Amar Prem in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | અમર પ્રેમ

Featured Books
Categories
Share

અમર પ્રેમ

નિકેત સૌથી નાનો એટલે બધાને ખૂબ વ્હાલો, અને તે દેખાય પણ એવો હેન્ડસમ, ભણવામાં પણ તે ખૂબજ હોંશિયાર પણ આ ગામ નાનકડું એટલે ત્યાં દશ ધોરણ સુધીની જ સ્કૂલ આગળ ભણવું હોય તો શહેર માં ભણવા જવું પડે.

નિકેત અને તેનો મોટોભાઈ નમન બંને શહેરમાં ભણવા ગયેલા હતા. નમન ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે તે પાછો પોતાના ગામમાં આવી ગયો હતો અને પપ્પા, નરોત્તમ શેઠની શરાફી પેઢી ચાલે તે સંભાળવા તેને બેસાડી દીધો હતો. અને નાના દિકરા નિકેતને શહેરમાં ભણવા મોકલ્યો.

નિકેતના પપ્પા એટલે નરોત્તમ શેઠ, પહેલેથી જ શ્રીમંત એટલે કે ગર્ભશ્રીમંત હતા એટલે શરાફી પેઢી ચલાવે, ગામમાં જેને પણ પૈસની જરૂર હોય, દર, દાગીના- જમીન ઉપર પૈસા નરોત્તમ શેઠ પાસેથી લઇ જાય.

નરોત્તમ શેઠની બરાબર બાજુમાં એક પૈસેટકે સાવ સામાન્ય કુટુંબ રહે. ઝંખના અને તેના મમ્મી-પપ્પા. ઝંખનાને એક ભાઈ પણ હતો પણ તેને ભારે ઓરી-અછબડા પધાર્યા હતા અને સમયસર દવા ન કરી શકવાને કારણે નાનપણમાં જ મૃત્યુ પામ્યો હતો.

ઝંખના ભણવામાં ખૂબજ હોંશિયાર હતી. નિકેત અને ઝંખના બંને નાનપણથી જ મિત્ર, બંનેને એકબીજા વગર બિલકુલ ચાલે નહિ. નાની હતી ત્યારથી જ નરોત્તમ શેઠની હવેલીમાં ઝંખના આવે એટલે હવેલીમાં જાણે રોનક થઇ જાય. ઝંખનાને નિકેત ખૂબ વ્હાલો, પોતાના ઘરે કંઈપણ બનાવ્યું હોય તો નિકેતને આપવા તરત જ આવી જાય અને નિકેતની મમ્મી ઉષાશેઠાણી ને કંઈપણ કામ હોય તો ઝંખનાને બોલાવે એટલે ઝંખના તરત જ હાજર થઇ જાય.

ઝંખનાની પાયલ નરોત્તમ શેઠની હવેલીમાં હંમેશાં રુમઝુમ, રુમઝુમ કર્યા કરતી. ઝંખનાને દશ ધોરણ સુધી જ ભણાવી પછી શહેરમાં ભણવા મોકલવી પડે તેમ હતું અને તેના પપ્પા મુકેશભાઈ પૈસેટકે એટલા સુખી ન હતા તેથી ઝંખનાને શહેરમાં ભણવા મુકી ન હતી. પણ ઝંખના ભણેલાને ભણાવે એટલી હોંશિયાર અને ચાલાક હતી.

નિકેતને શહેરમાં ભણવા મૂક્યો એટલે ઝંખના હવે બિલકુલ જાણે એકલી પડી ગઇ હતી. ક્યારે રજાઓ પડે અને ક્યારે નિકેત આવે તેની જ રાહ જોઇ રહી હોય. નિકેત રજાઓમાં ઘરે આવે એટલે પાછી નરોત્તમ શેઠની હવેલી જીવંત બની જાય.

ઝંખના અને નિકેત બંને મોટા થયા પણ બંનેનું તોફાન ઓછું થયું ન હતું. નિકેતને ઝંખનાની સાથે ખૂબ મસ્તી કરવા જોઈએ. નિકેત તેને ખૂબ હેરાન કરે અને આખી હવેલીમાં પોતાની પાછળ પાછળ ઝંખનાને દોડાવે, આ રોજનું થઇ ગયું હતું.

નિકેતના મોટાભાઇના લગ્ન બાજુના ગામના જમીનદાર ની દીકરી સાથે કરી દેવામાં આવ્યા. હવે મોટાભાઇની વહુ ઘરમાં આવી...તેને ઝંખના ઘરમાં આવે તે બિલકુલ ગમતું નહિ એટલે તે પોતાની સાસુને ચઢાવ્યા કરતી. એકવાર તો તેણે ઝંખના ઉપર ચોરીનો આરોપ પણ લગાવી દીધો હતો જેથી ઝંખના આ હવેલીમાં આવતી બંધ થઈ જાય. પણ નિકેતે એ આરોપને ખોટો સાબિત કરી બતાવ્યો અને ભાભીએ જાતેજ તેમનો હાર સંતાડ્યો હતો તે પણ બધાની હાજરીમાં ભાભી પાસે કબુલાવ્યું હતું. તેથી ઝંખના નિર્દોષ સાબિત થઈ હતી.

એક દિવસ ઝંખના હવેલીમાં દોડતી હતી ને તેનું પગનું ઝાંઝર પડી ગયું હતું તો નિકેતે તે ઝાંઝર સંતાડીને પોતાની પાસે ઝંખનાની યાદગીરી રૂપે રાખી લીધું હતું. આખી હવેલીમાં ઝંખનાએ પોતાનું ઝાંઝર શોધ્યું પણ તેને તે ન જડ્યું તે ન જ જડ્યું.

હવે નિકેતને પણ ભણવાનું પૂરું થઇ ગયું હતું તેથી તે પણ પોતાના ગામમાં પરત આવી ગયો હતો અને બધાને લાડકો હતો તેથી કામની બાબતમાં એટલો સીન્સીયર ન હતો. પણ તેની ઉંમર થતાં જ શેઠનો દિકરો હતો એટલે તેને માટે માંગા આવવાના શરૂ થઇ ગયા હતા.

ઝંખનાની મમ્મી સરલાબેનને આ વાતની ખબર પડી એટલે સરલાબેને એક દિવસ ઝંખનાને નિકેત સાથે લગ્ન કરવા માટે પૂછ્યું, ઝંખનાએ " હા " પાડી અને કહ્યું કે મેં તેના સિવાય મારા પતિ તરીકે કોઇની કલ્પના પણ કરી નથી.

ઝંખનાના મમ્મી સરલાબેન ઝંખનાનું માંગું લઇ નરોત્તમ શેઠને ઘરે ગયા. ઉષાશેઠાણીએ તેમનું હડહડતું અપમાન કર્યું અને તમે ક્યાં અને અમે ક્યાં, શું જોઇને અમારે ત્યાં દીકરી નાંખવા આવ્યા છો...?? મા-દીકરી બેઉ અમારા રૂપિયા જોઈ ગયા છો..!! એટલે જ તો આખો દહાડો ઝંખના અહીં પડી ને પાથરી રહે છે. હવે ભૂલી જજો આ હવેલીનો રસ્તો...એમ કહી અપમાનિત કરીને કાઢી મૂક્યા.

સરલાબેને ઉષાશેઠાણીને બે હાથ જોડીને ખૂબ વિનંતિ કરી એકવીસ આ બાબતે નિકેતને પૂછવા ઘણું સમજાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે ઝંખના અને નિકેત વચ્ચે બાળપણથી જ પ્રેમ છે. એ બંનેને છૂટા પાડશો તો બંને એકબીજા વગર નહિ જીવી શકે...!! તમને અમારી ને તમારી આર્થિક પરિસ્થિતિ નજરે પડે છે,એ બંનેનો પ્રેમ નજરમાં નથી આવતો.??
પણ ઉષાશેઠાણીને પોતાના રૂપિયાનું ખૂબ અભિમાન હતું. પૈસાએ તેમની આંખ ઉપર જાણે પટ્ટી બાંધી રાખી હતી તેથી તેમને દીકરાનો પ્રેમ નજરમાં આવ્યો નહિ.

નિકેત પોતાના માતા-પિતાને કે કોઈને પોતાના લગ્ન વિશે કશું જ કહી શક્યો નહીં અને તેનું સગપણ શહેરમાં રહેતા શેઠ શ્રી શૈલેષભાઈની દીકરી મમતા સાથે કરી દેવામાં આવ્યું.

નિકેતનું સગપણ થઇ ગયું એટલે ઝંખનાને પણ તેનાથી દશ વર્ષ મોટા જાગીરદાર વનરાજસિંહ જોડે પરણાવી દેવામાં આવી. વનરાજસિંહને તેમની પ્રથમ પત્નીથી એક દિકરો અને દીકરી હતા. જેને મૂકીને તેમની પત્નીને કેન્સર થતાં તે મૃત્યુ પામી હતી.

લગ્નની પહેલી જ રાતે ઝંખનાએ વનરાજસિંહને પોતાના નિકેત સાથેના પ્રેમની વાત જણાવી દીધી હતી અને પોતે માતા-પિતાની આબરૂને ખાતર તેમની સાથે લગ્ન કર્યું છે તે વાત પણ જણાવી દીધી હતી. અને પોતે દુનિયાની નજરોમાં તેમની પત્ની બનીને રહેશે બાકી પત્ની તરીકેનો કોઈ વ્યવહાર કે કોઈ હક વનરાજસિંહ જોડે રાખશે નહિ તેવું સ્પષ્ટપણે તેણે વનરાજસિંહને જણાવી દીધું હતું.

ઝંખના દાગીનાથી લથબથ રહેતી પણ તેનું અસલી ઘરેણું તો નિકેત હતો, જે તેની પાસેથી છીનવાઇ ગયો હતો તેનો વસવસો તેને કાયમ રહ્યા કરતો હતો.

નિકેત ઝંખના વગર રહી શકતો ન હતો અને ઘરમાં કોઇને કંઇ કહી શકતો ન હતો. તેથી શરાબની લતે ચઢી ગયો અને ઘર છોડીને ચાલ્યો ગયો. ઉષાશેઠાણી એ તેની ખૂબ ભાળ લગાવી પણ તે હાથમાં ન આવ્યો તે ન જ આવ્યો.

અચાનક એક દિવસ નરોત્તમ શેઠની હવેલીમાં ફોનની ઘંટડી રણકી અને સમાચાર આવ્યા કે, " નિકેત ખૂબ શરાબ પી ગયો હતો અને તળાવમાં પડી જવાથી તેનું મૃત્યુ થયું છે. "

આ સમાચાર સાંભળતાં જ ઘરમાં બધાના હોશકોશ ઉડી ગયા હતા. નિકેતના પાર્થિવ દેહને હવેલીમાં લાવવામાં આવ્યો હતો. નિકેતના શર્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી અને ઝંખનાનું ઝાંઝર નિકળ્યું હતું, ચિઠ્ઠીમાં જણાવ્યા મુજબ તેનાં અંતિમ દર્શન માટે ઝંખનાને બોલાવવામાં આવે તેવું સૂચન હતું તેથી તેના અંતિમ દર્શન માટે ઝંખનાને હવેલીમાં બોલાવવામાં આવી. ઝંખના નિકેતનું મૃત્યુ બરદાસ્ત ન કરી શકી અને નિકેતના મૃત દેહને જોતાં જ પોતાના હાથની નસ કાપી ત્યાં ને ત્યાં જ નિકેતની બરાબર બાજુમાં જ તે ફસડાઈ પડી અને તેણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. એ દિવસે નરોત્તમ શેઠની હવેલીમાંથી એકસાથે બે લાશો નીકળી અને આખાય ગામમાં અરેરાટીભર્યો સન્નાટો છવાઈ ગયો.

પછી ઉષાશેઠાણીની આંખો ખૂલી અને તે પોતાના માથા કૂટી કૂટીને ખૂબજ આક્રંદ કરવા લાગ્યા અને બોલતા ગયા કે, " મારી ખૂબ મોટી ભૂલ થઇ ગઇ, તમે બંને એકબીજાને માટે જ સર્જાયાં હતાં. મને માફ કરો, મેં તમને સાથે જીવવા ન દીધા. તમે બંને મરીને પણ એક થયા. તમારો બંનેનો અમરપ્રેમ હું સમજી શકી નહિ. હું મૂર્ખ છું, મને મારા રૂપિયાનું ખૂબ અભિમાન આવી ગયું હતું. મને માફ કરી દો બેટા, મને માફ કરી દો. " અને આખી હવેલી ઉષાશેઠાણીના આક્રંદથી ધ્રુજી ઉઠી....

બે સાચા પ્રેમીઓએ સાથે જીવવાનો અને સાથે મરવાનો કોલ નિભાવ્યો હતો....અને પોતાનો ''અમરપ્રેમ" સાબિત કરી ગયા હતા......

- જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
18/ 6/2022