ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
“સર આપણે આપણા સ્ટેટના નેતાઓ ને સપોર્ટ કરવો પડશે એટલું જ. મિનિમમ 30-40 કરોડની આ વાત છે." પેલા લોકલ નાના નેતા વહેલી સવારે ફોન પર પોતાના બોસને વિંનવી રહ્યા હતા.
"પણ તને તો ખબર છે આપણે ને એના વિચારોમાં ભેદ છે."
"પણ સાહેબ રૂપિયાનો કલર અને કિંમત એક જ હોય છે. આપણે સાથ આપીયે કે ન આપીયે એ લોકો કમાશે જ, અને જો આપણે વિરોધ કરશું તો પણ શું? આપણા હાથ માં કઈ નહીં આવે. પણ 30-40 કરોડ અગર હાથમાં આવશે તો આપણે વધુ સારી રીતે એનો વૈચારિક વિરોધ કરી શકીશું."
"હમ્મ તારી વાત તો બરાબર છે. આપણે શું કરવાનું છે."
"ગુરુ અન્ના સાંજે કહેશે. આપણે એ પ્રમાણે સ્ટેટમેન્ટ આપવાના છે."
xxx
"કઈ ખાસ ચિંતા જેવું નથી. અનોપ, છોટી બહુ ને થોડા દિવસ પિયર મોકલી દો. આમેય છોકરાઓનું વેકેશન પડી ગયું છે." બાજુના બંગલામાં રહેતા ફેમિલી ડોકટરે જતા જતા અનોપચંદને કહ્યું. આ સાંભળીને નીતાએ કહ્યું. "મારે ક્યાંય જવું નથી. હું અહીં જ ઠીક છું."
"હવે તો આ તારા ફેવરિટ ડોક્ટર અંકલે પણ કહ્યું છે કે આને પિયર મોકલી દો. હું તને અહીં રોકવા ન દઈ શકું આમેય એકાદ દિવસમાં સ્નેહા - સુમિત આવી જશે." અનોપચંદ બોલ્યો.
"પણ મને નથી જવું ત્યાં. છેક અમેરિકામાં."
"એક જ શરતે અહીં આ ઘરમાં રોકવા મળશે સમજી લે, ખોટા વિચારો કરવાનું બંધ કરવું પડશે. અને નિનાદ પાછો આવે એટલે તમારે બન્નેએ તારા મમ્મી પપ્પા ને મળવા અમેરિકા જવું પડશે. ચાર વર્ષથી એ લોકો ત્યાં શિફ્ટ થયા છે.તને બોલાવે છે. પણ તું જતી નથી."
"ઠીક છે. પણ પપ્પાજી નિનાદનો પત્તો ક્યાં છે." કહી નીતાએ વોડરોબ માંથી મળેલી ચિઠ્ઠી બતાવી અને ઉમેર્યું. "એનો નંબર ડાયલ કરું છું તો કહે છે કે આ નંબર અસ્તિત્વમાં જ નથી એટલે હું બહુ ચિંતામાં આવી ગઈ."
"અરે પાગલ છોકરી, આવડીક વાતમાં આટલી ચિંતા? કોઈ દિવસ તારો બેડરૂમ નિરાંતે ચેક કરજે. નિનાદે આવી 8-10 ચિઠ્ઠીઓ અલગ અલગ ઠેકાણે મૂકી હશે. બીજી વાર એ કોઈને કંઈ કહ્યા વગર જશે ત્યારે તને બીજું ઠેકાણું કહેશે. અરે સ્નેહાના બેડરૂમમાં પણ સુમિતે આવી ચિઠ્ઠીઓ રાખી હશે અને એ કોઈ એવા કામે ગયો હશે કે થોડા દિવસ કોઈ ઘરનાનો કોન્ટેક્ટ ન થાય તો સારું એટલે ફોન બંધ કરી નાખ્યો હશે. "
"પણ પપ્પાજી,"
"ઓ.કે હું તારી અને છોકરાઓની ટિકિટ અને વિઝા તૈયાર કરવું છું." કહી અનોપચંદે બહાર જવા પગ ઉપાડ્યો.
"સોરી પપ્પાજી હવે હું ઢીલી નહિ પડું, મારે બપોરે સાઉથ આફ્રિકાના ડેલિગેશન સાથે લંચ મિટિંગ છે. એમની પ્રપોઝલ જોઈ સમજીને આપણે 2 દિવસમાં જવાબ આપવાનો છે. આમ તો બધું સેટ છે. પણ આપણા શેર પર્સન્ટેજ પર વાત અટકી છે. તમારી મદદની જરૂર પડશે સાંજે."
"તું કેપેબલ છે તારી રીતે નિર્ણય લે. આમેય બહુ મોટું ઇન્વેસમેન્ટ શરૂ માં નથી 3-400 કરોડ ની વાત છે. એકાદ વાર ખોટું ડિસિઝન લેવાય જાય તોય વાંધો નથી. જીવનમાં ઘણા એવા પ્રસંગો આવશે જયારે નિર્ણય લેવો કપરો થઇ પડે એ વખતે એક સાવ સાદો નિયમ યાદ રાખજે. જયારે બધું ડુબતું હોય ત્યારે બચાવી શકાય એટલું બચાવી લેવું અને બીજી વાત જીવનમાં કઈ વસ્તુ ને કેટલી પ્રાથમિકતા આપવી એ આપણા મગજમાં બહુ સ્પષ્ટ હોવું જોઈએ. આમેય હું હવે કેટલા વરસ."
"એવું બોલી ને તમે જ મને ઢીલી પાડો છો. અને પછી ઓલી અણગમતી વહુ ને સાસરિયા પિયર ધકેલી દે એમ મને પિયર જવા ફોર્સ કરો છો" સહેજ હસીને નીતા એ કહ્યું. સાંભળીને અનોપચંદ પણ હસી પડ્યો નીતાના માથા પર હાથ ફેરવતા એને કહ્યું. "વાહ મારી લાડકી વહુ. બસ આમ જ સદા હસતી રહે."
xxx
"સર, તમારી કેટલા વાગ્યાની ફ્લાઇટ છે કાલે?" મેનેજરે પૂછ્યું.
"બપોરે ચાર વાગ્યાની" સુમિતે કહ્યું.
"સર, બધા પક્ષના નેતાઓ તમને કાલે મળવા માંગે છે."
"કેમ મારું શું કામ પડ્યું? અને શું કહ્યું બધી પાર્ટીના નેતાઓ એક સાથે. "
"હા. મને પણ નવાઈ લાગી." મેનેજરે કહ્યું સુમિતે પોતાના હાથમાં ની ફાઈલ નીચે મૂકી અને મેનેજર સામે જોયું અને પૂછ્યું. "શું લાગે છે?'
"કઈ સમજાતું નથી ક્યાંક આપણો કોઈ માણસ "
"એ શક્ય જ નથી." એકાદ ક્ષણ અટકીને સુમિતે જવાબ આપ્યો એને પરમ દિવસે મોહનલાલ સાથે થયેલ વાત યાદ આવી ગઈ પછી કહ્યું. "કંઈક બીજી જ વાત લાગે છે. ખેર, રેકોર્ડિંગનું અશોર્ટમેન્ટનું શું થયું?"
"સર સાંજ સુધીમાં સિક્વન્સ મુજબ સેટ થઇ જશે."
"ઠીક છે એમને મેસેજ આપી દો .કાલે સવારે 10-30 વાગ્યે આપણી ઓફિસ ના કોન્ફરન્સ હોલમાં હાઈ- ટી સાથે મળશું. એ પ્રમાણેનું એરેન્જમેન્ટ કરાવો."
મેનેજર કેબિનમાંથી બહાર ગયો એટલે સુમિતે અનોપચંદ ને ફોન લગાવ્યો અને કહ્યું. "આજની હાઈ ટી ની મિટિંગ વિષે 'કેપ્ટન' ને જણાવી દીધું છે ને."
"હા એમને કાલે સાંજે જ ખબર પહોંચાડી દીધા છે. ત્યાં શું ચાલે છે."
"કઈ ખાસ નથી કાલની પાર્ટીમાં ઘણું બધું જાણવા મળ્યું છે. સિક્વન્સ મુજબનું રેકોર્ડિંગ સાંજે હાથમાં આવશે. અને આવતી કાલે બધી પાર્ટીના નેતાઓ મને મળવા આવવાના છે. બીજું એક આરબ શેખ એક મહિનાથી અહીં ધૂમ મોજમજા ગામ આખાને કરાવી રહ્યો છે. રોજ પાર્ટી શરાબ અને સુંદરીઓ. કૈક મોટો પ્રોજેક્ટ અહીં સ્થાપવાનો છે. એવા ન્યુઝ છે. મેં આપણી છેલ્લી 2 પાર્ટીઓમાં એને પણ ઇન્વાઇટ કર્યો હતો."
"કોણ પેલો મોહનલાલે પરમ દિવસે વાત કરી હતી એ?" અનોપચંદે પૂછ્યું.
"હા એજ, કહે છે કે એને વારસામાં ઘણા બધા તેલના કુવા મળ્યા છે."
"હશે કોઈ, અરબસ્તાનમાં આજકાલ આવા કેટલાય શેખ લોકો ઉભા થયા છે. અનોપચંદે કહ્યું. અને ઉમેર્યું. એને ત્યાં આપનો કોઈ માણસ ગોઠવી દે."
"મેં ટ્રાય કરી પણ મારા મોકલેલા બધા માણસો રિજેક્ટ થઈ ગયા. કૈક અલગ થી વિચારવું પડશે. અહીં ઓફિસ ચાલુ કરી છે લગભગ 150 માણસો રાખ્યા છે. અને એક હોટેલમાં રોકાયો છે."
"હોટેલના વેઈટર લિફ્ટ બોય, દરવાન રિસેપ્શનિસ્ટ ડ્રાઈવર બધા માંથી કોઈ તો કંઈક બોલશે જ. થોડા રૂપિયા ફેક એટલે." અનોપચંદે કહ્યું.
"એ હોટેલ નો મલિક મારો મિત્ર છે એટલે ગઈ કાલે જ હોટેલમાં આપણો એક ડ્રાઈવર 24 કલાક એમની ડ્યુટીમાં રહે એવો ઇન્તજામ કર્યો છે."
xxx
2 કલાકની મથામણ પછી ચાર્લીએ માંડ પોતાના દિમાગને સેટ કર્યું. આમેય એ કાબેલ એજન્ટ હતો. પાણીના 2-4 બુંદ એના માથા પર પડ્યા ત્યાં સુધી એને લાગ્યું કે કૈક લીકેજ હશે પણ પછી મનોમન ટાઈમિંગની ગણતરી કરી. એક ચોક્કસ સમયગાળામાં ટપકતા પાણીથી એક વાત તો નક્કી થઇ કે એને માનસિક રીતે તોડવાની ટ્રીક છે. પણ એમાંથી પોતાનું ધ્યાન હટાવી ને એણે પોતાનો અહીંથી છુટકારો કેવી રીતે થશે એ વિચારવાનું શરૂ કર્યું. પોતાના બંધન ને ફરીથી ચકાસી જોયા. પણ ક્યાંયથી કોઈ રીતે ઢીલા થાય એવી શક્યતા ન દેખાઈ. એના બુટ ઉતારી લેવામાં આવ્યા હતા. નહીતો એમાં રહેલ ધારદાર છૂરી /બ્લેડ વડે આરામથી મુક્ત થાય શકે એમ હતો. અડધો કલાક પછી કંટાળીને એણે ખુરશીમાં બંધાયેલ હાલતમાં જ આરામ કરવાનું વિચાર્યું માથા પર દર અર્ધી મિનિટે ટપકતું પાણીના બુંદ એને સતત ડિસ્ટર્બ કરતા હતા. પોતે ક્યાં છે શું સમય થયો છે વિચરતા વિચારતા એને એક ઝોલું આવી ગયું. થોડા સમય પછી અચાનક ટપકતા બુંદે પોતાનું સ્થાન બદલ્યું હવે એ ચાર્લીના તાળવામાં પડવાને બદલે એના નાક ની ટોચ પર ટપકવા લાગ્યું. અને માંડ ઝપેલા ચાર્લીની નીંદર તૂટી. 10-12 ટીપામાં તો એના નાકમાં સરસરાટી થવા લાગી એણે જરા ગરદન ઘુમાવી પણ માંડ એકાદ ઇંચ હલી શક્યો. હવે પાણી એના ગાલ પર ટપકતું હતું. મનોમન એ ખુશ થયો પણ એની ખુશી લાંબી ન ચાલી 2-3 મિનિટમાં પાણી ટપકવાનું સ્થાન ફરીથી બદલાયું અને હવે ફરીથી એના નાક પર ટપકવા નું ચાલુ થયું. થોડીવાર સહન કર્યા પછી એણે ફરીથી ગરદન ફેરવી અને પહેલાની પોઝિશનમાં આવ્યો અચાનક પાણી ટપકતું બંધ થયું. ચાર્લી મનોમન હાશકારો અનુભવ્યો પણ માત્ર 2 મિનિટમાં અચાનક છત પરથી કોઈએ મોટું બકેટ ઢોળ્યું હોય એમ એક સાથે 100-150 લીટર પાણી એના પર જોશભેર પડ્યું. કડકડતી ઠંડીમાં માત્ર એક શર્ટ પેન્ટ ભેર બંધાયેલ ચાર્લી ઉપર એક સાથે આટલું અને જાણે બરફનું બનાવેલ હોય એવું પાણી પડતા એના મોંમાંથી ચીસ નીકળી ગઈ. "ઓહ્હ ગોડ, પ્લીઝ હેલ્પ મી, એની બડી હિયર મી," જમીન પર ઢોળાયેલ પાણી જાણે વેક્યુમથી ચૂસાયું હોય એમ જમીન પરથી ગાયબ થઈ ગયું. પણ ચાર્લીના આખાં શરીરમાં કાતિલ ઠંડીને ઘુસાડતું ગયું. બે એક મિનિટે ચાર્લી સ્વસ્થ થયો. એ ઠંડી થી કાંપતો હતો. પણ એની કમનશીબી પુરી ન હોતી થઈ. એકાદ મિનિટ પછી ફરીથી છત પરથી ફૂલ ફોર્સમાં પહેલા જેટલું પાણી એના પર પડ્યું. અને સાથે જ ચાર્લીની રાડ પણ નીકળી ગઈ."પ્લીઝ આ જુલ્મ બંધ કરો કોણ છો તમે. શું જોઈએ છે મારી પાસેથી. બંધ કમરામાં એની ચીસ ગુંજી રહી હતી. ઢોળાયેલા પાણી ફરીથી ખેંચાઈ ગયું હતું. પણ ચાર્લીનું શરીર અને એનું મન બંને ભયંકર રીતે ધ્રુજતા હતા. 3-4 મિનિટ પછી કમરામાં એક અવાજ ગુંજી ઉઠ્યો. "ગુડ મોર્નિંગ ચાર્લી. આમેય સારા છોકરાઓ સવારમાં ઉઠીને નાહી લેતા હોય છે. એટલે મેં તને નવરાવી નાખ્યો."
"પ્લીઝ, પ્લીઝ મને અહીંથી છુટ્ટો કરો નહીં તો હું શરદીથી મરી જઈશ મને સાયનસની તકલીફ છે. મને કોરા કપડાં પહેરવા આપો. પ્લીઝ."
"ગોળી ખાઈ ને મરવા કરતા તો આ સારું ઓપશન છે બરાબર ને, તારા જ સાથીઓના શરીરમાં 4-500 કિ મી ની ગતિ એ જતી 12 એમએમની ગરમ ગોળીઓથી કેટલી તકલીફ પડી હશે તને અંદાજ આવ્યો."
"એ એ હુમલામાં મારો કોઈ હાથ નથી પ્લીઝ તમે સામે આવો હું સમજાવીશ. માર્શા ..."
"ચાર્લી, લાગે છે કે તારા મગજમાં હજી ગરમી ભરી છે એટલે સત્ય તારી જબાન પર નથી આવી શકતું. કઈ વાંધો નહીં મારી પાસે ભરપૂર સમય છે અને પાણી, પાણી તો લાખ્ખો ગેલન છે. તારી એ ગરમીને ઠંડી કરવા માટે. તું તારે તું આરામ થી ન્હાઈ લે."
"નહીં પ્લીઝ, હવે પાણી નહીં. મને કંઈક બ્રાન્ડી કે ચા - કોફી અને કૈક કપડા આપો હું મરી જઈશ."
"ઓલી, લોલા બિચારી 19 વર્ષની, પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માંગતી હતી. પોતાના બોયફ્રેન્ડ સાથે એને પરણવું હતું. એના કુટુંબને એણે માંડ કરીને મનાવ્યું હતું. પણ માત્ર 50-55 ગ્રામ ની ગોળી એ એની દુનિયા છોડાવી દીધી. અત્યારે તે એની યાદ અપાવી એની સજા રૂપે આજનો દિવસ, નો બ્રેકફાસ્ટ, નો લંચ, નો ડિનર, ઓર ટી કોફી. હવે માત્ર દર 3 મિનિટે નહાવાનું. હા હા હા" કરતો અવાજ બંધ થયો અને સાથે જ છત પરથી ફરીથી દર 3 મિનિટે 200 લીટર પાણી ચાર્લીના માથે વરસવા લાગ્યું. 3-4 વખત ના આ મારા પછી એ ઠંડીથી થરથર કંપતો બેહોશ થઈ ગયો.
xxx
"સાહેબ, સાહેબ, ભાગતા ભાગતા પ્યુને મેનેજરની કેબિનમાં પ્રવેશ કર્યો.
"શું છે મુરુગન કેમ રાડો નાખે છે"
"લાશ, લાશ પડી છે સાહેબના બાથરૂમમાં."
"શુંઉઉઉઉ?. લાશ ક્યાં?
"સુમિત સાહેબની કેબીનના બાથરૂમમાં. આપણા પ્યુન બાલા મણીની લાશ પડી છે."
ક્રમશ:
કોણ છે આ અરબસ્તાનનો શેખ જે પાણીની જેમ નાણા ઉડાવી રહ્યો છે. ચાર્લી નું હવે શું થશે? સુમિતની ઓફિસની કેબિનમાં એનાજ પ્યુનની લાશ કેવી રીતે આવી? શું અનોપચંદને એના ફેમિલીનો જીવ જોખમમાં છે? જાણવા માટે વાંચો તલાશ -2 ભાગ 11