લેખ:- પિતા - એક ન સમજાયેલ વ્યક્તિત્વ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
મિત્રો, માતા માટે તો ઘણાં લેખકો બહુ બધું લખે છે, પણ પિતા માટે બહુ ઓછું લખાય છે. કદાચ શિસ્તનાં આગ્રહી અને કડક સ્વભાવના હોવાને લીધે પિતાની નજીક ભાગ્યે જ કોઈ બાળક પહોંચે છે. આજે હું પિતા એટલે કે એક પુરુષની લાગણીઓ જણાવવાનો એક નાનકડો પ્રયાસ કરવા માંગું છું. આશા રાખું કે તમને બધાંને ગમશે.
એક ખભો જે હૂંફ આપે, એ છે માતાનો ખભો.
એક ખભો જે વ્હાલ આપે, એ છે વડીલોનો ખભો.
એક ખભો જે હિંમત આપે, એ છે મિત્રનો ખભો.
એક ખભો જે સાથ આપે, એ છે બહેનનો ખભો.
એક ખભો જે રક્ષણ આપે, એ છે ભાઈનો ખભો.
એક ખભો જે પ્રેરણા આપે, એ છે પ્રત્યક્ષ કે પરોક્ષ શિક્ષકનો ખભો.
અને
એક ખભો જે આ બધું જ આપે પણ ક્યારેય કોઈની નજરે નથી ચડતું કે કોઈનાં ધ્યાનમાં નથી આવતું એ છે એક પિતાનો ખભો.
એક માતા રડે છે, વ્હાલ કરે છે, એટલે એનો પ્રેમ નજરે ચડે છે. બાળક માદું હોય ત્યારે આખી રાત ઉજાગરા મા જ કરતી હોય છે. પિતા ઊંઘી જાય છે.
શું આનો મતલબ એ થયો કે પિતાને પોતાનાં બાળકની કંઈ પડી જ નહીં હોય? કોઈ એ સમજવા કેમ તૈયાર નથી કે એક મા બીજા દિવસે પણ ઘરમાં જ હોય છે, (જો એ ગૃહિણી હોય તો) જ્યારે પિતાએ તો નોકરીએ પણ જવાનું હોય છે. જો ત્યાં એને પહોંચવામાં મોડું થાય કે વારે ઘડીએ રજા લેવાનું થાય તો કદાચ નોકરી ગુમાવવાનો વારો આવે. એટલે પણ એણે નિષ્ઠુર બનીને સૂવા જવું પડે.
આનો અર્થ એ નથી કે પિતાને કોઈ લાગણી નથી કે એને બાળકની કંઈ પડી નથી. હકીકત એ છે કે પિતાની મજબૂરી સમજવા કોઈ તૈયાર જ નથી. એ તો ત્યારે જ સમજાય જ્યારે પોતે પણ આ જ પરિસ્થિતીમાં હોય. પણ બહુ મોડું થઈ ગયું હોય છે. એ સમયે પિતાની માફી માંગવા સિવાય બીજું કંઈ બચતુ નથી.
એક કિસ્સો યાદ આવે છે જે તમારી સાથે શેર કરું છું. એક વખત મારી મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. એને હૉસ્પિટલમાં દાખલ કરવી પડે એમ હતી. હું ત્યારે અગિયારમાં ધોરણમાં હોઈશ. મમ્મીને હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ પપ્પાએ મને રાત્રે મમ્મી સાથે રોકાવા કહ્યું, કેમ કે પપ્પાએ સવારે વહેલા ઊઠીને નોકરી માટે જવાનું હતું એટલે એમણે ઘરે જ રહેવું પડે.
આ જાણીને અમારાં અમુક સગાં ખૂબ ગુસ્સે ભરાયાં હતાં. " પત્ની હૉસ્પિટલમાં છે અને આ માણસને નોકરીની પડી છે. " આવું કહેતાં હતાં. એ બધાંને ક્યાં ખબર હતી કે પપ્પા જો નોકરીએ નહીં જશે તો હૉસ્પિટલનો ખર્ચો કેવી રીતે પોષાશે? પરિસ્થિતી મને ખબર હતી એટલે હું તો વાત માની ગઈ હતી. આવાં તો ઘણાં કિસ્સાઓ છે કે જ્યારે પપ્પાએ કોઈક જગ્યાએ હાજરી આપવાને બદલે નોકરીએ જવાનું પસંદ કર્યું હોય અને બધાનું સાંભળવું પડ્યું હોય!
તો શું સમાજ પોતે જ બનાવેલો નિયમ ભૂલી ગયો? પુરુષપ્રધાન સમાજમાં ઘરનો આર્થિક બોજો પુરુષનાં ખભે નાખ્યો છે તો શું એણે કમાવવા માટે નહીં જવું? ઘરનાં પ્રસંગોમાં જ હાજરી આપ્યાં કરવાની? જો કુટુંબ મોટું હોય તો તો પ્રસંગોનો પાર નથી હોતો! માણસ નોકરી કરે કે ન કરે? એ સમયે સ્ત્રીઓ જાહેર જીવનમાં આજનાં જેટલી સક્રિય ન્હોતી. આખા કુટુંબનો આધાર એક જ પુરુષની કમાણી પર રહેતો હતો. આવા સમયે પિતા કે દીકરા કે બાપરૂપી પુરુષને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં કે એની પ્રસંગોમાં ગેરહાજરી બદલ ટીકા કરવી!
એક પુરુષ એટલાં માટે નોકરી કરે છે કે એનાં ઘરનાં લોકો તમામ પ્રસંગો માણી શકે અને એમને મનગમતી વસ્તુઓ લાવી શકે. ક્યારેય કોઈ પુરુષને પોતાનાં માટે વધુ પડતો ખર્ચો કરતા જોયો છે? ક્યારેય નહીં. એ પોતાના ખર્ચા ઘટાડીને ઘરનાં લોકો માટે પૈસા બચાવે છે.
તમામ પિતાઓ/પુરુષોને વંદન🙏
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની