After 3 years in Gujarati Travel stories by Kamejaliya Dipak books and stories PDF | ૩૯ વર્ષ પછી

Featured Books
Categories
Share

૩૯ વર્ષ પછી

ટાટમની એ સ્કૂલમાં મારુ ત્રીજુ વર્ષ હતું. ૨૦૦૭ની એ સાલમાં મેં પહેલી વાર આટલો બધો વરસાદ જોયો હતો. લગભગ બે દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ હતો. રાત્રે અમે રૂમની અંદર સુતા હતા અચાનક જ ખૂબ અવાજ સંભળાયો. એવું લાગતું હતું, જાણે ઘણા બધા માણસો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. અવાજના કારણે મારી ઊંઘ ઊડી ગઈ. હું જાગી ને બહાર આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે ગોરડકા ના ગામવાસીઓ સંસ્થામાં આવી ગયા હતા. કારણ પૂછતાં જાણવા મળ્યું કે તેમના ઘરોમાં તો પાણી ભરાઇ ગયા હતા.
સવારે વાદળોની સાત સાત પડ ની ચાદર ઓઢીને સૂતેલા મેઘરાજાએ પોતાની ચાદર ખસેડીને જોયું કે નીચે કેમ ચાલે છે પરંતુ, પરિસ્થિતિ ગંભીર જોઈને થોડો આરામ લીધો અને વરસાદ ને વિરામ આપ્યો, પણ પવન ખૂબ જોર શોરથી વાઈ રહ્યો હતો. સવારના ૦૫:૩૦ વાગ્યા હતા અમે પ્રાંત:ક્રિયા કરી રહ્યા હતા ત્યાં એક લીમડાનું ઝાડ પડી ગયું હતું અમે બીજા લીમડા નીચે બેઠા પરંતુ આ લીમડાને પવન ખુબ જ જોરથી પાડવા ઈચ્છતો હતો, જ્યારે લીમડો પોતાનો બચાવ કરવા ઈચ્છતો હોય તેમ જોરથી પાછો ખેંચાતો હતો. અમે ત્યાંથી થોડાક દૂર ખસી ગયા. મને ડર હતો કે ક્યાંક લીમડાનુ આ ઝાડ અમારી ઉપર જ ના પડે.
મેં ચારે દિશામાં નજર ફેરવી આજુબાજુના બધા જ ખેતરો પાણીથી ભરાઇ ગયા હતા. માત્ર સંસ્થાના જ બે ખેતરો પાણીથી ભરાવાના બાકી હતા, કદાચ તે અન્ય ની સાપેક્ષે વધારે ઊંચાઈ પર હતા. બાકી ચારે બાજુ દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળતું હતું. અત્યારે એમ લાગે કે જો કોઈ કવિ કાવ્ય લખવા બેસી ગયા હોય, તો કેવા સુંદર કાવ્ય લખાય. આ સુંદર, સુદૃઢ અને રળિયામણા વાતાવરણ જેવા જ. રાત્રે તો અમે બધા મિત્રો નાનકડા રૂમમાં સાંકડ-મૂકડ સુઈ ગયા હતા અને ઠંડીના લીધે રાત કેમ વીતી ગઈ એની પણ ખબર રહી ન હતી. સવારના આ સોનેરી અને રમણીય વાતાવરણ ને હું નિહાળી રહ્યો હતો.
અત્યારના આ સુંદર વાતાવરણ ને જોઈને જાણે મારા મનમાં પણ કાવ્ય સ્ફૂર્યુ.


वह गगन यह धरा
पवन भी वाया
सावन आया (२) हो सावन आया ।।
दूर-दूर से कोई हमको बुलाए
अंतर में कोई याद ही आए
दिल मैं है मेरे गीत माया
सावन आया (२) हो सावन आया ।।
वह अंबर मैं बिजलिया चमके
दूर जंगल में मोर भी टहूके
गीत में है मेरे मेघ की छाया
सावन आया(२) हो सावन आया ।।
फूलों में भी सुगंध भरी है
गीतों को भी वर्षा वरी है
कोकिल कंठ ने राग लगाया
सावन आया (२)हो सावन आया ।।
मेघ की गोद में हम सब खेले
धीरे धीरे कोयल बोले
मोर के गीत ने वन यह गजाया
सावन आया(२) हो सावन आया ।।

ઘણા બધા વિદ્યાર્થીઓ કેરીમાં (ગોરડકા પાસે આવેલી નદી) આવેલું ગાડું તુર થઈને વહી રહેલું પાણીનું પૂર જોવા જઈ રહ્યા હતા. મને પણ પૂર જોવા ની ઈચ્છા થઈ, એટલે હું અગાસી પર જઈને જોવા લાગ્યો. પણ અહીંથી જોવાથી શું આનંદ મળે? નદી તો ઘણી દૂર હતી. આથી અમે ચાર મિત્રોએ નદી જોવા જવાનો નિર્ણય કર્યો અને અમે તરત ચાલતા થયા.
અમે જઈ રહ્યા હતા ત્યારે નદી જોઈને પાછા ફરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ અમને સામા મળ્યા. તેમાંથી કેટલાક કહે પૂલને તડિયા પડી ગયા છે, એટલે કદાચ તે પડી જશે. આગળ જતાં સમાચાર મળ્યા કે પુલ હલી રહ્યો છે. અમે આગળ વધ્યા, ત્યા કેટલાક કહે પૂલ પડી ગયો. આમ, આવું સાંભળીને હું વિચારમાં પડી ગયો અને ઝડપભેર નદી તરફ ચાલવા લાગ્યો. મને લાગ્યું કે જરૂર વરસાદે ખુબજ ભયાનક સ્વરૂપ લીધેલ છે, જેના લીધે નદીમાં આટલું મોટું પુર આવ્યું છે. મને નદીમાં આવેલુ પુર અને નદી પરનો પુલ ઝડપથી જોવાની ઈચ્છા થઈ આવી, અને મારા પગ ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગ્યા. આગળ જતા લોકો થી ભરેલા ઘણા બધા ટ્રેક્ટરો અને ગાડીઓ અમને સામા મળ્યા, જેઓ બચવા માટે સખપર અને ગોરડકા ના નીચાણવાળા વિસ્તારમાંથી અમારી સંસ્થામાં આવી રહ્યા હતા. સાચે જ આજે ગામડાઓમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. આજે આ સંસ્થા જે અમારા ઉપરાંત ઘણા બધા લોકો માટે આશીર્વાદરૂપ હતી કે જ્યાં અમે બધા સુરક્ષિત હતા.
આગળ જતા રસ્તાની જમણી બાજુએ હનુમાનજી મહારાજ નું મંદિર આવેલું છે, ત્યાં ઘણા બધા લોકો વરસાદના પાણીથી બચવા માટે આવ્યા હતા. કારણકે મંદિર ઊંચાણવાળી જગ્યા પર આવેલું હોવાથી ત્યાં નદીનું પાણી પહોંચી શકે તેમ નથી. મંદિરની બીજી બાજુએ દૂર તળાવ અને નદીનું પાણી મળીને એક થઇ ગયા હતા, જેના કારણે દૂર સુધી બધે પાણી જ પાણી જોવા મળતું હતું.
મંદિર પાસે મોટા મોટા બાવળ હતા, જેની નીચે ચારથી પાંચ બેસવા માટેના બાંકડા પડ્યા હતા. પણ નવાઈ એ વાતની હતી કે આજે લોકો ને બદલે બાવળને જેમ બાંકડા પર બેસવાનું મન થયું હોય તેમ, એક મોટો બાવળ આડો પડીને એક સાથે બધા બાંકડાઓ રોકીને સૂતો હતો. તે ખૂબ જ ખુશ હતો, પણ તેને એ ખબર નહોતી કે તેનું જીવન આજનો દિવસ જ છે, ત્યારબાદ તેનો નાશ થવાનો છે. મને હસવું આવ્યું અને સવારે પોતાનો બચાવ કરતો પેલો લીમડો યાદ આવ્યો. અમે આગળ ચાલ્યા.
હવે અમે ગોરડકા ની કેરી નદી પાસે પહોંચવાની તૈયારીમાં જ હતા. અચાનક મેં જોયું કે એક ગાય અમારી સાથે થઈ અને આગળ દોડવા લાગી, જાણે કેમ તે આપઘાત કરવા માટે દોડી જતી હોય. અમે નદીએ જઈને જોયું તો સાચે જ, તે ગાય પુલની આગળના ચેકડેમ પાસેથી નદીમાં ઉતરી અને પુલ નીચે થઈ પાણીના વહેણની સાથે એકદમ આગળ નીકળી ગઈ. કાગળની હોડી ની જેમ તે તણાઈ ને જતી હતી. ઘડીક મોં બહાર કાઢે તો ઘડીક ડૂબી જતી, એમ કરતાં જ તે થોડી વારમાં તણાઈને નદીના ડહોળા પાણી માં અદ્રશ્ય થઇ ગઈ. મને ખૂબ જ દુઃખ થયું. હું ઘણી વેળા સુધી એ બાજુ જોઈ રહ્યો.
કેરીના એ પાણીની વહેવાની ગતિ જોઈને જ હું દંગ રહી ગયો હતો. કારણ કે ગાય તો જીવિત હતી તેથી કદાચ તે તરતી પણ જતી હોય, પરંતુ લીલા થોરનું એક ખૂબ જ મોટું ઝૂંડ પણ પાણીના વહેણ સાથે ઊછળતું અને કૂદતું ઝડપથી તણાઈને જઈ રહ્યું હતું. એ જોઈને જ અમે બધા તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કેરી નદી માં આવેલું પૂર જોવા માટે ત્યાં ઘણા બધા લોકો ઉભા હતા. તેમાં ઉભેલા લોકો પોતપોતાની રીતે વરસાદ માટે પોતાનુ મંતવ્ય આપતા હતા. ત્યાં ઉભેલા એક ઘરડા દાદા કહી રહ્યા હતા કે ઈ.સ. ૧૯૬૮ માં આટલું પાણી આ નદીમાં અમે જોયું હતું ત્યાર પછી, આજે ઈ.સ. ૨૦૦૭ માં આટલું પાણી આવ્યું છે. તેની વચ્ચેના ગાળામાં તેમણે પણ ક્યારેય આટલું પાણી જોયું ન હતું. આજે ૩૯ વર્ષ પછી આટલું પાણી જોઈને તેમને એ દિવસો યાદ આવી ગયા. આજે આટલું બધું પાણી જોઈને તેઓ ખૂબ જ ખુશ હતા. પરંતુ એ લોકો કેટલા દુઃખી હશે, જેમના મકાનમાં પાણી ભરાઈ ગયું હતું અને સુરક્ષિત રહેવા માટે બાળકો સહિત અમારી સંસ્થામાં કે હનુમાનજીના મંદિરે આવ્યા હતા.
અમે જ્યારે આવી રહ્યા હતા, ત્યારે સામે મળેલા વિદ્યાર્થીઓ નદીના પુલ વિશે જે વાતો સંભળાવી રહ્યા હતા તે બધી જ તદૃન અફવાઓ હતી. હા, નદીમાં પુર ખૂબ જ ભયાનક આવ્યું હતું. પરંતુ નદી પરનો પુલ પોતાની મજબૂતાઈથી પોતાનો બચાવ કરી રહ્યો હતો. પુલના એ થાંભલાઓ ખૂબ જ મોટા હોવાથી ઝડપથી વહેતા પાણીને અવરોધરૂપ થતા હતા. તેથી પાણી ઉછળીને પાછું પડતું હતું, એવું લાગતું હતું કે જાણે પાણી જમીનમાંથી નીકળી રહ્યું હોય. એ જોઈને મને ખૂબ જ ચક્કર આવતા હતા. પરંતુ એની બીજી બાજુએ થાંભલા ને લીધે ખૂબ જ મોટા મોટા વમળો ચડતા હતા. નદીમાં પુલ ની આગળ જ્યાં બાવળ કે રેતીના બનેલા ટેકરા જેવું કાંઈ હોય ત્યાંથી અને ચેક ડેમ પરથી જે મોજા ઉછળતા હતા તેનું પાણી ધૂળની ચડેલી ડમરી ની જેમ ઉડતું હતું.
પવન ને પણ જાણે આજે જ જુવાની આવી હોય, તેમ જોર-શોરથી વાઈ રહ્યો હતો વરસાદ પણ હજી જરમર-જરમર વરસી રહ્યો હતો. એક બાજુ લોકો ખુશ હતા, તો બીજી બાજુ તેનાથી ત્રાસી ગયા હતા. પરંતુ ગોરડકા ની પ્રાથમિક શાળાના લીમડા અને બીજા વૃક્ષો જરૂર પ્રમાણે પાણી મળવાથી ખુબ જ ખુશ હતા. કદાચ તેથી જ આમતેમ જુલતા, લહેરાઈ રહ્યા હતા અને પવન સાથે આનંદથી વાતો કરી રહ્યા હતા.
નદીને પણ આજે જ વહેવા માટે નું મૂડ ચડ્યું હોય તેમ ગાડી-તુર થઈને વહી રહી હતી. નદી પર રહેલા ૩૦ થી ૩૫ ફૂંટ ઊંચા પૂલને પણ પાણી સ્પર્શ કરી રહ્યું હતું. નદીનું એ ડહોળું પાણી હિલોળ। લઈ રહ્યું હતું. પૂલના તળિયાને સ્પર્શીને વહેતા ડહોળા પાણીના એ પ્રવાહને જો એક જ ધારા જોતા રહીએ તો એમ લાગે કે જાણે પાણી નથી વહેતુ, પણ પાણીની ગતિથી વિરુદ્ધ દિશામાં પૂલ જ દોડી રહ્યો છે. એ વહેતા પુલને જોતા જ ચક્કર આવી જાય, આથી હું તેમાં બહુ જોતો ન હતો.
હું નદીના એ ડહોળા પાણી ને અને તેના મોજાને દૂર સુધી એક જ ધારો જોઈ જ રહ્યો...





આભાર