પુંજોભાઈને રઘુભાઈ દોડીને ખડકી ઉઘાડવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ ખડકી બહારથી બંધ હતી. બંનેના મનમાં હજી ઉચાટ હતો. તે બંનેને એવું લાગ્યું કે શિકારી હાથમાંથી છટકી ગયો. આટલી મહેનતે અને આટલો નજીક આવેલો શિકારી હાથમાંથી છટકી ગયો તેના ગુસ્સાથી રઘુભાઈ,કે જે પડછંદ શરીરવાળા છે એણે જૂની ખડકીને એક એવી લાત મારી કે ખડકીનું એક બારણું મીજાગરામાંથી ખડી ગયું,ને હેઠું પડ્યું. ત્યાંથી નીકળી બંને દોડતાં દોડતાં બહાર નીકળ્યાં. આજુબાજુમાં રહેતા લોકોએ હાકલા પડકારાને દોડાદોડીનો અવાજ સાંભળ્યો. થોડી જ વારમાં ચારેબાજુ લોકોના ટોળા એકઠા થઇ ગયા. આમાંથી ઘણા તો આ શિકારીના સાથમાં હોય તેવું લાગતું હતું. તેઓ અંદરો અંદર,
" કિસી કે ઘર મેં ઐસે કેસે ઘૂસ સકતે હો!?"
જેવી ગુસપુસ વાતો કરી લોકોને બહેકાવી રહ્યા હતા. પરંતુ પુંજોભાઈને રઘુભાઈના મનમાં પેલો શિકારી હાથમાંથી છટકી ગયો, તેનો જ રંજ હતો. બંને દોડતા દોડતા આગળ ગયા,ત્યાં શેરીના નાકે બંને ગાર્ડે ઓહડિયાવાળાને એક એક હાથે જાલ્યો હતો.ઓહડિયાવાળાના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું. તે ઢીલોઢફ થઇ ઉભો હતો. આ દ્રશ્ય જોઈ પુંજોભાઈને રઘુભાઈને રાહત થઈ કે આખરે હરામખોલ પકડાય તો ગયો.
હવે પુંજોભાઈ પાછળ થઈ રહેલ કોલાહલ સાંભળી,ટોળું ભેગું થઇ રહ્યું હોય તેવું લાગતા પાછા ફર્યા. તેને પાછા ફરતાં જોઈ રઘુભાઈ પણ પાછા વળ્યાં. ત્યાં તો ઓહડિયાવાળાની ઔરત બહાર નીકળી ટોળાંને ઉશ્કેરી રહી હતી. ટોળામાંથી પણ અમુક તત્વો પેલા શિકારીને છોડાવવા માટે હિલચાલ કરી રહ્યા હતા. તેનો અંદાજ આવી જતા રઘુભાઈએ પોતાની કડે રહેલ રિવોલ્વર કાઢી હવામા બે ફાયર કર્યા.અને કડક શબ્દોમાં ચેતવણી આપી, " હાલો... એય... બધા હવ..હવ.. નાં ઘરમાં ગરી જાવ નકર આ તમારી હગી નય થાય."
એટલું કહી રઘુભાઈ અને પુંજાભાઈએ વધારે પડતો હડફડાટ કરતા બે ચાર તત્વો સામે રિવોલ્વર તાકી. આ જોઈ સામે ધસી આવતું ટોળું તરત પાછું હટવા લાગ્યું. તરત જ બીજા બે ગાર્ડ્સ પણ હાથમાં ધોકા લઇ મદદે આવતા ટોળું વિખેરાઈ ગયું. બધા પોતપોતાને ઘરે જતા રહ્યા. ખડકીમાંથી ડોકા કાઢી કુતૂહલ વશ બધુ જોવા લાગ્યા. પેલી ઓહડિયાવાળાની ઓરત હજી બહાર ઉભી ઉભી બક બક કરી રહી હતી. એવામાં રાજપૂત સાહેબે સ્ટેન્ડબાય રાખેલી પોલીસ ટુકડીની સાઇરન સંભળાણી. સાઇરન સંભળાતા ખડકીમાંથી ડોકાઈ રહેલા લોકો અંદર જતા રહ્યાને, ખડકી અને દરવાજા બંધ કરી દીધા. પોલીસે પેલા શિકારીનો જાપ્તો લઇ લીધો. બે પોલીસ જવાને શિકારીને ઢસડતા હોય તેમ કાઠલેથી પકડીને જીપમાં નાખ્યો. સાથે આવેલી બે મહિલા પોલીસે પેલી ઓરતને લાઠી બતાવી તેના ઘરમાં રવાના કરી દીધી. સાસણ હેડ ઓફિસે જાણ કરી દીધી હોવાથી ત્યાંથી પણ બે ગાડી ભરીને સ્ટાફ આવી ગયો. મોહલ્લા વાળા તોફાન કરી શિકારીને સપોર્ટ ન આપે એટલા માટે આખા મહોલ્લામાં શેરીને નાકે નાકે બે બે પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ઘડીકમાં તો આખો વિસ્તાર ગાડીઓના ધમધમાટ અને પોલીસ સાયરનથી ગાજી ઊઠ્યો. ન્યૂઝ ચેનલના પત્રકારો પણ કેમેરા લઇ હાજર થઈ ગયા. પરંતુ હજી પૂરી તહકિકાત ન થઇ હોવાથી અધિકારીઓ પત્રકારને રાહ જોવા માટે સમજાવી રહ્યા હતા.
રાજપૂત સાહેબ, પુંજોભાઈ, રઘુભાઈને ફોરેસ્ટની એક્સ્પર્ટ ટીમ શિકારીના ઘરની અંદર પહોંચી ગયા. શિકારીની ઔરત, મહિલા પોલીસે પરચો બતાવી દીધો હોવાથી, લાલચોળ મોઢું કરી રસોડાના બારણે ઉભી ઉભી તમાશો જોઈ રહી હતી. પુંજોભાઈને રઘુભાઈ સીધા જ પાછળ ભંડકિયામાં પહોંચી ગયા. સાથે આવેલ સ્ટાફ ભંડકિયામાં રહેલા પ્રાણીઓના અવશેષોને ચામડા બહાર કાઢી ગોઠવી રહ્યા હતા. તેમાં રહેલા જીવિત કાચબા અને આંધળી સાંકળને ત્યાંથી જાળવીને બહાર કાઢીને સારી રીતે રાખી દીધા. કેટલા દિવસોથી ગોંધી રાખેલા બિચારા કાચબા તો બરાબર ચાલી પણ શકતા ન હતા. તે પોતાના મોઢા ખાલમાં સંતાડીને બેસી ગયા હતા. આખું ભડક્યું ખાલી કર્યું.ત્યાં તો મૃત પ્રાણીઓના અવશેષોથી આખું ફળિયું ભરાઈ ગયું. બધા અધિકારીઓ અને પોલીસ જવાનોનું ટોળું પોતપોતાના કાર્યમાં મશગુલ હતા. ગેલો એક બાજુ લીમડાના થડને ટેકો દઈને ઉભો ઉભો બધા મરેલા પ્રાણીઓના અવશેષો જોઇ રહ્યો હતો, ને મનમાં વિચારતો હતો, "જંગલના દશમનોએ કેટલા બેઝુબાન પરાણીઓનો હોથ કાઢી લાખ્યો સે!!"
હવે પત્રકારોને અંદર આવવા દેવામાં આવ્યા. વિવિધ ન્યૂઝ પેપર અને ચેનલોના પત્રકારો કેમેરા લઇ ફળિયામાં પાથરેલા પ્રાણીઓના અવશેષોનું ફિલ્માંકન કરવા લાગ્યાં. પછી કેમેરા ફેરવી, પોલીસ ઓફિસર અને ડી.એફ.ઓ રાજપૂત સાહેબનું ઇન્ટરવ્યૂ લેવા લાગ્યા. તેઓ તેમના પર વિવિધ પ્રશ્નોની ઝડી વરસાવવા લાગ્યા. અને આ ઓપરેશન ' સાવજ ' કેવી રીતે પાર પાડ્યું તે ઘટના વર્ણવવા કહેવા લાગ્યા. રાજપૂત સાહેબે આડું અવળું જોયું,પરંતુ ગેલો ક્યાંય નજરે નહોતો આવતો. પુંજાભાઈએ ઈશારો કરી, " ગેલો ત્યાં લીમડા પાસે ઉભો છે." તેમ કહ્યું. રાજપૂત સાહેબે પાછળ જોઈ ગેલાને પોતાની પાસે બોલાવ્યો. ગેલાને પોતાની પડખે ઊભો રાખ્યો. તેના ખભે હાથ મૂકી ન્યુઝ ચેનલના કૅમેરા સામે કહ્યું,
"આ ઓપરેશન સાવજની શરૂવાતથી લઈ અંત સુધી જો કોઈની મુખ્ય ભૂમિકા હોય તો અમારા ગીરના નેહડાના માલધારી ગેલાભાઈની છે."
ત્યાં હાજર સૌ જવાનોએ તાળીઓના ગડગડાટથી ગેલાને વધાવી લીધો. ગેલાના મોઢા પર સ્મિત હતું. એક ઉત્સાહી પત્રકારે ગેલાના મોઢે માઇક્રોફોન ધરી પૂછ્યું,
"આપ એક માલધારી છો. આપ જંગલમાં વસો છો. આ બધું જોઈ આપને દુઃખ થતું હશે? તો આપ આ જંગલના દુશ્મનોને શું કહેવા માંગો છો?"
ગેલો ઘડીક કશું ન બોલ્યો, તેણે નીચે પાથરેલા પ્રાણીઓના અવશેષો પર નજર ફેરવી, મોટો નિ:સાસો નાખ્યો.,
"આ ગીરના દશમનને જીવતા નો છોડવા જોવી. ઓલ્યા કાસબાને એણે જેમ ગોંધી રાખ્યા'તા ઈમ ઈને આખી જીંદગી જેલમાં ગોંધી રાખવા જોવી."ફરી તાળીઓનો ગડગડાટ થઈ ગયો.
એક શિકારી પકડાયો એટલે હવે જંગલ ખાતુ અને પોલીસખાતું તેની આખી ગેંગને પકડી પાડશે. આ ઘટનાનો પડઘો છેક ગાંધીનગર થઈ દિલ્હી સુધી પડ્યો હતો. તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો હતો. જેનો રેલો ગુજરાત અને બીજા રાજ્યો સુધી પહોંચી ગયો હતો.મૃત પ્રાણીઓના અવશેષનો કબજો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસોએ સંભાળી લીધો.જીવિત કાચબા અને આંધળી સાંકળને એનિમલ હેલ્થ સેન્ટરમાં મૂકવામાં આવ્યાં.જ્યાં તેની તપાસ કરી,સારવાર કરવામાં આવશે.ત્યારબાદ તેને ગીરમાં છોડી દેવામાં આવશે.
બે-ત્રણ દિવસથી જુનાગઢ ગયેલો ગેલો આજે નેહડે પહોંચ્યો. બધા ભેળા વાળુ કરી ફળિયામાં સોલર લાઈટના અજવાળે ઓસરીની કોર પાસે બેઠા હતા. રાજી, રામુઆપા તરફ લાજનો છેડો આડો કરી બેઠી હતી. કનો, ગેલાના ખાટલે બેઠો હતો. રામુઆપા ચુંગી પીય રહ્યા હતા. ગેલાએ આખી ઘટના બધાને કહી સંભળાવી. જીણીમાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, " ભાય, આ બધા માણા બવ પેધી ગયેલાં હોય. ઇની દશમની આપડે હુંકામ ઓરવી જોયે?"
ગેલાએ કહ્યું, "માડી ગીરના દશમન ઈ આપડા દશમન.અને હું થોડો કોયથી ફાટી પડું સુ? આપડા વડવાએ હાવજયુ હારું થયન તો કયક ધીંગાણા ખેલયા સે. ગીરનું એક જીવડું ય મારશેને એને હું મેલવાનો નથી."આટલું બોલતા ગેલાનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું.
ઘડીક કોઈ કશું બોલ્યુ નહીં, પછી કનાએ કહ્યું,
"મામા આપડી ભૂરી ભેહ કાલ્ય રાત્યે વીયાણી. ઇને નવસુંદરી પાડી આવી."
ગેલાને સારા સમાચાર મળતા તેના મોઢા પરનો ગુસ્સો ગાયબ થઈ ગયો. તે તરત ઊભો થઈ પાડી જોવા ગયો. સાથે સાથે કનો પણ ગયો. બંને જે રૂમમાં પાડું પૂરતા હતા ત્યાં ગયા. ગેલાએ ટોર્ચના અંજવાળામાં બે દિવસની નવસુંદરી પાડી જોઈ. પાડી જોઈ તે ખૂબ રાજી થયો. ગેલો પાડીના માથે હાથ ફેરવવા લાગ્યો અને તેના કૂમળા કાન રમાડવા લાગ્યો.
સામે ઊભેલી રાજીએ ગળું ખોખારી ગેલાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. બંનેની આંખો મળતા રાજીએ આંખોની ભાષાથી ગેલાને ઠપકો આપ્યો, "નકરી પાડી જ રમાડશો કે અમારી કોરી પણ નજર નાખશો!?"
ગેલો, રાજીની આંખોની ભાષા સમજી ગયો. તેણે પાડી ને ઘડીક પંપાળી પછી તે ઘરની બહાર નીકળી, ઘરને બરાબર બંધ કરી,આડે બે લાકડા ઠેરવતા કનાને પૂછ્યું,
"બે દાડાથી માલ ડેમડીયા ઢોરે આઢે સે? કે વડલાવાળી પાળ્યે?
કનાએ કહ્યું, "માલ ડેમડિયા ઢોરે જ આઢે સે. કાલ્યે ય ન્યા જાવાનું સે."
ગેલાએ કહ્યું, " હાલ્ય હીવે હુય જા.કાલ્ય વેલું ઉઠવું જૉહે."
ક્રમશ: .....
(રૂડી ને રળિયામણી, હરિયાળીને હેતાળ...ગીરને માણવા માટે વાંચતા રહો "નેહડો(The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621