જીતુકાકા લેખક : સલિલ ઉપાધ્યાય
નવસારી જેવા નાના શહેરમાં આવેલું ઓટોમોબાઇલ્સનું વર્કશોપ. જ્યાં જુદી જુદી કંપની ની મોટરકાર સર્વિસ માટે અને રીપેરીંગ માટે આવતી. આ ઓટોમોબાઇલ્સની શાખ એટલી કે કાયમ જ આ વર્કશોપ ગાડીઓથી ભરેલ હોય કારણકે અહીં ના વર્કશોપ મેનેજર છે જીતુકાકા.
જીતુકાકા ને કારણે ક્યારેય આ વર્કશોપમાં કોઇપણ જાતની છેતરપીંડી નથી થતી. એટલે શહેર તથા આજુબાજુના ગામડામાં લોકપ્રિય વર્કશોપ. વર્કશોપ ના માલિક પણ બહુ જ ખુશ રહેતા અને દરેક મિકેનિક તથા અમને ત્યાં નોકરી કરતાં માણસો પણ ખુશ રહેતાં. બધાં જ જીતુકાકાનો પડ્યો બોલ ઝીલતાં.
અમિત પણ ત્યાં વર્કશોપમાં હેડ મિકેનિક તરીકે નોકરી કરે છે. એણે ઓટોમોબાઇલ અન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. આગળ ભણવા વિદેશ જવું હતું. પરંતુ એના પિતાના અવસાનને કારણે ઘરની સંપૂર્ણ જવાબદારી એના માથે આવી ગઇ હતી. એટલે આગળનો અભ્યાસ નો વિચાર પડતો મુકીને એણે અહીં નોકરી સ્વીકારી લીધી. અમિત સ્વભાવે સરળ એટલે એ બીજા મિકેનિક સાથે તરત ભળી જતો. અને બીજાને બનતી મદદ કરવા હંમેશા તૈયાર રહેતો. અમિત અને જીતુકાકાને પણ સારું બનતું અને અમિત એમને પિતાની જેમ સન્માન આપતો.
વરસાદની સીઝન શરૂ થઇ અને એકદિવસ ખૂબ જ વરસાદ પડ્યો. શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા. વર્કશોપને બંધ કરવામાં આવ્યું અને બધાંને રજા આપી દીધી. બધાં જતા રહ્યાં અને હવે જીતુકાકા સાથે ફક્ત અમિત જ રહ્યો. જીતુકાકા એ બધું બરાબર ચેક કરી લીધા પછી વોચમેનને કોઇ પણ તકલીફ આવે તો તરત જ મને ફોન કરજે એવું કહી ને છત્રી લઇને ચાલવા માંડ્યા. ધીરે ધીરે સંભાળીને ચાલતા જીતુકાકા ને અમિતે જોયા એટલે તરત જ બૂમ મારીને ઊભા રહેવાનું કહ્યુ. અમિત પોતાની ગાડી લઇને આવ્યો..
જીતુકાકા ગાડીમાં બેસી જાઓ. હું તમને તમારા ઘરે ડ્રોપ કરી દઉં.
ના દિકરા, રોજ ની આદત છે એટલે ધીરે ધીરે પહોંચી જઇશ...!
કાકા, આજે બહુ વરસાદ છે ગાડીમાં બેસી જાઓ..!
અમિત, શું કામ તકલીફ લે છે..? હું ચાલ્યો જઇશ.!
કાકા, કોઇ તકલીફ નથી મને..! પ્લિઝ બેસી જાવ.. બહુ વરસાદ છે. અને શહેરમાં પાણી પણ ભરાયા છે.
જીતુકાકા અમિતના પ્લિઝ પછી ગાડીમાં બેઠા. કાર ધીરે ધીરે ચલાવતાં અમિતે ચૂપકીદી તોડી..
કાકા, એક વાત કહું..? ખોટું ના લગાડતા..!
બોલ બેટા.. શું વાત છે.?
સંકોચ સાથે કાકા, હવે આપની ઉંમર નથી કામ અવું કરવાની..
જીતુકાકા એ ધીરું પણ માર્મિક સ્માઇલ સાથે બારી બહાર વરસતાં વરસાદને જોયો અને કહ્યું
બેટા, જરૂરિયાત વ્યક્તિને કા તો લાચાર બનાવે છે અથવા આત્મનિર્ભર થતાં શીખવાડે છે..! જીવવું જ છે તો રડી રડીને કે યાચના કે યાતના ભોગવીને જીવવું એના કરતાં સંઘર્ષ કરી લેવો સારો..!
મતલબ...? હું કંઇ સમજ્યો નહી.. આપની ઉંમર કાકા..?
બેટા, મજબૂરી માણસને વગર ઉંમરે ઘરડો કરી નાખે છે. પણ હું તો ઉંમરલાયક હોવા છતાં યુવાન જેવું કામ કરું છું. કારણકે લાચારી સામે તમારી લાયકાત જ લડી શકે છે. અથવા તમારું મક્કમ મનોબળ જે મારી પાસે છે.! મને 72 પૂરા થયા..!
જીતુકાકા મીઠી સ્માઇલ સાથે બોલ્યા. અમિતને સમજાયું નહી કે હવે શું વાત કરું.! એટલે એણે પુછ્યું
કાકા, દિકરા પાસે અમેરિકા જતા રહો.. આ ઉંમરે શાંતિથી જીવો...!
જીતુકાકા આ વાત સાંભળી થોડા ગંભીર થઇ ગયા. બારીની બહાર વરસતા વરસાદને જોવા લાગ્યા. અમિતની પરવાનગી લઇ બારી ખોલી થોડા વરસાદના છાંટા હાથમાં લીધા અને એમના મોં પર છંટકાવ કર્યો અને ધીરે થી બોલ્યા
બેટા, મેં એક સરસ વાત વાંચી હતી જેનો અર્થ એમ થાય છે કે આ સંસાર સ્વાર્થ થી ભરપૂર છે. તુ કોને દોષ આપીશ ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હર્ષ અને શોક છોડીને ચલાવ્યે રાખ...!
અમિત કાકાની વાત ધ્યાનથી સાંભળી અને કાકા તરફ જોયું અને એને લાગ્યું કે કાકાની આ હસતી આંખો પાછળ દુ:ખનો દરિયો છલકાતો હતો. આ મિશ્ર લાગણી સાથે કાકાએ પોતાની વાત આગળ કહી..
બેટા, મારી પણ એક ફેકટરી હતી. ખૂબ જ સરસ મારો બીઝનેસ ચાલતો હતો. આજ ખુમારી અને પ્રામાણિકતાથી હું મારી ફેકટરી ચલાવતો. બજારમાં મારી શાખ હતી. પણ સમય વહેતાં મેં પણ મારી જિંદગીની સૌથી મોટી ભુલ કરી...!
અમિતે અચરજ સાથે કાકા સામે જોયું અને પુછ્યું..
કેવી ભુલ..?
મારી ભુલ એ જ હતી કે મેં ખોટા સમયે મારી ફેકટરી નો વહિવટ મારા દિકરાને સોંપી હું નિવૃત્ત થઇ ગયો.
અને મારા દિકરાએ યુવાનીના થનગનાટમાં નફો રળી આપતી ફેકટરી વેંચીને અમેરિકા ચાલ્યો ગયો.
અમિત ફરીથી અચરજ સાથે કાકાને જોયા અને માની જ ન્હોતો શકતો કે જીતુકાકાને પોતાના સગા દિકરાએ દગો કર્યો. અમિતે પુછ્યું ..
કાકા તમે પછી આગળ શું કર્યુ..?
લીગલી કંઇ જ નહીં. એક વર્ષ પછી મને અમેરિકાથી ફોન કરીને પૂછે છે કે પપ્પા તમને રૂપિયાની જરૂર હોય તો મોકલી આપું?
તમે શું કહ્યું કાકા..?
મેં કહ્યું કે દિકરા, હું લપસી ગયો છું..પડી નથી ગયો. એક વર્ષે તારા બાપાની યાદ આવી. તારો બાપ કોઇ મંદિરના પગથીયે નથી બેઠો..! સમજ્યો... શરમ હોય તો ફોન મૂક અને ફરીથી ક્યારેય ફોન નહીં કરતો...!
તારી કાકીએ મારી સામે દયાની નજરે મારી સામે જોયું. અને મેં કહ્યું તારી કાકીને..
અરે, ગાંડી મુંઝાય છે શા માટે ? જે થાય તે સારા માટે જ થાય છે. અને સાંભળ..
લુંટવાવાળા ભલે લુંટી જાય, એને તો ફક્ત બે જ હાથ છે.
દેવાવાળો મારો મહાદેવ છે., જેને હજારો હાથ છે.
તું ચિતા નહી કર..તારા વરને ખબર છે કે લોકો તૂટેલી મુર્તિ ઘરમાં નથી રાખતા તો જો હું તૂટી જઇશ તો આ સમાજ આપણને જીવવા નહીં દે. મારું મનોબળ હજુ મજબૂત છે.
કાકાનો જુસ્સો જોઇને અને એમની વાત સાંભળીને અવાક થઇ ગયેલો અમિતે હિંમત ભેગી કરી પુછ્યું..
કાકા, તમને દિકરા માટે કોઇ ફરિયાદ નથી..?
જો બેટા, આ બધાં તો લેણદેણના ખેલ છે. મારી પાસે પાછલા જન્મનું કંઇ માંગતો હશે તો લઇ ગયો. એ કેમ લઇ ગયો તેનું દુ:ખ નથી. આમેય એ જ વારસદાર અને હકદાર હતો. પણ એની લેવાની રીત, એ સમય અને એનું વર્તન યોગ્ય ન્હોતું.
અમિતને આ સાંભળીને જીતુકાકા માટેના સન્માનમાં વધારો થયો. અને પોતે આવા પ્રમાણિક, નખશીખ સજજન અને ખુમારી સાથે જીવતાં જીતુકાકા સાથે પોતે કામ કરે છે એનો ગર્વ થવા લાગ્યો. અને મનોમન કાકાને કહેવા લાગ્યો કે કાકા તમે મને જીવનનો બહુ જ મોટો પાઠ શીખવાડ્યો . જિંદગી કેમ જીવવી તે શીખવાડ્યું. અને ત્યાં જ અચાનક કાકા બોલ્યા
અમિત, બસ મંદિર પાસે ગાડી ઊભી રાખ. હું રોજ મહાદેવને મળ્યા વગર ઘરે જતો નથી. હવે બોલતા સંબંધો સાથે નફરત થઇ ગઇ છે. એના કરતાં વગર બોલે કામ કરતો મારો મહાદેવ સારો..!
અમિતે ગાડી બંધ કરી દરવાજો ખોલી કાકાને મંદિરે લઇ જવા એમનો હાથ પકડવા પ્રયત્ન કર્યો.. આ જોઇ કાકાએ અમિતને હાથ જોડી માફી માંગીને બોલ્યા
બેટા, હું ઘણાં વખતથી કોઇનો હાથ પકડતો નથી. કારણકે પકડેલો હાથ કોઇપણ વ્યક્તિ વગર કારણે જ્યારે છોડી દે છે એ હવે સહન નથી થતું. એના કરતાં ધીરે ધીરે અને સંભાળીને આપણા પોતાના પગે ચાલવું.
અમિતને અપરાધભાવ થયો અને કાકાની માફી માંગે એ પહેલાં કાકા હસતાં હસતાં બોલ્યા
બેટા, હું લપસી ગયો છું..પણ હજુ પડ્યો નથી..! આ મારો મહાદેવ છે ને..નહીં પડવા દે. મને.. ક્યારેય નહીં પડવા દે..!
ચાલ બેટા, જય મહાદેવ... ! કહી કાકા મંદિરની અંદર ચાલ્યા ગયા.
અમિત કાકાને મંદિરમાં જતા જોઇ રહ્યો અને મહાદેવ બંને હાથ જોડી પ્રાર્થનામાં કહેવા લાગ્યો..
હે મહાદેવ મને પણ આવો જ જીતુકાકા જેવો બનાવજે... મને શકિત આપો..!