ફિલ્મ રિવ્યૂઃ ‘જુરાસિક વર્લ્ડ: ડોમિનિઅન’- ડાયનોસોર સાથે પ્રેમમાં પડવાનો એક ઓર અવસર
૧૯૯૩માં ‘જુરાસિક પાર્ક’ રિલિઝ થયેલી એ પહેલાં ભારતવર્ષમાં બહુ ઓછાને ખબર હતી કે ‘ડાયનોસોર’ જેવા મહાકાય જીવ ક્યારેક આ ધરતી પર વિચરતા હતા. ફિલ્મનું ટ્રેલર જોઈને દેશ આખો સ્તબ્ધ થઈ ગયેલો. હિન્દીમાં ડબ થયેલી એ પહેલી ફિલ્મ એટલેય આતુરતા ઘણી હતી. ફિલ્મ પ્રદર્શિત થઈ અને ભારત સહિત દુનિયાભરમાં બોક્સઓફિસ પર રેકોર્ડતોડ કમાણી! એ દિ ને આજની ઘડી, સિને પડદે ‘ડાયનોસોર’ જેટલું વ્હાલું, અદકેરું, ગમતીલું પ્રાણી બીજું એકેય નથી લાગ્યું. ન ગોડઝિલા, ન ડ્રેગન, ન જાદૂ, ન ગ્રૂટ. (ફિલ્મના એક દ્રશ્યમાં બચુકડા, ક્યુટડા ડાયનોને સ્પર્શીને લૌરા ડર્ન પ્રસન્નચિત્તે બોલે છે, 'મેરા મન ઇનસે કભી નહીં ભરતા!' ત્યારે લાગ્યું કે મારા મનની જ વાત આ તો! ડરામણા-ખરબચડા ડાયનો એટલા બધાં ગમે કે ન પૂછો વાત. એમ થાય કે મૃત્યુ આવે ત્યાં સુધીમાં વિજ્ઞાનીઓ ખરેખર ક્લોનિંગ વડે ડાયનોસોર્સનું સર્જન કરી નાંખે અને એ જાનદાર જીવો આંખો સામે જીવતા જોવા મળે તો ધરતી પર આવ્યાનો આ જન્મારો સફળ થઈ જાય ♥️)
પ્રત્યેક ‘જુરાસિક’ મૂવીની ભારતમાં આતુરતાપૂર્વક રાહ જોવાય. ‘જુરાસિક પાર્ક ટ્રિલોજી’ની ત્રણ ફિલ્મો પૈકી ત્રીજો ભાગ થોડો નબળો લાગેલો. એ પછી ૨૦૧૫થી રિવાઇવ થયેલ ‘જુરાસિક વર્લ્ડ’ સિરિઝનો પહેલો – મર્હૂમ ઇરફાન ખાન વાળો — ભાગ ખૂબ ગમેલો. બીજો ભાગ ‘જુરાસિક વર્લ્ડઃ ફોલન કિંગ્ડમ’ નિરાશાજનક હતો. હવે આવ્યો છે ‘જુરાસિક વર્લ્ડ ટ્રિલોજી’નો ત્રીજો અને આખરી ભાગ ‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિઅન’. કેવોક છે? લેટ્સ સી.
કહાની કુછ યૂં હૈ કિ… લેબોરેટરીમાં ડાયનોસોર પેદા કરાયાને વર્ષો વિતી ગયા છે. હવે એની વિવિધ પ્રજાતિ જગતભરમાં ફેલાઈ ચૂકી છે, અત્ર-તત્ર-સર્વત્ર ડાયનો જ ડાયનો જોવા મળે છે. માનવજાત સાથે એની ભીડંત થતી જ રહે છે. હવે આને કન્ટ્રોલ કરવા તો કેમ, એની કથા માંડે છે ‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિઅન’. વાર્તાનું ફોકસ આ વેળા ડાયનોસોર પર ઓછું અને માણસો પર વધારે છે, કદાચ એટલે જ આ ફિલ્મને વિવેચકોએ વખોડી નાંખી છે, પણ બિલિવ મી… ફિલ્મ મજેદાર છે, જોવા-માણવા જેવી.
ફિલ્મની સ્ટારકાસ્ટ ધરખમ છે. જવાંમર્દ ક્રિસ પ્રાટ અને સુપરસેક્સી બ્રાઇસ ડલાસ હોવાર્ડ ગમતીલા. કાયળી એવી ડિવાન્ડા વાઇઝ તો સુપરડુપરસેક્સી! પણ, સૌથી વધુ ગમ્યું જૂના જોગીઓને જોવાનું. મૂળ ‘જુરાસિક પાર્ક’ની તિકડી – લૌરા ડર્ન, સેમ નીલ અને જેફ ગોલ્ડબ્લૂમ — ને ફરી લાવ્યા અને ફૂલ ફ્લેજ્ડ રોલમાં લાવ્યા એ મઝાનું લાગ્યું. ત્રણેનું કામ સરસ. ડઝનબંધ કલાકારોનો મેળો જામ્યો હોય ત્યારે ચાલેબલથી વધારે કામ તો કોઈ ક્યા કર સકે? આમેય આવી ફિલ્મમાં એક્ટિંગ-ફેક્ટિંગના કાંઈ વિશેષ જોહર ન દેખાડવાના હોય.
ટેકનિકલી ફિલ્મ એવી જ છે જેવી હોવી જોઈએ- મજબૂત. વિશ્વમાં આજ સુધી પેદા થયેલા તમામ ફિલ્મ સર્જકોમાં સૌથી વિઝનરી અને મહાનતમ સર્જક (આ બાબતમાં કોઈ દાખલાદલીલ ચલાવી લેવામાં આવશે નહીં! –હુકમથી.) એવા શ્રી શ્રી શ્રી સ્ટિવન-ધ-ગ્રેટ-સ્પિલબર્ગની દેખરેખ હેઠળ (સાહેબ અહીં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે) કોઈ ફિલ્મ બનેલી હોય પછી એ ફિલ્મમાં ટેકનિકલી કાંઈ ઘટે કે? વીએફએક્સ અને સિનેમેટોગ્રાફી સોલિડ. બેકગ્રાઉન્ડ સ્કોર અને સાઉન્ડ મિક્સિંગ ગજ્જબ. થ્રીડી ધારોધાર ઉત્તમ. (ફિલ્મ જોવા જાવ તો મોટો પડદો હોય, કાનફાડૂ સાઉન્ડ સિસ્ટમ હોય, થ્રીડી સાફ દેખાડે એવા થિયેટરમાં જ જજો. ૪૦૦-૫૦૦ દોકડા તો સાઉન્ડ ને થ્રીડીમાં જ વસૂલ થઈ જશે! ડાયનોસોર્સે જે ત્રાડો પાડી છે, બાપા! નકરા જલસા.) મૂળ જુરાસિક ફિલ્મની જેમ જ અહીં પણ ડાયનો-સર્જનમાં પરંપરાગત ‘એનીમેટ્રોનિક્સ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘એનીમેટ્રોનિક્સ’ એટલે એવી કળા જેમાં પ્રાણીઓના (અહીં ડાયનોસોરના) મૂળ કદના રોબોટિક પૂતળાં બનાવવામાં આવે છે. મેટલનું ફ્રેમવર્ક રચી એના પર રબરના વાઘા ચડાવવામાં આવે અને કમ્પ્યુટર દ્વારા એનું મિકેનિઝમ ઓપરેટ થાય. વાસ્તવિક સેટ્સ બને, એમાં આવા ડાયનો ઊભા કરાય અને એક્ટર્સ સાથે એમની આછીપાતળી હરકતો શૂટ કરાય. પછી વાનગી પર ધાણાં ભભરાવાય એમ જરૂર પૂરતી વીએફએક્સ ભભરાવી દેવાય. ‘જુરાસિક’ શ્રેણીની ફિલ્મો માટે આ જૂની ને જાણીતી ટેકનિક જ વપરાતી આવી છે, સુપરહીરો ફિલ્મોમાં એક્ટર્સની આંખ સામે કાંઈ હોય જ નહીં, ખાલીખાલી હવામાં જોઈને જ લીલા પડદે ઊભાઊભા એક્ટિંગ કર્યા કરવી પડે, બધા જાદૂ-ટોના-ચમત્કારો-ભૂતડાંઓ પાછળથી કમ્પ્યુટર થકી ઉમેરાય, એવું ‘એનીમેટ્રોનિક્સ’માં થતું નથી. (આ ટ્રિક દ્વારા જ શ્રીરામ રાઘવનની ઉર્મિલા-સૈફ સ્ટારર મસ્ટ વૉચ ક્લાસિક થ્રિલર ‘એક હસીના થી’ના ક્લાયમેક્સમાં ઉંદરડા-ગેંગ સર્જવામાં આવેલી!)
‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિઅન’માં એક્શન ભરપૂર માત્રામાં છે. ઇન્ટરવલ પછી એક તબક્કે તો વધારે પડતું લાગે એટલી માત્રામાં! ડાયનોસોર્સના દેખાવ-આકારમાં વિવિધતા ખૂબ બધી. સૌના પરાક્રમ પણ અલગ-અલગ ટાઇપના. (અત્યંતબારીક કામ થયું છે આ વખતે ડાયનો-સર્જનમાં. એમની ખરબચડી ચામડી, ચામડીના રંગો, આંખો, પીંછા, સ્નાયુઓની મૂવમેન્ટ... બધું જ અગાઉની જુરાસિક ફિલ્મો કરતાં વધારે વાસ્તવિક લાગે છે) જમીન, જંગલ, આસમાન, અન્ડરવોટર… ડિરેક્ટરે એકેય સ્થળ નથી છોડ્યું એક્શન સર્જવામાં. ઇન્ટરવલ પહેલાનું સીન કે જેમાં માલ્ટાની ગલીઓમાં હીરોના બાઈક અને હિરોઈનની કાર પાછળ જાણે બાપે માર્યા વેર હોય એવા ખૂન્નસથી દોડતા લોહીતરસ્યા ડાયનો તો સુપર સે ભી ઉપર... સીટીમાર સીન! મને થિજેલા સરોવર પર અટકચાળું કરવા આવતું ઓલું ડોઢડાહ્યું પીંછાળું પાયરોરેપ્ટર (pyroraptor) ડાયનો બહુ ગમ્યું! બ્રાઇસની પાછળ પડતું મહાકાય થીરિઝિનોસોરસ (therizinosaurus) પણ જોરદાર. એ દિલધડક સીનમાં ઉપરના અડધા પડદે ડાયનોનું વિકરાળ જડબું હોય ને નીચલા અડધા પડદે પાણીની અંદર છુપાયેલ હીરોઇન હોય, એ ક્ષણ લાજવાબ! ઇન ફેક્ટ, આખી ફિલ્મમાં વિવિધ સીન્સમાં ડાયનોસોરના જડબાં ને પગના પંજાના ક્લોઝ અપ્સ દેખાડીને નોસ્ટાલ્જિક ફીલિંગ ક્રિએટ કરવામાં નિર્દેશક કોલિન ટ્રેવોરોવ સફળ થયા છે. એકાદ જગ્યે ‘કન્જ્યુરિંગ’ ટાઇપની ભૂતિયા મોમેન્ટ પણ સર્જાઈ છે દર્શકોને હબકાવી નાંખવા માટે. ફિલ્મમાં છેલ્લે દેખાડેલ સહજીવનના સિલહુટે સીન્સ ગમે એવા છે તો સાથોસાથ ફિલ્મમાં હાસ્યાસ્પદ લાગે એવી હંબગ મોમેન્ટસ પણ ખરી. ખાસ કરીને એકશન સીન્સ દરમિયાન ડાયનોસોર્સને હંફાવવા માટે કલાકારો જે તિકડમો લડાવે છે એ ક્યાંક સાવ ફાલતુ લાગે એવા છે. એમ કાંઈ આવા દૈત્યકાર ડાયનોને ઉલ્લુ બનાવાય કે! એ હુ હારા!! 🙄 પણ એ તો બધું ચાલી જાય એમ છે. હિન્દી અને સાઉથની ફિલ્મોમાં આપણે વર્ષોથી આવી ફાલતુગીરી નિભાવીએ જ છે ને! 😄
‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિઅન’ કાંઈ ગ્રેટ ફિલ્મ નથી, છતાં જોવા ગમે એવી તો છે, છે ને છે જ, કેમ કે અહીં એક્શન અપાર અને ડાયનોઝ ધૂંઆધાર છે. જોઈ જ આવો. બચ્ચાં પાર્ટી સંગ બડેખાંઓનેય જલસો પડી જશે, એની ગેરંટી. પાંચમાંથી ૪ સ્ટાર્સ.