ચાય બોલો ચા....ય ગરમા ગરમ ચા....ય
પકોડા...ગરમ પકોડા...ગરમ,ખાનેવલા હો જાયે નરમ
સરજુ પોતાની ચકળવકળ આંખે છુપાઈને બધું જોતો હતો,ચા,પકોડા,વેફર,અને સ્ટેશન પર મળતી અવનવી વાનગીની સુગંધથી તેના મોંમાં પાણી આવી ગયું હતું, પણ...
એ છોકરા અંદર જા..અહીંયાથી પડી જવાય જા..
અને એક ધક્કા સાથે સરજુ સીધો અંદર ચાલ્યો ગયો.એક સીટના ખૂણે જરા અમથી જગ્યામાં તે સંકોચાઈને બેસી ગયો.તેના કપડા અને ચેહરાનું નૂર તેની અમિરાઈની ચાડી ખાતા હતા.
ધીમે ધીમે ટ્રેન ભરાવા લાગી,જાણે એક નાનું ગામ ઉભુ થઈ ગયું,અલગ અલગ જાત અને ભાતના માણસોનો મેળો લાગ્યો.કોઈ વાતો કરતા હતા,કોઈ પ્રેમ ગોષ્ટી,કોઈ પોતાના નાના બાળકને વહાલ કરતું હતું,અને કોઈ પોતાની જિંદગી ની સાંજની મજા કરતું હતું.
થોડી થોડીવારે શીંગ,ચણા, કટલેરી અને અવનવી વસ્તુ વેચવાવાળા આવતા હતા.તેનો ભૂખ્યો તરસ્યો હાથ વારેવારે તેના મોં માંથી નીકળતી લાળને ખભાથી લૂછ્યા કરતો હતો,તેની આશાભરી નજરે તે ઘડીક આ તો ઘડીક પેલી બોગી માં આટા માર્યા કરતો.
ધીમે ધીમે રાત પડવા લાગી,હવે બધા ડબ્બા માંથી વિવિધ પકવાનો ની લિજ્જતદાર સોડમ આવવા લાગી, કોઈ થેપલા,તો કોઈ ઢેબરા,તો કોઈ ના ડબ્બા માંથી ભાખરવડી અને ચેવડો.સરજુને હવે કકળીને ભૂખ લાગી હતી,તરસને લીધે તેના હોઠ પણ હવે સુકાઈ ગયા હતા.
બેટા તારા મમ્મી પપ્પા ક્યાં છે?ક્યારેક કોઈ દયા ખાઈને પૂછી લેતું પણ તે જવાબ આપવાને બદલે ત્યાંથી દોડીને ભાગી જતો. કોઈ બાળકની માં જ્યારે એને પ્રેમથી જમાડતી ત્યારે સરજુની આંખ ભીની થઈ જતી,કોઈ પિતા પોતાના બાળકને ખિજાઈને સમજાવતા ત્યારે સરજુના ચેહરા પર એક અલગ ભાવ આવી જતા.હવે બધાએ પોતપોતાના ખાલી ડબ્બા બંધ કરી દીધા.
જેમ જેમ રાત જામતી ગઇ તેમ તેમ અલગ અલગ રમતોનો દોર ચાલુ થયો,કોઈ જગ્યાએથી ગીતોના તો કોઈ જગ્યાએ થી પત્તાની રમતોના અવાજ આવતા હતા. કોઈ એક રાતના અજાણ્યા મુસાફર સાથે નવો સંબંધ બાંધતા,અને કોઈ પોતાના જૂના દિવસો યાદ કરતા હતા.નાના બાળકો તેમની મમ્મીના ખોળામાં સ્વર્ગનું સુખ માણતા હતા.
ઠક...ઠક..ઠક..ઠક...ઠક...ઠક..કરતો ટ્રેનનો અવાજ રાતના શાંત વાતાવરણ ને ચીરતો આગળ વધતો હતો.ધીમે ધીમે બધી બોગી માં લાઈટો બંધ થવા લાગી,હવે બધા ને કાલ ની સવાર ની રાહ છે.આછા અજવાળા માં સરજુ ટ્રેન માં નીચે જ સુઈ ગયો,ભૂખ્યા તો તેને ઊંઘ નહતી આવતી,પણ થાક ને લીધે ક્યારે આંખ મીચાઈ ગઈ ખબર ના પડી.
એ... છોટુ...ઉઠ યહાં સે.. એ છોટુ...
સરજુ એ આંખ ખોલી તો તેની માથે બે મોટી મોટી લાલ લાલ આંખો ઝલુંબતી હતી,સરજુ બીક નો માર્યો એક જ જાટકે ઊભો થઈ ગયો,તે જાડો કાળો માણસ તેને ત્યાંથી ઉઠાડતો હતો,તે ભાગી ને બીજી બોગી માં ગયો,અહી લગભગ બધા ઊંઘી ગયા હતા,કોઈ ફરી તેને ઉઠાડે નહિ, એટલે સરજુ એ બે સીટ ની વચ્ચે નીચે ના ભાગ માં લંબાવ્યું.
એક તો ભૂખ અને ઉપરથી પેલા માણસ નો ડર,સરજુ ઊંઘી શકતો નહતો,ત્યાં જ સીટ પરથી એક હાથ નીચે આવ્યો,મારી નાખીશ....હું તને નહિ મૂકું...મારી નાખીશ. એ સુઇજા અવાજ નહિ કર,તેની સાથે ની સીટ વાળો બોલ્યો. સરજુ બીક ના માર્યા ત્યાંથી પણ ભાગી ગયો,હવે તો હાથ પગ ઢીલા પડવા લાગ્યા હતા,ભૂખ અને તરસ ના માર્યા હવે મરી જવાસે એવું તેને લાગતું હતું.
તે હાફતો હાફ્તો ટ્રેન ના પગથિયાં પાસે બેઠો,ઠંડી હવા થી મન જરા શાંત થયું,આસપાસ ફક્ત અંધકાર અને નીરવ શાંતિ,અત્યારે એને પોતે કરેલી ભૂલ માટે પસ્તાવો થતો હતો.તેને તેના માં બાપ અને ઘર યાદ આવતા હતા.
એ... ય છોકરે દારૂ પીએગા..પાછળ થી એક વિચિત્ર વાસ સાથે કોઈ નો અવાજ સંભળાયો.
સરજુ એ જોયું તેની બરાબર પાછળ એક માણસ હવા માં કપડા ઝૂલે એમ ઝૂલતો હતો,તેના હાથ માં એક બોટલ હતી અને તેની પાસેથી ગંદી વાસ આવતી હતી,વાસ થી સરજુ નું માથું ફાટફાટ કરતું હતું,અને ફરી પેલાએ એ ગંદી બોટલ સરજુ સામે ધરી,સરજુ જલ્દી ઊભો થઈ ને અંદર ની તરફ ચાલ્યો ગયો.
તે માણસ થી બચવા તે ડબ્બા ની બીજી તરફ હજી આગળ જ વધ્યો કે કોઈએ તેને બોચી માંથી પકડ્યો, અચાનક થયેલા આવા હુમલાથી સરજુ મૂંઝાઈ ગયો.
એ છોટુ કોન હે રે તું?કહા સે આયા હે?ઔર યે સબકી બોગી મે ક્યાં ચોરી કરને કે લિયે ઘુમ રહા હે?એક ઊંચા કદાવર અને ગુંડા જેવા લાગતા માણસે સરજુ ને આંખ દેખાડી ને પૂછ્યું.
ના...ના ..મને જવા દ્યો સરજુ ના અવાજ માં ભય અને કાકલૂદી હતી.
ચૂ...પ...પેલા એ રાડ પાડી.આજુબાજુ માં બધા તેને જોઈ ને મોઢું ફેરવી ગયા કેમ કે એનો દેખાવ જોઈને કોઈ એ એની સામે બોલાવવાની હિંમત ના કરી.
ચૂપ ચાપ યહાં પે બેઠ ઓર મેરે પાવ દબા..
સરજુ તેના પગ પાસે માંડ બેઠો અને તેના પગ દબાવવા માંડ્યો,થોડીવાર પછી તે ઊંઘી ગયો જાણી સરજુ ત્યાંથી નાસી ગયો.
અંદર એક સીટ પાસે થોડું અજવાળું હતું,સરજુ ત્યાં પગ સંકોડી તેના પર માથું ટેકવીને બેસી ગયો,અચાનક કોઈ અવાજ આવ્યો,સરજુ એ માથું ઉંચુ કર્યું તો સામે એક બિસ્કીટ નું પેકેટ હતું,કદાચ અર્ધું ભરેલું કે પછી અર્ધું ખાલી.બારી માંથી આવતી હવા ને લીધે તેનો કાગળ અવાજ કરતો હતો.આસપાસ કોઈ જોતું નથી તેની ખાતરી કર્યા બાદ સરજુ એ ચૂપચાપ તે પેકેટ ઉપાડી લીધું.
બેટા નીચે પડેલી અને અજાણી વસ્તુ ના ઉઠાવાય.એક તરફ ભૂખ્યું પેટ બળવો કરતું હતું અને બીજી તરફ માં એ આપેલા સંસ્કારો ની યાદ આવતી હતી,
સરજુ ને તેની માં ની યાદ આવી.અને તે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો.હાથ માં રહેલું પેકેટ ત્યાજ છોડી ને સરજુ ત્યાંથી ઊભો થઈ ગયો, અને તે બહાર આવ્યો,પણ આખી રાતનો ઉજાગરો ભૂખ અને તરસ ના લીધે હવે તેનું શરીર તેનો સાથ આપતું નહતું,હાથ પગ ધ્રુજતા હતા,હોઠ સુકાઈ ને ચીમળાઈ ગયા હતા,આંખો સામે અંધારું છવાઈ ગયું,અને માથું ભમવા લાગ્યું,અને તે ત્યાં જ ઢગલો થઈ ને પડી ગયો.
સરજુ બેટા આંખ ખોલ જો હું તારી પાસે છું.આંખ ખોલતા જ સરજુ એ પોતાની સામે પોતાના પિતા ને જોયા સરજુ એમને ભેટી પડ્યો,અને પોતે હઠ માં ઘર છોડ્યું ત્યાર નો સમય યાદ આવી ગયો,જિંદગી નો હજી પૂરો દોઢ દાયકો પણ ના જોયેલા સરજુને એક રાતે ઘણા પાઠ શીખવી દીધા,ઘર અને ઘરનાઓ નું મહત્વ પણ સમજાવી દીધું.
✍️ આરતી ગેરિયા....