પુંજોભાઈને રઘુભાઈ લેમ્પના પીળા પ્રકાશમાં ચારે બાજુ નજર કરીને સ્તબ્ધ થઈ ગયા. તે વિચારવા લાગ્યા, " આ નરાધમોએ કેટલા બધા પ્રાણીઓને મારીને તેનું આ ભંડકિયું ભરેલું હતું."તેમણે જોયું કે એક ખૂણામાં કાળિયારના વળવાળા શીંગડાને કોઈ કોઈ સાબરના શાખાવાળા શીંગડાનો ઢગલો પડયો હતો. દીવાલે કાળિયારના અને હરણના શિંગડા સાથેના ગળા સુધીના મોઢાનો ભાગ, તે ખરાબ ન થાય તેવી દવા ભરીને શો પીસ તરીકે ટિંગાડેલા હતા. આવા શોપીસ વિદેશમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ જાય છે. એક બાજુ અડધા વાળેલા બ્લેન્કેટ પડ્યા હતા, તેમાંથી એક બ્લેન્કેટનો છેડો ઊંચો કરી ઓહડીયાવાળાએ બતાવ્યો, "દેખો આપને કભી તેંદુવા નહીં દેખા ના! એ લો દેખ લો!"
પુંજોભાઈ ત્યાં બેસીને દિપડાના ચામડા પર હાથ ફેરવવા લાગ્યો, પુંજોભાઈ દીપડાની બંને આંખ નીચેના ખાસ પ્રકારના દાગ જોઈને આ દીપડાને ઓળખી ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, "છેલ્લે જંગલમાં જે ફાંસો મળ્યો હતો એ જગ્યાએ આ દીપડાનો શિકાર કરવામાં આવ્યો હશે."
પુંજાભાઈનું ચિંતાતુર મોઢું જોઈ ઓહડિયાવાળાને શંકા પડી, "ક્યુ આપ કો તેન્દુવે કી ખાલ અચ્છી નહીં લગી?"
પુંજાભાઈ ફરી જાગૃત અવસ્થામાં આવી ગયા, અને પોતાના મોઢા પર આવેલા ક્રોધના ભાવને આશ્ચર્યના ભાવમાં ફેરવી બોલ્યા, "મેને ક્યારેય દીપડા નહી દેખા ને એટલે મુજે બહુત નવીન લગતા હૈ. ઇસકે હેઠે દૂસરા ક્યાં હૈ?"
એમ કહી પુંજાભાઈએ બીજો બ્લેન્કેટ પણ ઉંચો કર્યો. તો તેમાં પણ દીપડાનું ચામડું હતું. અને તેની નીચે ત્રીજા બ્લેન્કેટમાં પણ એક ચામડું હતું. પુંજોભાઈ દીપડાના ચામડાં પર હાથ ફેરવી રહ્યો હતો. તેના મનમાં એટલો ગુસ્સો હતો કે તેને એમ થયું કે અત્યારે જ આને પૂરો કરી લાખું.
પુંજાભાઈથી હવે વધારે વાર સુધી આ જોયું ન ગયું. કારણ કે આ ત્રણ ચામડા જોયા તેમાં બે દીપડા તો તેણે ઘણી વખત ગીરમાં તેના જ વિસ્તારમાં જોયેલા હતા. કેવા ચપળ અને દેખાવડા હતા બિચારા. આ નરાધમોએ તેને કેમ કરીને રીબાવીને માર્યા હશે? એ વિચાર આવતા પુંજોભાઈ ગળગળો થઈ ગયો. ઓહડિયાવાળો તો ઉત્સાહથી પોતાના પરાક્રમ બતાવી રહ્યો હતો.
"એ દેખો એ તેન્દુવેકી ખાલકા ઓર્ડર આ ગયા હૈ એક એક ખાલ પાંચ લાખ મેં બિક્તી હૈ.ઓર ભી ઓર્ડર પેન્ડિંગ હૈ. લેકિન અભી ફોરેસ્ટ મેં હમારે લિયે ખરાબ સમય ચલ રહા હૈ. ગીર ફોરેસ્ટ મે જ્યાદા ઓફિસર્સ લગા દિયે હૈ. શિકાર કા મોકા હિ નહિ મિલ રહા હૈ."
ઓહડિયાવાળો તાનમાં ને તાનમાં બધુ બકી ગયો. પછી તેને એવું લાગ્યું કે વધુ પડતી માહિતી આ બંને ગામડિયાને અપાઈ ગઈ છે. એટલે તેણે વાતને વાળતાં કહ્યું,
"યુ તો એ સબ માલ બહાર છે આતા હૈ. મે તો યહાં બેચતા હું."
એમ કહી ઓહડિયાવાળાએ દીપડાના ચામડાને ફરી બ્લેન્કેટથી ઢાંકી દીધું. પુંજાભાઈનું ધ્યાન ત્યાંથી ભટકાવવા માટે તેણે એક ડબ્બો ખોલ્યો, "એ દેખો ઈસે પહેચાનતે હો?"
એમ કહી તેણે ડબ્બામાંથી શાહુડીનું એક અણીદાર પીછુ કાઢ્યું. પુંજાભાઈએ ઉભા થઇ ડબ્બામાં જોયું તો કેટલીય શાહુડીઓ મારીને તેના પીછા તેમાં રાખેલા હતા. પુંજાભાઈએ એક પીછું તેમાંથી કાઢીને હાથમાં લઇ તેની અણી પર આંગળી દબાવી. પિછાની અણી તીરની અણી જેવી હતી. પીછાનો બીજો છેડો જોતા તેની સાથે શાહુડીના અવશેષ ચોટેલા હતા. જે આ પીછા શાહુડીનો શિકાર કરીને ભેગા કરેલા છે તેની સાબિતી આપતા હતા. શાહુડી કુદરતી રીતે પોતાના પીંછા છોડે તો તેની પાછળ કંઈ ચોટેલું હોતું નથી. આ નરાધમો શાહુડીને કેમ કરીને પકડીને મારી નાખતા હશે? એવો પ્રશ્ન થવા છતાં વધુ પૂછપરછથી ખેલ બગડવાની બીકે પુંજોભાઈ કંઈ બોલ્યો નહીં.
નહિતર શાહુડી તો સિંહ, દીપડાને પણ ભારે પડી જાય તેવી હોય છે. પુંજાભાઈને ગીરના જંગલમાં ફરતી વખતે જોયેલું દ્રશ્ય યાદ આવી ગયું. શાહુડીની પાછળ એક દીપડો પડી ગયો. શાહુડી જ્યાં જાય ત્યાં દીપડો પણ તેનો શિકાર કરવાના ઈરાદે પાછળ પાછળ જવા લાગ્યો. શાહુડી જ્યારે ખીજાય ત્યારે તે તેના તીર જેવાં પીંછા ઊંચા કરી લે છે. દીપડો નજીક આવતા શાહુડીએ પીછા ઊંચા કરી પાછી પાછી દોડીને દીપડા પર હુમલો કરી દીધો. તેણે પોતાના તીર જેવા પીછા દીપડા પર છોડ્યા, આ અણીદાર પીછા દિપડાના પગ, મોઢે,ગળે બધે ખૂપી ગયા. એકસામટા આટલા બધા પીછા વાગવાથી દીપડો ડઘાઈ ગયો અને તેણે પીછેહઠ કરી. શાહુડી લાગ જોઈને ત્યાંથી ભાગી છૂટી. દીપડાએ ખુબ મથામણ કરીને માંડ માંડ શરીરમાં ખૂંપી ગયેલા પીંછા કાઢ્યા. છતાં પણ હજી તેના ગળે અને કાન પાસે તો શાહુડીના તીર જેવા પીછા ખૂપેલા જ હતા. દીપડો ફરી જીવનભર શાહુડીનું નામ ન લે એવો કરી નાખ્યો. આવી ગુસ્સેલ શાહુડીને આ શિકારીઓ જાળમાં પકડી લેતા હશે તેવું પુંજોભાઈ વિચારવા લાગ્યો.
પુંજાભાઈના વિચારોનું ચક્ર તોડતો ઓહડિયાવાળાએ તેની સામે એક મોટો થેલો લાવીને મૂક્યો. તેમાં ગંધાય રહેલ દોરીઓ જેવું કંઈ હતું. પુંજાભાઈએ પ્રશ્ન કર્યો, "એ ક્યાં હૈ?"
ઓહડિયાવાળાએ કહ્યું, "એ ઉલ્લુ કી રક્તવાહિની હૈ. અભી મેને તુમકો બહાર દીખાઈ તી વૈસી."
પુંજોભાઈ થેલો બરાબર ખોલી નજર નાખી તો આખો થેલો ઘુવડની નસોથી ભરેલો હતો. પુંજોભાઈ વિચારવા લાગ્યો, "બિચારા કેટલાય ઘુવડોનું આ નરાધમોએ ઘુડ બોલાવીને આ થેલો ભરી લીધો હશે!!"
વળી પુંજાભાઈએ પ્રશ્ન કર્યો, "એ શાહુડી કે પીછે કા ક્યા ઉપયોગ હોતા હૈ?"
ઓહડિયાવાળાએ કહ્યું, "બહાર કે દેશ મેં લડકીયા અપને બાલો કો સજાને કે લીયે ઉસકા ઉપયોગ કરતે હૈ!" પુંજોભાઈ વિચારવા લાગ્યો, "માણસજાત પોતાના મોજશોખ ને દેખાવ હારુ થઈ આવા તો કેટલાય બેજબાન ભોળા જાનવરોના જીવ લઈ લેતા હસે." ઓહડિયાવાળાએ એક ખૂણામાં ઢાંકીને રાખેલા તારક કાચબાનો ઢગલો બતાવ્યો જે જીવતા તો હતા પરંતુ મોતથી પણ બદતર હાલતમાં સાંકડી જગ્યામાં પુરેલા હતા. પુંજોભાઈ બધું જાણતો હોવા છતાં અજાણ્યા થઇ તેણે પૂછ્યું, "આ જીવતા કાચબા કા ક્યા કરતે હે?" ઓહડિયાવાળાએ કહ્યું, " એ સ્ટાર કછુઆ હૈ. ઓર એ સબ છે નખ વાલે હૈ. ઇસકો બહુત શુભ માના જાતા હૈ. ઇસકા ઉપયોગ વિધિ મેં ઔર કાલી વિદ્યા મેં કિયા જાતા હૈ."
પુંજાભાઈએ નજર કરી તો કેટલાય દિવસથી અડધા ભુખ્યા હાલતમાં અહીં ટળવળતા કાચબા જોઈને તેને ઘડિક એવું થયું કે કોથળો ભરીને બિચારાને જંગલમાં છોડી આવું! પરંતુ ઉતાવળ કરવાથી તો બીજું ઘણું બધું છોડાવવાનું રહી જાય તેમ હતું. ઓહડિયાવાળાએ બીજા એક કોથળાનું મોઢું ખોલ્યું, તો તેમાં માટી હતી અને બે-ચાર આંધળી સાંકળો પૂરેલી હતી. એ જોઈને જ પુંજોભાઈ સમજી ગયો કે આને વજન વધવાની રાહે જ ગોંધી રાખેલી છે. પૂરતો વજન થઈ જશે એટલે વિદેશમા આના આ લોકો ખૂબ પૈસા ઊભા કરશે. તે કોથળાનું મોઢું બાંધીને ઓહડિયાવાળાએ દીવાલે ટિંગાતા એક મેલા પડદા જેવું કાપડ હટાવ્યું. તો તેની પાછળ પંદર ફૂટ લાંબા મગરના મોઢાથી લઇને પૂંછડીના છેડા સુધીનું ચામડું ટિંગાતું હતું. રઘુભાઈ વિચારવા લાગ્યો, "આ જંગલના દશમન મગરાને પણ નહીં છોડતા!!!"
ત્યાંથી થોડા આગળ પડેલો એક તેલના ખાલી ડબ્બાનું ઢાંકણું ખોલ્યું તો તેમાં કોને ખબર ક્યાંથી લાવ્યા હશે? ગેંડાના મોઢા પરના સિંગ ભરેલા હતા. પુંજાભાઈએ પૂછ્યું, "એ ક્યાં હૈ?"
ઓહડિયવાળાએ મોઢા પર સ્મિત લાવતા કહ્યું, " એ ગેંડે કા સિંગ હૈ!! યહા કોઈ ઈસે નહી ખરીદ સકતા. એ બહોત મહેંગા હૈ.ઇસ કા ઉપયોગ પુરુષની કામશક્તિ બઢાને કી દવા બનાને મેં હોતા હૈ."
એમ કહી તે ડબ્બામાંથી એક ગેંડાનું સિંગ ઉપાડી હાથમાં રમાડવા લાગ્યો. અને જાણે હાથમાં રૂપિયાની થોકડી આવી ગઇ હોય તેવો રાજી થવા લાગ્યો. પુંજોભાઇ ને રઘુભાઈ તેના લાલચુ મોઢા સામે તાકી રહ્યા. ઘણી બધી વારથી બહાર પહેરો દઈ રહેલા ગાર્ડ્સ, રાજપૂત સાહેબ અને ગેલાને અંદરથી કોઈ સમાચાર ન મળતા ચિંતા થવા લાગી...
ક્રમશ:...
(ઓપરેશન સાવજમાં આગળ હવે શું થશે? તે જાણવા માટે વાંચતા રહો "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621