"શું વિચાર્યું તમે?"- શ્રેણિક એકદમ શાંત મુદ્રામાં બેસીને શ્યામાને પૂછી રહ્યો.
"શેનું?"- શ્યામાએ પ્રતિસાદ આપ્યો.
"તમારે લગ્ન કરવા બાબતે? તમારે લગ્ન કરવા છે કે નહિ?"- શ્રેણિકે સીધો સવાલ પૂછી લીધો.
"આઈ એમ નોટ રેડી ફોર ધિસ... બટ...." - શ્યામાએ એની નાજુક નજર નીચી કરતાં કહ્યું.
"બટ? વ્હોટ?"- શ્રેણિક જરા કચવાયો, એના મનમાં થયું કે એને ઈચ્છા નથી તો અહી અમદાવાદ સુધી કેમ આવી હશે? કોઈ તો કારણ હશે ને? એના મનની વાત જાણવા એ આતુર થયો.
"હું મેરેજ કરવા તૈયાર તો છું પણ હમણાં નહિ, મારે મારી જાતે મારું નામ કમાવું છે, મારી ઓળખ ઊભી કરવી છે, મારા સપનાં પૂરાં કરવા છે!"- શ્યામાએ એના મનમાં રમતી બધી વાત શ્રેણિક આગળ રાખી.
"તમે મારા પર ભરોસો રાખશો?"- શ્રેણિકએ શ્યામાની આંખમાં આંખ પરોવતા પૂછ્યું.
"હું તમને જાણતી નથી પરંતુ મને મારા કુટુંબ પર વિશ્વાસ છે, તેઓ કોઈ દિવસ મારું અહિત નહિ કરે, એમને તમને પસંદ કર્યા છે તો હું એમાં રાજી છું."- શ્યામાએ એને શ્રેણિક પસંદ છે એ વાત ગોળ ગોળ ફેરવીને કહી દીધી, શ્રેણિક મનોમન ખુશ થઈ ગયો.
"તો લગ્ન કરવા બાબતે તમારો પોતાનો કોઈ મત નહિ?"- શ્રેણિકે વાતને ફેરવીને શ્યામાના દિલના સુર છેડ્યા.
"મને કશો વાંધો નથી, પણ હું માનું છું કે લગ્ન માટે મારો આ સમય યોગ્ય નથી."- શ્યામા બોલી.
"સમય હમેશ માટે યોગ્ય જ હોય છે પરંતુ મનુષ્ય એને સાચા લહેકામાં ઢાળે તો!"- શ્રેણિક એના મનમાં રહેલું તત્વજ્ઞાન શ્યામા આગળ કહી ગયો.
"અને યોગ્ય લહેકામાં ઢળવા માટે પાત્ર તો મને તમે યોગ્ય લાગી રહ્યા છો!'- કહીને શ્યામા ખળખળાટ હસી ગઈ, એના આ ખળખળાટ શ્રેણિક હલી ગયો, એને વીજળીવેગે જાણે કરંટ લાગ્યો હોય એમ શ્યામાના હાસ્યમાં એના માટે આવેલી હા એ એને જાણે સાતમે આસમાને બેસાડી દીધો.
"તમારા સપનાંઓ પૂરા કરવા માટે મારો સાથ હંમેશ માટે તમારા સાથે રહેશે!"- શ્રેણિક એની વાત સાથે જ એક અનાયાસે જોડે સપનાં પૂરા કરવા માટેનો વાયદો આપી દિધો.
"પણ લગ્ન એક બંધન હોય છે!"
"બાંધીએ તો બંધન, નહિ તો અરમાનોની આઝાદી હેઠળ બે વ્યક્તિ એકબીજાના થઈને રહે એવું અનેરું આકર્ષણ!"
"લગ્ન બાદ જવાબદારીઓ વધી જાય!"
"જ્યાં પ્રેમ અને હૂંફ હોય ત્યાં જવાબદારીઓ કોઈ દિવસ બોઝ નથી બનતી!"
"લગ્ન બાદ દરેક વાતે કોમ્પ્રોમિસ કરવું પડે છે!"
"શું લગ્ન પહેલા મમ્મી પપ્પાના ઉપરવટ થઈને કોઈ દિવસ કામ કર્યા છે? તો પછી લગ્ન બાદ મર્યાદામાં રહીને જીવવું એમાં શેનું કોમ્પ્રોમાઈઝ?"
"હું પહેલેથી અલ્લડ જિંદગી જીવી છું."
"તોય દાદાની વહાલી બનીને જીવ્યા છો ને?"
"મને સાડી પહેરવાનું નહિ ફાવે!"
"ન્યૂઝીલેન્ડમાં પ્રસંગે સાડી પહેરશો તો ભારતીય નારી તરીકે નીરખી જશો!"
"મને જમવામાં તીખું જ ભાવે!"
"ગળ્યું એ ગળ્યું, બીજું બધું બળ્યું...ગળ્યું ખાતા થઈ જશો એનો હું તમને વિશ્વાસ આપવું છું."
"હું લવ મેરેજના વિશ્વાસ રાખું છું."
"લગ્ન બાદ પ્રેમ થાય અને ત્યાર બાદ લગ્નજીવન શરૂ કરવાનું ગોડ પ્રોમિસ!"
"અને પ્રેમ ના થયો તો?"
"નકારાત્મકતા સાથે જીવતા મે શીખ્યું જ નથી...અને પ્રેમ માટે હું પણ ધુની છું!"
"હવે તમારો વારો...."- અવિરત ચાલી રહેલી પરસ્પર વિચારોના હારમાળામાં શ્યામાએ જરાક વિરામ લીધો એને શ્રેણિકને એના પ્રત્યે શ્યામા વિશેનું વલણ જણાવવા કહ્યું.
"જીવનમાં લગ્નને મહત્વ કેટલું આપો?"- તરત જ શ્રેણિકે સવાલ ઉઠાવ્યો.
"જેટલું શિવ પાર્વતી વચ્ચે છે એટલું."
"ઓહ્... ઇન્ટરસ્ટીગ.... માયથોલોજી! વેરી નાઇસ!"- શ્રેણિકને શ્યામાનો ધારદાર જવાબ ગમ્યો.
"આગળ? "- શ્યામાએ એની કાળી ભ્રમરો ઉઠાવી.
"એક જ વાક્યમાં બધા જવાબ મળી ગયા, પવિત્રતા એ જ પ્રેમ છે, વિશ્વાસ જ બંધન છે, અને તમારી સમજ જ પ્રેમસબંધ છે!"- કહીને શ્રેણિકે શ્યામાની આંખમાં આંખ પરોવી, બન્ને વચ્ચે આપસી તાલમેળ સાથે મૌન સાથે પ્રેમનો એકરાર થઈ ગયો એવો ભાસ થયો, ભલે એકબીજાને કશું કહ્યું નહિ છતાંય સાત જનમના બંધનમાં બંધાવા મંજૂરી સ્તપાઈ ગઈ.
ક્રમશઃ