૪ ત્રાસવાદીઓનું બંકર
તે આશરે એક કિલોમીટરના વિશાલ ક્ષેત્રફળમાં ફેલાયેલું ખૂબ જ મોટું બંકર હતું. આ બંકર જ ત્રાસવાદીઓ માટેનું તાલીમકેન્દ્ર હતું. ત્રાસવાદીઓએ ખૂબ જ મહેનતથી ‘ટાઈગર હિલ’ની નીચે ભૂગર્ભમાં આ બંકર બનાવ્યું હતું. બંકર એકદમ સલામત હતું.
‘ટાઈગર હિલ’ પાસે જ એક ઝૂંપડી હતી, જેમાં સુરદાસ વૃદ્ધા રહેતી હતી. એ ઝૂંપડીમાંથી જ વાસ્તવમાં બંકરમાં આવવા-જવાનો માર્ગ હતો. ઝૂંપડી બે ભાગમાં વહેંચાયેલી હતી. પાછલા ભાગમાં આવેલ લાકડાની એક સીડી નીચે બંકર સુધી પહોંચતી હતી. ત્રાસવાદીઓ આ સીડી મારફત જ આવ-જા કરતાં હતા.
બહારથી સુરદાસ દેખાતી એ વૃદ્ધા વાસ્તવમાં સુરદાસ નહોતી, એ માત્ર સુરદાસ હોવાનું નાટક જ કરતી હતી અને ત્રાસવાદીઓની સહયોગી હતી. સૈનિકો પણ તેને સુરદાસ માનીને ક્યારેક એના પર શંકા નહોતા કરતા.
અત્યારે આખા તાલીમકેન્દ્રમાં એક વિચિત્ર ગંધ ફેલાયેલી હતી. આ ગંધ ગનઓઈલની હતી અને હથિયારોની સાફસૂફીને કારણે ઉત્પન્ન થઈ હતી.
તાલીમકેન્દ્રમાં થોડા થોડા અંતરે ટેબલો ગોઠવેલાં હતાં જેના પર શસ્ત્રો પડ્યાં હતાં. જેમાં સેંકડો રાઈફલો, રિવોલ્વરો, મશીનગનો ઉપરાંત હેન્ડ ગ્રેનેડ તથા સ્મોક બોમ્બનો સમાવેશ થતો હતો. આ સિવાય થોડાં એન્ટી રોકેટ લોન્ચર તથા પોઈન્ટ પંચાવનની એન્ટી ટેંક રાઈફલો પણ હતી.
સામે એક ગેલેરીમાં થોડા થોડા અંતરે માણસના આકારનાં પૂતળાં ગોઠવેલાં હતાં.
અત્યારે સત્તર-અઢાર વર્ષના યુવાનો હાથમાં રાઈફલ લઈને એ પૂતળાં પર નિશાનાબાજીની પ્રેક્ટિસ કરતા હતા.
થોડે દૂર અમુક યુવાનો બોમ્બ બનાવવાની તથા બોમ્બને નિષ્ક્રિય કરવાની તાલીમ લેતા હતા.
એક સ્થળે તેમણે પોલીસ અથવા તો લશ્કરની ચુંગાલમાં સપડાયા પછી ત્યાંથી કેવી રીતે સહીસલામત છટકી જવું એની તરકીબો જણાવવામાં આવતી હતી.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે અત્યારે માસૂમ દેખાતા એ યુવાનોને જોરશોરથી ‘ત્રાસવાદી’ બનવાની તાલીમ અપાતી હતી.
અને આ બધું કામ તેમના રિંગલીડર પરવેઝ સિકંદરની દેખરેખ હેઠળ થતું હતું.
પરવેઝ સિકંદર કે જેણે પાકિસ્તાનથી આવતાંવેંત પોતાનું કામ શરૂ કરી દીધું હતું.
પરવેઝ આશરે પાંત્રીસેક વર્ષનો, વાંકડિયા વાળ તથા મજબૂત શારીરિક બાંધો ધરાવતો યુવાન હતો..એની આંખો માંજરી હતી. તે એક નંબરનો અય્યાશ માણસ હતો. એના ચહેરાની એક એક રેખાઓમાંથી અય્યાશી ટપકતી હતી.
અત્યારે પરવેઝ તાલીમકેન્દ્રમાં જ છ યુવાનોને એકસાથે બારુદી સુરંગ પાથરવાની તાલીમ આપતો હતો.
‘એક વાત તમે લોકો બરાબર સમજીને તમારા ભેજામાં ઉતારી લો.’ પરવેઝનો બુલંદ અવાજ તાલીમકેન્દ્રમાં ગુંજતો હતો, ‘કોઈ પણ મોટી ઘટના પાર પાડવા માટે બારૂદી સુરંગ ખૂબ જ ઉપયોગી નીવડે છે.ઘડીભર માટે માની લો કે તમારે કોઈ નેતા અથવા તો મોટા માથાને મોતને ઘાટ ઉતારવો હોય તો બારૂદી સુરંગના માધ્યમથી આ કામ ખૂબ જ સરળતાથી થઈ શકે છે અને તેમાં બહુ મોટું જોખમ પણ નથી રહેતું. તમારે બસ એટલું જ કરવાનું છે—જે માર્ગેથી નેતા કે ‘મોટા માથા’ નો કાફલો પસાર થવાનો હોય એ માર્ગની નીચે બારુદી સુરંગ પાથરીને કાફલો સ્થળે પહોંચે એટલે તરત જ વિસ્ફોટનું બટન દબાવી દેવાનું.’
છયે યુવાનો પૂરી એકાગ્રતાથી પરવેઝની વાત સાંભળતા હતા.
‘પરંતુ બારૂદી સુરંગ પાથરતી વખતે અમુક વાત ખાસ ધ્યાનમાં રાખજો.’ પરવેઝ બોલ્યો, ‘બારૂદી સુરંગમાં હંમેશાં ખૂબ જ શક્તિશાળી વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ. જે કારમાં દુશ્મન સફર કરતો હોય, તેના કાર સહિત ફુરચા ઊડી જાય એટલો શક્તિશાળી વિસ્ફોટક હોવો જોઈએ.
બીજું, બારૂદી સુરંગ સડકમાં ઓછામાં ઓછું અડધો ફૂટ પાથરીને તેના પર પ્લાસ્ટિકનું આવરણ ચડાવી દેવું જરૂરી છે.કાફલો પસાર થયા પહેલાં સિક્યોરીટી ગાર્ડસ મેટલ ડિટેકટરથી ચેકિંગ કરે તો પણ બારૂદી સુરંગ પર પ્લાસ્ટિકનું આવરણ હોવાને કારણે તે મેટલ ડિટેકટરમાં નહીં પકડાય. પ્લાસ્ટિકનું આવરણ મેટલ ડિટેકટરની ફ્રિકવન્સીને બારૂદના કણો સુધી પહોંચતું અટકાવે છે.આ કારણસર બારૂદી સુરંગ પર પ્લાસ્ટિકનું આવરણ ઢાંકવું જરૂરી છે
‘ઓહ...!’
‘હવે ત્રીજી વાત સાંભળો...!’ પરવેઝનો અવાજ ગંભીર હતો, ‘પહેલી બંને વાતો કરતાં આ વાત વધુ મહત્વની છે. બારૂદી સુરંગને ઉડાડવા માટે હંમેશાં અત્યંત શક્તિશાળી રિમોટકંટ્રોલનો ઉપયોગ કરવો. રિમોટકંટ્રોલ બરાબર ચાલે અને અણીના સમયે દગો ન કરે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.’
‘જી, સર...!’
‘બારૂદી સુરંગ કેવી રીતે બનાવવી એ હવે હું તમને સમજાવું છું.’
યુવાનો એકદમ સજાગ થઈ ગયા.
‘નંબર ત્રણ..!’ પરવેઝે એક યુવાનને બૂમ પાડી.
તરત જ એક યુવાન આગળ વધીને પરવેઝની સામે ઊભો રહ્યો.
‘યસ સર..!’ એણે તત્પર અવાજે કહ્યું.
‘સૌથી પહેલાં તારે જ બારૂદી સુરંગ તૈયાર કરીને તેમાં આગ લગાવવાની છે.’ પએવેઝ બોલ્યો.
‘અ..આગ..’
‘હા...તારે તારા હાથેથી જ આગ લગાવવાની છે.’
ત્રણ નંબરધારી યુવાનના હોશ ઊડી ગયા.
મોતનો કારમો ભય સ્પષ્ટ રીતે એની આંખોમાં ડોકિયાં કરવા લાગ્યો.
‘આ...આ અપ શું ક્હો છો સર...?’ એ કંપતા અવાજે બોલ્યો, ‘જો હું બારૂદી સુરંગમાં આગ ચાંપીશ તો સુરંગની સાથે સાથે મારા પણ ફુરચા ઊડી શકે તેમ છે. હું મરી જઈશ.’
વળતી પાળે જ પરવેઝની આંખોમાં દુનિયાભરની કઠોરતા ઊતરી આવી.
જાણે નજર વડે જ સળગાવીને રાખ કરી મુકવો હોય એ રીતે તે યુવાન સામે તાકી રહ્યો.
‘તું મોતથી ડરે છે...?’ એણે કર્કશ અવાજે પૂછ્યું.
‘મોતથી કોણ નથી ડરતું, સર...?’
યુવાનની વાત પૂરી થતાં જ પરવેઝના હાથમાં બેહદ સ્ફૂર્તિથી રિવોલ્વર ચમકવા લાગી અને વળતી જ પળે તેમાંથી આગનો લીસોટો વેરતી ભીષણ શોર મચાવતી એક ગોળી છૂટીને યુવાનની છાતીમાં ઉતરી ગઈ.
આખા તાલીમકેન્દ્રમાં ગોળી છૂટવાનો ધડાકો ગુંજી ઊઠ્યો.
યુવાન ચીસ નાખતો પીઠભેર ઊથલી પડ્યો. એની છાતીમાંથી લોહીનો ફુવારો ઉડતો હતો.
એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
સૌ આ બનાવથી સ્તબ્ધ થઈ ગયા.
તાલીમકેન્દ્રમાં ચાલતી બધી કાર્યવાહી થોડી પળો માટે બંધ પડી ગઈ.
******
‘નાસીરખાન...! ઉમર આશરે સાઠ વર્ષ...! રુ જેવા સફેદ વાળ પરંતુ લાલિમાભર્યો ચહેરો તથા તંદુરસ્ત દેખાવ ધરાવતો આધેડ...! અલબત્ત, ત્રાસવાદી ગતિવિધિને
કારણે એક વખત એના જમણા પગમાં ગોળીઓ વાગતાં તેને પગ ગુમાવવો પડ્યો હતો અને પરિણામે ચાલવા માટે તે બગલઘોડીનો ઉપયોગ કરતો હતો. તે કાશ્મીરના એક ત્રાસવાદી સંગઠનનો મોટો લીડર હતો.
નાસીરખાનનું બસ એક જ સપનું હતું – કાશ્મીરની આઝાદી !
કાશ્મીરનું પોતાનું અલગ અસ્તિત્વ !
નાસીરખાન પણ અત્યારે ત્યાં જ બેઠો હતો.
‘આ આઝાદીનો જંગ છે !’ યુવાનોને ગોળી ઝીંક્યા પછી પરવેઝ જોરથી બરાડ્યો, ‘આ જંગમાં જેઓ મોતથી ડરતા હોય...જેમના મનમાં રજમાત્ર પણ ગભરાટ હોય, એવા લોકો માટે કોઈ સ્થાન નથી. દોસ્તો...આપણી જિંદગીનો પ્રથમ અને અંતિમ મકસદ એકમાત્ર કાશ્મીરની આઝાદીનો જ છે. આ આઝાદી મેળવવા માટે ભલે આપણે ગમે તેટલો ભોગ આપવો પડે. ગમે તેટલું લોહી રેડવું પડે. આ જંગ ખાતર જરૂર પડ્યે પોતાના પ્રાણ આપી શકે અને દુશ્મનોના પ્રાણ લઈ શકે, એવા બહાદુર તથા હિંમતવાન સિપાહીઓની આપણને જરૂર છે. બોલો...તમારામાંથી કોઈને મોતનો ભય લાગતો હોય તો કહી નાખો.’
સૌ ચૂપ રહ્યા.
‘જો તમારામાંથી કોઈ મોતથી ડરતું હોય તો સામે આવી જાય.’ પરવેઝ જોરથી બરાડ્યો.
પરંતુ કોઈ આગળ ન આવ્યું.
બધા પોતપોતાના સ્થાને ઊભા રહ્યા.
આગળ આવે પણ ક્યાંથી ?
ત્રણ નંબરધારી યુવાનનો અંજામ તેઓ જોઈ ચૂક્યા હતા.
‘તમે બધા મારી એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો.’ પરવેઝ હાથમાં રહેલી રિવોલ્વરને આમતેમ લહેરાવતાં, એક એક શબ્દ પર ભાર મૂકીને બોલ્યો, ‘જંગ હંમેશાં બહાદુર લોકો જ જીતે છે. કાયર અને ડરપોક માણસની ફોજ બનાવીને ક્યારેય કોઈ મિશનમાં સફળતા નથી મેળવી શકાતી. કોઈ વી.આઈ.પી. નું ખૂન કરવાની યોજના બનાવવાનું અથવા તો તેને પોઈન્ટ બ્લેન્ક શૂટ કરવાની વાત વિચારવાનું ખૂબ જ સરળ છે, પરંતુ આ યોજનાનો અમલ કરવો એટલો જ મુશ્કેલ છે. જે યોદ્ધાને પોતાના મોતની બિલકુલ પરવાહ ન હોય...કોઈનું ખૂન કરતાં જેનો હાથ સહેજ પણ ન ધ્રૂજે, એ જ આવી યોજનાનો અમલ કરીને વિજય મેળવી શકે છે. બોલો, હવે કોઈને કંઈ પૂછવું છે ?’
આખા તાલીમકેન્દ્રમાં સ્મશાનવત ખામોશી પથરાયેલી રહી.
કોઈએ કંઈ પૂછ્યું નહીં.
‘નંબર ચાર !’ પરવેઝે હવે ચાર નંબરધારી યુવાનને બૂમ પાડી.
એ તરત જ આગળ આવ્યો.
‘યસ સર..!’ એણે તત્પર અવાજે કહ્યું.
‘બારૂદી સુરંગ હવે તારે બનાવવાની છે.’ પરવેઝના અવાજમાં આદેશનો સૂર હતો.
‘હું તૈયાર છું, સર...!’ ચાર નંબરધારી યુવાને બુલંદ અવાજે કહ્યું.
‘બારૂદી સુરંગમાં તારે આગ પણ લગાવવાની છે.’
‘મને કંઈ વાંધો નથી સર.’
‘ગુડ.’
પરવેઝે રિવોલ્વરને ગજવામાં પાછી મૂકી દીધી. ત્યાર બાદ તે બારૂદી સુરંગ બનાવવાની પ્રક્રિયા સમજાવવા લાગ્યો. થોડે દુર બેઠેલો નાસીરખાન પરવેઝની તાલીમ આપવાની પદ્ધતિ નિહાળી રહ્યો હતો.
પરવેઝની તાલીમ આપવાની પદ્ધતિથી તેને પૂરેપૂરો સંતોષ હતો.
એ જ સાંજે બંકરના એક નાનકડા રૂમમાં નાસીરખાન તથા પરવેઝ સામસામે બેસીને ચા પીતા હતા.
નાસીરખાનની બગલઘોડી ત્યાં જ પડી હતી.
‘પરવેઝ....!’ નાસીરખાન પ્રશંસાભરી નજરે પરવેઝ સામે જોતાં બોલ્યો, ‘જ્યારથી તું અહીં આવ્યો છે, ત્યારથી છોકરાઓમાં એક નવું જોમ આવી ગયું છે. તેમનામાં પાર વગરનો ઉત્સાહ દેખાય છે. તારે કારણે જ હવે તેમણે સારી તાલીમ મળે છે એમ કહું તો જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય.’
‘એ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે બાબા...! માત્ર શરૂઆત જ છે.’ પરવેઝે ચાનો કપ ખાલી કરીને એક તરફ મુક્યા બાદ સ્મિત ફરકાવતાં કહ્યું, ‘જેહાદીઓને તાલીમ આપવાનું અસલી કામ તો જ્યારે તાલીમબદ્ધ કમાન્ડોઝ અહીં આવી જશે ત્યારે જ શરૂ થશે.ત્યારે આપ પોતે જ જોઈ લેજો....અહીં એવા એવા કાશ્મીરી જેહાદીઓ તૈયાર થશે કે જેઓ ભારતીય ફોજના છક્કા છોડાવી દેશે.’
નાસીરખાનને બધા ત્રાસવાદીઓ પ્રેમથી ‘બાબા’ કહીને જ બોલાવતા હતા.
‘ખુદા જાણે એ દિવસ ક્યારે આવશે....!’ નાસીરખાન એક ઉંડો શ્વાસ લેતાં બોલ્યો.
‘આપ બેફીકર રહો, બાબા. ટૂંક સમયમાં જ એ દિવસ આવી જશે.’
‘પરંતુ કમાન્ડોઝની ઘુસણખોરીનું કામ પણ તું માને છે એટલું સહેલું નથી.’ નાસીરખાને પણ પોતાનો કપ ખાલી કરીને એક તરફ મૂક્યો.એના ચહેરા પર નિરાશાનાં વાદળો ઘેરાયેલાં હતાં, ‘સરહદ પર કડક ચોકીપહેરો છે. લોખંડના તારની વાડ લગાવી દેવામાં આવી છે, એ તો તું જાણે જ છે. આ ઉપરાંત ભારતીય સૈનિકો હવે ખાઈઓ તથા બર્ફીલાં શિખરો પર પણ ચાંપતી નજર રાખે છે.’
‘હા...હું બધું જ જાણું છું. પરંતુ તેમ છતાંય કમાન્ડોઝની ઘૂસણખોરી થશે જ એમાં કોઈ બેમત નથી.’ પરવેઝના અવાજમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો.
‘પણ કેવી રીતે..?’ નાસીરખાનનાં અવાજમાં મૂંઝવણનો સૂર હતો.
‘બાબા...!’ કહેતાં કહેતાં અચાનક પરવેઝનો અવાજ એકદમ ધીમો થઈ ગયો, ‘આપની જાણ માટે સાંભળી લો કે પાકિસ્તાન સરકારે કમાન્ડોઝને ઘુસાડવાની યોજના બનાવી પણ લીધી છે.’
‘યોજના બનાવી લીધી છે..?’ નાસીરખાન નર્યા અચરજથી બોલી ઊઠ્યો, ‘શું વાત કરે છે...?’
‘હું સાચું જ કહું છું, બાબા...!’
‘યોજના શું છે?’
‘એ પણ કહું છું...’
બાબા ઉર્ફે નાસીરખાન યોજના સાંભળવા માટે એકદમ આતુર દેખાતો હતો.
‘બાબા, !’ પરવેઝનો અવાજ પૂર્વવત એકદમ ધીમો હતો, ‘જે દિવસે પાછા કમાન્ડોઝની ઘૂસણખોરી થવાની હશે, એ દિવસે સરહદની પેલે પારથી પાકિસ્તાની ફોજ ભારતની ફોજ પર બોમ્બમારો કરશે. એટલું જ નહીં, સરહદની આ પારથી પણ કાશ્મીરી જેહાદીઓ ભારતીય ફોજ પર ગોળીઓ વરસાવશે. ટૂંકમાં કહું તો ભારતીય ફોજ પર બંને તરફથી આક્રમણ થશે.’
‘પરંતુ આનાથી શું લાભ થશે...?’
‘બહુ મોટો લાભ થશે. બંને તરફના હુમલાથી ભારતીય ફોજનું ધ્યાન તેમાં રોકાઈ જશે અને આ તકનો લાભ લઈને ખાઈઓના માર્ગેથી પાકિસ્તાની કમાન્ડોઝ ભારતમાં ઘુસી જશે.’
‘ઓહ...તો ભારતીય ફોજનું ધ્યાન બીજે દોરવા તથા કમાન્ડોઝને સરહદ પાર કરાવવા માટે જ બેતરફી હુમલા થશે, એમ ને..?’ નાસીરખાને ચમકીને પુછ્યું.
‘હા...’
નાસીરખાનના અચરજનો પાર ન રહ્યો.
એના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા.
‘પણ આ સમગ્ર મામલામાં તું એક બહુ અગત્યની વાત ભૂલી જતો લાગે છે.’
‘કઈ વાત બાબા..?’ પરવેઝે આશ્ચર્યમિશ્રિત પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું.
‘કમાન્ડોઝને ભારતમાં ઘુસાડવાની પાકિસ્તાન સરકારે બનાવેલી યોજના બહુ સારી છે, એમાં કોઈ બેમત નથી. આ રીતે ઘૂસણખોરી શક્ય પણ છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં તું એક બહુ મોટી ભૂલ કરે છે.’
‘ભારતીય ફોજ પર આ તરફથી હુમલો કરી શકાય એટલાં શસ્ત્રો આજની તારીખમાં કાશ્મીરી જેહાદીઓ પાસે નથી. ફોજ પર હુમલો કરવા માટે જંગી માત્રામાં શસ્ત્રો જોઈએ. આપણી પાસે છે એટલાં શસ્ત્રોથી આ કામ થઈ શકે તેમ નથી. એને માટે તો પુષ્કળ પ્રમાણમાં હથિયારોની જરૂર પડશે.’
‘આપની વાત બિલકુલ સાચી છે, બાબા..!’ પરવેઝ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘પરંતુ એની ફિકર આપ ન કરો. ઘૂસણખોરીના દિવસ પહેલાં જેહાદીઓ પાસે શસ્ત્રો પહોંચી જશે.’
‘શસ્ત્રો કેવી રીતે આવશે....?’ નસીરખાને ચમકીને પૂછ્યું.
એને માટે આ એક નવું રહસ્યોદઘાટન હતું.
‘પાકિસ્તાનથી શસ્ત્રો કેવીરીતે આવશે એ તો ખબર નથી.’ પરવેઝ બોલ્યો, ‘પરંતુ મેં અ રિપોર્ટ આઈ.એસ.આઈ. ના ચીફ આબ્દુલ વહીદ કુરેશીસાહેબ સુધી પહોંચાડી દીધો છે. ટૂંક સમયમાં જ તેઓ સરહદ પારથી શસ્ત્રોની ખેપ અહીં મોકલશે.’
‘ઓહ....તો આનો અર્થ એ થયો કે પાકિસ્તાની કમાન્ડોઝની પહેલાં શસ્ત્રોની ખેપ આવશે, ખરું ને?’
‘હા...’
નાસીરખાનના ચહેરા પર સંતોષના હાવભાવ છવાઈ ગયા.
જ્યારથી પાંચેય પાકિસ્તાની જાસૂસો આવ્યા હતા ત્યારથી તે બધું કામ પદ્ધતિસર થતું અનુભવતો હતો.
‘અત્યારે તો મને એક જ વતની ફિકર સતાવે છે, બાબા...!’ પરવેઝ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો.
એ થોડો ગમગીન થઈ ગયો હતો.
‘કઈ વાતની ફિકર..?’ નાસીરખાને ગંભીર અવાજે પૂછ્યું.
‘સલીમને બંને જેહાદીઓ સાથે મુંબઈ ગયાને આજે ચાર દિવસ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી મુંબઈથી તેમના તરફથી કોઈ સમાચાર નથી મળ્યા તેમ કોઈ મોટા બનાવના સમાચાર પણ અહીં નથી પહોંચ્યા. કોણ જાણે તેઓ ત્યાં શું કરે છે....?’
એ જ વખતે એક જેહાદી રૂમમાં પ્રવેશ્યો.
તે આશરે બાવીસેક વર્ષનો યુવાન હતો અને ચહેરા પરથી જ કાશ્મીરી લાગતો હતો.
‘સલામ, બાબા !’ અંદર પ્રવેશતાં જ એણે આદરસૂચક અવાજે કહ્યું.
‘સલામ...!’ કહીને નાસીરખાને પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું, ‘શું કોઈ ખાસ સમાચાર છે...?’
‘હા, બાબા...! એકદમ ખાસ સમાચાર છે.’ આગંતુક યુવાને કહ્યું.
‘શું ?’
‘મુંબઈથી આપણા બંને સાથીદારો પાછા આવી ગયા છે.’
‘બે જ જણ આવ્યા છે..?’ પરવેઝે ચમકીને પૂછ્યું, ‘અને સલીમ રઝા...?’ ‘તેઓ નથી આવ્યા. કંઈક ગડબડ થઈ હોય એવું લાગે છે.’
ગડબડનું નામ સાંભળીને નાસીરખાન તરત જ ઊભો થઈ ગયો. પછી એણેસહેજ ઊછળીને બગલમાં બગલઘોડી દબાવી અને ત્યાર બાદ જોરજોરથી બગલઘોડી ઠકઠકાવતો રૂમમાંથી બહાર નીકળ્યો.
પરવેઝ પણ એની પાછળ જ હતો.
તેઓ તાલીમકેન્દ્રના કમ્પાઉન્ડમાં પહોંચ્યા, જ્યાં મુંબઈથી આવેલા બંને જેહાદીઓ નિરાશ અને ગમગીન ચહેરે ઊભા હતા.બંનેનાં નામ અનવર તથા રમજાન હતાં અને તેઓ જ સલીમ રઝા સાથે મુંબઈમાં વિસ્ફોટ કરવા માટે ગયા હતા.
અત્યારે તેમની ચારે તરફ ત્રાસવાદીઓ ઊભા હતા.
ધીમે ધીમે સાંજ આથમવા લાગી હતી અને બંકરમાં અજવાળા માટે મશાલો સળગતી હતી. અજવાળા માટે ત્યાં દિવસના સમયે પણ મશાલો પેટાવવામાં આવતી હતી.
‘સલામ, બાબા....!’ નસીરખાનને જોતાં જ અનવર તથા રમજાન એકી અવાજે બોલી ઉઠ્યા.
‘સલામ...!’
નાસીરખાન બગલઘોડી ઠકઠકાવતો તેમની પાસે પહોંચ્યો.
‘સલીમ ક્યાં છે...?’ જાણે ગોફણમાંથી પથ્થર ફેંકાય એ રીતે નાસીરખાનના મોંમાંથી આ સવાલ બહાર ફેંકાયો.
‘તેમનો ક્યાંય કોઈ પત્તો નથી.’
‘પત્તો નથી...?’ નાસીરખાને કર્કશ અવાજે પૂછ્યું, ‘પણ એ તો તમારી સાથે જ મુંબઈ આવ્યો હતો.’
‘જરૂર આવ્યા હતા, બાબા...!’ રમજાને જવાબ આપતાં કહ્યું, ‘એટલું જ નહીં, અમે ત્રણે સાથે મળીને કોલાબા બસસ્ટોપ પર કરેલા વિસ્ફોટમાં ઘણાં માણસો મોતને ઘાટ પણ ઊતરી ગયાં હતાં, પરંતુ અમારો મુખ્ય ધ્યેય બોમ્બ્વવિસ્ફોટથી આખા વી.ટી. સ્ટેશનને ઉડાવી મૂકવાનો હતો. આ ધ્યેય પાર પાડવા માટે અમે બધી તૈયારીઓ પણ કરી લીધી હતી.આખા વી.ટી. સ્ટેશનના ફુરચા ઊડી જાય એવો એક અત્યંત શક્તિશાળી ટાઈમબોમ્બ પણ અમે બનાવ્યો હતો.’
‘પછી...?’ પરવેઝે વચ્ચેથી જ તેને રોકતાં ઉત્સુક અવાજે પૂછ્યું, ‘પછી શું થયું..?’
‘એક દિવસ અમે ત્રણેય શક્તિશાળી ટાઈમબોમ્બ ગોઠવેલી બ્રીફકેસ રેલ્વેસ્ટેશનના કલોકરૂમમાં જમા કરાવવા ગયા હતા. પરંતુ કોણ જાણે કેવી રીતે પોલીસને અમારી હિલચાલ પર શંકા ઊપજી અને તાબડતોબ અમારે ત્યાંથી નાસી છૂટવું પડ્યું.બે દિવસ સુધી અમે ચુપ રહ્યા. અલબત્ત, બે દિવસ પછી સલીમે પુનઃ અમારા હેતુને પાર પાડવાની યોજના બનાવી. યોજના મુજબ આ વખતે ટાઈમબોમ્બવાળી બ્રીફકેસ રેલવેસ્ટેશનના કલોકરૂમમાં જમા કરાવવા માટે સલીમે એકલાએ જવાનું હતું અને અમારે બંનેએ રેલવેસ્ટેશનની બહાર ઊભા રહીને કોઈ પણ અણધારી આફતમાં સહકાર આપવાનો હતો. બાબા, અમે સલીમને એકલા બ્રીફકેસ જમા કરાવવા ન જવા માટે ઘણું સમજાવ્યો, પરંતુ તે ન માન્યો. આ કામ ખૂબ જ જોખમી છે એ અમે બરાબર સમજતા હતા. પરંતુ સલીમસાહેબ ગમેતેમ તોય અમારા ઉપરી હતા. તેઓ કહે એમ જ અમારે કરવાનું હતું.તેમના આદેશ પાસે નછૂટકે અમારે નમતું જોખવું પડ્યું.’
‘પછી...?’
‘પછી શું બાબા...!’ અ વખતે અનવરે જવાબ આપ્યો, ‘સલીમસાહેબ ગયા તે ગયા. પાછા જ ન આવ્યા. એક કલાક સુધી રાહ જોયા બાદ અમે કલોકરૂમમાં જઈને જોયું તો ત્યાં પણ નહોતા. અલબત્ત, સ્ટેશનમાં એ વખતે ખૂબ જ તંગદિલીભર્યું વાતાવરણ હતું. પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે ત્રાસવાદી પકડાઈ ગયો હતો. આ સમાચાર મળતાં જ અમે પણ તાબડતોબ ત્યાંથી નાસી છૂટ્યા.’
‘જે ત્રાસવાદી પકાડાયો હતો તે સલીમ રઝા ન હતો...?’ પરવેઝે પૂછ્યુ.
‘આ બાબતમાં અમે અમે ચોક્કસપણે કશુંય કહી શકીએ તેમ નથી. પરંતુ અમારી માન્યતા મુજબ તેઓ જ પકડાયા હતા.’
‘આ વાત તમે આટલી ખાતરીથી કેવી રીતે કહો છો?’
‘એટલા માટે કે જો પોલીસે તેમને ન પકડ્યા હોત તો તેઓ અમને વી.ટી. સ્ટેશન પર ક્યાંક તો દેખાયા હોત ને..? કદાચ સ્ટેશન પર ન મળ્યા તો કઈ નહીં, પરંતુ અમે જે હોટલમાં ઊતર્યા હતા ત્યાં તો તેઓ પહોંચવા જ જોઈતા હતા.’
‘તો શું સલીમ હોટલે પણ નહોતો પહોંચ્યો ?’ નાસીરખાને પૂછ્યું.
‘નાં..’ રમજાને નકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો, ‘તેઓ નહોતા પહોંચ્યા. એક વખત વી.ટી. સ્ટેશનેથી ગુમ થયા પછી તેમનો કંઈ પત્તો જ ન લાગ્યો.’
‘હં...’ નાસીરખાનના ગળામાંથી હુંકાર નીકળ્યો.
મામલો ખરેખર ગંભીર અને વિકટ હતો.
‘અને વી.ટી. સ્ટેશન પર શું થયું?’
‘ત્યાં પણ કશું જ ન થયું...!’
‘કેમ ? ત્યાં બોબ્મવિસ્ફોટ નહોતો થયો...?’
નાં, બિલકુલ નહીં.’
નાસીરખાન તથા પરવેઝના ચહેરા પર ચિંતાની લકીરો ઊપસી આવી.
માત્ર એ બંને જ નહીં, ત્યાં મોજુદ બંને ત્રાસવાદીઓ ચિંતાતુર બની ગયા.
તેમની નજર સામે વારંવાર સલીમ રઝાનો ચહેરો તરવરવા લાગ્યો.
‘આ બરાબર નથી થયું, બાબા....’ પરવેઝ બોલ્યો, ‘જો સલીમ પોલીસની ચુંગાલમાં ફસાઈ ગયો હશે તો આપણે બહુ મોટું નુકસાન વેઠવું પડશે.’
નાસીરખાને બગલઘોડીને બગલમાં સહેજ મજબૂતીથી દબાવી અને પછી એક પગે ઊછળીને ઊભો થઈ ગયો.
‘પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે.’ એણે વ્યાકુળ અવાજે કહ્યું, ‘પરંતુ એક વાત હું ચોક્કસ કહેવા માગું છું.’
‘શું?’
‘પકડાયેલો ત્રાસવાદી સલીમ જ હતો એવું પૂરેપૂરી ખાતરીથી કહી શકાય તેમ નથી.’
‘બાબા...!’ રમજાન એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘જો સલીમસાહેબ નહોતા પકડાયા તો તેઓ કોઈ ને કોઈ રીતે અમારો સંપર્ક જરૂર સાધત અથવા તો પછી ટ્રાન્સમીટર પર આપણી સાથે જ વાત કરત. પરંતુ તેમણે આ બંનેમાંથી કશું જ નથી કર્યું. એના પરથી એવું અનુમાન કરી શકાય કે પકડાયેલ ત્રાસવાદી બીજું કોઈ નહીં પણ સલીમસાહેબ જ હતા.’
‘રમજાનની વાતમાં દમ છે, બાબા...’ પરવેઝે એની વાતને સમર્થન આપતાં કહ્યું, ‘જો સલીમ પોલીસની હડફેટમાં ન આવ્યો હોત તો તે ચોક્કસ જ આપણો સંપર્ક સાધત. સંપર્ક ન સાધવાનું આ સિવાય તો બીજું કોઈ કરણ મને નથી દેખાતું.’
નાસીરખાન તાબડતોબ કંઈ જવાબ ન આપી શક્યો. અલબત્ત, તેને પણ એવું લાગતું હતું કે સલીમ પોલીસની ચુંગાલમાં સપડાઈ ગયો છે. પરંતુ એનું મન આ વાત કબૂલવા તૈયાર નહોતું.
એ જ વખતે એક બનાવ બન્યો.
વીસેક વર્ષનો એક યુવાન લગભગ દોડતો હોય એ રીતે ત્યાં આવ્યો.
એણે કાળું પેન્ટ તથા કાળું જેકેટ પહેર્યાં હતાં. એના માથા પર સફેદ કાશ્મીરી ટોપી હતી.
‘શું વાત છે..?’ નાસીરખાને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.
‘બાબા....!’ આગંતુક યુવાન સહેજ કંપતા અવાજે બોલ્યો, ‘રેશમા આવી છે. તે આપને મળવા માગે છે.’
‘કેમ...? શા માટે...?’ નાસીરખાને ચમકીને પૂછ્યું.
‘રેશમાના કહેવા મુજબ તેની પાસે ખાસ અગત્યના સમાચાર છે.’
‘કેવા સમાચાર ?’
‘એ તો એણે નથી જણાવ્યું.’
નાસીરખાને પળભર માટે કશુંક વિચાર્યું. રેશમા જ્યારે પણ આ રીતે અચાનક આવતી ત્યારે કોઈક ખાસ સમાચાર લઈને જ આવતી હતી. અગાઉ એણે આપેલા સમાચારોએ કેટલીયે વાર ખળભળાટ મચાવ્યો હતો.
‘ઠીક છે...’ છેવટે એ બોલ્યો, ‘રેશમાને મોકલ.’
યુવાન આવ્યો હતો એટલી જ સ્ફૂર્તિથી પાછો ચાલ્યો ગયો.
જ્યારે રેશમાનું નામ સાંભળીને પરવેઝની આંખોમાં એક વિશેષ ચમક ફરી વળી હતી.
થોડી પળોમાં જ રેશમા ત્યાં આવી પહોંચી.s
સળગતી મશાલોએ તાલીમકેન્દ્રના વાતાવરણને ઘણું ગરમ કરી નાખ્યું હતું. મશાલના અજવાળામાં ત્યાં મોજુદ તમામ ત્રાસવાદીઓના ચહેરા ભઠ્ઠીમાં તપાવેલા તાંબાની માફક ચમકતા હતા.
બંકરનું સમગ્ર વાતાવરણ રહસ્યમય ભાસતું હતું.
રેશમા બીજી કોઈ નહીં પણ દિલીપ, બ્રિગેડિયર જશપાલસિંઘ, કર્નલ સુરેન્દ્ર ત્યાગી વગેરેને રસ્તામાં મળેલી ઘેટાં-બકરાં ચરાવતી કાશ્મીરી યુવતી જ હતી.
રેશમા નજીકમાં જ આવેલી એક વસ્તીમાં રહેતી હતી. તે જેટલી ખૂબસૂરત હતી એટલી જ ખતરનાક પણ હતી. એ પણ એક ત્રાસવાદી જ હતી. કોઈક પાષાણહૃદયનો ત્રાસવાદી જ પાર પાડી શકે એવાં ભયંકર કામો એણે પાર પાડ્યાં હતાં.. તે રિવોલ્વર અને પિસ્તોલથી માંડીને એ.કે. ૫૬ રાઈફલ સુધ્ધાં આરામથી ચલાવી શકતી હતી. એટલું જ નહીં, એનું નિશાન પણ અચૂક હતું.
‘શું સમાચાર છે, રેશમા ?’ નાસીરખાને પૂછ્યું.
‘સમાચાર ખૂબ જ ખતરનાક છે, બાબા !’
રેશમા અત્યારે થોડી ગભરાયેલી લાગતી હતી.
‘કેવા ખતરનાક સમાચાર ?’
જવાબમાં રેશમાએ પોતાના ગુલાબી હોઠ પર જીભ ફેરવી.
‘જે કઈં હોય તે બેધડક કહી નાખ, રેશમા !’ નાસીરખાને તેને આશ્વાસન આપતાં કહ્યું.
‘બાબા !’ રેશમા ખમચાટભર્યા અવાજે બોલી, ‘મેં આજે સી.આઈ.ડી. ઇન્સ્પેક્ટર મેજર નાગપાલના સહકારી, આંતરરાષ્ટ્રીય જાસૂસ કેપ્ટન દિલીપને ઘાટીમાં આવતો જોયો છે.’
‘શું ?’ નાસીરખાને પૂછ્યું.
‘હા, બાબા.’
દિલીપનું નામ સંભાળતાં જ ત્ય મોજૂદ તમામ ત્રાસવાદીઓ ચમકી ગયા હતા, જેમાં પરવેઝનો સમાવેશ પણ થઈ જતો હતો.
‘તારી કોઈ ગેરસમજ તો નથી થતી ને, રેશમા ?’ પરવેઝે શંકાભાર્યા અવાજે પૂછ્યું.
‘કોઈ ગેરસમજ નથી થતી, પરવેઝસાહેબ !’ રેશમાએ એક એક શબ્દ પર ભાર મૂકતાં મક્કમ અવાજે જવાબ આપ્યો, ‘તે કેપ્ટન દિલીપ જ હતો એની મને પૂરી ખાતરી છે. મેં મારી સગી આંખે તેને એલ્યોર પહાડી પાસેની ૧૬ ગ્રેનેડીયર્સ ફોજી બટાલિયન તરફ જતો જોયો છે. દિલીપ દસ ગાડીઓના કાફલા સાથે અહીં આવ્યો છે.’
રેશમાની વાત સાંભળીને પરવેઝ ધ્રૂજી ઊઠ્યો.
‘રેશમા !’ એ ગંભીર અને કંપતા અવાજે બોલ્યો, ‘જો તારી વાત સાચી હોય તો આ બરાબર નથી થયું...!’
‘મારી વાત બિલકુલ સાચી જ છે.’ રેશમા ભારપૂર્વક બોલી, ‘એમાં શંકાને સ્થાન નથી.’
નાસીરખાનના ચહેરા પર પણ બેચેની ફરી વળી હતી.
‘પણ દિલીપ ઘાટીમાં શા માટે આવ્યો છે ?’ એણે વ્યાકુળ અવાજે પૂછ્યું.
‘એ તો ખબર નથી, પરંતુ એક વાત નક્કી જ છે.’ રેશમા બોલી.
‘શું ?’
‘દિલીપ જેવો જાસૂસ ઘાટીમાં આવ્યો છે તો કોઈક ખાસ કારણસર...ખાસ ધ્યેય પાર પાડવા માટે જ આવ્યો હોવો જોઈએ.’
‘મને તો એક બીજી જ શંકા ઉપજે છે.’ અનવર બોલ્યો.
‘કેવી શંકા ?’
‘ભવિષ્યમાં કમાન્ડોઝની જે ઘૂસણખોરી થવાની છે તેની ભારત સરકારને અગાઉથી જ ખબર પડી ગઈ હોય એવું તો નથી બન્યું ને ?’ અનવરે પોતાની શંકા વ્યક્ત કરી. એની શંકાએ બધાને વધુ ભયભીત કરી મૂક્યા.
‘પરંતુ આ વાતની ભારત સરકારને અગાઉથી જ કેવી રીતે ખબાર પડી હોય ?’ નાસીરખાને પૂછ્યું.
‘આપણી વચ્ચે એક દગાબાઝ પણ છે એ વાત આપ ભૂલી જતા લાગો છો, બાબા ! તે ‘બ્લેક ટાઈગર’ના રૂપમાં આપણી બાતમીઓ ચોરીછૂપીથી ભારતીય ફોજને પહોંચાડે છે અને આપણે હજી સુધી એના વિશે કશુંય નથી જાણતા. ‘બ્લેક ટાઇગરે’ જ આ બાતમી પણ ભારતીય ફોજને પહોંચાડી દીધી હોય એ બનવાજોગ છે.’
સૌ સ્તબ્ધ બની ગયા.
આ શક્યતા વધુ ખતરનાક હતી.
‘રેશમા...!’ છેવટે કશુંક વિચારીને નાસીરખાને પૂછ્યું, ‘શું દિલીપની નજર તારા પર પડી ગઈ છે ?’
‘હા, બાબા !’
‘તો પછી હવે તારું વસ્તીમાં જવું યોગ્ય નથી. ‘બ્લેક ટાઇગર’ તારી વિરુદ્ધ કોઈ પણ ચાલબાજી રમી શકે છે. તું હવે અહીં જ, અમારી સાથે રોકાઈ જા.’
‘ભલે બાબા..! જેવી આપણી ઈચ્છા.’ રેશમાએ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.
‘બાબા !’ પરવેઝ બોલ્યો, ‘હું પોતે પણ આપને આ જ વાત કહેવાનો હતો. રેશમા આપણી સાથે બંકરમાં રોકાય તો વધુ યોગ્ય રહેશે.’
વાત પૂરી કર્યા બાદ એણે રેશમા સાથે છૂપો દ્રષ્ટિપાત કરીને અર્થસૂચક સ્મિત ફરકાવ્યું.
રેશમાના ત્યાં રોકવાના નિર્ણયથી સૌથી વધુ આનંદ તેને જ થયો હતો.
રેશમા પણ એના સ્મિતનો અર્થ બરાબર સમજતી હતી.
***************