Prem Kshitij - 41 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૧

The Author
Featured Books
Categories
Share

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૧

સાંજનો એ જ સમય હતો, એ જ માહોલ, રિવરફ્રન્ટના એ જ નજારા, કોલેજીયનો, જોગર્સ અને સહેલવા આવેલા બાળકો અને ક્યાંક છૂટાછવાયા કપલ! નદીના પટમાં વિસ્તરતા દરેક વ્યક્તિ પોતાના મનમાં કંઇક ના કંઈ વિચારો સાથે વિચરી રહ્યા હતા, કોઈના હાવભાવ મનમાં સમાઈ જતાં અને કોઈના બહાર ડોકાઈ જતા.
એ જ ઘડીએ સ્કાય બ્લ્યુ રંગની આછી પ્રીન્ટની સાડીમાં એક યુવાન સ્ત્રી અને એની જોડે સૂટમાં સજ્જ એવો યુવાન જોડે આવી રહ્યા હતા, જોઈને કોઈ કપલ લાગી રહ્યું હતું પરંતુ એકબીજાથી દૂર દૂર ભરાઈ રહેલા પગલાં કઈક વિચિત્ર આભાસ કરાવી રહ્યા હતા, તેઓ બીજું કોઈ નહિ એ તો સાત વર્ષ પૂર્વે લગ્ન બંધનનાં તાંતણે બંધાયેલા શ્યામા અને શ્રેણિક જ હતા, બહુ વર્ષે તેઓ પાછા ભારત ફર્યા તો એમનાં જીવનની શરુઆત જ્યાંથી થઈ એ જગ્યાને તેઓ ફરી જીવનની સાક્ષી બનાવવા અહી આવ્યા વગર રહી જ ના શક્યા
આજથી સાત વર્ષ પૂર્વે આજ જગ્યાએ શ્યામા અને શ્રેણિકના મનમાં આવેલા વિચારો એકબીજા સમક્ષ ડોકાઈ ગયા હતા અને તેઓ વચ્ચે મૌન ઈઝહાર થઈ ગયેલો, શ્રેણિક એનઆરઆઈ હોવાથી માત્ર એક મહિનામાં તેઓના લગ્ન થઈ ગયાં અને તેઓ ન્યૂઝીલેન્ડ જતાં રહ્યાં, તેઓ ગયા બાદ તેમના જીવનમાં ઘણા બદલાવ આવી ગયા હતા, તેઓએ એક મિત્રતાના ભાવથી ગૃહસ્થ જીવન ચાલુ કર્યું હતું, લગ્ન ભલે દુનિયાની નજરે રંગેચંગે થયા હતા પરંતુ એ બંનેના જીવનમાં હજી દામ્પત્ય જીવનમાં પગરવ મંડાયા નહોતા.
શ્યામા એ લગ્ન કર્યા એ વખતે એનું મં માત્રને માત્ર એના કરિયર પર જ ફોકસ કરવામાં હતું, એના માટે લગ્ન કરતાં એના કરિયર પ્રત્યે વધારે મહત્વનું હતું, શ્રેણિકે પણ આ બાબતે એને વચન આપેલું હતું કે એ એમાં પૂરો સાથ આપશે, ન્યુઝીલેન્ડ ગયા બાદ તેઓ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા, શ્યામાએ એની આવડત પ્રમાણે એનું સાહસ અજમાવ્યું, શ્રેણિકના સહકાર સાથે એ જીવનમા આગળ વધી, ઘરના દરેક સદસ્યોએ પણ એના દરેક ડગલે મદદ કરી, આજે શ્યામા પોતાના બળ પર એક મોટી કંપની બનાવી અને એની ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવી રહી છે.
લગ્ન બાદ થોડા જ સમયમાં એણે એના જીવનની દરેક સિદ્ધિ હાસલ કરી લીધી, ન્યૂઝીલેન્ડ જઈને એને ઘરના દરેક સદસ્યો સાથે તાલમેલ સાધીને પોતાના કરિયર પ્રત્યે એક સુગમ અભિગમ અપનાવ્યો, એક વહુ તરીકે ફરજ નિભાવતા નિભાવતા એણે જાતે પોતાનું નામ કર્યું, આ વખતે શ્રેણિકે એનો એક પતિ કરતાં પણ એક મિત્ર તરીકે સાથ આપ્યો, તેઓ વચ્ચે હજીય પતી પત્નીના સબંધો નહોતા સ્થપાયા, માત્ર મિત્રતાના સહારે એમને પોતાનું સપ્તપદીના વચન નિભાવ્યા, તેઓએ એકબીજાને વચન આપેલા કે તેઓ સફળ થઈને ઇન્ડિયા આવશે અને પછી ફરી ધામધૂમથી લગ્ન કરીને પોતાનું અસલી લગ્નજીવન શરૂ કરશે, શ્રેણિકનો સંયમ અને શ્યામાની મહેનત હવે ફળી, તેઓ સફળ થઈને પાછા આવ્યા, ઘણું બધું બદલાઈ ગયું હતું એટલા વર્ષોમાં પરંતુ શ્યામા અને શ્રેણિકના પ્રેમકૂંપળો હજી ત્યાં જ હતી રિવરફ્રન્ટ પર, તેઓનો બાકી ઈઝહાર હવે અહી પૂરો થઈને પ્રેમના પુષ્પો ખીલવવા હતા, જે હવે ખુલશે એ આશા સાથે તેઓ ઇન્ડિયા આવ્યા ને આવતાની સાથે રિવરફ્રન્ટની એ ભૂમિ પર જ્યાં તેઓની અગાઉ મુલાકાત થઈ હતી.
શ્યામા અને શ્રેણિક હવે થોડા મેચ્યોર બની ગયા હતા, શ્યામાના મુખ પર હવે કોલેજની મસ્તી દબાઈ ગઈ હતી અને એક જવાબદાર યુવાની ઉભરી આવી હતી, શ્રેણિક તો પહેલેથી ધિરગંભીર હતો પરંતુ સમય સાથે તે વધારે સમજુ અને સમજદાર બની ગયો હતો, તેઓની સમજણે તેમના સબંધને હજીય એક અનોખી હુંફ સાથે સાચવી રાખ્યો હતો,આપેલા વચનને નિભાવીને તેઓએ એક સાચી પ્રેમ કસોટી પાર પાડી હતી.
હજીય લહેરાતા કાળા ભમ્મર વાળ શ્યામાને સુંદર બનાવી રહ્યા હતા અને એ વાળની લટોમાં ખોવાઈ જતો શ્રેણિક હવે એના દિલમાં સમાઈ રહ્યો હતો, તેઓ વચ્ચે હવે શારીરિક આકર્ષણ કરતાં માનસિક આકર્ષણ વધારે થઈ ગયું હતું, એકબીજા જોડે રહેતા રહેતા તેઓ એકબીજાના એવા હેવાયા થઈ ગયા હતા કે જાણે વૃક્ષ સાથે વેલ!

ક્રમશઃ