આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૩૫
હેવાલીએ જાગીને જોયું કે સૂરજ ઊગી ગયો હતો અને ઘણો ઉપર ચઢી ગયો હતો. ત્યારે જ દિયાનની કાર બંગલાના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી રહી હતી. તેને થયું કે ગઇકાલે દિયાન આવ્યો ત્યારે એણે દરવાજો ખોલ્યો ન હતો. આ કારણે એ બહુ નારાજ થયો હોય શકે. પોતે દરવાજો ખોલી શકે એમ ન હતી. અને દરવાજો ના ખોલીને પોતે સારું જ કર્યું હતું. શિનામિ ખુશ થઇ હશે અને મેવાન પણ ખુશ જ હતો. રાત્રે દરવાજો ના ખોલ્યો એટલે અત્યારે દિયાન જતો રહ્યો છે? કે પછી જે રીતે મેવાને મને મારા ઘરે જવા કહ્યું છે એ રીતે શિનામિએ પણ દિયાનને ઘરે મળવા કહ્યું હશે? હેવાલી વિચારી રહી.
તેણે ઝટપટ પરવારીને પોતાની નાની બેગ તૈયાર કરી અને પોતાની કારમાં ઘરે જવા નીકળી.
હેવાલી ઘરે પહોંચી ત્યારે બંગલા પર તાળું લટકતું હતું. મમ્મી- પપ્પા ક્યાં ગયા હશે? એમ વિચારતી હેવાલીએ એમને ફોન કરવાને બદલે પોતાની પાસેની બીજી ચાવીથી તાળું ખોલીને અંદર પ્રવેશ કર્યો. તેને લાગ્યું કે લગ્ન કરીને તે આ ઘર છોડીને ગઇ હતી પણ હવે અહીં જ હંમેશ માટે રહેવું પડશે કે શું?
ચંદનબેન અને મનોહરભાઇ આવ્યા ત્યારે તાળું ખૂલેલું જોઇ નવાઇ પામ્યા. એમને ઘરમાં કોઇ ચોર હોવાને બદલે પુત્રી હેવાલી હોવાની આશા વધુ હતી. એમણે હેવાલીને બહારના હોલમાં જ બેઠેલી જોઇ. બંનેને એક તરફ અત્યારે પુત્રીને મળવાની ખુશી હતી અને બીજી તરફ હેવાલીનો સંબંધ દિયાન સાથે તૂટી ગયાનો રંજ હતો.
'બેટા, તું ક્યારે આવી?' ચંદનબેન એની બાજુમાં બેસીને પૂછી રહ્યા.
'મા...' બોલતાં બોલતાં હેવાલી રડી પડી.
'બેટા, શું થયું? તું ઠીક છે ને?' મનોહરભાઇ પુત્રીને રડતી જોઇ ચિંતિત થયા.
ચંદનબેન હેવાલીના બરડા પર હાથ ફેરવતા ગયા એમ એ શાંત થતી રહી. હેવાલીની માનસિક સ્થિતિની બંને કલ્પના કરી શકતા હતા.
'બેટા, હું તારી મનોદશા બરાબર સમજી શકું છું. પણ તેં મા બનવાની તારામાં ક્ષમતા નથી એ વાત અમારાથી કેમ છુપાવી? મને એ વાત કરી હોત તો કોઇ ઉકેલ આવી શક્યો હોત. અને હજુ મોડું થયું નથી...' ચંદનબેન એને સમજાવતા હતા.
'મા... તમને કેવી રીતે ખબર પડી?' હેવાલીએ નવાઇથી પૂછ્યું.
'બેટા, હું મા તરીકે તારા દિલની વાત જાણી ના શકી એનો મને અફસોસ છે. પણ ડૉકટરના રીપોર્ટ મને વાંચવા મળ્યા એ સારું થયું. નહીંતર અમે તો આ વાત જલદી જાણી શક્યા ન હોત...' ચંદનબેનના સ્વરમાં પણ અફસોસ ડોકાતો હતો.
'મા, મેં ઘણું બધું વિચારીને આ નિર્ણય લીધો હતો. પરંતુ મને એ જ યોગ્ય લાગ્યું હતું...'
'આ કોઇ કારણ નથી હેવાલી. આજના જમાનામાં આવા કારણથી અને એક સુશિક્ષિત પતિ- પત્ની અલગ થાય એ માનવામાં આવે એમ નથી. આજે સ્ત્રીને કોઇપણ ઉંમરે મા બનવા માટે અનેક આધુનિક સારવાર પધ્ધતિઓ ઉપલબ્ધ છે. તારી પાસે જે કારણ છે એ બાલિશ છે...હું માનતો નથી.' મનોહરભાઇના સ્વરમાં હેવાલી સાથે દિયાન માટે પણ નારાજગી છલકાતી હતી.
'પપ્પા, મેં કહ્યું ને કે લાંબો વિચાર કરીને અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે નવા જમાના પ્રમાણે વિચારી શકીએ છીએ. તમે ગમે એટલું પૂછશો તો પણ મૂળ કારણ જે છે તે અમે આપી શકીશું નહીં. તમારે જે કલ્પના કરવી હોય કે માનવું હોય એની છૂટ છે. તમારે આ પરિસ્થિતિને સ્વીકારી લેવી પડશે. હું એ વાત પણ કરી દઉં છું કે અમારા છૂટાછેડા થયા પછી મારા માટે કોઇ બીજો છોકરો જોવાની તસ્દી લેતા નહીં. હું બીજા લગ્ન ક્યારેય કરવાની નથી...' રડીને સ્વસ્થ થયેલી હેવાલીએ માથું ઊંચું કરીને પોતાનો નિર્ણય અફર રહેશે એનો અંદાજ આપી દીધો.
'મારે અત્યારે વધારે કંઇ કહેવું નથી...' કહી મનોહરભાઇ નારાજગી સાથે પોતાના બેડરૂમમાં જતા રહ્યા. એમને થયું કે હેવાલીએ બીજા લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો છે એ વાત કોઇ બીજો જ ઇશારો કરે છે.
ચંદનબેન હેવાલીને મનાવવા પ્રયત્ન કરવા લાગ્યા:'બેટા, તમે તમારા નિર્ણય વિશે ફેરવિચાર કરો એ બધાંના હિતમાં છે. અમે આજે દિયાનકુમારના મમ્મી-પપ્પાને મળવા ગયા હતા. એ પણ તમારા નિર્ણયથી દુ:ખી હતા. તમારે બંનેએ અમારી આશા- અપેક્ષાઓ વિશે વિચાર કરવો જોઇએ. આ યોગ્ય ના કહેવાય. એવી કોઇ સમસ્યા નથી જેનો કોઇ ઉકેલ ના હોય. અને તમે પ્રયત્ન કર્યો છે કે નહીં એની અમને ખબર નથી. અમને તો એક તક આપો. કોઇ સાચું કારણ તો બતાવો...'
'મા, મને માફ કરશો. હું ફરીથી દિયાન સાથે જવાની નથી. છૂટા પડવાનો મારો નિર્ણય અફર છે. મને ખાતરી છે કે તમે એ જરૂર માનતા હશો કે હું હવે એટલી પરિપકવ થઇ ગઇ છું કે મારા જીવનના નિર્ણય જાતે લઇ શકું છું...' હેવાલી જરા પણ ઝુકી નહીં.
ચંદનબેન એની સામે નારાજ કે ઉગ્ર થયા વગર 'ઠીક છે...' કહીને અંદર જતા રહ્યા.
હેવાલી પોતાના રૂમમાં ગઇ અને આજે રાત્રે મેવાન સાથેની મુલાકાતના ઇંતજાર સાથે સૂઇ ગઇ.
ચંદનબેન અને મનોહરભાઇએ રાત્રે હેવાલીને જમવા માટે જગાડી ત્યારે એની ઊંઘ ઊડી.
જમતી વખતે કોઇ કંઇ બોલ્યું નહીં. જમીને પણ ત્રણેય પૂતળાની જેમ બેસી રહ્યા.
હેવાલી કંઇ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી.
તે મેવાનનો ઇંતજાર કરવા લાગી. મેવાન આવી રહ્યો ન હતો. તેણે અનેક વખત દરવાજા તરફ નજર નાખી. તેની નજર નિરાશા સાથે પાછી ફરતી રહી.
રાત્રિના બાર વાગી ચૂક્યા હતા. તેણે બારી બહાર નજર નાખી. રાત જામી રહી હતી. ક્યાંકથી કૂતરાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. વાતાવરણમાં ધુમ્મસ જામી રહ્યું હતું. હવાની એક લહેરખી આવી અને તેને ધ્રૂજાવી ગઇ. તેણે બારી બહાર જોયું. નાના- મોટા જીવડાંનો ચિત્ર- વિચિત્ર અવાજ આવી રહ્યો હતો.
મેવાન ક્યાંથી આવતો હશે? એમ વિચારીને ધુમ્મસમાં એને શોધતી હોય એમ દૂર દૂર સુધી નજર નાખવાનો પ્રયત્ન કર્યો. પછી પાછી આવીને આડી પડી. ઉપર ગોળ ગોળ પંખો એના લયમાં ફરતો હતો. તેને થયું કે મારું આ જીવનચક્ર ક્યાં જઇને અટક્શે?
મેવાનના ઇંતજારમાં આંખ ક્યારે મીંચાઇ ગઇ એનો એને ખ્યાલ જ ના રહ્યો. તે ઘસઘસાટ ઊંઘતી હતી.
અચાનક તેની ઊંઘને તોડતા ટકોરા સંભળાયા. તે ધીમે ધીમે ઊંઘમાંથી બહાર આવી રહી હતી. એમ એમ ટકોરાનો અવાજ મોટો થતો ગયો. તેને ખ્યાલ આવ્યો કે દરવાજા પર કોઇ ટકોરા મારી રહ્યું છે. ટકોરા એકસરખા લયમાં વાગી રહ્યા હતા. હેવાલીએ ઘડિયાળમાં જોયું. રાત્રિના એક વાગીને એકાવન મિનિટ થઇ રહી હતી. રૂમમાં મેવાન દેખાતો ન હતો.
હેવાલીને થયું કે મેવાન હજુ કેમ આવ્યો નહીં હોય? એ તો ટકોરા માર્યા વગર સીધો અંદર આવી જાય છે. નક્કી મા જ હશે. એને ઊંઘ આવતી નહીં હોય. એને મારી ચિંતા બહુ રહે છે. પણ શું થાય?
વિચાર કરતી એ દરવાજો ખોલવા ઊભી થઇ. અને દરવાજા પર મમ્મી હશે કે પપ્પા એ આગળથી જ જાણવા દૂરથી બોલી:'કોણ છે...? આવું છું...'
કોઇ જવાબ ના આવ્યો. એણે દરવાજા સુધી પહોંચતા સુધીમાં બે વખત પૂછી લીધું. છતાં કોઇ પ્રત્યુત્તર ના આવ્યો એટલે એ થોડી ગભરાઇ. તેના હાથ દરવાજાની કડી પાસે જ અટકી ગયા.
ટકોરા ફરી પડવા લાગ્યા. તેને થયું કે પોતાનો અવાજ બહાર સુધી પહોંચ્યો નહીં હોય. તેને ખાતરી હતી કે મેવાનને દરવાજો ખખડાવવાની જરૂર નથી એટલે ઘરનું જ કોઇ છે. તેણે સહેજ દરવાજો ખોલ્યો અને ચહેરો જોઇને એ છળી ગઇ. સામે કોઇ અજાણ્યો ચહેરો હતો. મમ્મી કે પપ્પા ન હતા. સામે કોઇ અજાણી વ્યક્તિ હતી. તેના હાથ દરવાજા સાથે સખત ભીડાયા. તે સખત ડરી ગઇ હતી.
ક્રમશ: