ઓહડિયાવાળો ડૉક્ટરની જેમ પુંજાભાઈને રોગની હિસ્ટ્રી પૂછવા લાગ્યો, "આપ કો કિતને ટાઈમ સે એ સમસ્યા હૈ? દિન મે કિતની બાર ટોયલેટ જાતે હો? ખાને મેં બાજરે કા રોટલા લેતે હો યા ગેહું કી રોટી?"
પંજોભાઈ ભાંગી તૂટી બાવા હિન્દીમાં જવાબ દેવા લાગ્યો, " સાબ, ખાને મેં તો બાજરા કા બઢઢા લેતા હું. સંધાસ જાને કે બાદ ભી વારેવારે આંકળી આતી હૈ. પેટ ભારે ભારે રહેતા હૈ. ઝાડા કઠણ આતા હૈ!"
ઓહડિયાવાળાએ કાળી પીળી બે ચાર ટીકડીઓની પડીકી અને બે-ત્રણ ચૂર્ણની ડબલી ભરી."એ ટેબલેટ સુબહ શામ ખાના હૈ. ઔર ચૂર્ણ રાત કો ગરમ પાની કે સાથ લેનાં હૈ."
પુંજોભાઈ જાણે સાચો દર્દી હોય તેમ ઓહડીયાવાળાની વાત ધ્યાનથી સાંભળી રહ્યો. રઘુભાઈ હાટડાની અંદર ચારે બાજુ નજર કરી કોઇ વાંધાજનક વસ્તુ છે કે નહીં? તેની તપાસ કરી રહ્યો હતો.
બધી દવાની પડીકી,ફાકી બધું ભેગું કરી ઓહડિયાવાળાએ પ્લાસ્ટિક બેગમાં ભરી પુંજાભાઈને આપ્યું. પુંજાભાઈએ પૈસા ચૂકવ્યા. પૈસા ચૂકવી પુંજાભાઈએ ઓહડિયાવાળાને સીધો જ પ્રશ્ન કર્યો, "પેસલ વસ્તુ મલહે?"
સીધો આવો અણધાર્યો પ્રશ્ન આવતા ઓહડિયાવાળો મૂંઝાઈ ગયો. તે પુંજાભાઈની સામે જોઈ રહ્યો. ઘડીક તેને પુંજાભાઈ પર શંકા પડી. પરંતુ પોતાની સામે પલાંઠી વાળીને બેસી ગયેલા, ભોળા મોઢાવાળા ગામડીયા પર શંકા કરવાનું કોઈ કારણ તેને ન લાગ્યું! અચાનક પુંજાભાઈએ પૂછેલા પ્રશ્નથી ઝંખવાણો પડી ગયેલો ઓહડિયાવાળો હવે થોડો નોર્મલ થયો. તે સ્પેશિયલ વસ્તુ એટલે શું? તે સમજી ગયો હોવા છતાં પણ તેણે અભિનય આદર્યો, "પેસલ વસ્તુ યાની કોનસી ચીજ?"
પુંજાભાઈએ ભોળું મોઢું કરી કહ્યું, હાવજ્યું બાવજ્યુંનાં નોર (નખ) રાખતે હો? મારે હોને મઢાવીને ડોકે પેરના હે!"
પેલો ઓહડિયાવાળો ઘડીક મૂંઝાયો, પછી નજરથી પુંજાભાઈને વાંચવા લાગ્યો. ઘડીક રહીને બોલ્યો, " એ ચીજ બહૂત મેન્ગી આતિ હૈ."
પુંજાભાઈએ કહ્યું, " ભલેને ગમે એટલી મેગી આવતી. આપણે તો સલેગા અસલ નોર હોગા તો ગમે એટલા રૂપિયા દુંગા."
આવા લઘર વઘર કપડાવાળા દેશી ગામડિયા પાસે ખરેખર પૈસા હશે? ઓહડિયાવાળાને ઘડીક તેની ચિંતા થઈ. પછી આવેલ ગ્રાહક ન જવા દેવા માટે તેણે સાહસ કરી કહ્યું, "એ ચીજ ઇધર નહિ મિલેગી દુસરી જગા જાના પડેગા."
પુંજાભાઈએ રઘુભાઈ સામે જોઈને કહ્યું, "રઘુભાઈ કો મોડા થાતા હોગા. પછી કેદીક જાયેંગે આજ રહેને દો." ઓહડિયાવાળાને આ સાચો ગ્રાહક લાગ્યો.
તેણે કહ્યું, "જગહ બહુત દૂર નહીં હૈ. આપ મેરે સાથ ચલો. હમ ઓટોરિક્ષા કર કે ચલે જાયેંગે. નજદીક હી હૈ."
પુંજાભાઈએ રઘુભાઈ સામે જોઇ કહ્યું, " કેમ થાશે રઘુભાઈ જાવાના હૈ?"
ક્યારના મૌન રહેલા રઘુભાઈએ તેના ઘેરા અવાજે કહ્યું, " હવવે જઈ આવતે હૈ.તને હાવજ કા નોર પેરને કા સોખ હે, તો લય આવતે હે."
પેલા ઓહડિયાવાળાએ બહાર ટપરતા તેના માણસને આ હાટડી સોંપી દીધી.તે પુંજોભાઈ અને રઘુભાઈને લઈને રોડે આવી ઉભો રહ્યો. આગળથી એક રીક્ષા આવતી હતી. ઓહડિયાવાળાએ હાથ આપી એ રીક્ષા ઉભી રખાવી. રીક્ષાવાળાને જ્યાં જવાનું હતું તેનું એડ્રેસ સમજાવી ત્રણેય રિક્ષામાં ગોઠવાઈ ગયા. રીક્ષા ચાલતી થઈ, જેવી રીક્ષાચાલતી થઈ તેની પાછળ દૂર ધ્યાન રાખીને ઉભેલી એક રીક્ષા જેમાં ચાર ગાર્ડ્સ બેઠા હતા, તે પણ થોડું અંતર રાખીને ચાલવા લાગી. હાટડીથી થોડી આગળ ઉભેલી રીક્ષા કે જેમાં ગેલો અને રાજપૂત સાહેબ બેઠા હતા. તે રિક્ષાને આ બંને રિક્ષાએ ક્રોસ કરી એટલે તેની પાછળ પાછળ થોડું અંતર રાખી આ રીક્ષા પણ ચાલવા લાગી. આ આખો કાફલો પેલાને શક ન પડે તેવી રીતે જઈ રહ્યો હતો. ગેલાની બાજુમાંથી જ્યારે પુંજાભાઈ વાળી રીક્ષા પસાર થઈ ત્યારે ગેલાએ પેલાં ઓહડિયાવાળા ને બરાબર ઓળખી લીધો હતો. ગેલાએ રાજપૂત સાહેબ ને ધીમા અવાજે કહ્યું, " શાબ, આ તે દાડે સામતને ઝેર મુકવા આયા'તા ઈમાં હતો એ પાકી વાત સે." રાજપૂત સાહેબે મનમાં આખી યોજના વિચારતા ફક્ત માથું હલાવી હકારમાં જવાબ આપ્યો.
ત્રણેય રીક્ષાઓ આગળ પાછળ તળેટીનાં રસ્તે જઈ રહી હતી. ગિરનાર તળેટીથી બહાર નીકળતા એક ઝુપડપટ્ટી જેવો વિસ્તાર આવ્યો. આગળ ચાલી રહેલી રીક્ષા ત્યાં રોકવામાં આવી. પાછળ આવી રહેલી બંને રીક્ષા તેને ક્રોસ કરી પેલા ઓહડીયાવાળાને શક ન પડે તેમ સામાન્ય રીતે આગળ નીકળી ગઈ. જેવા આ ત્રણે નીચે ઉતરી ચાલવા લાગ્યાં, આગળ ગયેલી રીક્ષા પાછી વળી. ચારેય ગાર્ડ્સ, ગેલોને રાજપૂત સાહેબ અહીં ઉતરી ગયા. રીક્ષાવાળાને આગળ ઉભી રાખી રાહ જોવા કહ્યું. ઓહડિયાવાળો રોડના કાંઠે આવેલી ઝૂપડાની લાઈનની પાછળની શેરી તરફ ચાલવા લાગ્યો. પુંજોભાઈને રઘુભાઈ તેની પાછળ ચાલવા લાગ્યા. હવે ઓહડિયાવાળો થોડો ગભરાટમાં હોય તેવું લાગતું હતું. તે ઘડીએ ઘડીએ પાછળ જોયા કરતો હતો. પાછળ આવી રહેલ ચારેય ગાર્ડ્સ અને ગેલોને રાજપૂત સાહેબ હજી રોડે જ ઉભા હતા. તેમાંથી જુના કપડા પહેરેલો એક ગાર્ડ લોકેશન જોવા પેલા ત્રણેયની પાછળ જાણે ઝૂંપડપટ્ટીનો જ નિવાસી હોય તેમ બેફિકરાઈથી ચાલી નીકળ્યો. ઝુપડપટ્ટીની પાછળની શેરીમાં એક પતરાવાળી ઓરડી હતી. ઓરડીની આગળ થોડું ફળિયું હતું. ઓરડીની ફરતે બેલાથી ચણેલી પ્લાસ્ટર વગરની ઊંચી દીવાલ હતી. ફળિયામાં એક જૂનું લીમડાનું ઝાડ હતું. એ ઓરડીને દરવાજે ઓહડિયાવાળો ઊભો રહ્યો. પાછળ પાછળ આવતા પૂંજોભાઈ અને રઘુભાઈ પણ ઊભા રહ્યા. ઓહડિયાવાળાએ પાછળ ફરી કોઈ તેનો પીછો તો નથી કરતું ને? તે જાણવા જોયું. તેણે પહેલા ગાર્ડ ને જોયો પરંતુ તેના પહેરવેશ જોઈ તે અહીં ઝુપડપટ્ટીનો લોકલ માણસ છે તેમ સમજી તેની હાજરીની નોંધ લીધા વગર દરવાજો ખખડાવ્યો.
અંદરથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો,
"કોન હૈ?"
પેલા ઓહડિયાવાળાએ કહ્યું, "દરવાજા ખોલો મેં હું"એટલો ટૂંકો જવાબ આપ્યો.
અવાજ ઓળખી પેલી સ્ત્રીએ તરત દરવાજો ખોલ્યો. ત્રણેય વારાફરતી સાંકડી ખડકીમાંથી અંદર પ્રવેશ્યા. છેલ્લે પુંજોભાઈ હતો. દરવાજામાં પ્રવેશતા પહેલા તેણે બહાર નજર કરી તો પેલો ગાર્ડ એની સામે જ તાકી રહ્યો હતો. પુંજાભાઈએ આંખ મિચકારીને તેને કોડવર્ડમાં ઓપરેશન સાવજ આગળ વધારવા માટે લીલીઝંડી આપી. પુંજોભાઈ અંદર આવી ગયો. ઓહડિયાવાળાએ અંદર આવી ફરી ખડકી બંધ કરવાના બહાને બહાર ડોકું માર્યું. તેણે બહાર સામે ઉભેલા ગાર્ડને જોયો. તેના મનમાં ભય લાગ્યો.
ક્રમશ: ...
(ઓપરેશન સાવજ આગળ વધી રહ્યું છે. વાંચતા રહો "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621