Dejavu - Ankhono Gunho - 3 in Gujarati Horror Stories by Pooja Raval books and stories PDF | દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૩

Featured Books
Categories
Share

દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૩

અચાનક સ્થિર થઈ ગયેલી ક્ષણોમાં એને પોતાનાં હાથ પર એક ઠંડી ફૂંક અનુભવાઈ. તમે ફરી એકવાર ‌‌‌આંખો બંધ કરી. તમને આરામ થયો. તમે આંખો ખોલી અને ઘા ગાયબ જોઈ તમે હરખાયા. તમે અરીસાની ચારે તરફ જોયું અને આભારવશ નજરથી અરીસામાં જોઈ રહ્યા. આજુબાજુનું વાતાવરણ બદલાઈ ગયું હતું. "નવ્યા, શું બનાવે છે આજે જમવામાં?" અશેષનો અવાજ સાંભળી તમારાં જીવમાં જીવ આવ્યો. અશેષ અંદર આવ્યા અને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહેલાં તમને પાછળથી વળગી પડ્યા. "તું મારાં વિશે જ વિચારતી હતી ને?" અશેષે પ્રેમથી કહ્યું. "આ બધું કંઈ સારું લાગે છે? આમ ગાંડપણ છોડ અશેષ અને જલ્દી જમવાનું બનાવ નવ્યા... તારાં પપ્પાને અને મને ભૂખ લાગી છે." તમે સહસા ચમકી ગયાં. શરમાઇને તમે રસોડામાં પેઠાં. તમને અરીસો અને અરીસાની કરામત સમજાઈ ગઈ હતી. તમે ખુશ હતા. કંઈ પણ અમંગળ નહોતું થયું મધુ અને અશેષ બંને મજામાં હતાં. "અજીબ દાસ્તાં હૈ યે.." તમે તમારી મસ્તીમાં ગીત ગણગણવા માંડ્યા. ફટાફટ જમવાનું બનાવી તમે અશેષ પાસે ગયા. થોડીવાર એનાં માથા ઉપર હાથ ફેરવ્યો. હકીકતમાં તમે થોડીવાર પહેલાંની ક્ષણોમાં બનેલી ઘટનાની અસર છે કે નહીં તે તપાસવા માંગતા હતાં. જમી પરવારી તમે બેડરૂમમાં આવ્યા ત્યારે તમને ખબર નહોતી કે આ બધી ઘટનાઓ તમારાં પર શું ‌‌‌અસર કરવાની હતી.. હકીકતમાં આ અરીસાનું રહસ્ય તમારી જિંદગીમાં ઉથલપાથલ મચાવવાનું હતું પણ તમે... તમે આ બધાંથી બેખબર અરીસાના મોહમાં આરામથી ઊંઘી રહ્યા હતા. એ રાત તમારાં માટે ભયાનક હતી. તમે એવી ખરાબ રીતે ફસાઈ ગયા હતાં કે તમને પોતાને પણ એની ખબર નહોતી.બાર વાગ્યે તમે અચાનક ઝબકી ગયા. તમને કોઈ તમને તાકી રહ્યું હોય એવો અનુભવ થઈ રહ્યો હતો. તમે ઊઠીને આજુબાજુ જોયું. અરીસાના પ્રતિબિંબમાં તમે તમારાં જ પ્રતિબિંબથી ડરી ગયા. જ્યારે તમને ખબર પડી કે એ તમારું પ્રતિબિંબ છે તો તમે રાહતનો શ્વાસ લીધો. તમે ઊભાં થયાં અને રસોડામાં જઈ પાણી પી પાછાં ફર્યાં. ક્યાંય સુધી તમે પડખાં બદલતા રહ્યા. તમને સમજાતું નહોતું કે આખરે તમને કોઈ અપલક તાકી રહ્યું હોય એવી બેચેની કેમ થઈ રહી છે? "અશેષ સાંભળો છો? " તમે આવેશને ઢંઢોળ્યા. અશેષ તમારો હાથ ધકેલી પડખું ફેરવીને સૂઈ ગયા. પણ તમારી બેચેની વધતી જતી હતી. "મને બેચેની થાય છે.. અશેષ પ્લીઝ ઊઠો ને..?" તમે ફરી એક પ્રયત્ન કર્યો. "શું છે યાર? કેમ હેરાન કરે છે? અમારે આંખો દિવસ કામ કરવાનું હોય છે... તારી જેમ ટેબલ પર બેઠાં બેઠાં ફોન પકડી પંચાત નથી કરવાની હોતી. મને થાક લાગે..! બોલ હવે.. શું છે? " અશેષનાં કડવા વેણ તમારાં હ્રદયમાં ખૂંપી ગયા. તમે એક ક્ષણ ફરિયાદ નહીં કરવાનું વિચાર્યું. પણ બેચેની વધી જતાં તમે આખરે કહી જ દીધું. "મને કોઈ જોતું હોય તેમ લાગે છે. મને બેચેની થાય છે." "અહીંયા કોણ આવવાનું છે તને જોવા?.. આટલાં મોડાં તને કોણ જોશે?" "પણ તમે એકવાર ઊઠીને જુઓ ને..? પ્લીઝ?" "અરે ... યાર... બહુ નખરાં છે તારાં..." અશેષ ઉઠ્યા અને એમણે આંખો રૂમ તપાસ્યો. પણ ક્યાંથી કોઈ મળે? કોઈ હોય તો મળે ને?અશેષ કચકચ કરતાં તમને હદ બહારનું સંભળાવીને સૂઈ ગયા. પણ તમારી આંખોમાં હજુ ભય હતો. 'કોઈ નથી? એવું કેવી રીતે બને? ' તમે સખત મૂંઝાઈ ગયા હતાં. તમારે સમજાવવું હતું આવેશને કે છોકરીઓને ખબર પડી જતી હોય છે કે કોઈ એમને જુએ છે અને કેવી રીતે જુએ છે? પણ તમે ચૂપ રહ્યા. તમને જે અરીસાથી પ્રેમ થયો હતો એ અરીસા તરફ જોયું અને તમને એ વિચિત્ર લાગણી એકદમ તીવ્રતાથી થઈ આવી. તમે ઊભાં થયાં. તમે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું. તમે તમારાથી આકર્ષિત થયા. પણ એ વિચિત્ર અહેસાસ તમને કંઈક અયોગ્ય પરિસ્થિતિમાં મૂકતો હતો. તમે બાજુનાં કબાટમાંથી ચાદર કાઢી અને અરીસા પર ઢાંકી દીધી. એ વિચિત્ર અહેસાસ અચાનક ગાયબ થઈ ગયો. તમારી આંખો ધીરેધીરે ઘેરાવા માંડી. પણ એક અકળાવનારી દ્વિધા તમને થઈ રહી હતી. તમે અરીસા તરફ પીઠ કરી અને સૂવાની કોશિશ કરી. બરાબર એ જ સમયે અરીસા પર નાંખેલી ચાદર પવન આવતા હરી અને અરીસામાં એક અસ્પષ્ટ ચહેરો ઉપસ્યો. એ બિહામણો ચહેરો તમને અમીટ નજરે જોઈ રહ્યો હતો. તમે આ આખી ઘટનાથી બેખબર ધીરે ધીરે તંદ્રામાં સરી ગયા. થોડીવારમાં તમારાં હાથ પર તમને એક સ્પર્શ અનુભવાયો. એ સ્પર્શ નવો હતો. પણ તમારો ગમતો હતો. તમે વર્ષોથી આવાં સ્પર્શની શોધમાં હતા. તમે એ સ્પર્શને તંદ્રામાં માણી રહ્યા. એ સ્પર્શ તમારા માથા પર , વાળ પર અને તમારાં હાથ પર ક્યાંય સુધી ફરતો રહ્યો. થોડીવારમાં તમે શાંત ‌‌‌ગાઢ નિંદ્રામાં સરી પડ્યા. તમારાં માથા પર ક્યાંય સુધી હાથ ફરતો રહ્યો. તમારાં સ્વપ્નમાં એક સોહામણો પુરુષ તમારી બાજુમાં બેઠેલો તમને દેખાયો. કશું જ બોલ્યા વગર એ તમારાં માથા પર અને શરીર પર ફક્ત હાથ ફેરવી રહ્યો હતો. અને એ સ્પર્શ બિલકુલ વાંધાજનક નહોતો. એ રાત્રે તમને ગાઢ નિદ્રા આવી. તમારી વર્ષોની ઈચ્છા પૂરી થઈ. તમે એટલી ગાઢ નિદ્રામાં હતાં કે છે વાગ્યાનો અલાર્મ પણ તમને ન સંભળાયો. સાત વાગ્યે અચાનક આંખ ખૂલી ત્યારે તમે હાંફળા ફાંફળા ‌‌‌બહાર રસોડામાં દોડી ગયા. ત્યાં બધો જ નાસ્તો તૈયાર હતો. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. તમને નવાઈ લાગી. તમે તમારાં રૂમમાં જઈ બાથરૂમમાં પેઠાં. સવારનું નિત્યક્રમ પતાવી વખતે પણ તમારાં મનમાં આ એક જ સવાલ ઘૂમતો હતો. અને મોડાં ઊઠીને બહાર નીકળી છતાં એનાં સાસુએ કોઈ વાંધો ન ઊઠાવ્યો એ તમારાં માટે આશ્ચર્યજનક હતું. તમે નિત્યક્રમ પતાવી બહાર આવ્યા તો અશેષે તમારી તરફ ગુસ્સાથી જોયું અને તૈયાર થઈ ચા પીધાં વગર જ નોકરીએ જવા નીકળી ગયા.