"લાય આપ મારી રાધા મને પાછી. આ મારી ઢીંગલી છે, અને મને પૂછ્યા જાણ્યા વિના તમે લોકો આને કેવી રીતે અહી લઈ આવ્યા?"
આવીને સીધાજ સુમનના હાથમાંથી પોતાની ઢીંગલી જાણે ઝૂંટવતાં મીરા ગુસ્સે થતી બોલી.
"પણ મીરા દીદી આતો મને મમ્મીએ જ આપી હતી", પોતાનો પક્ષ રાખતો રાઘવ વચ્ચે આવી પડ્યો.
"હા તો શું થયું? આ મારી ઢીંગલી છે, તમારે લોકોએ મને પૂછવું જોઈએ, વળી આતો મને હમણાજ મારી બર્થડે ઉપર મળી છે માટે આ મારી ખુબજ ફેવરીટ ઢીંગલી છે, હું કોઈને અડકવા પણ ન દઉં, અને તમે લોકોતો એને ઉપાડીને અહીં લઈ આવ્યા સીધી. આવું હું જરાપણ ન ચલાવી લઉં, હવે પછી આ ઢીંગલીને હાથ પણ અડકાડતા નહિ, સમજ્યા બંને?" ગુસ્સાથી રાઘવ અને સુમનની સામે કતરાતી મીરા પગ પછાડતી ત્યાંથી નીકળી ગઈ.
હજુ થોડીવાર પહેલાજ હસતા ખેલતા બાળકોમાં મીરાની આવી હરકતથી જાણે સોંપો પડી ગયો. બધા રમતમાં આમ ભંગ પડતાં મોં વકાસીને પોતપોતાના ઘરે જતા રહ્યા. સુમન જાણે પોતાની ગમતી વસ્તુ ચાલી ગઈ હોય એમ હીબકે ચડી હતી અને રાઘવ મીરાની આવી વર્તણૂકથી સુમીને દુઃખ થતાં ગુસ્સે ભરાયો મીરા પાછળ દોડ્યો.
"કેટલી સરસ રમત આગળ વધી રહી હતી, પણ આ મીરા દીદીએ આવીને પૂરી રમત બગાડી દીધી." રાઘવ ઘરે જઈ મમતા બહેનને ફરિયાદ કરવા લાગ્યો.
"હા મારા કાનુડા, હું સમજાવીશ એને હો..."
"મને શું સમજાવીશ મા, વાંકતો એનો છે, મને પૂછ્યા વિના મારી ઢીંગલી લઈ ગયા બંને, મારે ઢીંગલી મારી બહેનપણીઓ સાથે રમવું હોય કે નહિ."
મમતા બહેન કઈ બોલવા જાય ત્યાં સુધીમાં તો મીરા વચ્ચે કૂદી પડી.
"જો મમ્મી, જોયું ને તે, કહીદે દીદી ને, કે એની ઢીંગલી તે જ અમને રમવા આપી હતી, જો મારી સુમી ને કેટલી રડાવી દીધી."
રાઘવે મમતા બહેનનો હાથ ખેંચીને એમને પોતાના તરફ ધ્યાન દોરતાં કહ્યું.
બંને બાળકો વચ્ચે મમતા બહેન અટવાઈ રહ્યા હતા ત્યાજ મનોહર ભાઈ અને કિશોર બહારથી આવ્યા. ઘરમાં કટોકટીનું વાતાવરણ જોઈને બંનેને ખ્યાલ આવી ગયો કે આજે જરૂર કઈ યુદ્ધ થયું છે.
એમના ઘરમાં આવતા જ રાઘવ અને મીરા બંને એ એક સાથે એમનાં પર હલ્લો બોલાવ્યો.
"પપ્પા, આ મીરા દીદીને કહી દેજો મને હેરાન ન કરે", રાઘવ મનોહર ભાઈ પાસે જઈને લપાઈ ગયો.
"બાપુ, તમે આજે એનો પક્ષ જરાય ન લેતા, આજે વાંક એનો છે, જુઓ મારી નવી નક્કોર ઢીંગલી આં લોકો મારી જાણ બહાર લઈ ગયા, હવે તમેજ કહો મને ગુસ્સો આવે કે નહિ, અને મા પણ એને કંઈ નથી કહી રહી, તમે બધા હમેશા રાઘવ અને સુમનને કઈ નથી કહેતા." બોલતાજ મીરાની આંખોમાંથી આંસુ ખરી પડ્યા.
"અરે મારી રાજકુમારી, તારી ઢીંગલી તારી પાસેથી કોઈ નાઈ લઈ શકે હો, અને રાઘવ કેમ તારી મોટી બહેનને પરેશાન કરે છે? જો હવે એને પરેશાન કરતો નહિ." મનોહર ભાઈ હળવેકથી રાઘવને લડતા બોલ્યા.
"પણ મારી સુમીને તે ઢીંગલી પસંદ છે, થોડી વાર અમે રમી લીધું એમાં શું થઈ ગયું" રાઘવ પણ એમનેમ વાત જવા દેવાના મૂડમાં નહોતો.
"એવુજ હોય તો સુમીને પણ એવીજ, નાં નાં એનાથી પણ વધારે સારી ઢીંગલી બનાવી આપ મમ્મી" રાઘવ મમતા બહેન તરફ ફરતા બોલ્યો.
"સારું સારું, હુ એના માટે સરસ મજાની ઢીંગલી બનાવી આપીશ, હવે ખુશ બધા?" મમતા બહેન મીરાને પોતાની તરફ ખેંચતા બોલ્યા પણ આ વાતથી મીરા જાણે વધારે ચિડાઈ હોય એમ ત્યાંથી ગુસ્સે થતી પોતાના રૂમમાં જઈ ભરાઈ ગઈ.અને રાઘવ તો ખુશ થતો આ સમાચાર સુમીને જણાવી એના હોઠો પર ફરી મુસ્કાન આવશે એમ વિચારતો એના ઘરે દોડી ગયો.
આમજ ક્યારેક લડતા ઝગડતા તો ક્યારેક હળીમળીને રમતા ભાઈ બહેનનો પ્રેમ કઈ અલગજ હોય છે.
💕ખીલતું મુસ્કુરાતું, પળપળમાં જીવતું,
એ બાળપણ ક્યાં ખોવાયું...
રીસાતું માનતું, માના પાલવે બંધાતું,
એ બાળપણ ક્યાં ખોવાયું...
ઝૂલતું હિંચતું, પિતાના ખભે ડોલતું
એ બાળપણ ક્યાં ખોવાયું...
લડતું ઝગડતું, ભાઈ બહેનમાં પનપતું,
એ બાળપણ ક્યાં ખોવાયું...
હસતું રડતું, દોસ્તોમાં ધબકતું,
એ બાળપણ ક્યાં ખોવાયું...
રમતું કૂદતું, ઢીંગલા ઢીંગલીમાં અટવાતું,
એ બાળપણ ક્યાં ખોવાયું...
શરમાતું નિખરતું, સ્નેહના ઉપવનમાં મહેકતું,
એ બાળપણ ક્યાં ખોવાયું...💕
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)