીને નાસીરખાન જોરથી બરાડ્યો, ‘ભાગો અહીંથી.’
આદેશ મળતાં જ બધાં ઝૂંપડીના પાછળના ભાગમાં પહોંચ્યાં અને ફટાફટ સીડી ઊતરવા લાગ્યાં.
ઉપર માત્ર વૃદ્ધ ડોશી જ રોકાઈ હતી. એણે જોઈને રેશમા થંભી ગઈ.
‘તમે પણ નીચે ચાલો માઈ..’ એણે કોમળ અવાજે કહ્યું.
‘ના, હું અહીં રહું એ જ યોગ્ય છે.’
‘હવે અહીં કોઈનુંય રોકાવું યોગ્ય નથી.’ રેશમા ડોશીનો હાથ પકડીને સીડી તરફ આગળ વધતાં બોલી, ‘જલદી કરો.’
બંને બંકરમાં પહોંચી ગયાં.
બંકરમાં જાણે કે ધરતીકંપનો આંચકો આવ્યો હતો. લશ્કર હુમલો કરવાની તૈયારીમાં છે એ સમાચાર જાણીને ત્રાસવાદીઓમાં ભયનું સામ્રાજ્ય ફરી વળ્યું હતું.
‘અપને જેમ બને તેમ જલદી આખું બંકર ખાલી કરી નાખવાનું છે.’ નાસીરખાન સૌને ઉદ્દેશીને જોરજોરથી બૂમો પડતો હતો, ‘જલદી બધાં હથિયારો બાંધી લો. કોઈ હથિયાર અહીં ન રહેવું જોઈએ.’
શસ્ત્રો તેમણે માટે કીમતી હતાં. શસ્ત્રો વગર તેઓ બિલકુલ પાંગળા હતા.
ત્રાસવાદીઓ હવે તાબડતોબ હથિયારો પેક કરવા લાગ્યા. તેમની સ્ફૂર્તિ જોવાલાયક હતી.
નાસીરખાન બૂમો પડતો બગલઘોડીને ટેકે બંકરમાં આમથી તેમ દોડાદોડી કરતો હતો.
‘ભારતીય સૈનિકો સીડીઓના માર્ગે બંકરમાં આવી શકે છે. તેઓ ઝૂંપડી સુધી પહોંચે એ પહેલાં જ સીડીનો આ માર્ગ પણ બંધ કરી દો.’
‘પણ સીડીનો માર્ગ કેવી રીતે બંધ કરાવો, બાબા ?’ એક ત્રાસવાદીએ પૂછ્યું.
‘એ કોઈ મુશ્કેલ કામ નથી. સીડી પર લાકડાંની મોટી મોટી પેટીઓ ગોઠવી દો અને આ કામ ફટાફટ કરો. આપણી પાસે બહુ સમય નથી.’
તરત જ થોડા ત્રાસવાદીઓ લાકડાની મોટી મોટી પેટીઓ ઊંચકીને સીડી પર ગોઠવવા લાગ્યા.
‘બાબા, જો સીડીનો માર્ગ બંધ થઈ જશે તો આપણે બંકરમાંથી બહાર કેવી રીતે નીકળીશું ?’ રેશમાએ ગભરાટભર્યા અવાજે પૂછ્યું.
‘એની ચિંતા તું ન કર.’ નાસીરખાન બેફિકરાઈથી બોલ્યો, ‘બંકરમાંથી બહાર નીકળવા માટે પાછળના ભાગે એક ગુપ્ત માર્ગ છે. આ ગુપ્ત માર્ગ વિશે માત્ર હું જ જાણું છે. આપણે બધાં એ માર્ગેથી બહાર પહોંચી જઈશું.’ ત્યાર બાદ એણે પેટીઓ ઊંચકીને સીડી પર ગોઠવી રહેલા ત્રાસવાદીઓને સંબોધતાં ઊંચા અવાજે કહ્યું, ‘તમે લોકો જલદી કામ પતાવો. સૈનિકો કોઈ પણ પળે ઉપરની ઝૂપડીમાં પહોંચી શકે તેમ છે.’
ત્રાસવાદીઓ ઝપાટાબંધ કામે લાગી ગયા.
પેટીઓનો ઢગલો સીડીઓ પર ગોઠવતો જતો હતો.
શસ્ત્રોના પણ મોટા મોટા ઢગલા બંધાઈ ગયા હતા.
બીજી તરફ નવ સૈનિકો સાથે દિલીપ સાવચેતીથી ઝૂંપડી તરફ આગળ વધતો હતો.
કોઈ પણ અણધાર્યા હુમલાનો જવાબ આપવા માટે બધા એકદમ સજાગ હતા. દિલીપ સૌની આગળ હતો.
ઝૂંપડીથી પચીસ-ત્રીસ ડગલાંના અંતરે પહોંચીને તેઓ થંભી ગયા.
ચારે તરફ અંધકાર છવાયેલો હતો.
‘તમે બધા એક વાત બરાબર સમજી લો.’ દીલીપ પોતાના સાથીદારોને ઉદ્દેશીને ધીમા અવાજે બોલ્યો, ‘આપણે ખૂબ જ સાવચેતીથી ઝુંપડીમાં પ્રવેશવાનું છે. ત્યાં ત્રાસવાદીઓ મોજૂદ હોઈ શકે છે. સૌથી પહેલાં ચાર જણે આગળ છલાંગ લગાવીને ઝૂંપડીમાં દાખલ થવાનું છે. જો અંદરથી અમારા કોઈ પર હુમલો થાય તો બાકીનાઓએ બહારથી જ ફાયરીંગ કરીને અમને સાઠ આપવાનો છે. ઓ.કે. ?’
‘જી...’
‘તમારા માંથી લાંબી છલાંગ લગાવી શકતા હોય એવા ચાર જણ આગળ આવી જાવ.’
તરત જ ચાર સૈનિકો દિલીપની આજુબાજુમાં ઊભા રહી ગયા. તેમાં બ્રિગેડિયર જશપાલસિંઘ પણ હતો.
‘તમે લોકો લાંબી છલાંગ લગાવી શકો છો ?’ દિલીપે પૂછ્યું.
‘હા, મિસ્ટર દિલીપ !’ જશપાલસિંધે કહ્યું, ‘અમે લોકો કમ સે કમ પંદર-વીસ ફૂટ લાંબી છલાંગ લગાવી શકીએ એમ છીએ.’
‘વેરી ગુડ ! તો તમે લોકો મારી સાથે વીસ ડગલાં આગળ વધો.’
ચારેય દિલીપ સાથે વીસ ડગલાં આગળ વધીને અટકી ગયા.
ત્રાસવાદીઓના કાળા વસ્ત્રો અંધકારમાં છુપાવામાં તેમને ખૂબ જ મદદરૂપ થતાં હતાં.
ઝૂંપડીનો દરવાજો હવે બરાબર તેમની સામે હતો.
‘તમે લોકો તૈયાર છો ને ?’
‘હા, મિસ્ટર દિલીપ.’
‘એક વાતનું ખાસ ધ્યાન રાખજો.’ દિલીપ ધીમેથી બોલ્યો, ‘આપણે એક ઝાટકે ઝૂંપડીમાં પ્રવેશવાનું છે અને અંદર પ્રવેશતાં જ જે કોઈ સામે આવે તેને લગીરે અચકાયા વગર ગોળી ઝીંકી દેવાની છે. તમારી રાઈફલો તૈયાર રાખજો.’
‘ઓ.કે.’
ત્યાર બાદ તેમણે તોપમાંથી છૂટેલા ગોળાની માફક ઝૂંપડીની દિશામાં છલાંગ લગાવી.
બધા ધડાધડ ઝૂંપડીમાં જઈ પડ્યા અને પડતાંવેંત સ્ફૂર્તિથી ઊભા થઈને ચારે તરફ ફરી વળ્યા.
પરંતુ ઝૂંપડીમાં અંધકાર સિવાય કશું જ નહોતું.
દિલીપ દોડીને ઝૂંપડીના પાછળના ભાગમાં પહોંચ્યો. ત્યાં પણ ઘેરો સન્નાટો છવાયેલો હતો.
આ દરમિયાન જશપાલસિંઘ ઝૂંપડીની દીવાલમાં લટકતી એક મશાલ પ્રગટાવી ચૂક્યો હતો. હવે ત્યાં મશાલનું અજવાળું પથરાઈ ગયું હતું.
‘અહીં તો કોઈ નથી, મિસ્ટર દિલીપ.’ એક સૈનિકે અચરજભર્યા અવાજે કહ્યું, ‘આ ઝૂંપડીમાં જે ડોશી રહેતી હતી એ પણ ક્યાંય નથી દેખાતી.’
‘આપણે તાલીમકેન્દ્ર વિશે જાણી ચૂક્યા છીએ એ વાતની ત્રાસવાદીઓને ગંધ આવી ગઈ લાગી છે.’
‘તમે સાચું કહો છો, મિસ્ટર દિલીપ. ચોક્કસ એમ જ બન્યું હોવું જોઈએ.’
દિલીપ સૈનિક સાથે વાત કરતો હતો એ દરમિયાન જશપાલસિંઘે બહાર ઊભેલા સૈનિકોને અંદર બોલાવી લીધા હતા.
‘આ ઝૂંપડીમાંથી બંકરમાં જવાનો માર્ગ ક્યાં હશે ?’
‘આટલામાં જ ક્યાંક હોવો જોઈએ.’ દિલીપ બોલ્યો, ‘નીચેની જમીન ધ્યાનથી ચેક કરો.’
બધા સૈનિકો ઝૂંપડીની ફર્શનું નિરીક્ષણ કરવા લાગ્યા.
‘આ જુઓ..’ સહસા એક સૈનિકે ઊંચા અવાજે કહ્યું, ‘અહીં એક તખ્તો છે. જરૂર આ તખ્તાની નીચે બંકરમાં જવાનો માર્ગ હોવો જોઈએ.’
દિલીપે સ્ફૂર્તિથી આગળ વધીને તખ્તો એક તરફ ખસેડ્યો. નીચે બંકરમાં જવાનાં પગથિયાં તેને દેખાયાં. પરંતુ અત્યારે છેક ઉપર સુધી પગથિયાં પર લાકડાની મજબૂત પેટીઓ ગોઠવેલી હતી. દિલીપે પેટીઓ ખસેડવાનો પ્રયાસ કર્યો પણ એ પોતાના સ્થાનેથી સહેજ પણ આઘીપાછી ન થઈ. પેટીઓ મજબૂત લાકડાની હતી અને તેને એકબીજાની ઉપર ચસોચસ ગોઠવવામાં આવી હતી.
‘એ પેટીઓને ખસેડવાનો હવે એક ઉપાય છે.’ છેવટે દિલીપ ઊભો થતાં બોલ્યો.
‘શું ?’
‘હેન્ડગ્રેનેડ બોમ્બ.’ આપણે હેન્ડગ્રેનેડ બોમ્બનો ઉપયોગ કરવો પડશે.’
‘ઉપાય ઉત્તમ છે.’ જશપાલસિંઘે પ્રસંશાભરી નજરે દિલીપ સામે જોતાં કહ્યું.
આદેશ મળતાં જ ત્રણ-ચાર સૈનિકોએ પોતપોતાના હાથમાં હેન્ડગ્રેનેડ બોમ્બ લઈ લીધા.
તેઓ પૂરી તૈયારી સાથે જ આવ્યા હતા.
‘બાકીના લોકો પાછળ ખસી જાય.’
જે સૈનિકો પાસે બોમ્બ નહોતા એઓ પાછળ ખસી ગયા.
એ જ વખતે બે હેન્ડગ્રેનેડ બોમ્બ પેટીઓ સાથે અથડાઈને પ્રચંડ ધડાકા સાથે ફાટ્યા.
રાતના સન્નાટામાં દૂર દૂર સુધી વિસ્ફોટનો અવાજ ગુંજ્યો.
થોડી પળો માટે ઝૂંપડી સહિત આજુબાજુની જમીન પણ ધ્રૂજી ઉઠી.
દિલીપના સંકેતથી એક સૈનિકે પુનઃ બે બોમ્બ એ જ સ્થળે ઝીંક્યા.
જાણે ધરતીકંપનો જોરદાર આંચકો લાગ્યો હોય એમ સમગ્ર વાતાવરણ ખળભળી ઊઠ્યું.
તખ્તાની નીચે ગોઠવેલી લાકડાની પેટીઓના ભુક્કા બોલી ગયા હતા.
હવે બંકરમાં શું બન્યું એ જોઈએ.
રાતના બાર વાગ્યા હતા. બંકરમાં જબરદસ્ત કોલાહલ વ્યાપેલો હતો.
સૈનિકોના આગમનથી ત્રાસવાદીઓના હોશ ઊડી ગયા હતા.
નાસીરખાન પહેલાની જેમ જ બગલઘોડી ઠકઠકાવતો દોડાદોડી કરતો હતો.
હેન્ડગ્રેનેડ બોમ્બ ફૂટવાના ધડાકા એના કાન સુધી પણ પહોંચ્યા હતા.
એ જ વખતે એક ત્રાસવાદી તેની પાસે દોડી આવ્યો. એનો ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો અને જાણે દોડવાની રેસમાં ભાગ લઈને આવ્યો હોય તેમ હાંફતો હતો.
‘શું થયું...?’ નાસીરખાને પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું, ‘આ ધડાકા શેના થયા હતા?’
‘બાબા....!’ આગંતુક ત્રાસવાદી હાંફતા અવાજે બોલ્યો, ‘ભારતીય સૈનિકો ઉપર ઝૂંપડીમાં આવી ચૂક્યા છે અને હવે તેઓ સીડીના માર્ગેથી નીચે આવવા માટે હેન્ડગ્રેનેડ બોમ્બથી લાકડાની પેટીઓનો નાશ કરે છે.’
‘ઓહ...તો પછી જલદી નીકળો અહીંથી ! ફટાફટ હથિયારોનાં બંડલ ઊંચકી લો.’ વાત પૂરી કર્યા બાદ નાસીરખાને પળનોય વિલંબ કર્યા વગર બન્કારના પાછળના ભાગ તરફ દોટ મૂકી.
હેન્ડગ્રેનેડના વિસ્ફોટથી બંકરમાં ભયનું મોજું ફરી વળ્યું હતું.
વિસ્ફોટ બાદ તરત જ સીડી પર ગોઠવેલી લાકડાની પેટીઓ ધડાધડ નીચે પડવા લાગી.
ત્રાસવાદીઓ હથિયારોનાં મોટાં બંડલો ઊંચકીને બંકરના અંદરના ભાગમાં દોડી ગયા.
એ જ પળે દિલીપ કેટલાંય પગથિયાં વટાવીને નીચે બંકરમાં કુદ્યો. કૂદતાંવેંત જ એના હાથમાં જકડાયેલી રિવોલ્વર ગર્જી ઊઠી.એ સાથે જ હથિયારોનું બંડલ ઊંચકીને દોડી રહેલો એક ત્રાસવાદી ત્યાં જ ઢગલો થઈ ગયો. દિલીપની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી એની ગરદનના પાછળના ભાગમાં ચોંટી ગઈ.
દિલીપની પાછળ પાછળ જ સૈનિકો પણ બંકરમાં કૂદી પડ્યા અને આવતાંવેંત ત્રાસવાદીઓને નિશાન બનાવીને ગોળીઓ છોડવા લાગ્યા.
શૂટ એટ સાઈટ જેવાં દૃશ્યો ત્યાં સર્જાયાં હતાં.
એક પછી એક ત્રાસવાદીઓની લાશો ઢળવા લાગી, જેમાં વૃદ્ધ દોશીનો પણ સમાવેશ થતો હતો.
સમગ્ર બંકરમાં ખળભળાટ મચી ગયો.
થોડા ત્રાસવાદીઓએ દિલીપ તથા સૈનિકોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે સફળતા ન મળી.
‘કોઈ ન છટકવું જોઈએ.’ દિલીપ બંકરમાં આમતેમ દોડતો બૂમો પાડતો હતો.
બંકરમાં ધમાચકડી ચાલતી હતી ત્યારે પરવેઝ સિકંદર ભયભીત હાલતમાં પોતાના રૂમમાં બેઠો હતો. એ જ વખતે ધ્રૂજતી ધ્રૂજતી રેશમા ત્યાં આવી પહોંચી.
‘શું સમાચાર છે, રેશમા ?’ પરવેઝે ગભરાટભર્યા અવાજે પૂછ્યું.
‘સમાચાર ખૂબ જ ભયંકર છે, પરવેઝસાહેબ....!’ જવાબ આપતી વખતે રેશમાના ચહેરાનો રંગ પણ ફિક્કો પડી ગયો હતો, ‘આપણા જેહાદીઓ એક પછી એક મરતા જાય છે. તેઓને હથિયાર લઈને નાસી છૂટવામાં પણ સફળતા નથી મળી.’
‘અને બાબા ક્યાં છે...?’
‘બાબાનો પણ ક્યાંય પત્તો નથી.’
‘આ તો ભારે ઉપાધી થઈ.’ પરવેઝ ચિંતાતુર અવાજે બોલ્યો.
‘હા...’ રેશમાએ પણ એવા જ અવાજે કહ્યું, ‘બંકરમાંથી બહાર નીકળવાના ગુપ્ત માર્ગની માત્ર બાબાને જ ખાબે છે. બાબા સિવાય આ માર્ગ વિશે કોઈ જ નથી જાણતું.’
પરવેઝના કપાળ પર પડેલી ચિંતાની કરચલીઓ વધુ ઘેરી બની.
બહારથી લગાતાર ગોળીઓના ધડાકા સંભળાતા હતા. સાથે જ ચીસો પણ ગુંજતી હતી.
બંકરમાં મોતનું તાંડવ ખેલાય છે એ સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું.
‘ખુદા જાણે આજે શું થવા બેઠું છે !’ પરવેઝ બોલ્યો.
‘અત્યારે આપણે શું કરવાનું છે ?’
‘હાલતુરત તો મને એક જ ઉપાય દેખાય છે.’
‘શું?’
‘આપણે બંકરના પાછળના ભાગમાં પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. બાબા ત્યાં જ ક્યાંક હોય એ બનવાજોગ છે.ગુપ્ત માર્ગ બંકરનાં પાછલા ભાગમાં છે એમ તો તેઓ કહેતા હતા.’
‘ચાલો....તો હવે શું ઢીલ છે ?’
‘ચાલ...’
તેઓ દરવાજા તરફ ડગ માંડવા જતાં હતાં ત્યાં જ બહારથી ગુંજતો શોર એકદમ વધી ગયો.
‘સૈનિકો બંકરમાં છેક અંદર સુધી પહોંચી ગયા હોય એવું લાગે છે.’ રેશમાએ કહ્યું.
‘હું જોઉં છું...’ કહીને પરવેઝ દરવાજા તરફ આગળ વધ્યો.
એ જ વખતે બહારથી રૂમના દરવાજા પર ખૂબ જોરથી પ્રહાર થયો. પ્રહાર ખૂબ જ જોરદાર હતો. એક જ ઠોકરમાં દરવાજાની સ્ટોપર ઊખડીને દૂર જઈ પડી અને તીવ્ર વેગથી એના બંને પટ ઊઘડી ગયા.
વળતી જ પળે વંટોળીયાની જેમ હાથમાં રિવોલ્વર સાથે દિલીપ અંદર ધસી આવ્યો.
અંદર પ્રવેશતાં જ દિલીપના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી પરવેઝના લમણા સામે સ્થિર થઈ ગઈ.
‘ખબરદાર !’ એ કર્કશ અવાજે ચેતવણી ઉચ્ચારતાં બોલ્યો.
અલબત્ત, દિલીપથી એક ભૂલ જરૂર થઈ. એની નજર ડાબી તરફ ઊભેલી રેશમા પર નહોતી પડી. આમેય દિલીપ અંદર પ્રવેશ્યો કે તરત જ તે દરવાજાની ઓટ પાછળ છુપાઈ ગઈ હતી.
બહાર ગોળીઓની રમઝટ ચાલુ જ હતી.
દક્ષિણ દિશાએથી કર્નલ સુરેન્દ્ર ત્યાગીની ટુકડી પણ હવે બંકરમાં ઘુસી આવી હતી અને ત્રાસવાદીઓ પર તૂટી પડી હતી.
‘પરવેઝ !’ દિલીપ ધ્યાનથી પરવેઝના ચહેરા સામે જોતાં બોલ્યો, ‘મારું અનુમાન ખોટું ન હોય તો તું જ આ તાલીમકેન્દ્રનો મુખ્ય સૂત્રધાર પરવેઝ સિકંદર છે અને એક ભયંકર કાવતરું પાર પાડવા માટે તને પાકિસ્તાનથી અહીં મોકલવામાં આવ્યો છે.’
દિલીપને પોતાની સામે જોઈને પરવેઝ વ્યાકુળ થઈ ગયો. એણે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી.
‘જવાબ આપ,’ દિલીપે કર્કશ અવાજે પૂછ્યું, ‘તું જ પરવેઝ સિકંદર છો ને...?’
‘હા..’
‘પાકિસ્તાની જાસૂસ પરવેઝ સિકંદર ?’
‘હા, એ જ..’
દિલીપ બે ડગલાં આગળ વધ્યો.
એ જ વખતે દિલીપને સહેજ બેદરકાર માનીને પરવેઝે ત્યાં પડેલી એ.કે. ૪૭ એસોલ્ટ રાઈફલ તરફ છલાંગ લગાવી.
પરંતુ અહીં જ તે થાપ ખાઈ ગયો.
દિલીપ સહેજ પણ બેદરકાર નહોતો.
એના જેવો ધુરંધર જાસૂસ આવા નાજુક સમયે બેદરકાર રહે પણ નહીં.
પરવેઝ રાઈફલને અડકે એ પહેલાં જ દિલીપનો હાથ હવામાં લહેરાયો અને રિવોલ્વરની નળી એના મોં પર ઝીંકાઈ.
પરવેઝના મોં માંથી ચીસ સારી પડી. એનું માથું જોરથી દીવાલ સાથે અથડાયું અને તે નીચે પડતો પડતો રહી ગયો.
દિલીપ બીજો પ્રહાર કરે એ પહેલાં જ એણે પાછળથી પોતાના લમણા પર કોઈક વસ્તુનો સ્પર્શ અનુભવ્યો. રાઈફલની નળી એના લમણાને સ્પર્શતી હતી.
દિલીપના દેહમાં ઠંડી ધ્રૂજારી ફરી વળી. એ થંભી ગયો.
જ્યારે પરવેઝ પોતાની બધી પીડા ભૂલીને ખડખડાટ હસતો હતો.
‘તારો ખેલ ખતમ થઈ ગયો છે, દિલીપ !’ એણે હસતાં હસતાં કહ્યું.
દિલીપે ધીમેથી ગરદન ફેરવીને પાછળ જોયું.
પાછળ હાથમાં રાઈફલ સાથે એક ખૂબસૂરત કાશ્મીરી યુવતીને જોઈએ તે એકદમ ચમક્યો. એણે તરત જ ઘેટાં-બકરાંના ટોળાવાળો બનાવ યાદ આવી ગયો. આ યુવતી જ તેમણે ચરાવવા લઈ જતી હતી.
‘ત...તું ?’ દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.
‘તો તમે મને ઓળખી જ લીધી, એમ ને મિસ્ટર દિલીપ !’ રેશમા એના લમણા પર રાઈફલની નળી ગોઠવીને કર્કશ અવાજે બોલી, ‘પરંતુ એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો. મારું નામ રેશમા છે. હું ઘેટાં-બકરાં ચરાવવાની સાથે સાથે આધુનિક શસ્ત્રો પણ ચલાવી જાણું છું. મારું નિશાન પણ અચૂક છે એટલે કોઈ જાતની ચાલબાજી રમવાનો પ્રયાસ કરશો નહીં.’
રેશમાના અવાજમાં કઠોરતા પરથી જ દિલીપ સમજી ગયો કે તે જે કંઈ કહે છે એ કરી બતાવવામાં સહેજેય નહીં ખમચાય.
‘તમારી રિવોલ્વર ફેંકી દો.’ રેશમાના અવાજમાં આ વખતે આદેશનો સૂર હતો.
દિલીપે ચૂપચાપ એના આદેશનું પાલન કરીને પોતાની રિવોલ્વર નીચે ફેંકી દીધી.
પરવેઝે તરત જ દિલીપની રિવોલ્વર કબજે કરી લીધી એટલું જ નહીં, પોતાની રાઈફલ પણ ઊંચકી લીધી.
હવે એની રાઈફલ દિલીપ સામે તકાયેલી હતી.
જ્યારે રેશમાએ દિલીપના લમણા પરથી પોતાની રાઈફલ ખસેડી લીધી હતી.
‘પરવેઝસાહેબ !’ એણે કહ્યું, ‘તમે દિલીપને અહીં જ પકડી રાખો...ત્યાં સુધીમાં હું બહાર જઈને બાબાની તપાસ કરી આવું છું.’
‘ઠીક છે’
રેશમા નચિંત બનીને બહાર નીકળી ગઈ.
રૂમમાં દિલીપ તથા પરવેઝ બે જણ જ રહ્યા હતા.
આખા બંકરમાં હજુ પણ ધમાચકડી ચાલુ હતી. ગોળીઓ છૂટતી હતી અને ચીસો ગુંજતી હતી.
મોતનું તાંડવ પૂર્વવત રીતે ચાલુ હતું.
‘તું એક વાત બરાબર સમજી લે, પરવેઝ !’ રેશમાના ગયા પછી દિલીપ પરવેઝ સામે જોતાં બોલ્યો. અત્યારે એના ચહેરા પર લેશમાત્ર ભય કે ગભરાટ નહોતો, ‘તારું આં મિશન કોઈ સંજોગોમાં સફળ નહીં થાય. કમ સે કમ હું છું ત્યાં સુધી તો કોઈ પણ ભોગે પાર નહીં પડે. પાકિસ્તાનની સરકાર અહીં કાશ્મીરમાં ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે કેન્દ્રો ખોલવાનું સપનું જુએ છે, એ સપનું માત્ર સપનું જ રહી જશે. આ ધરતી પર ત્રાસવાદીઓને તાલીમ ક્યારેય નહીં અપાય. તમે ભયનું જે સામ્રાજ્ય ફેલાવવાનું સપનું જુઓ છો તે કદાપિ નહીં ફેલાય.’
દિલીપની વાત સાંભળીને એકાએક પરવેઝના ગળામાંથી બુલંદ અટ્ટહાસ્ય નીકળ્યું. ત્યાર બાદ એકાએક એણે દિલીપના ખભા પર રાઈફલની નળીનો પ્રહાર કર્યો અને પછી ઝેરી સાપના ફૂંફાડા જેવા અવાજે કહ્યું, ‘મૂરખ માણસ, અમારા એક તાલીમકેન્દ્રનો નાશ કરવાથી પાકિસ્તાની સરકાર આ જંગ બંધ કરી દેશે એમ તું મને છે ? એક કેન્દ્રનો ખાત્મો બોલાવવાથી પાકિસ્તાનની આ જેહાદને તું નિષ્ફળ કરી નાખીશ એવા ભ્રમમાં તું રાંચે છે ? ના, બિલકુલ નહીં ! કોઈ સંજોગોમાં આ જંગ બંધ નહીં થાય. સાચી વાત તો એ છે કે તારો અંતિમ સમય આવી ગયો છે.. તું છો ત્યાં સુધી આ મિશન પાર નહીં પડે એમ તેં કહ્યું હતું, ખરું ને ? ઠીક છે તો પછી સૌથી પહેલાં હું તને જ જહન્નમમાં પહોંચાડું છું.’
વાત પૂરી કર્યા બાદ એણે રાઈફલના ટ્રિગર પર આંગળી મૂકી.
પરંતુ તે ટ્રિગર દબાવે એ પહેલાં જ જોરથી દરવાજો ઉઘાડીને કોઈક અંદર આવ્યું.
પળભર માટે પરવેઝનું ધ્યાન ભંગ થયું.. એણે પીઠ ફેરવીને દરવાજા તરફ જોયું.
આવનાર રેશમા હતી.
પરંતુ ધ્યાનભંગ થયેલી એક પળમાં જ પરવેઝના માથા પર જાણે આભ તૂટી પડ્યું.
દિલીપના લંબાયેલા પગની વજનદાર લાત સ્ટીમરોલરના તોતિંગ પ્રહારની જેમ એની છાતી પર ઝીંકાઈ.
પરવેઝના મોંમાંથી ચીસ સરી પડી.
એ જ વખતે દિલીપે પાછળ પગ લંબાવીને રેશમાને પણ એક લાત ઝીંકી દીધી.
રેશમાના કંઠમાંથી કાળજગરી ચીસ નીકળી ગઈ. એના હાથમાંથી રાઈફલ છટકી ગઈ.
એ તરત જ પીડાને ગણકાર્યા વગર પીઠ ફેરવીને ત્યાંથી નાસી છૂટી.
આ દરમિયાન દિલીપે પોતાની હેટમાં છુપાવેલી રિવોલ્વર ખેંચી કાઢી. હવે એની રિવોલ્વરની નળી પરવેઝના કપાળ સામે નોંધાયેલી હતી. આ બધું આંખના પલકારામાં જ બની ગયું હતું.
પળભરમાં જ બાજી પલટાઈ ગઈ હતી.
થોડી પળો પહેલાં દિલીપને મોતને ઘાટ ઉતારવાની વાત કરનારો પરવેઝ પોતે હવે મોતના કારમા ભયથી કંપતો હતો.
દિલીપના રૂપમાં તે અત્યારે સાક્ષાત યમદૂતનાં દર્શન કરતો હતો.
એ ભય, ખોફ અને દહેશતથી દિલીપના ચહેરા સામે તાકી રહ્યો હતો.
એના કપાળ પર જામેલાં પરસેવાનાં બિંદુઓ સપષ્ટ રીતે જોઈ શકાતાં હતાં.
થોડી પળો પહેલાંની એની હેકડી કોણ જાણે ક્યાં ઉડનછૂ થઈ ગઈ હતી.
‘તારી રાઈફલ નીચે ફેંક.’ દિલીપ જોરથી તાડૂક્યો.
દિલીપના આદેશનું પાલન કર્યા વગર પરવેઝને છૂટકો નહોતો.
એણે રાઈફલ પોતાના હાથમાંથી છૂટી મૂકી દીધી.
રાઈફલ ‘ટન’ અવાજ સાથે જમીન પર જઈ પડી.
‘હું તને એક વણમાંગી સલાહ આપું છું, પરવેઝ !’ દિલીપ બોલ્યો.
પરવેઝે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
‘દુશ્મનને ક્યારેય કમજોર ન માનવો.’ દિલીપે કહ્યું, ‘જો દુશ્મનને ગોળી જ ઝીંકવી હોય તો તાબડતોબ ઝીંકી દેવી. તેં મને જેટલી તક આપી એટલી તક પણ ન આપવી જોઈએ. ક્યારેક પળભરમાં જ બાજી પલટાઈ જાય છે, સમજ્યો ?’
પરવેઝ ચૂપ રહ્યો.
દિલીપની વાત પણ મુદ્દાની હતી.
પરવેઝની પળભરની બેદરકારીએ તેની બાજી ઊંધી વાળી દીધી હતી.
‘ચાલ, પીઠ ફેરવ !’ દિલીપે એક વધુ હુકાર માર્યો.
પરવેઝે એના હુકમનું પાલન કર્યું.
વળતી જ પળે દિલીપે રિવોલ્વરને નળી તરફથી પકડીને એની મૂઠનો ફટકો પૂરી તાકાતથી પરવેઝના માથા પર ઝીંકી દીધો.
પરવેઝ મોંમાંથી ચિત્કાર કરતો બેભાન થઈને ઢળી પડ્યો.
દિલીપે એના ગજવામાંથી પોતાની રિવોલ્વર કાઢીને પુનઃ પોતાની હેટમાં છુપાવી.
ત્યાર બાદ પરવેઝના બેભાન દેહને પોતાના ખભા પર ઊંચકીને તે દરવાજા તરફ આગળ વધી ગયો.
***********