connection-rooh se rooh tak - 2 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | કનેક્શન-રૂહ સે રૂહ તક - 2

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કનેક્શન-રૂહ સે રૂહ તક - 2

૨.સપનાની લડાઈ


અમદાવાદનાં પોશ વિસ્તારમાં આવેલાં સમર્પણ બંગલોમાં એક કર્ણપ્રિય આરતી ગુંજી રહી હતી, "જય શિવ ઓંકારા, ભજ જય શિવ ઓંકારા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવઅર્ધાંગી ધારા, ૐ હર હર હર મહાદેવ" આ અવાજ આ બંગલાની અંદર રહેતાં માધવીબેનનો હતો. સમર્પણ બંગલોની રોજની સવાર એમનાં સુમધુર કંઠે ગવાયેલી મહાદેવની આરતીથી જ પડતી.
"અરે બાપ રે, આજે પણ મોડું થઈ ગયું." માધવીબેનનો અવાજ કાને પડતાં જ નિખિલ પોતાની રજાઈ હટાવીને ઉભો થયો. એ તરત જ વૉર્ડરોબમાંથી કપડાં કાઢીને બાથરૂમ તરફ ભાગ્યો. ન્હાયા પછી પોતાનાં કાળાં વાળને જેલથી સેટ કરીને એ પોતાની ભૂરી આંખોમાં થોડાં ડર સાથે ફટાફટ સીડીઓ ઉતરતો નીચે આવ્યો. એ તરત જ આવીને, બંને હાથ જોડીને માધવીબેનની પાછળ ઉભેલાં પોતાનાં મમ્મી-પપ્પાની વચ્ચે ઉભો રહી ગયો‌. એનાં જમણાં હાથમાં કાળાં મોતીની માળા વીંટળાયેલી હતી. જેની એક સેર અંગૂઠાની ફરતે આંટો લઈને કાંડેથી થોડી નીચે ઝુલી રહી હતી.
આરતી પૂરી થતાં જ માધવીબેન પાછળ ફર્યા અને નિખિલ સામે આંખો કાઢીને કહ્યું, "આજે પણ મોડો આવ્યો. તું કયારે વહેલાં ઉઠતાં શીખીશ?" માધવીબેન નિખિલ પર થોડાં ગુસ્સે હતાં. એ સમયે જ બે હાથ આરતી લેવાં લંબાયા. માધવીબેને એ તરફ નજર કરી અને કહ્યું, "નિખિલ તમારી ઉપર જ ગયો છે. તમે અમદાવાદનાં એસીપી છો. પણ તમારાથી ઘરની આરતીમાં સમયસર નથી પહોંચી શકાતું."
"બસ માધવી! સવાર સવારમાં ગુસ્સે નહીં થવાનું અને હું અમદાવાદનાં લોકો માટે એસીપી છું. આ ઘરની અંદર તો એક નોર્મલ પુરુષ જ છું. અહીં હું માત્ર જગદીશ શાહ છું." જગદીશભાઈએ કહ્યું.
"પપ્પા તો અપર્ણા દીદીની જેમ વાતો કરે છે. એ પણ બહાર અલગ અને ઘરમાં અલગ રીતે રહેતી." નિખિલે કહ્યું.
નિખિલનાં મોંઢે અપર્ણાનું નામ સાંભળતાં જ માધવીબેનની આંખો ભીની થઈ ગઈ. પરંતુ જગદીશભાઈનાં ચહેરાં પર ગુસ્સાની એક આછી રેખા આવીને જતી રહી. જે જોઈને પ્રથમેશભાઈ અને રોહિણીબેન થોડાં ડરી ગયાં. જગદીશભાઈએ બધાં તરફ ઉડતી નજર કરીને, ડાઇનિંગ તરફ કદમ આગળ વધારતાં કહ્યું, "મારે પોલીસ સ્ટેશને જવામાં મોડું થાય છે. જલ્દી નાસ્તો લગાવો." એ ડાઇનિંગની ઘરનાં મુખિયા બેસે એ ખુરશી સરકાવીને બેસી ગયાં. એમની પાસે ડાબી તરફ ક્રોસમા પડેલી ખુરશી પર પ્રથમેશભાઈ આવીને બેસી ગયાં. નિખિલ એમની પાસે પડેલી ખુરશીમાં ગોઠવાયો. માધવીબેન રોહિણીબેન સાથે કિચનમાં જતાં રહ્યાં. એમણે કિચનમાંથી ચા નાસ્તો લાવીને નિખિલ, પ્રથમેશભાઈ અને જગદીશભાઈને આપ્યો. ત્રણેયને નાસ્તો આપ્યાં પછી માધવીબેનની નજર રોજની આદત મુજબ જગદીશભાઈની ક્રોસમાં પડેલી ખાલી ખુરશી પર જતી રહી. જ્યાં અપર્ણા બેસતી. છેલ્લાં છ મહિનાથી એ ખુરશીને ખાલી જોઈને માધવીબેનના કાળજે જાણે કટારી ભોંકાઈ જતી. છતાંય જગદીશભાઈના ગુસ્સાને ધ્યાનમાં રાખીને એ ચૂપ રહેતાં.
જગદીશભાઈ નાસ્તો કરીને પોલીસ સ્ટેશને જવાં નીકળી ગયાં. એમનાં જતાંની સાથે જ પ્રથમેશભાઈએ નિખિલને કહ્યું, "હવેથી બોલવામાં ધ્યાન રાખજે. અપર્ણાનું નામ મોટા ભાઈની સામે નહીં લેવાનું. તને તો એમનાં ગુસ્સાની ખબર છે ને."
"ઓકે પપ્પા." નિખિલે ચહેરો ઝુકાવીને કહ્યું.
પ્રથમેશભાઈનું નામ ભલે પ્રથમેશ હોય. પણ આ ઘરમાં એમનું સ્થાન બીજાં નંબર પર જ આવતું. એ કોઈપણ નિર્ણય જાતે નાં લઈ શકતાં. આમ તો એમનો હોદ્દો વકીલ તરીકેનો હતો. પરંતુ એ બધું કોર્ટ પૂરતું જ સિમિત હતું. આ ઘરમાં તો માત્ર જગદીશભાઈનુ જ ચાલતું. એમનાં કહ્યાં વગર આ ઘરનું પાંદડું પણ નાં હલાવી શકાતું. એમાંય અપર્ણાના ગયાં પછી તો એમનો સ્વભાવ થોડોક વધારે જ ગુસ્સેલ અને કડક થઈ ગયો હતો.
જગદીશભાઈ અને પ્રથમેશભાઈ નાસ્તો કરીને ગયાં. પછી માધવીબેન અને રોહિણીબેન પણ નાસ્તો કરવા બેઠાં. નિખિલ નાસ્તો કરીને કોલેજે જવાં નીકળી ગયો. એને અપર્ણાની બહું યાદ આવતી. પણ એનાં ગયાં પછી આ ઘરમાં એક નિયમ બની ગયો હતો. જે જગદીશભાઈએ બનાવ્યો હતો. જેમાં ઘરનાં કોઈપણ સદસ્યને અપર્ણાનું નામ આ ઘરમાં નહીં લેવાય, એવું જણાવવામાં આવ્યું હતું. છ મહિનામાં નિખિલે આજે પહેલીવાર એ નિયમ તોડ્યો હતો. એનાં જ લીધે જગદીશભાઈએ એને માફ કર્યો હતો. એમને મન એ કોઈની એક ભૂલ માફ કરતાં. જ્યારે એક જ ભૂલ બીજી વખત થતી. તો એ વ્યક્તિ સજાને પાત્ર બનતી.
માધવીબેનની હાલત પણ નિખિલ જેવી જ હતી. એ જગદીશભાઈની વાત ટાળી પણ નાં શકતાં, અને અપર્ણાથી દૂર રહી પણ નાં શકતાં. અપર્ણાનું સપનું એક્ટર બનવાનું હતું, અને જગદીશભાઈ ઈચ્છતાં હતાં, કે અપર્ણા આઇએએસ ઓફિસર બને. આ બંને સપનાંનો દૂર દૂર સુધી કોઈ મેળ ન હતો. આખરે અપર્ણા પોતાનાં સપનાં માટે પોતાનાં પરિવારથી જ દૂર થઈ ગઈ. આ દૂરી હંમેશને માટે ન હતી. અપર્ણા પોતાનું સપનું પૂરું કરીને, એક ફેમસ એક્ટર બની જાય, પછી એને આ ઘરમાં આવવાની પરમિશન મળી જવાની હતી. પણ ત્યાં સુધીની દૂરી શાહ પરિવારનાં નસીબમાં લખાઈ ચુકી હતી. હવે અપર્ણાનું માનવું હતું, કે જે કામમાં આપણું મન નાં લાગે, એ કામ આપણે નાં કરવું જોઈએ. પછી ભલેને તમે એ કામમાં ગમે એટલાં પાવરધા કેમ નાં હોય! અપર્ણા ધારતી તો એ એક શ્રેષ્ઠ આઇએએસ ઓફિસર બની શકતી. પણ એને એ બનવું જ ન હતું. છતાંય જો એ એનાં પપ્પાના કહેવાથી બની પણ જતી. તો એનું એ કામમાં મન નાં લાગતું. આથી એણે પોતાનું ધાર્યું કર્યું. જેમાં એનું મન લાગતું હતું, અને જે બનવું એનું સપનું હતું.

અપર્ણાને આજે પાર્ટીમાં જવાનું હતું. સવારની ચા તો શિવના લીધે મેનેજ થઈ ગઈ હતી. બપોરે એણે મેગી બનાવીને ખાઈ લીધી. રાતની વ્યવસ્થા એની સિરિયલના ડાયરેક્ટર અજય મલ્હોત્રાને ત્યાં થઈ ગઈ હતી. સવારે શિવના ગયાં પછી એમણે જ અપર્ણાને પાર્ટીમાં સમયસર પહોંચવાનું જણાવવા માટે ફોન કર્યો હતો. અપર્ણા બ્લેક કલરનુ ઘૂંટણ સુધીનું ફ્રોક પહેરીને તૈયાર થઈ ગઈ. વાળને ખુલ્લાં જ છોડી દીધાં. જે એની કમરથી નીચે સુધી ઝુલી રહ્યાં હતાં. લાઈટ મેકઅપ અને રેડ લિપસ્ટિક લગાવીને, આંખમાં કાજળ લગાવ્યાં બાદ કાનમાં લોંગ એરિંગ પહેરીને એણે પોતાનું તૈયાર થવાનું પૂરું કર્યું. ત્યાં સુધીમાં આઠ વાગી ગયાં હતાં. પાર્ટી નવ વાગ્યે શરૂ થવાની હતી. છતાંય મુંબઈનાં ટ્રાફીકનું કંઈ નક્કી નાં કહેવાય. ઘરેથી સમયસર નીકળીએ, પણ જ્યાં પહોંચવાનું હોય ત્યાં સમયસર નાં પહોંચાય, એટલે અપર્ણાએ તૈયાર થઈને એક નજર એનાં બેડ પર પડેલાં શિવનાં કોટ તરફ કરી, જે આજે સવારે એ અહીં જ ભૂલી ગયો હતો. પળવાર શિવને યાદ કરીને એ તરત જ અજયના બંગલો પર જવાં નીકળી ગઈ. હાં, અજયે પાર્ટી કોઈ હોટેલમાં નાં રાખીને પોતાનાં બંગલો પર જ રાખી હતી. જે કોઈ હોટલ કરતાં ઓછો પણ નાં હતો.
અપર્ણાની કાર બરાબર પોણા નવ વાગ્યે મલબાર હિલમાં આવેલાં અજય મલ્હોત્રાના બંગલોની સામે ઉભી રહી. જેની બહાર કેટલીય મોંઘી કાર ઉભી હતી, અને ઘણી કાર હજું આવવાની બાકી હતી. મતલબ ઘણાં ગેસ્ટ આવવાનાં હજું બાકી હતાં. અપર્ણા પોતાનું પર્સ લઈને બંગલોની અંદર પ્રવેશી. જ્યાં એનાં સ્વાગત માટે અજય દરવાજે જ ઉભો હતો, "વેલકમ, આજે બરાબર સમયે જ પહોંચી." એણે અપર્ણા સાથે હાથ મિલાવતા કહ્યું. અપર્ણા હળવાં સ્મિત સાથે હાથ મિલાવીને અંદર આવી.
"નાઇસ પાર્ટી એન્ડ નાઇસ અરેન્જમેન્ટસ્." અપર્ણાએ બધી તૈયારીઓ પર હળવી નજર કરીને કહ્યું. ખરેખર બધી તૈયારીઓ સુંદર રીતે કરવામાં આવી હતી. આજની આ પાર્ટી સિરિયલની ડેટ રિલિઝ કરવાં માટે રાખવામાં આવી હતી. એક તરફ ડ્રિંક અને એક તરફ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાંય વેઇટરો ટ્રે માં ઓરેન્જ જ્યૂસ, સોફ્ટ ડ્રિંક અને સ્ટાર્ટર લઈને ફરતાં હતાં. પાર્ટીમાં મોજુદ દરેક ચહેરાં હાઈ સોસાયટીમાંથી આવતાં હોય, એવું જણાતું હતું, "તમારો લાડલો વિશ્વાસ નજરે નથી ચડતો." બધાં તરફ ઉડતી નજર કરીને, અપર્ણાએ થોડાં કટાક્ષ સાથે ઉમેર્યું.
"આપને યાદ કિયા ઔર હમ ચલે આયે." દરવાજેથી એક અવાજ અપર્ણાના કાને પડ્યો. એ સાથે જ એનો ચહેરો તંગ થઈ ગયો. અજયની નજર તરત જ દરવાજે ઉભેલાં શખ્શ પર ગઈ. અપર્ણાએ પણ એક અણગમા સાથે એ તરફ જોયું, "તને મારી બહું યાદ આવતી લાગે." એ એક સ્મિત સાથે અંદર આવતાં બોલ્યો.
"તને યાદ કરે મારી જૂતી." અપર્ણાએ મોઢું મચકોડીને કહ્યું, અને ત્યાંથી જતી રહી.
"આવ વિશ્વાસ!" અજયે વિશ્વાસના ખંભે હાથ મૂક્યો, "તમારી બંને વચ્ચે ફરી કંઈ થયું છે?" એમણે અપર્ણા તરફ એક નજર કરીને પૂછ્યું. જે અત્યારે સખત ગુસ્સામાં જણાતી હતી.
"તમને તો ખબર જ છે. અમારી વચ્ચે એવું ચાલ્યાં જ કરતું હોય." એ અપર્ણા તરફ જોઈને મલકાયો, "એને મારું ફ્લર્ટ કરવું પસંદ નથી. જ્યારે મારાં માટે એ વાત કોમન છે. કાલે શૂટિંગ પત્યા પછી આ બાબતે જ અમારે ફરી બોલાચાલી થઈ ગઈ. જેનાં લીધે અત્યારે એ ગુસ્સે છે." વિશ્વાસે ચોખવટ પાડી.
"તને હું જાણું છું. પણ સમજી નથી શકતો." અજયે કંઈક વિચારીને કહ્યું, "તારાં માટે ફ્લર્ટ કરવું ભલે કોમન હોય. પણ સાચું કહું તો મને પણ એ બધું પસંદ નથી. એમાંય હવે તું કંઈક વધારે પડતું જ કરી રહ્યો છે. દરેક છોકરીને તારો એ સ્વભાવ પસંદ આવે એ જરૂરી નથી. હમણાં જ એક-બે છોકરીઓએ મને આ વિશે ફરિયાદ કરી હતી." એ થોડાં ગંભીર થઈ ગયાં, "તારું કામ સારું છે, એટલે હું તને કંઈ કહેતો નથી. પણ જો તારું વર્તન આવું જ રહ્યું. તો મારે તારો રોલ બીજાં કોઈને આપવો પડશે." એટલું કહીને એ જતો રહ્યો.
આજે પહેલીવાર વિશ્વાસને અજયની વાત થોડી ખુંચી હતી. એ બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાને ઓળખતા હતાં. અજયે જ વિશ્વાસને એની એક શોર્ટ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપી હતી. ત્યારથી વિશ્વાસ ઘણી એવી સિરિયલ અને શોર્ટ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી ચુક્યો હતો. જે અપર્ણાનાં આવતાં જ બદલી ગયું હતું. એને શૂટિંગ દરમિયાન વિશ્વાસ સાથે ફાવ્યું નહીં, અને અપર્ણા જેટલી સારી એક્ટિંગ બીજી કોઈ છોકરી કરી નાં શકી. આ સિરિયલ અજયનુ સપનું હતું. જેનાં લીધે એણે વિશ્વાસની જગ્યાએ બીજો છોકરો મુખ્ય ભૂમિકા માટે શોધી લીધો, અને વિશ્વાસને સિરિયલમાં સાઈડ રોલ મળ્યો. ત્યારથી જ વિશ્વાસ અને અપર્ણા વચ્ચે થોડી એવી નફરતના બીજ રોપાયાં હતાં.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"