દુનિયામાં ઘણી વ્યક્તિઓએ પુસ્તકરૂપે આત્મકથા લખી છે. ઘણી એવી ફિલ્મો પણ હશે કે જે જેના જીવન પર આધારિત હશે તેણે જ લખી હશે કે માહિતી આપી હશે. હવે જરા વિચારો, કોઈ એક આત્મફિલ્મ (હા ભાઈ, બાયોપીક)નું નામ યાદ છે કે જેમાં મુખ્યપાત્ર ખુદ ડિરેક્ટરના જીવન પર જ આધારિત હોય! મતલબ પોતાના જીવન પર પુસ્તક લખવાને બદલે જાતે જ સીધી ફિલ્મ બનાવી હોય! વિચારતા વિચારતા આગળ વાંચો.
આ ફિલ્મની ખાસ વાત એ જ છે કે તે ડિરેક્ટર મ્રીદુલ મહેન્દ્રના (કદાચ મૃદુલ) જીવન પર જ આધારિત છે. ફિલ્મના પોસ્ટરમાં જે જુનિયર આર્ટિસ્ટ દૃશ્યમાન છે તે પાત્ર ફિલ્મમાં ખુદ ડિરેક્ટરનું નાનપણનું જીવન રજૂ કરે છે.
ફિલ્મનું પોસ્ટર જોઈને ઘણું સમજી શકાય છે, આથી આ રીવ્યૂમાં વાર્તાનું કોઈ રહસ્ય રાખવું નથી. આ રીવ્યૂ વાંચ્યા પછી ફિલ્મ જોશો તો ખરેખર રહસ્યના રોમાંચમાં કોઈ ઝાઝો ફરક નથી પડવાનો. આમ પણ બધું રહસ્ય ટ્રેલરમાં પીરસી જ દેવાયું હતું.
ફિલ્મનું પોસ્ટર જોઈને સહજ રીતે જ ધારણા કરી શકાય કે, સ્નૂકરની રમતમાં સફળ રહેલા ખેલાડીની વાત હશે. શીર્ષકમાં રહેલ જુનિયર શબ્દ ધ્યાને લઈને વધુ એક ધારણા કરી શકાય કે લગભગ તુલસીદાસ નામના પિતા નિષ્ફળ રહ્યા હશે, પોતાની અધૂરી ઇચ્છા પૂર્ણ કરવા માટે દીકરાને તાલીમ આપી હશે અને પછી દીકરાએ સફળતા મેળવીને પિતાનું સપનું પૂર્ણ કર્યું હશે. મેં પણ આવી ધારણા કરી હતી. ખરેખર એક વાતને છોડીને બધું સાચું પડ્યું. બસ, છોકરાને તાલીમ પિતાએ નહીં પણ અન્ય વ્યક્તિએ આપી હતી. જે પણ પાછું જો ફિલ્મનું ટ્રેલર જોયું હોય તો પાછી ખબર પડી જાત. સારું થયું મેં પહેલાં ફિલ્મ જોઈ અને પછી જ ટ્રેલર. જોકે ફિલ્મ જોતી વખતે તે વ્યક્તિ સંજય દત્ત તરીકે હાજર થશે તેમ ખબર પડી જાય છે. કારણ કે પોસ્ટરમાં સંજુબાબા છે જ.
તુલસીદાસના પાત્રમાં વર્ષો બાદ કપૂર ખાનદાનના રાજીવ કપૂરે અભિનય આપ્યો છે. ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં જ તેઓ સ્વર્ગવાસી થતાં આ તેમની છેલ્લી ફિલ્મ બની રહી છે. તુલસીદાસ કલકત્તા (૧૯૯૪ની વાત છે એટલે કલકત્તા)માં એક સ્પોર્ટ્સ ક્લબમાં સભ્ય છે. સ્નૂકરના ઉસ્તાદ ખેલાડી છે. દર વર્ષે ક્લબ તરફથી આયોજીત ટ્રોફી
જીતીને ચેમ્પિયન બનવા મહેનત કરે છે. ફાઇનલમાં પણ પહોંચે છે પણ જીતતા નથી. અન્ય ખેલાડી જીમ્મી ટંડન સતત પાંચેક વર્ષથી ચેમ્પિયન બને છે. ફિલ્મમાં દર્શાવ્યાં મુજબ ફાઇનલમાં તુલસીદાસ બ્રેક સુધી આગળ રહે છે, પણ પંદર મિનિટના બ્રેકમાં જીમ્મી ટંડન તેમને શરાબ પીવડાવીને વિચલીત કરી નાંખે છે. પરિણામે તુલસીદાસ બ્રેક પછી સંતુલન ગુમાવે અને હારી જાય છે. ફિલ્મ મુજબ આવું સતત દર વર્ષે બને છે જે કદાચ સ્ક્રિપ્ટની અતિશયોક્તિ હોઈ શકે, પણ ચેમ્પિયન બનવાની ઇચ્છા અને મળેલ નિષ્ફળતા સ્પષ્ટ જણાય છે.
તેમના પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. પત્ની પતિના શરાબીપણાથી કંટાળેલ છે પણ મજબૂર છે. મોટો પુત્ર ગોટી પણ ક્લબમાં શરાબ પીને ટુન થતાં પિતાને લેવા જવા તૈયાર થતો નથી. નાનો દીકરો આ જવાબદારી નીભાવતો રહે છે. પિતાને શરાબ છોડવા સમજાવતો પણ રહે છે પણ પિતા સુધરતા નથી. જોકે તુલસીદાસની અન્ય કોઈ નકારાત્મક બાબત નથી. નશો ઊતર્યાં બાદ પરિવારને ખૂબ પ્રેમ કરે છે. નાના દીકરા મીડીને ખૂબ ચાહે છે.
મોટો દીકરો ગોટી ઝડપથી પૈસા કમાવવા સતત વિવિધ નિર્દોષ જુગારી આઇડિયા વિચારતો રહે છે. જેમાં રમતમાં ફિક્સિંગથી સારાં પૈસા મળે તેવી પીન ચોંટી જાય છે. પોતાના અલમસ્ત શરીરને કારણે પોતે તો કોઈ રમતમાં નથી જોડાતો પણ નાના ભાઈ મીડીની પાછળ પૈસા ખર્ચવા લાગે છે. જે તેના મતે ઇન્વેસ્ટમેન્ટ છે. ભવિષ્યમાં પોતે મીડીનો મેનેજર બનીને નોટો છાપવાનું આયોજન છે. મીડીનો જીવ ક્રિકેટ કે ગોલ્ફ - કોઈ રમતમાં ચોંટતો નહોતો. તેના મનમાં સતત પિતાનું નામ ક્લબના બોર્ડમાં ચેમ્પિયનની યાદીમાં અંકિત થાય, પિતા શરાબ છોડે અને માતા સાથે એક જ રૂમમાં સૂવે વગેરે ઉમદા અને ભાવનાત્મક હેતુઓ રમતાં હતાં.
છેવટે મોટોભાઈ ગોટી પણ સ્વીકારે છે અને સાથ આપે છે, પણ નાની ઉંમરના લીધે કોઈ ક્લબમાં મેળ નથી પડતો. છેવટે જરા અસ્વચ્છ અડ્ડા જેવી જગ્યાએ ચાલતી ફટીચર ક્લબમાં મેળ પડે છે. જ્યાં પાછો મોટોભાઈ ફટીચર વાતાવરણ જોઈને સાથ છોડે છે પણ કુશળ ખેલાડી સલામભાઈ (સંજય દત્ત) નો ભેટો થાય છે. થોડી તકલીફ બાદ તેઓ મીડીને તાલીમ આપવાનું શરૂ કરે છે. આગળની વાર્તા તમે અંદાજી શકો છો.
ફિલ્મનું મુખ્ય પાત્ર મીડી એટલે કે તુલસીદાસ જુનિયર ખરેખર ફિલ્મનો પ્લસ પોઇંટ છે. જે ભજવ્યું છે પ્રતિભાશાળી કલાકાર વરુણ બુદ્ધદેવે. સોથી વધુ જાહેરાતો અને ચારપાંચ ફિલ્મોમાં ઝળકેલા આ ક્યુટ ચહેરાવાળા બાળ કલાકારની અભિનય કારકિર્દી તુરંત ગતિ પકડવાની છે તેમાં કોઈ શંકા નથી. જેની ત્રણ સાબિતી આપું. એક તો તેણે આર.આર.આર ફિલ્મમાં રામ ચરન તેજાના નાનપણનું પાત્ર ભજવ્યું હતું. યાદ કરો, અજય દેવગન કઈ રીતે મરતાં મરતાં પણ પોતાના દીકરાને લોડ-એઇમ-શૂટની સૂચના આપતા અને દીકરો કેવું પાલન કરતો. બીજી સાબિતી એટલે આ કલાકાર હવે "સમ્રાટ પૃથ્વીરાજ" ફિલ્મમાં જોવા મળવાનો છે. અને ત્રીજી સાબિતી એટલે "તુલસીદાસ જુનિયર" શીર્ષકને સાર્થક કરતો તેનો આખી ફિલ્મ દરમ્યાનનો અભિનય. એકેએક ફ્રેમમાં આ છોકરો જોતાં જ ગમી જશે.
તુલસીદાસ તરીકે રાજીવ કપૂર ઠીક જણાય છે. તેમના ચહેરામાં ઋષિ કપૂરની આછી ઝલક જોવા મળશે. ગોટીનું પાત્ર આકર્ષક અને રમૂજી છે. જ્યારે સતત ચેમ્પિયન બનતા જીમ્મી ટંડનના રૂપમાં દલિપ તાહીલ પર્ફેક્ટ અને કડક છાપ છોડી જાય છે.
સોળ વર્ષથી પણ ઓછી ઉંમરના છોકરાને પોતાની ખાસ બોલી, તર્ક અને અંદાજમાં તાલીમ આપતા સંજય દત્ત દરેક ફ્રેમમાં છવાયેલા રહે છે. તેમની તાલીમ આપવાની રીત ફિલ્મને રસપ્રદ બનાવે છે. ખરેખર સંજુબાબાએ માત્ર આંખો અને હાવભાવથી પણ ઘણાં ડાયલોગ રજૂ કરી બતાવ્યાં છે
ફિલ્મનું ડિરેક્શન, સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક (ઘણાં દૃશ્યોમાં છે જ નહીં) નું કોમ્બિનેશન એવું છે કે અમુક ભાગ ફિલ્મને બદલે ટિ.વિ સિરિયલ જેવાં જણાશે. ધીમેધીમે આગળ વધતી ફેમિલિ ડ્રામા જેવી ફિલ્મ સંજય દત્તની એન્ટ્રિ બાદ ગતિ પકડશે.
ડિરેક્ટરે પોતાના પરિવારની કહાની પોતાને કેન્દ્રસ્થાને રાખીને સરસ અને સરળ રીતે રજૂ કરી છે. પરિવાર પ્રત્યેની લાગણી, માતાપિતાના સંબંધની ચિંતા, પિતાના શરાબીપણાંની ચિંતા, પિતાના ચેમ્પિયન બનવાના સપનાની ચિંતા, અનેક મુશ્કેલીઓ સામે લડીને પણ જાતને તૈયાર કરવી વગેરે વિવિધ લાગણીશીલ બાબતો ભલે સરળ પણ સંવેદનાના રસમાં સતત સરકતી વાર્તા સહપરિવાર જોવા જેવી ફિલ્મ છે.
વધુમાં સ્નૂકરની રમત પર બનેલી લગભગ પ્રથળ ભારતીય ફિલ્મ માહિતીપ્રદ પણ છે. જે પણ પાછી પ્રેક્ષકોના મન પર કોઈ ભાર વિના ખેલદીલીની ભાવના, કામમાં સમર્પણ, સાધના, જીવનના પાઠ, નશામુક્તિ વગેરે સંદેશ આપી જાય છે. ફિલ્મમાં કલકત્તા શહેરને પણ એક પાત્ર તરીકે જેતે સમય મુજબની ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીને સતત નજર સામે રાખ્યું છે.
(યાદ આવ્યું..... પ્રથમ ફકરામાં પેલું વિચારવાનું કહ્યું હતું તે સંદર્ભે કોઈ ફિલ્મ યાદ આવી? ચાલો એક માહિતી આપું. પાંચેક વર્ષથી પ્રખ્યાત સિંગર મેડોના પોતાના જીવન પરથી ફિલ્મ બનાવવાનું કહે છે. છેક આ વર્ષે થોડું કામ કર્યું. ખબર છે શું? શીર્ષક નક્કી કર્યું- "લિટલ સ્પેરો." ફિલ્મ ક્યારે બનશે, ભગવાન જાણે.)
હિટ કે પછી...?
પંદર કરોડના બજેટ સામે વિવિધ રાઇટ્સથી માંડ અઢારેક કરોડનો વકરો કરનારી ફિલ્મ થિયેટરમાં રજૂ નથી થઈ. અંગત રીતે લાગે છે કે જો થિયેટરમાં રજૂ થઈ હોત તો વધુ વકરો થયો હોત. સરળ વાર્તા છતાં સ્વચ્છ ફેમિલિ સ્પોર્ટ્સ ડ્રામા અને બે પાત્રોના અભિનયના કારણે સેમીહીટ તો ગણવી જોઈએ.
જોવાય કે પછી....?
અમુક ફિલ્મ થ્રિલ નહીં પણ ફીલ આપે. આ એવી પારિવારિક ફિલ્મ છે. સહપરિવાર જોઈ નાંખશો તો સમય વેડફાયાની લાગણી નથી જ થવાની.