wadi al arbain, muscat in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | વાદી અલ અર્બાઈન ની મુલાકાત

Featured Books
Categories
Share

વાદી અલ અર્બાઈન ની મુલાકાત

ગઈકાલ 11 જૂનના ફરી શુક્રવાર અને. અહીં રજા. ભ્રમણ પ્રેમી પુત્ર અને કુટુંબને એકદમ સૂઝ્યું કે ક્યાંક નીકળી પડીએ. પસંદ કર્યું સ્થળ અલ અર્બાઈન. મસ્કતથી ખાસ્સું 150કિમી જેવું દૂર પણ અહીં ની હાઇવે ની સ્પીડે દોઢ કલાકમાં પહોંચાય.

નહાઈ ધોઈ તૈયાર થઈ બધી વસ્તુઓ લઈ નીકળીએ ત્યાં પોણા અગિયાર થઈ ગયેલા. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવીએ અને ત્યાં shoppers' stop સ્ટોર્સ ની ચેઇન માંથી પાણી, છાશ વ. ની બોટલો લઈ સ્ટાર્ટ થયા ત્યાં અગિયાર વાગેલા.

મોડું તો કહેવાય પણ ફરવા માટે સવારે વહેલું થોડું ઉઠાય?

As usual મસ્કતથી આગળ ગયાં ત્યાં પર્વતો અને ખડકો વચ્ચેથી ઘુમાવદાર રસ્તાઓ આવ્યા. અમીરાત હાઇવે પર એક ફોટો પોઇન્ટ છે ત્યાં કાર થોભાવી એટલી ઊંચાઈએથી મસ્કતના ફોટા પાડ્યા. પ્લેન માંથી જોતા હોઈએ એવું લાગે.આગળ સુર અને કુરિયાત શહેર તરફ જતા એરો પકડી કાર વાળી અને સ્પીડ લીધી 130 કિમ કલાકે.

રસ્તે કાળા જંગલી બકરાઓ ઊંચા પર્વતની ટોચે ચરતા જોયા. અમુક ગ્રે અને સફેદ વચ્ચેના રંગના સહેજ મોટા ગધેડા પણ જોયા.

આગળ જતાં ગયા એમ બેય બાજુ પર્વતો હોઈ અને ખુલ્લો રસ્તો હોઈ ગરમી વધતી ગઈ. બહારનું ટેમ્પરેચર ડેશબોર્ડ પર 48 ક્રોસ કરી ગયું. 49.. 50..

પુત્રએ નિર્ણય કર્યો કે હવે એક્સપ્રેસ હાઇવે પર જ્યાં ટર્નીંગ આવે ત્યાંથી પરત ફરવું.

51 ઉપર ટેમ્પરેચર જાય તો શક્ય છે કારના રેડીએટર ને અસર થાય. અમને પણ સ્ટ્રોક લાગે.

ત્યાં તો ઓચિંતો એક બાજુ દરિયો આવ્યો, અલબત્ત ઘણે દૂર, એટલે ટેમ્પરેચર પડવા લાગ્યું. 45 થી 46 સે. વચ્ચે. ખાસ અંતર કાપવાનું ન હતું. ત્રીસેક કિલોમીટર. અમે હવે આટલું આવ્યાં તો જઈને જ રહેવા નક્કી કર્યું.

સવા કલાક પછી આવ્યો એક્સપ્રેસ હાઇવે. તે ઉતરી વાદી અલ અર્બાઈન જવાનો માર્ગ આવે. એ રસ્તો કાચો અને પર્વતો ચડી જવાય એવો છે. 4x4 કાર માટે ઠીક પણ અમારી કાર માટે risky. પુત્રએ જોખમ લીધું. રસ્તો પહોળો ખરો પણ માટી અને કપચી નો.

અહીં ગૂગલ મેપ પણ સરખું ગાઈડ ન કરે.

ગયા અઠવાડિયે અમે ટ્રેકિંગ કરેલું તેમ કારને ટ્રેકિંગ કરાવ્યું! ખુબ સીધાં ચઢાણ વાળા રસ્તે ચડી આખરે સાડાબાર પોણા વાગે પહોંચ્યાં વાદી અલ અર્બાઈન. વાદી એટલે પાણી ભરેલી જગ્યા એમ હું માનુંછું. ગામ વચ્ચે સૂકું નાળું હોય ત્યાં પણ વાદી અમુક તમુક નું બોર્ડ હોય.

આ રણ વચ્ચે અદભુત દ્વીપકલ્પ હતો. થોડે જ દૂર ખડકાળ પર્વતો અને અહીંખજુરીઓ, લીંબુ, આંબાનાં ઘટાદાર વૃક્ષો.

વચ્ચે ખળખળ વહેતું પાણી અને ભર ઉનાળે પડતો નાનો પણ ધોધ.

શ્રીમતીએ આંબાની ઘટા નીચે ચટાઈ પાથરી અને અમે ગયા થોડા ખડકો ચડતા ઉતરતા એ ઝરણાં અને ધોધ તરફ. પથ્થરોનો ટેકો ભૂલથી પણ લેવાય એમ ન હતો. હથેળી ની ચામડી બળી જાય એવું હતું.

ઝરણાંમાં પગ બોળ્યા અને સામેથી ધોધ જોયો.

આગળ નહાવા જવાય તેમ હતું પણ દઝાડતી ગરમીમાં એ avoid કર્યું.આટલી ગરમી વચ્ચે પાણી એકદમ ઠંડુ હતું. મેં તો પીધું પણ ખરું.

ઉપર એક ખડકની ટોચે દુનિયાનાં સ્થળો અહીથી કેટલાં દૂર છે તેના એરો હતા જેમ કે હવાઈ ટાપુઓ 2400 કિમી.

અમે ત્યાં બેસી ખાવાનો પ્લાન કરેલો પણ એ પડતો મૂકી કારમાં પરત. બહારનું 50 સે. ટેમ્પરેચર જોઈને. નીકળતાં પહેલાં ડુંગળીની સ્લાઈસ ખાઈ લીધી અને ph વેલ્યુ વાળું એટલે બેઈઝ યુક્ત પાણી પી લીધું. સાદું પાણી એસિડિટી કરે ગરમીમાં.

આંબાની ઘટા નીચે 50 સે. ટેમ્પરેચર ની ખબર પડતી ન હતી. .

પગ બોળતાં પાણી એકદમ ઠંડુ હતું. 50 ડિગ્રી સે. અને આગ ઓકતા ખડકો વચ્ચે.

બે વાગે કાર સ્ટાર્ટ કરી સવાત્રણે તો ઘેર. 150 કિમી અંતર કાપી, એ પણ ભર ઊનાળે આ પિકનિક ઉજવી.

***