An innocent love - Part 9 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 9

Featured Books
Categories
Share

An innocent love - Part 9

પાછળના ભાગમાં આપણે જોયું કે...


"સારું સારું, હુ એના માટે સરસ મજાની ઢીંગલી બનાવી આપીશ, હવે ખુશ બધા?" મમતા બહેન મીરાને પોતાની તરફ ખેંચતા બોલ્યા પણ આ વાતથી મીરા જાણે વધારે ચિડાઈ હોય એમ ત્યાંથી ગુસ્સે થતી પોતાના રૂમમાં જઈ ભરાઈ ગઈ.અને રાઘવ તો ખુશ થતો આ સમાચાર સુમીને બતાવી એના હોઠો પર ફરી મુસ્કાન આવશે એમ વિચારતો એના ઘરે દોડી ગયો.

આમજ ક્યારેક લડતા ઝગડતા તો ક્યારેક હળીમળીને રમતા ભાઈ બહેનનો પ્રેમ કઈ અલગજ હોય છે.


હવે આગળ.............

કહેવાય છે કે શાળા બાળકના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે અને શિક્ષકએ બીજી માની ગરજ સારે છે. મા બાળકમાં સંસ્કારનું સિંચન કરે છે, જ્યારે શિક્ષક તે બાળકમાં ભણતરનું સિંચન કરે છે. શાળાકીય જીવન ખુબજ અનોખું હોય છે. બાળપણની મસ્તી ભરેલ બાળક શાળામાંથી બહાર નીકળતા એક પરિપક્વ વ્યક્તિત્વ લઈને બહાર નીકળે છે. ક,ખ, ગ, ધ શીખતા શીખતા બાળક જીવનનો કક્કો શીખતો થઈ જાય છે. શાળામાં વિતાવેલા સોનેરી દિવસો, એમાં કરેલી મસ્તી, ત્યાં બનાવેલા મિત્રો માણસના જીવનભર માટે સાથે રહે છે.

આજે સુમન ખુબજ ખુશ હતી, શાળાનું નવું સત્ર શરૂ જો થવાનું હતું અને તે હવે પહેલાં ધોરણમાં આવી હતી. સુમનની મુખ્ય ખુશીનું કારણ તો તે હતું કે આજથી તે રાઘવની સ્કૂલમાં ભણવા જઈ રહી હતી. રાઘવ પાસે સ્કૂલની ખૂબ મસ્તીભરી વાતો સાંભળી સંભાળીને એને પણ તેની સાથે સ્કૂલમાં જઈ તે બધી મજા માણવી હતી. મીરા હંમેશા એને મોટી સ્કૂલ, ત્યાના મસ્તી મજાક, અને રોજ અલગઅલગ કિસ્સાઓ કહી ચિડવતી. નાનકડી સુમન પોતે પણ આમજ નવી બેગ લઈ અને સરસ મજાનો યુનિફોર્મ પહેરી સ્કૂલે જવાના સપના જોતી રહેતી, અને આખરે આજે એનું સપનું ખરેખર હકીકતમાં પરિણમવા જઈ રહ્યું હતું એટલે એના આનંદની કોઈ સીમા નહોતી.

અઠવાડિયા પહેલેથીજ સુમને સ્કૂલ જવાની તમામ તૈયારીઓ કરી દીધી હતી. મમતા પાસે માર્કેટમાં જઈને તે સ્કૂલમાં લઈ જવાની તમામ વસ્તુઓ પોતાની પસંદ મુજબ લઈ આવી હતી. નવી નવી ચોપડીઓ જોઈને હવે પોતે પણ ભણવા મળશે અને મીરા અને કિશોર ભાઈની જેમ જાતે વાંચી લખી શકશે એમ વિચારતી નાનકડી સુમન ફૂલી સમાતી નહોતી. સ્કૂલ શરૂ થવાના આગળના દિવસે જ રાઘવ અને મીરા પાસે મળીને એને સ્કૂલ બેગ તૈયાર કરી દીધી હતી, અને આખા ગામમાં જઈને ઢંઢેરો પીટી આવી હતી કે આવતીકાલથી તે પણ રાઘવ સાથે નવી સ્કૂલમાં જવાની.

સવારે વહેલા ઊઠી કરીને ખુદથી જ તૈયાર થતી ૬ વર્ષની સુમનને એના પિતા આશ્ચર્યથી જોઈ રહ્યા. રોજ મોડા ઊઠી બાલમંદિરમાં નહિ જવાના અલગ અલગ બહાના બનાવતી, ક્યારેક પેટમાં દુખાવો તો ક્યારેક માથું દુખવું, તો ક્યારેક મમતા બહેન પાસે જઈને લપાઈ ને સંતાઈ જતી, અને એજ સુમન આજે વહેલા ઊઠી નવી સ્કૂલમાં જવા ખુશી ખુશી તૈયાર થઈ રહી હતી. ફટાફટ તૈયાર થઈને નવી સ્કૂલબેગ લઈને તે મમતા બહેન પાસે પોતાના વાળ ઓળવવા ભાગી.
વ્હાઈટ કલરનું શર્ટ અને એમાં મરૂન કલરની લાઈનિંગ, ગળામાં ડાર્ક મરૂન કલરની ટાઈ, અને એના મેચિંગ મરૂન કલરનું ઢીંચળ સુધી પહોંચતું સ્કર્ટ, બે નાનકડી ચોટલીઓ અને તેના ધુંધરાળા વાળ, બંને ગાલમાં પડતા ખુબજ સરસ મજાના ખંજન, નીચેના હોઠની નીચે નાનકડો તલ , આજે સુમન ખરેખર નાનકડી પરી જેવી લાગતી હતી. મીરા અને કિશોર સ્કૂલ જવા તૈયાર થઈ પોતાના રૂમમાંથી બહાર નીકળતા જ ઘડીભર સુમનને જોઈ રહ્યા, રોજ નાનકડા ફ્રોકમાં જોવા મળતી સુમન આજે સ્કૂલ યુનિફોર્મમાં કઈક અલગજ લાગી રહી હતી.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)