Dayqah dam, Muscat in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | ડાયકાહ ડેમ, મસ્કત એક પિકનિક

Featured Books
Categories
Share

ડાયકાહ ડેમ, મસ્કત એક પિકનિક

મેં અગાઉ જણાવેલું તેમ હાલ હું મસ્કત છું. મસ્કત ઓમાન દેશની રાજધાની છે. આપણા માંડવી ની લગભગ સામે આવેલું સમૃદ્ધ શહેર છે.

અહીં 80 ના દાયકામાં ગુજરાતીઓ ઘણા રહેતા હતા. 95 કે 2000 આસપાસ કેરાલીઓ નું આગમન થયું અને આજે જ્યાં જુઓ ત્યાં કેરાલીઓ થી ઉભરાતા મોલ અને જગ્યાઓ જોવા મળે .

કોઈ પણ શહેરી પ્રજાની જેમ અહીં પણ આખું અઠવાડિયું કામ કરી શુક્ર શની ની રજામાં લોકો કાં તો સાંજે ફરવા ઉમટી પડે અને કાં તો નજીકનાં સ્થળે પિકનિક કરવા જાય.

અમારી એવી જ અર્ધા દિવસની પિકનિક ની વાત કરીશ.

મસ્કત થી 130 કિમી દૂર ડાયકાહ (dayquah) ડેમ આ રજાને દિવસે અર્ધોદિવસની પિકનિક માણી.

ત્યાં જવા માટે મસ્કતની બહાર નીકળી સુર જવાના રસ્તે જાઓ એટલે લગભગ 55 કિમી પછી આ જગ્યાએ જવાનો રસ્તો ફંટાય છે. એ પોઇન્ટ સુધી રસ્તો ફોર લેન અને સીધો છે પણ પછી ડ્રાઈવિંગ થોડું સંભાળીને કરવું પડે એવો. સાંજે જાઓ તો સૂર્યાસ્ત પછી સ્થળ છોડી દેવું હિતમાં છે કેમ કે વીસ પચીસ કિમી સુધી રસ્તે લાઈટો નથી અને હમણાં કહ્યું તેમ રસ્તાઓ વિકટ છે. ફરવું હોય તો મઝા આવા રસ્તે જ લોંગ ડ્રાઇવ કરી જવાની મઝા આવે.

આ ડેમના જળ સ્ત્રોતમાંથી મસ્કત અને નજીકનાં શહેરોને પાણી અહીથી જ પૂરું પાડવામાં આવે છે. આમ તો 130 કિમી જવા ગુજરાતમાં સવાબે કલાક ગણાય, અહીં તો સવા કલાક જ. એ પણ અર્ધો રસ્તો ઘુમાવદાર હેરપિન કર્વસ વાળો હતો એટલે લાગ્યા.


ત્યાં જતો રસ્તો પણ પર્વતો વચ્ચેથી જતો, ઊંચો નીચો તીવ્ર ઢાળો વાળો છે. બેય બાજુ પીળા, લીલાશ પડતા કે કાળા પત્થરોના ખડકો વચ્ચેથી જાય છે.

ત્યાં પહોંચવા માટે ગૂગલ મેપ સીધો પાણીના નિકાલ માટેની ડેમની જગ્યા બતાવે છે. તમારે અમુક અંતર રહે ત્યારે બીજી કારો ને ફોલો કરી કે બોર્ડ અરેબિકમાં હોય પણ એરો જોઈ જવું પડે.

ત્યાં પહોંચો એટલે મુસાફરી વસૂલ. સરસ બગીચો, સુંદર પેવરો વાળો રસ્તો, ફોટો પોઇન્ટસ, મોટું તળાવ અને તેના પરથી આવતી ઠંડી લહેરો માણવા મળે. પાર્કિંગ એક લાઈનમાં છે. આગળ જાઓ એટલે મધ્યમ કદનું ખુબ જ સુંદર ગાર્ડન છે. તેમાં લીલી છમ લોન અને બેસવાની છત્રીઓ બાંકડા સાથે રાખી છે.

મૂળ ડેમ જોવા સાઇટ ફરતે રેલીંગ પણ છે.


જોવાલાયક તો ડેમ અને વચ્ચે ટેકરી વાળો વ્યુ જ છે પણ અમે પાણી છોડાય અને કંટ્રોલ થાય તે જગ્યાએ જઈ આવ્યા. ત્યાં જતી પગદંડી આપણા ખભા જેટલી જ પહોળી અને ઘણી ઊંચાઈએ, નીચે તરફ રેલીંગ વગર હતી. ડર લાગે. તો પણ મારા પુત્ર સાથે ત્યાં જઈ આવ્યો જ્યાં નીચે અનંત પગથિયાંઓ પરથી પાણીને પડવાનો માર્ગ હતો.

ડેમમાં તળાવ અને વચ્ચે ટેકરી છે તેના ફોટા જુઓ. એ ફોટો પોઇન્ટ પણ છે.

એક તિબેટી બૌદ્ધ સાધુ અહીં આવેલા અને આગળ આરબ દેશો ક્રોસ કરી તુર્કી તરફ જવાના હતા તેમની સાથે ફોટો પડાવ્યો. મણીપદ્મે હુમ્ નું મહત્વ કે હિન્યાન મહાયાન ફાંટા જેવી વાતો કરી. તેઓ ખુશ થયા. તેમને પણ હિન્દુ સંસ્કૃતિ માટે માન હતું.

ગાર્ડનમાં બેસી નાસ્તો ખાવાની અને પૌત્ર સાથે ઉપર લાઈટ થાય તેવું થર્મોકોલ પ્લેન હવામાં ચક્કરો મરાવવાની મઝા આવી.

રસ્તો ખરેખર વિકટ છે. ખુબ હેરપિન curves છે. ભૂલા પડ્યા તો સાવ કાચે રસ્તે ચડાવે. મારા પુત્રને ખ્યાલ હતો તેથી અમુક સ્ટેજે ગૂગલ ને પડતો મૂકેલો.

ઓમાની અને અહીં વસતા ભારતીયો સહેલગાહ માટે આવેલા.

જવા આવવાનો સમય અને ત્યાં દોઢ બે કલાક સાથે અર્ધા દિવસની સુંદર પિકનિક થઈ ગઈ.