આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૩૭
દિયાન શિનામિની રાહ જોઇ રહ્યો હતો. તેના ખાલી મનમાં વિચારો આવવા લાગ્યા. માતા-પિતાના પ્રતિભાવ આશ્ચર્ય પમાડનારા હતા. જે માતા-પિતા તેના હેવાલી સાથેના લગ્ન ટકી રહે એ માટે સતત પ્રયત્ન કરતા હતા એ હવે છૂટો દોર આપી રહ્યા છે. હેવાલીના સ્થાને બીજી છોકરીને લાવવાની સંમતિ આપી દીધી છે. હું અને હેવાલી પ્રકૃતિ બંગલો પર ગયા એ દરમ્યાન અહીં કોઇ ઘટના બની ગઇ છે અથવા માતા-પિતા મારી ખુશી ચાહે છે. એ મારા નિર્ણય સાથે સહમત થઇ રહ્યા છે. એમ લાગતું હતું કે મારા હેવાલીથી અલગ થવાના આખરી નિર્ણય સામે તેઓ ભારે વિરોધ નોંધાવશે. પરંતુ મારી વાતને ચૂપચાપ સ્વીકારી લીધી એટલું જ નહીં મારા નવા દામપત્ય જીવન માટે તૈયારી બતાવી છે. નક્કી કંઇક તો બની ગયું છે. શિનામિ આવે એ પહેલાં એની જાણકારી મેળવવી પડશે.
દિયાને ઘડિયાળમાં નજર નાખી. હજુ સાડા દસ થયા હતા. શિનામિ રાત્રે બાર વાગ્યા પછી જ આવશે. માતા-પિતા હજુ સૂઇ ગયા નહીં હોય. એમને ઊંઘ પણ કેવી રીતે આવી શકે? દીકરાના લગ્ન તૂટી રહ્યા હોય ત્યારે ઊંઘ ઊડી જ જાય. ન જાણે કેટલાય અરમાન સાથે એ હેવાલીને લાવ્યા હતા. હેવાલી પરિવારમાં એવી હળીભળી ગઇ હતી કે ઘર જાણે સ્વર્ગ બની ગયું હતું. આજે ઘરમાં સૂનકાર ભાસે છે. કુદરતના ખેલ સામે આપણું ક્યાં કંઇ ચાલે છે. એમના ચહેરા પર જે શાંતિ અને સંતોષ દેખાતા હતા એ ગાયબ છે. એમના દિલ દુ:ખી હશે. એમને સાંત્વના પણ આપવી જોઇએ. મારા સારા ભવિષ્ય માટે એમણે સંમતિ આપી દીધી હશે પણ મનમાં એક ખટકો જરૂર રહેશે કે કોઇની છોકરીને ઘરે લાવ્યા પછી એની સાથેનો સંબંધ તોડવો પડ્યો છે.
દિયાને બારણે ટકોરા માર્યા. સુલુબેન જાણે એના આગમનની રાહ જોતા હોય એમ દોડીને દરવાજો ખોલ્યો. સામે દીકરાને જોઇ એમની આંખોમાં ખુશીનો એક ચમકારો દેખાયો. દિયાનને લાગ્યું કે પોતે હેવાલીથી અલગ થવાનો નિર્ણય રદ કરવાની વાત કરવા આવ્યો છે એવા ખુશીના સમાચાર સાંભળવા માગે છે. તે બોલ્યા:'આવ આવ દીકરા...'
દિયાને સંકોચ સાથે એમના બેડ પર સ્થાન લીધું અને મોં નીચું રાખી બોલ્યો:'મમ્મી- પપ્પા, મને માફ કરી દો...'
'અરે બેટા! સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે એને ભૂલ્યો ના કહેવાય. અને આ ઉંમર જ એવી છે. ભૂલ થઇ જાય. તને તારી ભૂલનું ભાન થયું એ જ મોટી વાત છે. એં તારી મમ્મીને હમણાં જ કહ્યું કે એના સંસ્કાર એવા નથી કે હેવાલી જેવી સારી છોકરીને છોડી દેવાની ભૂલ કરી શકે...' દિનકરભાઇના ચહેરા પર અપાર ખુશી છલકી રહી હતી.
'બેટા! મને વિશ્વાસ હતો કે તું તારા નિર્ણયમાં ફેરફાર કરશે જ...અને તારે અમારી માફી માગવાની ના હોય. જા...જઇને હેવાલીની માફી માગી આવ...' સુલુબેન ખુશીના આંસુ સાથે દિયાનના માથા પર હેતથી હાથ ફેરવી રહ્યા.
દિયાનને થયું કે તેણે અહીં વાત કરવા આવીને ભૂલ કરી છે. તે બીજું જ કંઇ પૂછવા આવ્યો છે અને બંને ખોટી આશા રાખી રહ્યા છે.
તે સહેજ ગ્લાનિ સાથે બોલ્યો:'મમ્મી- પપ્પા, તમારી ક્યાંક ભૂલ થાય છે. મારો માફી માગવાનો મતલબ એ નથી કે હું હેવાલીથી અલગ થવાનો નિર્ણય ફેરવી રહ્યો છું. હું આ નિર્ણય લેવા મજબૂર હોવાથી માફી માગી રહ્યો છું. મને માફ કરજો કે મારે આ નિર્ણય લેવો પડ્યો છે અને એમાં હું કોઇ ફેરફાર કરી શકું એમ નથી. તમને દુ:ખી કર્યા એ બદલ માફી માંગું છું...'
દિયાનની વાત સાંભળીને સુલુબેન- દિનકરભાઇ સડક થઇ ગયા હતા. દિયાનના વાક્યને સમજવામાં એમણે ભૂલ કરી હતી એનો અફસોસ ચહેરા પર આવી ગયો. એમણે એને હેવાલીથી અલગ થવા સંમતિ આપી દીધી હતી. એટલું જ નહીં બીજી છોકરી સાથે લગ્ન કરવાની પરવાનગી આપી દીધી હતી. પરંતુ મનમાં હેવાલીને પાછી લાવવાની લાલચ એમને દિયાન પાસે અપેક્ષા રખાવતી હતી.
સુલુબેન આઘાત લાગ્યો હોય એમ કંઇ બોલી શક્યા નહીં.
દિયાનની વાતનો આંચકો ખમીને દિનકરભાઇ બોલ્યા:'બેટા, જેવી તારી મરજી. તું અમારા દુ:ખની ચિંતા ના કરીશ. તું જે રીતે સુખી થઇ શકતો હોય એ માટે અમે તૈયાર છીએ...'
દિયાનને થયું કે માતા- પિતાની લાગણી સામે તે છોભીલો પડી રહ્યો છે. આંખમાંથી આંસુઓ બહાર આવી જાય એ પહેલાં તે વીજળીવેગે ઊભો થઇ 'ગુડ નાઇટ' કહી બહાર નીકળીને દોડતો પોતાના બેડરૂમમાં આવી ગયો.
તેના આંસુનો બંધ તૂટી જ ગયો. માતા-પિતાને દુ:ખી કરવાનો પસ્તાવો તેના આંસુમાં છલકાતો રહ્યો.
ભારે હ્રદયે દિયાન પડી રહ્યો. શિનામિની રાહ જોતાં ક્યારે ઊંઘી ગયો એનો ખ્યાલ જ ના રહ્યો.
બારણે ટકોરા સંભળાતાં તે ઝબકીને જાગી ગયો.
તેણે ઘડિયાળમાં નજર નાખી. બાર વાગીને દસ મિનિટ થઇ રહી હતી. તેણે વિચાર્યું. શિનામિ હજુ આવી નહીં હોય. એને ટકોરા મારવાની જરૂર નથી. ભૂત સ્વરૂપમાં તે ક્યાંયથી અવર- જવર કરી શકે છે. કદાચ મમ્મી-પપ્પા વાત કરવા આવ્યા લાગે છે. એમને ઊંઘ આવી નહીં હોય. એમની ચિંતા સમજી શકાય એવી છે.
દિયાને દરવાજો ખોલ્યો અને સામે એક અજાણ્યા યુવાનને જોઇ ચોંકી ગયો. તેને પોતાની આંખ પર વિશ્વાસ આવતો ન હતો. પોતાના ઘરમાં અજાણ્યો યુવાન કેવી રીતે આવી ગયો? પપ્પાએ મને સમજાવવા એમના કોઇ મિત્રના યુવાન પુત્રને મોકલ્યો હશે?
ક્રમશ: