કરુણા બધાને જોઇને હેબતાઈ ગઈ હોય એમ લાગી રહ્યું હતું, જ્યારે શ્યામાએ એને બધાની સામે એની મુશ્કેલી કહેવા કહ્યું ત્યારે એનામાં હિંમત આવી, એ ઘણા સમયથી એની સાસુનો ત્રાસ સહન કરતી હતી એ આજે સૌની સામે કહેવા માટે શ્યામાએ સૌને કહી દેવા માટે એને પ્રેરિત કરી, પરંતુ એ એવી બિવાઈ ગઈ હતી કે હજીય ઠર ઠર ધ્રૂજતી હતી,છેવટે એણે મુઠ્ઠી બંધ કરીને જીભ ખોલી.
"મને માજી રોજ ચિપિયાના દામ દે સે..." કહેતાંની સાથે એને એના પાલવને ઊંચો કર્યો અને એનો હાથ બતાવ્યો, એ જોઈ સૌ હેરાન રહી ગયા, એક જ હાથમાં એટલા બધા નિશાન, કાળા ધબ્બા એને લાલ થઈ ગયેલી ચામડી જોઈને સૌ અચરજ પામ્યા.
"આ શું કરુણા?"- પરેશભાઈ બોલી ઉઠ્યા.
"આ હકીકત છે..."- કરુણાએ કીધું.
"પણ તું તો કહેતી હતી કે તને સાણસી પકડતાં નથી ફાવતું તો એક જ જગ્યાએ રોજ દાજી જવાય છે." - પરેશભાઈએ ચોખવટ કરતાં પૂછ્યું.
"એ શું કહેવાની? એમ કહે કે તમારી મમ્મી એને દામ દે છે? એટલી હિંમત છે એનામાં?"- શ્યામાનું લોહી ઉકળ્યું.
"મમ્મી આ બધું શું છે?"- પરેશભાઈએ ભીખીબેન તરફ જોયું.
"દીકરા, આ ખોટું બોલે છે, મને તો કઈ ખબર જ નથી આની!"- ભીખીબેન એકદમ શિયાળવા થઈને બોલી રહ્યાં.
"ખોટી વાત પરેશભાઈ, તમારી સાસુ કરુણાને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે એ વાત સો ટકા સાચી વાત છે."- માયાએ પરેશભાઇ કહ્યું.
"ના હોય આવું તો કઈ, અમે હોઈએ છીએ ત્યારે તો એવું કંઈ નથી થતું."- કનુભાઈ વચ્ચે બોલ્યાં.
"ના કાકા.... એ વાત સાચી જ છે, બાકી કરુણા સવારમાં પહોરમાં નદીએ પડતું મૂકવા ના જાય!" શ્યામા બોલી, એની આ વાતથી કનુભાઈ અને પરેશભાઈની આંખો પહોળી થઈ ગઈ.
"શું વાત છે? કરુણા આ બધું છે તોય ઘરમાં તું કંઈ કહેતી નથી?"- કનુભાઈએ એને કહ્યું.
"બાપુજી, કહેવું તો ઘણું હતું પરંતુ માજીએ મારી બોલતી બંધ કરી દીધી હતી, મને પિયર મોકલી દેવાની ધમકી આપી હતી અને તમે જાણો જ છો ને મારા પિયરે મારું હવે કોઈ નથી રહ્યું, હું શું કરું? ક્યાં જાઉં?"- કહેતાં કહેતાં કરુણા ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી, વર્ષાએ એને છાની રાખતા પાણી આપ્યું.
"તો પરેશને કહેવાય ને!"" કનુભાઈ બોલ્યાં.
"શું કહું એમને? તેઓ તો માજી વિશે એક શબ્દ પણ સાંભળે એવા નથી, કહું તો મારો જ વાંક કાઢે અને અમારા વચ્ચે તકરાર થાય!"
"અને કરુણા તું બધું સહન કર્યે જતી?"- પરેશભાઈની હવે આંખ ઊઘડી,એમને ભીખીબેન સામે ક્રોધથી જોયું.
"મમ્મી, આ બધું શું છે? હવે એમ ના કહેતી કે આ બધું ખોટું છે..."- પરેશભાઇ ભીખીબેનને ગુસ્સાભેર પૂછ્યું, એ કશું પણ બોલ્યાં નહિ, માત્ર નીચી મુંડી કરીને ઊભા રહ્યા, કરુણામાં હવે હિંમત આવી, એણે એક પછી એક બધી પોલ ખોલવા માંડી, ભીખીબેનની બધી કરતૂતો સામે એમનું મૌન જ એનો સ્વીકાર કરી રહ્યું હતુ, એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રી ઉપર આ રીતે અમાનવીય વર્તન એ ત્યાં ઉભેલા સૌ માટે એક આઘાતજનક હતું, એક માં થઈને જ બીજાના સંતાન પર કઈ રીતે આવી રીતે અત્યાચર કરી શકે?
ભીખીબેને બધા તરકથી ખૂબ સારું ખોટું સાંભળ્યું, તેઓને સાચે અહેસાસ થયો કે તેઓએ કરુણા સાથે ખૂબ અન્યાય કરી રહ્યા હતા, તેઓએ એમની ભૂલ સ્વીકારી, "મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, હું સ્વીકારું છું કે મે કરુણા જોડે ખૂબ ખરાબ વર્તન કર્યું પરંતુ એ પાછળ મને એ એના પિયરથી કશું લાવતી નથી એટલે દાજમાં કર્યું."
"એક વાત યાદ રાખો પરેશની બા, તમે કેટલું લઈને આવ્યા છો તમારા પિયરથી? અમે તો કોઈ દિવસ તમને આ બાબત પર નથી હેરાન કર્યા, ને પિયરમાંથી વહુ શું લાવે છે અને શું નહીં? એનાથી તમારે શું મતલબ? તમે ભૂખમરામાં જીવો છો કે તમારે પારકા પૈસાની લ્હાય છે?"- કનુભાઇએ સમજદારી પૂર્વક ભીખીબેનને સજાવતા કહ્યું,
"ને માફી અમારા સૌની નહિ, કરુણાની માંગ મમ્મી, એ છે તો આપણને સૌને બે ટાઈમના રોટલા સમયસર મળે છે, ઘરમાં બધું વ્યવસ્થિત છે..."- પરેશભાઈ પણ કહ્યું.
"કરુણા, મને માફ કરી દો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ!"- ભીખીબેનએ કરુણા સામે હાથ જોડયા.
"માજી, તમારા હાથ માફી માટે ઉઠે, એ તો આશિષ આપવા માટે હોય!"- એમ કહેતાં કરુણાને એમને દિલથી માફ કરી દીધા.
સૌના આંખમાં ખુશીના આંસુ આવી ગયાં, બધાએ શ્યામાનો અને એની બહેનપણીઓનો આભાર વ્યક્ત કર્યો, જે તેઓ આજે સંગ કરીને કરુણાના ઘરે ના જાતે તો શું ખબર કાલની સવાર બીજો કોઈ અનર્થ થઈ જતે! બધાની સાચી સમજાવટના કારણે એક પરીવાર ફરી સુખના છાયાડા નીચે વિચરવા માંડ્યો.