હું એક કેમિકલ એન્જિનિયર છું. ગુજરાતનાં ઔદ્યોગિક શહેરોમાં પ્રમુખ એવાં વાપી શહેરમાં એક કેમિકલ પ્લાન્ટમાં નોકરી કરું છું. મારો ઉછેર મુંબઈમાં પણ મૂળ તો હું ગુજરાતી. ગુજરાતની અસ્મિતાને પૂરું માન આપનારો. ગુજરાતી અસ્મિતાને દિલોજાનથી પ્રેમ કરનારો.
એમ તો મુંબઈ પણ એક માછીમારોના ટાપુમાંથી ભારતની વાણિજ્યિક રાજધાની બનાવનારા ગુજરાતીઓ, કચ્છીઓ અને ગુજરાતમાં જ દૂધમાં સાકર બની ભળી ગયેલા પારસીઓએ જ વસાવેલું. એ જ મુંબઈ વસ્તી, ઉદ્યોગ ધંધા અને ટ્રાફિકથી ફાટ ફાટ થવા લાગ્યું અને શિવસેનાના બાળ ઠાકરેએ એક જમાનામાં મુંબઈ મરાઠીઓ માટે જ છે તેવી ચળવળ શરૂ કરી તેથી મુંબઈથી દોઢસો કિલોમીટરના અંતરે ગુજરાતનાં આ વાપી શહેર પર ઉદ્યોગપતિઓની નજર ગઈ. આશરે 1972 -73 પછી આ ઉદ્યોગો GIDC ગુજરાત દ્વારા બધી સહાય કરી સ્થાપવામાં આવ્યા અને હવે ગર્વથી મારું કહું છું એ વાપી શહેર મુંબઈનું જ બચ્ચું - ના, નાનો ભાઈ બની રહ્યું છે.
એક કાળે એટલે ત્રીસેક વર્ષ પહેલાં સુધી અહીં અમુક વિસ્તારોમાં વલસાડી હાફૂસના આંબાઓની કેટલીયે વાડીઓ હતી. માર્ચ એપ્રિલમાં ચલા કે સેલવાસ તરફ જઈએ તો બેય બાજુ પાકી રહેલી કેરીઓની ખાટી સરસ સુગંધથી નાક ને મન તરબતર થઈ જાય. હજી વલસાડ આસપાસ તો હાફૂસની વાડીઓ ખરી જ.
મુંબઈથી ટ્રેનમાં આવતાં લગભગ બે કલાકે વાપીની ઉદ્યોગનગરની ટાંકીનો ગુંબજ દેખાય અને પછી હવે ચિક્કાર ઉદ્યોગો અને આગળ ચિક્કાર વસ્તી ધરાવતાં વાપીમાં તમે પ્રવેશો એટલે સમૃદ્ધ ગુજરાત કોને કહેવાય તેનો ખ્યાલ આવે. અહીં લાકડાંની લાતીઓ પણ ઘણી છે. વલસાડી સાગ.
વાપી છોડો કે તરત જ આવે ઉદવાડા. એ પારસીઓનું યાત્રાધામ છે. ત્યાં આતિશ બહેરામ નો અખંડ અગ્નિ ત્રણેક સદીઓથી અવિરત પ્રજ્વલી રહ્યો છે.
ગુજરાતમાં વાપીમાં જ મળે તે મુંબઈનાં કહેવાતાં સફેદ જાંબુનો સ્વાદ તો દાઢે વળગે. અરે દાઢ અડતાં જ રસની ધાર મોંમાં છૂટે. અહીંનાં ચીકુઓ પણ મોટાં અને એકદમ મીઠાં. હજી દમણ રોડ કે ગુંજન સિનેમા રોડ પાસે જૂના બંગલાઓમાં તમને ચીકુડીઓ અને હાફૂસના આંબાઓ લહેરાતા દેખાય. બાકી અહીં પણ બહુમાળી મકાનો આવી ગયાં છે. બિલકુલ મુંબઈ સ્ટાઈલનાં. હવેનું વાપી મુંબઈનાં પરાં જેવું જ દેખાય છે.
ગામ વચ્ચે એક અંબાજીનું મંદિર ખરેખર જોવા લાયક છે.
અરે, સિંહ જોવા સાસણ ન જવું હોય તો શહેરને અડીને સેલવાસનાં અભ્યારણ્યમાં સિંહોની જોડીઓ વસાવેલી. હમણાં હું એ જોવા ગયો નથી.
વાપીનું અજીતનગર અને ચલા મૂકો એટલે આવે કેન્દ્રશાસિત દમણની સરહદ. દમણના નાગવા અને દેવકા બીચ તો ગોવાને ભુલાવે એવા છે. એનું સૌંદર્ય અનુપમ છે પણ મોટે ભાગે ગુજરાતીઓ દમણ પીવા આવે છે. સારું, મારાં વાપીની ટૂરિસ્ટ ઇન્ડસ્ટ્રીને સારો ફાયદો થાય.
તો આવો વાપી અને દમણ ફરવા. હું તો જો કે મારી ફેકટરીમાં જ આખો દિવસ ખોવાયેલો રહું છું. ફેકટરી મારી બીજી પ્રેમિકા.
બીજી? હા. પહેલા પેરેગ્રાફમાં વાક્ય 'ગુજરાતી અસ્મિતાને દિલોજાનથી પ્રેમ કરનારો' વાંચો. ગુજરાતની, વાપીની જ અસ્મિતા ઉમરવાડિયા, હવે અસ્મિતા આશ્લેષ રંગવાલા મારો પહેલો પ્રેમ અને હું આશ્લેષ રંગવાલા તેનો પહેલો અને એક માત્ર પ્રેમ. એ મારી પત્ની છે. સુંદરતા કી હર પ્રતિમા સે બઢકર હૈ વો સુંદર સજની. સુંદર હોવા સાથે એ ખુબ હોંશિયાર પણ છે. ઘણી બાબતોમાં. એની પ્રેઝન્સ ઓફ માઈન્ડ, ત્વરિત નિર્ણયશક્તિએ તાજેતરમાં જ મને અને મારા સાથી વર્કરોને નવું જીવન આપ્યું છે. તો ચાલો, એની જ વાત કરું.
એ દિવસે મે મહિનો અને વાપીનાં પ્રમાણમાં ખુબ ગરમ દિવસ. 34 કે 35 ડિગ્રી ઉષ્ણતામાન. અમદાવાદ કે વડોદરા વાળો ઈર્ષ્યા કરશે કેમ કે ત્યાં તો 44 કે 45 ડિગ્રી અત્યારે રોજનું થયું. અહીં દમણનો દરિયો નજીક હોઈ અંતરિયાળ ગુજરાત કરતાં ઠંડક રહે છે.
અસ્મિતાનો મારી ઉપર ફોન આવ્યો. હું લંચ પછી ફરી ડ્યુટી શરૂ કરવામાં જ હતો. અમારે કોઈ કામસર બહાર, વાપી વેસ્ટ માં જવાનું હતું. તેણે કહ્યું કે તો દમણ પણ ફરી આવીએ. મહેમાનોને લઈ જવાની જગ્યાઓ રોજના રહેનારને માટે સામાન્ય થઈ પડે છે. અમે સાથે દમણના બીચ પર કદાચ છ મહિના પહેલાં ગયાં હતાં. થોડું શોપિંગ પણ કરવાનું હતું તેથી કેરી બેગ, સીઝનના ઘઉં ભરવા દુકાનદાર તો આપે પણ જૂનાં બારદાન એટલે કે શણના એક બે કોથળા, દરિયા કિનારે સ્વિમિંગ માટે કોસચ્યુમ અને કોઈ મિત્ર દંપત્તિ જોડાવાનું હોઈ પાણીના બાટલા - એ બધું એ કારમાં લાવવાની હતી. મારે છ વાગે તૈયાર રહેવાનું હતું.
હું અને વર્કર્સ પૂરી તાકાતથી કામ કરતા હતા. સાડાપાંચ ક્યાં વાગી ગયા એ ખબર ન પડી.
સલ્ફ્યુરિક એસિડનો છેલ્લો લોટ પ્રોડક્શન લાઈનની એસેમ્બ્લીમાં પસાર થવા આગળ મોકલવા મેં ગ્રીન સિગ્નલ આપ્યું. બોઈલર એટેન્ડન્ટ પૂરી એકાગ્રતાથી બોઈલરનું ટેમ્પરેચર મોનીટર કરતો હતો. તેણે વાલ્વ ચેક કર્યો. બધું બરાબર હતું.
ઓચિંતો ઇલેક્ટ્રિકનો ફલો વધ્યો. એ ફ્લકચ્યુએશન ને કારણે પ્રેશર વધતાં અમુક સ્વિચો ટ્રીપ થઈ. મિકેનિકલ એન્જિનિયર નાકરે અને હું ટ્રાન્સફોર્મરમાથી આવતો પાવર રેગ્યુલર કરતા હતા ત્યાં મૂળ વાપીના બોઈલર એટેન્ડન્ટની બૂમ આવી "ઓ રંગવાલા સાહેબ, દોરો હટાહટ. આ બોઈલરમાથી વરાળ બહાર આવહે.. ફાટહે અબ ઘડી.."
વાપીના મૂળ રહેવાસીઓની ભાષા તોતડી હોય છે. નાકરે અહીંનો દુબળો આદિવાસી હતો. દુબળા એક જાતિનું નામ છે. નાકરે તો પૂરો છ ફૂટનો અને પહેલવાન હતો.
પ્રચંડ શી..શ અવાજ સાથે વરાળ લીક થવા માંડી. હું અને એક સાથી દોડ્યા અને મોટી સીડી લઈ આવ્યા. એન્જિનિયર એકદમ ઇલેક્ટ્રિક સપ્લાય તરફ દોડ્યો. મેં બૂમ પાડી, "બધા વર્કર મશીનરીઓ પરથી હાથ હટાવી લો. કન્વેયર બેલ્ટ, વેસલ બધેથી. મશીન બંધ થશે તો હાથ અંદર હશે એ કપાઈ જશે. એકદમ જલ્દી.."
એન્જિનિયરે મેઈન સ્વીચ પાડી અને ફરી રી સેટ કરી. કોઈ કારણે લાઈનમાં રેઝિસ્ટન્સ વધતાં ગરમી ઝડપથી વધતી હતી.
નાકરે મોટી સીડી પર ચડી બોઈલરનાં ઢાંકણાં પાસેનો બોલ્ટ ઠીક કરવા લાગ્યો.
વરાળે જોર પકડ્યું. બહાર સફેદ જ્વાળા દેખાઈ.
મેં તરત નાકરેને સીડી પરથી જંપ મારવા કહ્યું. બોઈલરનો થોડી ક્ષણમાં જ પ્રેશર વધી જતાં પ્રેશર વાલ્વ ફાટવાની તૈયારીમાં હતો.
હજી એક કલાક પહેલાં તો મેં અને નાકરેએ ચેક કરેલું પણ ઇલેક્ટ્રિક ફોલ્ટ ને કારણે આખા પ્લાન્ટમાં હીટ વધી અને એમાં બોઈલરનું કંબુશન મિક્સચર લેવલ એટલે કે બળતણ માટે જરૂરી પ્રવાહીઓ સાથે પાણીનું મિક્ષચર અપસેટ થઈ ગયું.
બોઇલરનું પ્રેશર વધે એટલે? વરાળ 1500 ગણી વિસ્તાર પામે. બોઈલર ફાટે એટલે જાણે ભૂકંપ આવ્યો હોય એવા શોકસ આવે. એના ધક્કાથી મશીનોના પાર્ટ અને અંદર પસાર થતી વસ્તુઓ તો ચારે બાજુ ફુવારાની જેમ ઉડે. અહીં તો જલદ એસિડ હતો.
વાપીમાં કેટલાક અન્ય રાજ્યોમાંથી આવેલા કંજૂસ ઉદ્યોગપતિઓ દ્વારા બોઈલરોનું યોગ્ય મેઇન્ટેનન્સ ન થતાં ક્યાંક ને ક્યાંક બોઈલરો લીક થઈ ફેઇલ જાય છે પણ ફાટે તો જે જાનહાનિ અને નુકસાન થાય એ ભયાનક હોય છે. એવું તો ભાગ્યે જ બને.
અહીં એવું જ બનવાની તૈયારી હતી.
મેં સાયરન વગાડવાની સૂચના આપી અને સહુને બહાર દોડી જવા કહ્યું.
ભયંકર રીતે શુ..શ.. શુ..શ કરતો વરાળનો રાક્ષસ બોઇલરમાંથી ઉઠ્યો અને જોતજોતામાં કાન ફાડી નાખે એવો મોટો ધડાકો થયો.
સીડી ઉછળી અને પાસે કન્વેયર વેસલ પર અથડાઈ. એ બેલ્ટ હચમચી ગયો અને વગર પાવરે આગળ ધસ્યો. તેનાથી આગળ બીજા બેલ્ટ પર એસિડ ભરેલાં કન્ટેનર્સ હતાં એ પણ હવામાં ઉછળ્યાં. સારું હતું કે આગળથી એમનાં લીડ સિલ થઈને આવતાં હતાં. નહીંતો એસિડનો ધોધ ઉછળે તો તો ભયંકર આગ લાગે.
વર્કર્સ બહાર જવા દોડતા હતા. અફડાતફડી મચી ગઈ હતી.
હું અને નાકરે બોઇલરથી સલામત અંતરે ભાગવા તો ગયા પણ અમારી ઉપર બળતણના ગરમ છાંટા ઉડ્યા. મેં નાકરેને ઊંધા સૂઈ પાસે લેથ ટેબલ નીચે ભરાઈ જવા કહ્યું. હું પણ તેની સાથે એ ટેબલ નીચે ઘુંસ્યો.
કટાએલા લોખંડના ગરમ ટુકડાઓ બળતણનાં પ્રવાહી સાથે ઉડી વેન્ટિલેટર્સ ના પચીસ ફૂટ ઊંચે રહેલા કાચ તોડી બહાર ફેંકાયા.
બહાર ચીસાચીસ મચતી હતી. ઓચિંતી ચીસો શાંત થઈ ગઈ.
"બધાં એક લાઈનમાં નીકળો તો જલ્દી નીકળશો. લાઈનમાં. આ બાજુ."
આ તો અસ્મિતાનો ઘાંટો!
તેનાં દોડતાં પગલાં પ્લાંટની ફરશ પર સંભળાયાં.
"આશ્લેષ, ક્યાં છો?" તેનો ચીસ પાડતો અવાજ.
મેં ટેબલ નીચેથી મારી હાજરી પુરાવી.
હું બહાર આવું ત્યાં તો તે દોડી અને પ્લાન્ટના બીજા છેડે રાખેલી પાણીની પાઇપનો વાલ્વ ખોલી મોટી રબરની હોઝ પાઇપથી બીજા છેડે પાણીનો મારો કરવા લાગી.
"જે લોકો અહી છો તે નીચું જોઈ જાઓ. પાણી છાંટું છું. સલ્ફરીક એસિડને પાણી ડાયલ્યુટ કરી નાખશે."
પ્રાણીબાગમાં હાથી કે સિંહને નવરાવે એમ તેણે પાણીના ધોધ એ વર્કર્સ પર છોડ્યા.
"આંખો બંધ. પ્લીઝ. અને કપડાં કાઢી ફેંકી આડા પડી લસરો. હું કહું તેમ કરો."
હું બહાર આવ્યો. "તું અત્યારે ક્યાં થી? આ શું કરે છે?" મેં સ્વાભાવિક ચિંતાથી કહ્યું.
"કાં, દમણના દરિયે જવા કહેલું તે! ત્યાં જવા દરિયો અહીં બોલાવ્યો." તેણે સાડીનો કછોટો વાળતાં કહ્યું ને ઇલેક્ટ્રિકની મેઈનસ્વીચ તો બંધ હતી પણ લાઈટ જાય તો ઓટોમેટીક ચાલુ થતું યુપીએસ દોડીને પોતાની સાડીનો ડૂચો ધગધગતા હાથા પર લગાવી એની સ્વીચ ફેરવી બંધ કર્યું.
તેણે એક કોથળો મારી પર ને નજીક પડેલું એક મોટું કોટન મસોતું નાકરે પર ફેંક્યું.
"બેય જલ્દી પોતાને કવર કરી બહાર દોડો. નાક કવર રાખજો. સલ્ફરની વેપર ભૂલથી પણ ફેફસાંમાં ન જાય તે જુઓ. દોડો." કહેતી તે બહાર દોડી.
શું થઈ રહ્યું છે તે બહાર દોડી ગયેલા અને હતપ્રભ થઈ ગયેલા વર્કર્સ સમજે તે પહેલાં તેણે ફરી બહાર જઈ કહ્યું "જે લોકોને પ્લાન્ટ બોઈલર કે મશીનરીમાં કટકા ઉડીને વાગ્યા છે તેઓ ધૂળમાં સૂઈ જાય. જેણે પોલીસ્ટરનાં કપડાં પહેર્યાં છે તે કાઢી નાખો. ચામડી એની સાથે જાય તો ભલે જાય."
આવામાં પણ એક વર્કર બોલ્યો "પણ ચામડી બળી ગઈ એનું?"
"આ ફર્સ્ટ ડિગ્રી બર્ન છે. ચામડીનું ઉપરનું પડ. કોઈને વધુ બળ્યું કે ગરમ પદાર્થ ચિપક્યો હોય ને ઉપરનું માંસ બળ્યું હોય તો સેકંડ ડિગ્રી. ઘા સાફ કરી મલમ લગાવજો. લો, મારી ડેકીમાં હળદરની બે કિલોની કોથળી છે તે ફાડીને લગાવવા માંડો."
પોતે પેલા બારદાનના કોથળા લઈ કોઈ વર્કરની મદદથી કંપાઉન્ડની રેતી ભરતી દોડી. મને કહે "તમારી સ્લીપર આપો."
મેં કહ્યું "અરે એનું તારે શું કરવું છે?"
"તમને મારવા છે. અત્યારે કાઢો.." તેણે નાકરે નો.પગ ઊંચો કરી એની સ્લીપર ખેંચી પહેરી. પોતે કોથળો ઓઢી સીડી લઈ બોઈલર તરફ દોડી.
એ જે કરે છે તે કાઈંક મદદનું કરે છે એ સમજી હું તેની સાથે દોડ્યો. તેણે દૂર ફેંકાયેલી સીડી લીધી.
"પકડો. તમારી એક ની એક છું."
હું ગભરાઈને બાઘો બની ગયેલો. હું એને ખભેથી પકડવા ગયો.
"અરે આ સીડી પકડો. ઘરમાં માળિયે તો ચડો છો. અહીં હું."
હું સીડી સીધી કરું અને બોઈલરને ટેકવું ત્યાં તે સડસડાટ ઉપર ચડી અને.. તેણે એસિડના ડબ્બાઓ ને કેરબાઓ ઢાંકવાનું મોટું કેનવાસ બહારથી ઢસડી લાવેલી એ બોઈલરનાં મોઢા પર ફેંક્યું અને એક લાંબા ઝાડુના દંડાથી ખેંચ્યું.
બોઇલરનું મોં બંધ થતાં આગ બહાર આવતી બંધ થઈ. બળતણ તો અહીંથી તહીં વેરાઈ ગયેલું.
"આગને હવા મળતી બંધ થઈ એટલે એ બુઝાઈ ગઈ. ચાલો. જે વર્કર્સ બહાર છે એને પાણીના નળ નીચે બેસાડી દઈએ એટલે એસિડ ઉડવાથી થતો દાહ ઘટે. ચાલો. તમે જ ઓર્ડર આપો. નહીં તો કહેશે સવાઈ સાહેબ અહીં પણ હુકમ ચલાવે છે."
બહાર વર્કર્સને નળ નીચે બેસાડ્યા. એસિડની બળતરાથી તેઓ રાડો પાડતા હતા.
કેટલાક વર્કર સાથે તે પ્લાન્ટમાં પાછી આવી. તે કોથળામાંથી રેતી ઢોળતી ગઈ અને એ લોકો તેને સ્પ્રેડ કરી ફ્લોર પર ફેલાયેલું પ્રવાહી લુંછવા લાગ્યા.
"ઓ આશ્લેષ, ઘરમાં તો તમારી બૈરી છું તે ઝાડુ પોતાં કરું. તમારી ફેક્ટરીને કહો મને આજના પૈસા આપે." તે બોલી અને નાકરે, એ વર્કર લોકો મોટેથી હસ્યા.
એવામાં પણ એક યુનિયનનો લીડર દાદો આવ્યો. "ઇલેક્ટ્રિકનું કામ બેદરકારી ભર્યું હતું. તમારું મેનેજમેન્ટનું પણ. હું મારા માણસોને માટે પાંચ લાખ મીનીમમ પર વર્કર કોમ્પેંસેશન માંગીશ. ભાઈઓ, એ ન આપે ત્યાં સુધી કામ બંધ."
હું બોલ્યો "પણ જે લોકો પાંચ વાગે છૂટી ગયા એનું શું?"
ઓચિંતી તે દોડી. કેબિન પાસે સુપરવાઈઝર ઊભેલો. તેને કહે "રંગવાલા સાહેબ આજનું મસ્ટર માંગે છે."
તેણે આપ્યું.
આગળ જઈ તેણે એ હજુ બળતી આગમાં નાખી દીધું.
"કોઈ હતા જ નહીં. આજે શનિવારની રજા હતી. અમે એટલે આ સાહેબો અને મારા સાહેબ મેન્ટેનન્સ માટે આવેલાં ત્યાં આ પાવર ફલકચ્યુએશન થયું ને બધી બબાલ થઈ. બોલો, કોણ આમનો સાક્ષી થશે? ને કોણ તમને ઓછામાં ઓછું નુકસાન થવા દઈ બચાવનાર રંગવાલા સાહેબની વાઇફનું? માણસની રીતે વિચારજો."
મેં કહ્યું કે મેનેજમેન્ટને હું લખીશ અને તમને સહુને ફ્રી ટ્રીટમેન્ટ તથા ઇન્ડસ્ટ્રીયલ રૂલ મુજબ યોગ્ય કોમ્પેંસેશન અપાવીશ. મૂળમાં ઇલેક્ટ્રિક કંપની હોઈ એની પાસેથી પણ લેવું પડશે.."
મને અર્ધેથી બોલતો અટકાવી કહે "અરે હાલો. તાં હુરજ ડૂબી જાહે તો બધી મઝા મરી જાહે. હેંડો."
એ જાણી જોઈ અહીંની બોલીમાં બોલતી મને હાથ પકડી બહાર લઈ ગઈ, કારમાં બેસાડી કહે "લો આ બોટલ. પાણી પી ને તમે જ ચલાવો એટલે એમાં ધ્યાન રહે ને બીજા વિચાર બંધ થાય. પ્લાન્ટ મેનેજરની નોકરી છે. આવું તો ચાલ્યા કરે."
મેં પાણી પીધું. સાથે તેનું સૌંદર્ય પણ પીધું. મેં કાર દમણ તરફ દોડાવી મૂકી. સામે આથમતો સૂરજ પણ આજે મને પ્લાંટની આગનો છૂટો પડેલો ગોળો લાગતો હતો.
બાય ધ વે, અમે બન્ને આઈઆઈટીમાંથી કેમિકલ એન્જિનિયર થયાં છીએ. પણ પ્રેઝન્સ ઓફ માઈન્ડમાં તે ઘણી ચડિયાતી છે. આજે તેણે પુરવાર કર્યું.
***