પરિતાએ પાર્થ સાથેનાં પોતાનાં સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. પોતાની જિંદગીમાં પાછી એકલવાયી થઈ ગઈ હતી. પોતાનું કામ હતું એ એટલે અંદરથી તૂટી ગઈ નહોતી પણ ખૂબ જ દુ:ખી થઈ ગઈ હતી. મન એનું દુ:ખી થઈ ગયું હોવા છતાં એનું મન સમર્થ પ્રત્યે ઢળી રહ્યું નહોતું. પોતે અંદર - અંદર જ એકલી - એકલી પોતાનું દુ:ખ ઘટાડવાનો પ્રયત્ન કરી રહી હતી.
સમર્થ માટેની બધી જ આશા, આકાંક્ષા તો ક્યારનીય એણે ગુમાવી દીધી હતી. સમર્થને માટે સમયસરનું ભોજન બનાવી રાખવું, સમયસર એનાં કપડાં તૈયાર કરી રાખવા ને એની વસ્તુઓનું ધ્યાન રાખવું, વગેરે જેવા કામો સિવાય ન તો એનાં અને સમર્થ વચ્ચે કોઈ પણ પ્રકારનો કોઈ સંબંધ રહ્યો હતો કે ન વાતચીત. સમર્થ સવારે કામ પર જવા પહેલાં પણ કામનાં ટેન્શનમાં જ હોય ને રાત્રે કામ પરથી આવ્યાં પછી પણ એ કામનાં ટેન્શનમાં જ હોય! એટલે પરિતા એની સાથે કોઈપણ પ્રકારની વાત કરી શક્તી નહોતી.
આવી જિંદગી એ ક્યાં સુધી સહન કરી શકત? એનાંથી હવે ઘરમાં રહેવાતું નહોતું! બહાર નોકરી કરવા માટે જઈ શકાય તેમ નહોતું! એટલે એણે એક રાત્રે સમર્થને કહ્યું,
"મારે છૂટાછેડા જોઈએ છે!"
"શું.....?!" સમર્થ ચોંક્યો.
"મારે હવે આ તારી સાથેનાં લગ્ન સંબંધનાં બંધનમાં નથી રહેવું. મારે તને અને આ ઘરને છોડીને જતાં રહેવું છે!" પરિતા મક્કમતાથી બોલી.
"અત્યારે મને ખૂબ જ ઊંઘ આવી રહી છે, આપણે આ બાબતે સવારે વાત કરશું." એમ કહી કાનમાં રૂનાં પૂમડાં નાંખી, મોઢું ફેરવી, આંખો બંધ કરીને સમર્થ સૂઈ ગયો. પરિતાએ તેમ છતાં એને પોતાની વાત કહેવાનો પ્રયત્ન કર્યો પણ સમર્થે એની વાત સાંભળી નહિ અને મોટાં અવાજે બોલી પરિતાનાં અવાજને દબાવી દીધો.
પરિતા આંખમાં આંસુ સાથે સૂવાનો પ્રયત્ન કરી રહી હતી. સમર્થનાં ઘાંટા સામે પોતાનું મોઢું બંધ રાખ્યા સિવાય એણે કંઈ જ ન કર્યું કારણ એ નહોતી ઈચ્છતી કે દીપ પોતાનાં મમ્મી - પપ્પાને એકબીજા સાથે ઝગડો કરતાં જુએ. દરેક વખતે ને દરેક બાબતે પરિતાએ જ બધું ધ્યાન રાખવાનું રહેતું હતું, સમર્થને તો આવી બધી વાતોની પરવાહ જ નહોતી એટલે એ તો પરિતાને કોઈ પણ સમયે, કોઈની પણ સામે, કશું પણ બોલી લેતો.
બીજા દિવસે સવારે સાસુમાએ પરિતાને પૂછ્યું, "શું થયું હતું, ગઈકાલે રાત્રે? કેમ તમારાં રૂમમાંથી સમર્થનો ઘાંટા પાડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો?"
"એ તો.....," પરિતા જવાબમાં આટલું જ બોલી શકી કારણ સાસુમાએ અધવચ્ચેથી જ એની વાત કાપી નાંખી અને બોલ્યા, "શું કામ એને હેરાન કરતી હોઈશ? એક તો બિચારો સવારનો ગયેલો રાત્રે થાક્યો - પાક્યો ઘરે પાછો ફર્યો હોય ને તું એની સામે માથાકૂટ કરી રહી હોઈશ!" મોઢું બગાડતાં સાસુમા બોલ્યાં.
સાસુમા સામે કેવી રીતે વાત કરવી એ પરિતાને સમજાયું જ નહિ એટલે એણે આગળ એમને કશું જ કહ્યું નહિ ને ચૂપચાપ પોતાનું કામ કરવા લાગી.
બપોર પછી પરિતાની મમ્મી એને મળવા આવી હતી. એ પરિતાને એનાં રૂમમાં લઈ ગઈ અને ઠપકો આપવા માંડી, "તેં સમર્થકુમાર સામે છૂટાછેડાની વાત કરી! લગ્નનાં આટલાં વર્ષો પછી! ન તો તને કોઈ જાતનું દુ:ખ છે કે ન તકલીફ! તો પછી શું કામ તેં તારાં દિમાગમાં છૂટાછેડાનો વિચાર કર્યો? દીપનો તારે તો વિચાર કરવો જોઈએ! છૂટાછેડા લઈને જઈશ ક્યાં? બાપનાં ઘરે પાછી ફરીશ? એટલે સમાજમાં અમે ક્યાંય મોઢું બતાવવાને લાયક નહિ રહીએ! તારી નાની બેનને હજી પરણવાની છે ને તું ...! છૂટાછેડાની માંડે છે. અમારી જ ભૂલ હતી કે તને ખૂબ છૂટછાટ આપી દીધી હતી! મુંબઈ તને એકલીને ભણવા માટે મોકલાવવા જેવી જ નહોતી!" વગેરે જેવું ઘણું બધું પરિતાની મમ્મીએ એને ગુસ્સામાં સંભળાવ્યું.
પરિતાને એ સમજતા વાર નહોતી લાગી કે સમર્થે જ પોતાની મમ્મીને આ વાત કહી દીધી હશે! આ વખતે પરિતાએ પોતાની મમ્મીને વાતની હકીકત જણાવી વાતને લંબાવવાનું ટાળ્યું. એ ચૂપચાપ મમ્મીની વાતોને સાંભળી રહી હતી.
પરિતાની આ રીતની ચૂપકીદી એનાં મનને પાછું પોતાનાં લગ્ન જીવનની ઘર - ગૃહસ્થી તરફ વાળી દેશે કે શું? એ જાણીશું આનાં પછીનાં ભાગમાં.
(ક્રમશ:)