દાદાનો હુકમ અને શ્યામાની સમજૂતી એટલે રાધેકાકાનું ટેન્શન ખતમ! શ્યામા ચૂપચાપ દવા પી ગઈ, બાકી શ્યામાને એક ગોળી પીવડાવતા એમને આંખે પાણી આવી જાતે!
રમીલા દાદા માટે બેસવા ખુરશી લઈને આવી, દાદા શ્યામાની બાજુમાં ખુરશી નાખીને બેઠાં, દાદા બેઠાં અને શ્યામાના મનમાં ધકધક થવા લાગ્યું, આજે તો દાદા જવાબ લીધા વગર નહિ ઊભા થાય, આખી રાત ચાલેલું મનોમંથન બાદ હવે પરીક્ષા આપવા બેઠેલી શ્યામાના મનમાં જબરી ઉથલપાથલ હતી, એના જવાબની એના જીવનમાં બહુ ગહેરી અસર થવાની હતી.
"તાવ કઈ રીતે આવી ગયો તને?"- દાદા બોલ્યાં.
"કઈ નહિ દાદા એ તો કાલની દોડાદોડી એટલે રહે, પણ એ તો સારું થઈ જશે."- શ્યામા બોલી.
"શું દોડાદોડી? કાઠિયાવાડી થઈને આમ થાકી જાય એ થોડી હાલે? કાઠી કોઈ દી નો થાકે!"- દાદાએ શુર ચડાવતા કહ્યું, શ્યામા ચૂપ રહી, કઈ બોલવા મને એને યોગ્ય લાગ્યું નહિ.
"બાપુજી કાલનો થાકોડો સે, વાયો જાશે!"- સરલાકાકીએ વાતને ટાળી અને દાદા માટે ચાનો પ્યાલો લઈને આવ્યા.
"ભલે, પણ ધ્યાન રાખો હવે!"- દાદાએ ચા પીતા પીતા કહ્યું, દાદાની સૌનું મૌન બંધાઈ ગયું.
"શ્યામા દીકરા! બોલ આપણે શું જવાબ આપવાનો થાય સે?"- દાદાએ ખાટલે સુતેલી શ્યામાને સીધો સવાલ પૂછી લીધો, શ્યામા કંઈ બોલી જ ના શકે એવી પરિસ્થતિ સર્જાઈ ગઈ.
"દાદા....સારું છે પણ..."- શ્યામા માંડ માંડ બોલી.
"પણ...તને ના ગમ્યું?"
"ગમ્યું પણ ઘરમાં સૌનું મંતવ્ય મારે એક વાર લેવું છે!"- શ્યામાએ બધાની સામે જોતા કહ્યું.
"ઘરમાં તો બધાને પસંદ છે એટલે જ છોકરાને અહી બોલાવ્યો હતો માટે આ નિર્ણય માત્ર તારે જ લેવાનો છે!"- દાદાએ ઘરના સૌનો નિર્ણય કહી દીધો.
"તેઓના ઘરના સદસ્યો?"- શ્યામા બોલી.
"જો દીકરા, એ બધી પછીની વાત...તું માત્ર શ્રેણિક ગમ્યો કે નહિ એટલું કહે!"
"દાદા...એક વાત કહું?"- શ્યામા એકદમ ધીમે ગભરાતા બોલી.
"હા બોલ ને, ગભરાય છે કેમ?"- દાદાએ કહ્યું.
"હું એક જ વખતમાં નિર્ણય ન લઈ શકી, હું બીજી મુલાકાત કરી શકું?"- શ્યામાએ શ્વાસ રોકાતા પૂછી લીધું.
"કેમ?"- દાદાએ જરા આંખ મોટી કરતાં પૂછ્યું, દાદાને આ વાત જરા હજમ ના થઈ હોય એમ લાગ્યું.
"બાપુજી, શ્યામા સાચું કહે છે, એવું હોય તો શ્રેણિકને બીજી વાર બોલાવી લેવાય..."સરલાકાકીએ શ્યામાનો પક્ષ લેતા કહ્યું.
"સુરાણી પરિવારમાં આવો કોઈ રિવાજ નથી!"- કહીને દાદાએ ચાનો કપ નીચે રાખ્યો.
"બાપુજી, સમય બદલાયો છે, છોકરાઓના દ્રષ્ટિકોણ બદલાયા છે તો આપણે પણ રૂઢિ બદલવી પડે!"- બધા મૌન હતા, એની વચ્ચે સરલાકાકીએ બેધડક કહી દીધું.
"તો શું બધી લાજ નેવે મૂકી દેવાની? બીજીવાર છોકરાને બોલવું તો મારી શું ઈજ્જત રહે? અને બીજી મુલાકાત પછી પણ શ્યામા ના પાડી દે તો?"- દાદાએ એમનાં અડીખમ અવાજ સાથે કહ્યું.
"પણ બાપુજી એવું હોય તો આપણે શ્યામાને અમદાવાદ મોકલીએ તો?"- રમેશભાઈએ એક સુઝાવ આપ્યો.
"ના, હું શ્યામાને એકલી ન મોકલું!" કહીને દાદા ખુરશીમાંથી ઊભા થયા.
"બાપુજી, હું અને એની કાકી એની ભેગા જઈશું ને! અને આ વાતની ગમાં કોઈને ખબર પણ નહી પાડવા દઈએ..."- રમેશભાઈએ કહ્યું.
"તારું શું કહેવું છે વિમલ?"- કહીને દાદાએ સામે ઊભેલા શ્યામાના પિતાને પૂછ્યું.
"બાપુજી, સાચી વાત છે, એક મુલાકાત કરાવી દઈએ, છેક ન્યુઝીલેન્ડ મોકલવાની વાત છે દીકરીની...સમજી વિચારીને જ નિર્ણય લેવો સારો." કહીને વિમલસિંહે શ્યામાના પક્ષમાં કહ્યું, દાદા પણ એમની વાતથી સહમત થયા હોય એમ એમનાં મોઢાં પર જલકી રહ્યું.
"પણ મારે બળવંતને વાત કરવી જોહે! હું પૂછી લઉ પછી નક્કી કરીશું."- દાદાએ લીલી ઝંડી આપતાં વાતને આગળ કરી, બધામાં મોઢાં પર ખુશીની લહેર છવાઈ ગઈ, સૌથી વધુ ખુશી શ્યામાને થઈ, એને શ્રેણિકને મળવાનો અને જાણવાનો એક મોકો મળ્યો.
દાદાએ બળવંતરાયને ફોન કર્યો અને શ્યામાની વાતને રાખી, તેઓ ખુશ થઈ ગયા કે શ્યામાને શ્રેણિકમાં રસ પડ્યો, તેઓની બીજી મુલાકાત માટે તેઓએ હા પાડી, અને બે દિવસ બાદની મુલાકાત ગોઠવાઈ.
ક્રમશઃ