સુરેન્દ્રનગર જિલ્લાથી આગળ આવતા અમદાવાદ તરફ પ્રયાણ થઈ રહ્યું, ગરમી એની માજા મૂકી રહી હતી, ફુલ્લી એસી કારમાં પણ ગરમીનો દબદબો જાણે વર્તાઈ રહ્યો હતો. રાણીપ જેવા ગીચ વિસ્તારમાં રહેતા મિત્રના ત્યાં જવાનું હતું, ટ્રાફિકની સમસ્યાને ચીરીને તેઓ પહોચ્યાં, બપોર વચ્ચે શ્યામા એની કોલેજની મુલાકાતે જઈ આવી, ને બે ચાર બહેનપણીઓ સાથે મુલાકાત કરી આવી, દિવસ તો જાણે પળભરમાં પસાર થઈ ગયો હોય એમ લાગ્યું, પાંચ વાગ્યે તે કૉલેજથી આવી એને તૈયાર થવા બેઠી.
એના સિલ્કી વાળ લહેરાતા હતા, ડાયમન્ડની નજીક ટોપ્સ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા, લાઈટ ગ્રીન રંગનો કુર્તો અને એની નીચે વ્હાઈટ રંગનો પેન્ટ એને એકદમ સુગમ બનાવી રહ્યા હતા, હાથમાં ફાસ્ટટ્રેકની વોચ અને નાજુક ચપ્પલ આ બધું શ્યામા એ પહેર્યું હતું, આ બધાની શોભા જાણે શ્યામા સાથે આવી રહી હતી.
"શ્યામા..કેટલી વાર?"- કહેતાં સરલાકાકી ડ્રેસિંગ પાસે આવ્યા.
"બસ કાકી...તૈયાર!"- શ્યામા એ એક નાનકડી બિંદી કરતા કહ્યું.
"અરે વાહ...બહુ સુંદર લાગે છે મારી લાડો તો....નજર ના લાગી જાય તને!"- કહેતાં સરલા કાકી એને જોવા માંડ્યા અને હસવા માંડ્યા.
"શું કાકી..તમે પણ! હું કઈ નાની છોકરી થોડી છું કે મને નજર લાગી જવાની?"- શ્યામા પણ હસી.
"નજર લાગવાની કોઈ ઉમર ના હોય, એ તો કોઈ ને પણ લાગે, અને મીઠી નજર માંની પણ લાગી જાય!"- કહેતાં કાકીએ કાજલનું ટીકુ એના કાન પાછળ લગાવી આપ્યું, ત્યાં રેખાબેન જેમના ઘરે તેઓ રોકાયા હતા તેઓ આવી ગયા, તેઓએ તૈયાર થયેલી શ્યામાને જોઈ, તેઓએ એના વખાણ કર્યા.
"શ્યામા... તું નાની હતી ત્યારે તને જોઈ હતી..પણ એના કરતાં અત્યારે સરસ લાગે છે!"- રેખાબેન બોલ્યાં.
"કાકી તમે આવેલા છો અમરાપર? - શ્યામાએ પૂછ્યું.
"બહુ વાર.. પહેલાં તો ઘણું આવતાં, પણ હવે છોકરાઓ ભણતા થયા એટલે બહુ અવવાનું નથી થતું, પહેલાં તો તું નાની હતી ત્યારે આવતાં તો રોકાતા પણ અઠવાડિયું જેવા....!" રેખાબેન ભુતકાળ વગોડી રહ્યા.
"બહુ મજા આવતી ને રેખા...ટાઇમ ક્યાં જતો રહેતો ખબર જ નહોતી પડતી."- સરલાકાકીએ સુર પુરાવ્યો.
"સાચી વાત! ગામડું એ ગામડું, શહેરના મોહમાં અમે તો બધું ખોઈ બેઠાં!" રેખાબેન બોલ્યાં, રેખાબેનનો ગામડા પ્રત્યેનો લગાવ ઝળકી રહ્યો હતો, તેઓને અમરાપર ખૂબ જ ગમતું હતું.
"હા..પરંતુ ગામડાની મહેક હજીય ગુજરાતના બધા લોકોમાં ક્યાંકને ક્યાંક જોવા મળે જ છે, ભલે એ મોટા શહેરમાં રહે કે વિદેશમાં!"- શ્યામા બોલી.
"વિદેશમાં પણ? તને બહુ ખબર નહિ?"- સરલાકાકીએ શ્યામાની વાતની પકડીને એની ઠેકડી ઉડાવવા માંડ્યા.
"એવું કંઈ નથી હા કાકી!"- કહીને શ્યામા શરમાઇ ગઇ.
"શ્રેણિકના રંગે જો તો મેડમ હમણાંથી રંગાઈ ગયા છે..."- સરલાકાકીએ એના ગાલ પર ચિમટી ભરી, શ્યામાનો ગાલ શરમથી અને ચીમટીથી લાલ થઈ ગયો, શરમથી શ્યામાનું રૂપ ઓર ખીલી ઉઠ્યું.
મહેશભાઈએ ત્યાં તો કારનો હોર્ન માર્યો, સરલાકાકીએ કાકા બોલાવે છે એમ કહેતા શ્યામા સાથે બહાર જવાની તૈયારી કરી, શ્યામાએ એનું સ્લિંગ બેગ લીધું એને એ બહાર આવી, પાંચ વાગ્યાના તડકામાં હજીય બપોરના તડકાનો તાપ ઝલકાતો હતો, તેઓ કારમા બેસી ગયા અને તેઓ દાદાએ આપેલા એડ્રેસ તરફ વળ્યા, સેટેલાઈટ વિસ્તારમાં હાઈરાઈઝડ બિલ્ડિંગમાં જવાનો તેઓનો પહેલો અનુભવ હતો એમ કહી શકાય, અમરાપરમાં એવા બહુમાળી ક્યાંથી હોય? અહી તો વધારે વસ્તીમાં જગ્યાનો અભાવ હવે બહુમાળી ફેશન તરીકે બહાર આવી ગઈ હોય એમ લાગી રહ્યું છે.
શ્યામાએ ગૂગલ મેપ ચાલુ કરી લીધો, અને આશરે છના ટકોરે તેઓ ટ્રાફિક ચિરતા ત્યાં પહોંચી ગયા, સામે નયન તેઓને લેવા નીચે આવી ગયો હતો.
ક્રમશ