Nehdo - 51 in Gujarati Fiction Stories by Ashoksinh Tank books and stories PDF | નેહડો ( The heart of Gir ) - 51

Featured Books
Categories
Share

નેહડો ( The heart of Gir ) - 51

રાજપૂત સાહેબ શેરીના નાકેથી ટહેલતાં ટહેલતાં પેલા ઘરના ખૂણે ઉભેલા ગાર્ડની પાસે આવ્યા. ધીમે ધીમે રાજપૂત સાહેબે ગાર્ડ સાથે પુંજોભાઈ અને રઘુભાઈને અંદર ગયા ઘણો ટાઈમ થયો એવી ચિંતા કરી વાત કરી રહ્યાં હતાં.રાજપૂત સાહેબે ચારેબાજુ નજર કરી, પછી પેલાં મકાન પર નજર કરી કહ્યું, " તે બંનેને અંદર કંઈ તકલીફ તો નહીં આવી હોય ને? આપણે બહારથી ખડકી તોડીને હુમલો કરી દેવો છે?"
પેલા બન્ને ગાર્ડ્સને પુંજોભાઈને રઘુભાઈની ધીરજ પર પૂરતો વિશ્વાસ હતો. તે જાણતા હતા કે એ બન્ને જવાન પેલા શિકારીને પણ ખબર ન પડે તેમ તેની ઉલટ તપાસ કરી રહ્યા હશે. તેણે રાજપૂત સાહેબને સાંત્વના આપીને ઘડીક રાહ જોવા કહ્યું. રાજપૂત સાહેબ ધીમે ધીમે ટહેલતાં ફરી શેરીના નાકે પોતાની જગ્યાએ આવી ઊભા રહી ગયા. તેણે કમરમાં પાછળની બાજુ રાખેલી રિવોલ્વર પર હાથ ફેરવી, જરૂર પડે તો તે તરત બહાર કાઢી શકાય તેમ છે ને?તેની તપાસ કરી લીધી.
મગરનું ચામડું દેખાડી રહેલો ઓહડિયાવાળો પુંજાભાઈને સમજાવવા લાગ્યો,
"એ મગર કી ખાલ વિદેશ કે લોગ અપને દીવાન ખંડ મે સજાતે હૈ. ઇસ કી બહુત ડિમાન્ડ હૈ. ઔર ઍસી જ્યાદા ઉમર વાલી બડી મગર કી ખાલ કા બહોત પૈસા મિલતા હૈ."ત્યાથી તેણે બીજા ખૂણામાં ઢાંકેલું કાપડ હટાવ્યું. તેની નીચે સફેદ ટપકાવાળા હરણના ચામડાનો મોટો જથ્થો રાખેલો હતો."ઈસ હિરન કે ચર્મ સે લેડીઝ કે લીએ જૂતે ઔર પર્સ બનતે હૈ.ઇસકો ભી ચાઈના ભેજતે હૈ." ઓહડિયાવાળો ક્યારનો પુંજાભાઈ સાથે જ વાત કરી રહ્યો હતો. તેને રઘુભાઈ થોડોક ભેદીને ખડૂસ માણસ લાગતો હતો. તેથી રઘુભાઈ સામેથી પ્રશ્ન પૂછે તો જ તે જવાબ આપતો હતો. ઓહડિયાવાળો પુંજાભાઈને અલગ-અલગ પ્રાણીઓના અવશેષ, શરીર, ચામડા બતાવી રહ્યો હતો. ત્યાં રઘુભાઈને કોણ જાણે શું સૂઝ્યું તે પેલા બ્લેન્કેટમાં ઢાંકેલા ચામડા તરફ ગયા. આ ખૂણામાંથી સામેના ખૂણામાં ગયેલા રઘુભાઈ તરફ જ ઓહડિયાવાળાની નજર હતી. ઓહડિયાવાળાને ક્યારનીય રઘુભાઈની બોડી લેંગ્વેજ અને તેની જોવાની રીત પર શંકા તો જઈ જ રહી હતી. તેથી પુંજાભાઈ સાથે વાત કરતાં કરતાં પણ તેનું ધ્યાન રઘુભાઈ પર જ હતું.
રઘુભાઈ ખૂણામાં જઈ વાંકા વળી બ્લેન્કેટ આઘો કરી દીપડાનું ચામડું જોવા લાગ્યા. ઘડીક પેલા ઓહડિયાવાળાને એવું લાગ્યું કે રઘુભાઈને આ દીપડાના ચામડામાં રસ પડ્યો લાગે છે. પછી અચાનક ઓહડિયાવાળાનું ધ્યાન વાંકા વળેલા રઘુભાઈના ઊંચા થયેલા પેન્ટના પાઈસા પર ગયું. તેણે રઘુભાઈએ પહેરેલા પોલીસ ખાતાના ખાખી મોજા જોઈ લીધા. તરત જ ઓહડિયાવાળાએ પુંજાભાઈ સાથેની વાત બંધ કરી દીધી. ત્યાં ઓહડિયાવાળાનું ધ્યાન રઘુભાઈની કમરે શર્ટ પર ઉભરી આવતા ઢોરે ગયું. જેને છુપાવી રાખવા રઘુભાઈ ક્યારના ઓહડિયાવાળા તરફ પીઠ ફેરવવાનું ટાળી રહ્યા હતા. અનુભવી શિકારી એવા ઓહડિયાવાળાને ખાખી મોજા અને કમરે ખોસેલી રિવોલ્વર જોઈ, આવેલા બંને માણસ ગ્રાહક નહીં પરંતુ ફોરેસ્ટના જવાનો છે તે સમજી જતા વાર ન લાગી. તેના મોઢા પર આવેલા ગભરાટને જોઈ અને રઘુભાઈએ કરી નાખેલી ભૂલ સમજાય જતા પુંજોભાઈ પણ સમજી ગયો કે હવે બાજી બગડી ગઈ છે, તેથી પુંજોભાઈ સતર્ક થઈ ગયો, ને ઓહડિયાવાળો છટકી ન જાય તે માટે ફરી તેની સાથે વાતનો દોર શરૂ રાખવાં પ્રયત્ન કર્યો.
પરંતુ ડરી ગયેલા ઓહડિયાવાળાએ તરત બહાનું બનાવ્યું. "આપ થોડી દેર એ સબ દેખો મે પાની પી કે આતા હું ,ઔર આપકે લિયે ભી ચાય પાની લે કે આતા હૂ."એમ કહી તે જલ્દી ભંડકિયાની બહાર નીકળ્યો. રઘુભાઈને હજી આ માણસ પોતાને ઓળખી ગયો છે તેવો અંદાજ નહોતો. એ તો હજી દીપડાના ચામડાને હાથ ફેરવી જોઈ રહ્યા હતા. પરંતુ પુંજોભાઈ પેલા ઓહડિયાવાળાની પાછળ પાછળ બહાર નીકળી ગયો. રઘુભાઈએ બહાર નીકળી રહેલા પુંજાભાઈ સામે જોયું, એટલે પુંજાભાઈએ તેને ઈશારો કરી પાછળ આવવા કહ્યું. રઘુભાઈ કંઈક જરૂર બન્યું છે તેમ સમજી બધું મૂકી પુંજાભાઈની પાછળ ઝડપથી ચાલવા લાગ્યો. પેલો ઓહડિયાવાળો પાછળ આવી રહેલા પુંજાભાઈથી ડરીને દોડતો હોય તેમ ઉતાવળે ચાલવા લાગ્યો. ઓહડિયાવાળો પાણી ભરવા તો નહોતો જ જતો તે પુંજાભાઈ ને ખબર હતી. પરંતુ થોડી ધીરજ રાખી તેણે પીછો કર્યો. જેવો ઓહડિયાવાળો બહાર નીકળવાની ખડકી તરફ ચાલ્યો, એટલે પુંજાભાઈએ તેને પડકાર્યો,
"ખડા રહી જા હરામખોલ એ તેરી સગલી નહી થાય."એમ કહી તેણે કમરમાંથી રિવોલ્વર કાઢી.ખડકીની ખૂબ નજીક પહોંચી ગયેલો ઓહડીયાવાળો તાકેલી રિવોલ્વરથી ડરીને ઊભો રહી ગયો. એટલામાં ફળિયામાં બનાવેલા નાનકડા રસોડામાંથી દોડીને ઓહડિયાવાળાની ઓરત રોતી, કકળતી પુંજાભાઈને પગે પડવા લાગી,
"છોડ દો ઉસે એ સબ માલ હમારા નહીં હૈ, હમે તો દુસરે લોગ એ સબ સામાન દે જાતે હૈ"એમ કહીને આ રીઢી થઈ ગયેલી ઓરતે પુંજાભાઈની આડે પડી ઓહડિયાવાળાને ભાગવાનો મોકો આપી દીધો.
આ બધી અફડાતફડી ચાલતી હતી તેમાં ઓહડિયાવાળો ખડકી ખોલી બહાર નીકળવામાં સફળ થઈ ગયો. તેણે બહાર નીકળી ખડકીને બહારથી બંધ કરી દીધી. તે શેરીની જમણી દિશામાં ભાગ્યો ક્યારના વાટ જોઇને થાકેલા અને બંને ખૂણે ઉભેલા ગાર્ડ્સ ખૂબ વાર લાગવાને લીધે પૂરી રીતે તૈયાર નહોતા. તેથી તેનો ઘેરો તોડીને ઓહડિયાવાળો ભાગવામાં સફળ રહ્યો. ઓરડીમાં પુરાઇ ગયેલા પુંજાભાઈએ પેલી ઓરતને ધક્કો મારી એક બાજુ હડસેલી દિધી. પુંજોભાઈ ખડકીએ પહોંચ્યો. પરંતુ ખડકી તો બહારથી બંધ હતી. પુંજાભાઈને ખિસ્સામાં રહેલી ઈમરજન્સી વ્હિસલ યાદ આવી. તે વ્હિસલ વગાડવા લાગ્યા. રઘુભાઈ પણ વ્હિસલ કાઢી વગાડવા લાગ્યા. વ્હિસલના અવાજનો કોડ મળતા બધા ગાર્ડ્સ અને રાજપૂત સાહેબ સજાગ થઈ ગયા. પરંતુ ઓહડિયાવાળો બે ગાર્ડને પાછળ રાખી આગળ દોડી રહ્યો હતો. તેનાથી થોડા અંતરે બીજા બે ગાર્ડ અને તેની પાછળ રાજપૂત સાહેબ દોડી રહ્યા હતા. આખો કાફલો ગેલો જે નાકા પર ઊભો હતો તે તરફ જઈ રહ્યો હતો. શેરીના નાકે ઉભેલા ગેલાએ વ્હીસલનો અવાજ અને હાકલા પડકારા સાંભળ્યા. તેને લાગ્યું કે કંઈક લોચો પડ્યો લાગે છે! શેરીના નાકેથી ડોકુ મારી ગેલાએ જોયું તો પેલો ઓહડિયાવાળો જીવ લઇ તેની તરફ જ દોડતો આવતો હતો. તેની પાછળ ચારેય ગાર્ડ્સ અને રાજપૂત સાહેબ ખબડ ખબડ કરતાં દોડતા આવી રહ્યા હતા. ગેલો આખો મામલો પારખી ગયો. તે ખૂણાની આડશ લઇ ઉભો રહી ગયો. ઓહડિયાવાળો તેનો પીછો કરી રહેલા માણસો તરફ નજર કરી તેનાથી વધુ આગળ નીકળી જવા માટે શેરીનો શોર્ટ ટર્ન વળ્યો. જેવો તે વળ્યો કે તરત જ ગેલાએ
"જય દુવારિકાવાળા" બોલીને તેની છાતીમાં એક ઘુસ્તો ઠોકી દીધો. આમ અચાનક હુમલાથી ડઘાઈ ગયેલો ઓહડિયાવાળો લથડી ગયો. તે નીચે પડ્યો એટલે તેણે પોતાની કમરમાંથી ચપ્પુ કાઢી ગેલા પર હુમલો કરવાની તૈયારી કરી. ત્યા ગેલાએ લોખંડી નળ જડેલા માલધારી જોડાનું એક પાટું તેની છાતીમાં દાબી દીધું. ઓહડિયાવાળાના હાથમાંથી ચપ્પુ પડી ગયું તે પણ જમીનદોસ્ત થઈ ગયો. તે જેવો પડ્યો કે તરત જ ગેલાએ જે પગ વડે ગીરનું જંગલ ખુંદેલું હતું તે તાકાત વાળા પગ અને લોખંડી જોડાથી ઓહડિયાવાળાને ખૂંદી નાખ્યો. દૂધમલીયા માલધારીના આડાઅવળાં પાટાના પ્રહારથી ઓહડિયાવાળો ગોટો વળી ગયો. હવે તેને ઊભા થવાની હો ન રહી. એટલામાં પાછળ દોડી આવતા ગાર્ડ્સ અને રાજપૂત સાહેબ પણ પહોંચી ગયા. તે બધાએ પણ પોત પોતાનો હાથ સાફ કરી લીધો. ઓહડિયાવાળો જાણે મોત આંબી ગયું હોય તેવો થઇ ગયો.ચારેય ગાર્ડ થઈ જેમ તેમ કરી તેને ઊભો કર્યો. બેઝુબાન જાનવરોનું કેટલુંય લોહી વહેવડાવનાર ઓહડિયાવાળાના મોઢે લોહી નીકળી રહ્યું હતું,તે લથબથ થઈ કોથળા જેવો થઈ ઊભો હતો. તેનું મોઢું બરાબર જોઈ ગેલો બોલ્યો,
" શાબ, આ માણા, સામતને ઝેર મુકવા આયાતા ઈમાનો જ એક સે ઈ પાક્કું..!!?!
ક્રમશ:..
(શિકારીની એક કડી પકડાઈ ગઈ!!શું આખી ગેંગ પકડાશે? વાંચતા રહો, "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621