‘દીક્ષા-પર્વ’
ગગન ગિલ
મેં એમની પાસેથી ઉપદેશ નહોતો લીધો, ન તો દીક્ષા. તેઓ મારી સંગાથે ચાલ્યા આવે છે, હું એમના સંગાથે. એ મારું રહસ્ય છે, મારા આંતરમનની વણઊકલી હલચલ.
જ્યારે પણ હું કઈ કહેવા જતી, પિતા ટાળી દેતા. એ નાનકડા દિલ પર ન જાણે શું શું વિતતું હશે.
રવાલસર. 1976. મનાલી જતાં અમે રોકાયા છીએ. ગુરૂદ્વારામાં ગુરુ ગોવિંદસિંહના શસ્ત્ર, જૂતા, પલંગ જોઈને આવ્યા છીએ. વહેલી સવાર છે. એક ગોમ્પાની (બૌધ્ધ મઠ)બહાર અમે બેઠાં છીએ. ન જાણે કેમ !
આ મારા જીવનનો પહેલો ગોમ્પા છે – ગુરુ પદ્મસંભવનું સ્મૃતિ-સ્થાન.
અમે જ્યાં બેઠાં છીએ ત્યાંથી ભીતરનું બધું –મોટાં મોટાં બ્યૂગલ, ઘંટ, નગારા – દેખાય છે. રહસ્યમય લામા લોકો. વિચિત્ર અવાજો, સંગીત. બધું ભયભીત કરનારું. કૂવામાં જેમ ઉપરથી આવતો સાદ, દબોચતો, નીચે ખેંચતો.
કૂવો ધરતીમાં નહીં, હૃદયની અંદર હતો. એક દિવસ એની ભાળ મળશે.
‘દારજી, હું બૌધ્ધ બનવા ઇચ્છું છું.’
પિતાને કહું છું. સત્તરની છું. ન બાળક ન વયસ્ક. વય જાણે બાળપણ અને યૌવનના ખાંચામાં સ્થિર થવાને બદલે વાર્તાઓમાં ભટક્યા કરે છે. સખીઓને બદલે ચરિત્રોની સાથે વાતો કરતી ફર્યા કરું છું.
મોટેભાગે ભીષ્મપિતામહની પાસે બેસી રહું છું. યુધ્ધ ક્યારનું પૂરું થઈ ગયું, બધાં પોતાને ઘેર જતાં રહ્યાં.બસ ભીષ્મપિતામહ સૂના મેદાનમાં એકબાજુ પડ્યા છે. દક્ષિણાયનના મહિના, શરદ-શિશિરના માસ, નવેમ્બર-ડિસેમ્બરની ટાઢ. એમના શરીરમાં તીર અને ઘા એક થઈ ગયા છે. જેમની ભીષણ પ્રતિજ્ઞા સાંભળીને ક્યારેક આકાશમાંથી ફૂલ વરસ્યા હતા. અંતિમ દિવસોમાં એમના માટે ન કોઈ છત-છાપરું. ઘા માટે ન કોઈ લેપ, ન શેક.
આ કેવું ઇચ્છામૃત્યુનું વરદાન છે કે પીડાનું વરણ કરીને સૂતા છે ?
પિંડદાન આપીએ છીએ તો પૂર્વજો, જન્મેલા-ન જન્મેલાઓ પછી સૌથી છેલ્લે ભીષ્મ પિતામહને. એમનું સ્મરણ કર્યા વિના અર્ચના પૂરી થતી નથી. હું બધું જાણીશ, વર્ષો પછી, પિંડદાન કરતી વખતે.
અને દાનવીર કર્ણ, હમણાં જ જેણે પોતાના સોનાના દાંત પથ્થરથી તોડીને ભિખારીના વેશમાં આવેલા કૃષ્ણને આપ્યાં છે. મરણાસન્ન, રક્તથી ખરડાયેલું એનું મુખ. એ જ મુખથી વરદાન માગશે. કહેશે, મને એ જગ્યાએ અગ્નિદાહ આપજો જ્યાં પહેલા કદી કોઈ શબ બળ્યું ન હોય. અને ભગવાન પોતાની ડાબી હથેળી વિરાટ રૂપમાં ફેલાવશે, એના પર ચિતા બનાવશે, કર્ણનો અગ્નિદાહ કરશે.
શ્રી કૃષ્ણના વિશ્વરૂપની, દ્રૌપદીના ચીર-વસ્ત્ર પૂરવાની ચર્ચા થાય છે પરંતુ એમના હાથના વિરાટ રૂપ પર કર્ણની ચિતાની કદી નહીં. ન જાણે કેમ !
અને રાજકુમાર સિધ્ધાર્થ. અડધી રાતે મહેલમાંથી નીકળતા નહીં, ભિક્ષા-પાત્ર પાસે બેઠેલા દેખાય છે. ભિક્ષામાં મળેલું આ એમનું પહેલું ભોજન છે, જેને કટોરામાં જોઈને એમને ઉલ્ટી થઈ રહી છે. ન ક્યાંય રાજમહેલ છે ન કઈ જ્ઞાન. મહેલમાં પાછા જશે કે વનમાં ? આ સડેલું- ગળેલું ભોજન એમના મોંમાં જશે ? આ ઘૃણિત દેખાતું ભોજન ખાઈને જ્ઞાનમાર્ગ પર પહેલું પગલું ભરશે ?
પ્રથમ વિજય એ નહીં જે છ વર્ષ પછી એમના જીવનમાં આવશે. આ છે – સ્વાદ પર વિજયની પહેલી ક્ષણ.
બુધ્ધ કથા આ પ્રસંગ પર અટકતી પણ નથી. હું રાત-દિવસ ત્યાં ઊભી રહું છું, સિધ્ધાર્થના કટોરા પાસે. એ અપ્રિય અન્ન પાસે. તેઓ એ ખાશે ? હું વિશ્વાસ કરી શકતી નથી.
રાતદિવસ સંતાકૂકડી ચાલે છે. ભીષ્મ પિતામહ, કર્ણ, દીવાલમાં ચણવામાં આવતા સાહેબજાદા, બુધ્ધ.
થોડા દિવસ પહેલા જાહેરાત વાંચી હતી. કોલેજ જતાં રસ્તામાં દીવાલ પર. બુધ્ધપૂર્ણિમાને દિવસે હજારો લોકોને દીક્ષા આપવામાં આવશે.
મારી વર્ષોની અમૂર્ત ઇચ્છા ઉપર આવી ગઈ છે.
‘દારજી, હું બૌધ્ધ બનવા ઇચ્છું છુ’
હું ફરી કહું છુ. ન બાળકી ન પુખ્ત. અનુમતિ લેવા માટે નથી કહેતી, જાણે કોઈ સ્વપ્ન વચ્ચે બેસીને કહું છું. હજી આ રસ્તો ઘણો લાંબો છે. આમાં ઘણા બધાં વિયો છે, ઘણા બધાં મરણ. શોકગ્રસ્ત એ મા સુધી પહોચવાને હજી ઘણાં વર્ષ છે. જેને શાસ્તાએ કહ્યું હતું ‘જા એ ઘરેથી રાઈ લઈ આવ જ્યાં પહેલાં કોઈ મર્યું ન હોય.’
હું ક્યારે કહીશ ‘હું તમારા શરણમાં આવું છું બુધ્ધ.’
‘અમે તારી પાસેથી કઈ પણ આશા રાખી શકીએ’. પિતા કહે છે.
મેં જ્યારથી સ્કૂલમાં મારી સંગીત ટીચર સાથે એક જ ટિફિનમાં ખાવાનું શરૂ કર્યું, એમણે મને એમની થાળી પાસે બેસવા દીધી નહીં. કદાચ તેઓ મારી પાસે શુધ્ધ આચરણની અપેક્ષા રાખતા હતા. શીખ આચરણ ? બાપ-દાદાનો વીર ધર્મ. ગાઢા જંગલોમાં સંતાઈને બેઠેલા હુમલાખોરો સામે પ્રત્યેક શ્વાસે ધર્મરક્ષા કરતા.
મારું બધું ગરબડ. દાદીની વાર્તાઓના ગણેશ લોટમાંથી બનાવી એમને દેખાડું છું. ગૌરાએ એવી જ રીતે બનાવ્યા હતા ને?
જાણે કથાઓ જ કોઈ ધર્મ હોય. ક્યારેક હિન્દુ, ક્યારેક શીખ, ક્યારેક બૌધ્ધ.
જીવિત સભ્યતાના અંગ હોવાનો સંકેત છે આ ? વડીલોએ દેખાડેલો માર્ગ જ્યારે એક પુસ્તક સુધી સીમિત રહેતો નથી ત્યારે આપણે એકમાંથી નીકળી બીજા પુસ્તકમાં જતાં રહીએ છીએ. ક્યાય કશું પણ નહીં, કોઈ પણ પાર થતું નથી ?
તમારાં શરણમાં આવું છું. હું બડબડું છું.
કોના શરણમાં ?
2
હું એ ઋષિ કન્યનો ચહેરો જોવા માગું છું. રાજા દુષ્યંતની સભામાંથી નીકળેલી તેજસ્વિની શકુંતલાનો. આપણી ભારત જાતિની માતાનો ચહેરો.
એ કેવો પુરુષ હતો જે પોતાનો અભિસાર માત્ર સાત-આઠ માસમાં ભૂલી ગયો. કેવા હશે એના અભિચાર-વ્યસ્ત હાથ જેને યાદ રહેતું નહોતું કે ક્યાં, કોના કોના દેહ પરથી પસાર થતાં હતાં. એ પ્રેમ કરતો હતો, વચન આપતો હતો અને ભૂલી જતો હતો.
જે પિતાને પોતાનું બીજ રોપવાનું યાદ ન રહે, એના સંતાને, એની જાતિએ એને કેવી રીતે યાદ કરવો જોઈએ ?
શકુંતલા પોતાના સત્ય સાથે એકલી પાછી ફરે છે. પોતાના ગર્ભસ્થ શિશુની સાથે.
ગર્ભિણી સીતા જંગલમાં વૃક્ષ નીચે સુવાના સમયે ત્યાગી દેવામાં આવી. પતિના આદેશથી.
સદ્ય:પ્રસૂતા યશોધરાને નથી ખબર, એનો રાજકુમાર રસ્તામાં જોયેલા ત્રણ મહાન દ્રશ્યોને કારણે નહીં, રંગમહેલમાં નર્તિકીઓના સૂતેલાં મદ-વિકૃત મુખ જોઈને ઘર છોડી ગયો છે.
બુધ્ધ-કથામાં ત્રણ દ્રશ્યોની વાત કેન્દ્રમાં છે. પરંતુ સિધ્ધાર્થના પોતાની રંગીન જીવનશૈલી પ્રત્યેના ઉંડા વિતૃષ્ણાબોધનો માત્ર સંકેત કરવામાં આવે છે. જાણે એમની મહાત્મ્ય કથાને એમનું સાધારણ આસક્તિપૂર્ણ જીવન અવરોધતું હોય. કથા-ચરિત્ર સિદ્ધાર્થ આકાંક્ષાઓ એવી રીતે છોડી દે છે જાણે એમાં ડૂબ્યા જ ન હોય.
જો ડૂબ્યા જ નથી તો છોડ્યું શું ?
શકુંતલા જેમ સીતા કરે છે તેમ અસ્વીકાર નથી કરતી. શકુંતલા પ્રશ્ન પણ નથી પૂછતી/પુછાવતી. જેમ યશોધરા કરે છે. પોતાનાં પુત્રના મધ્યમથી પૂછાવે છે.
તેથી સાધારણ માનસમાં શકુંતલા એક તેજસ્વિની કન્યાથી ક્યારેય ઉપર ઉઠતી નથી, અલગ દેખાતી નથી. એની નિયતિમાં મારુસ્થળ તો છે, અંધારું નથી. એનાં આત્મામાં મંથન નથી, જેના ઉદ્વિગ્ન પ્રશ્નોથી યુગ-યુગાંતર અંકિત થાય છે.
સીતાની કઠણ પરીક્ષા જોઈ આપણે હાહાકાર કરીએ છીએ, યશોધરાને જોઈને અકળામણ થાય છે, શકુંતલાણે જોઈને માત્ર થોડીક પીડા થાય છે.
શું એટલા માટે શકુંતલા સ્વયં પોતાની પીડાને, નિયતિને શબ્દમુક્ત રાખે છે ? આપણે કદી જાણી શકતા નથી કે રાજા દુષ્યંતને ત્યાં ન ઓળખાવાને કારણે, અસ્વીકાર થવાને કારણે થયેલા સંતાપથી એનામાં શું ફલિત થયું ?
રામનો અસ્વીકાર કરતાં સીતા આર્તનાદ કરે છે. ધરતી ફાટી પડે છે. એનું દુખ એટલું મોટું છે કે સદીઓથી ચાલતા આવેલા કથાનકમાં, વિભિન્ન આખ્યાનોમાં, કદી એવું બનતું નથી કે ધરતી ન ફાટે, સિતાનું દુઃખ એનાં પાઠકો માટે થોડું સહનીય બને.
બુધ્ધ બની મહેલમાં પાછા આવેલા પતિને મળવા યશોધરા જતી નથી. કહેવડાવી દે છે કે જે મને અડધી રાતે છોડીને ગયા હતાં એમની ઇચ્છા હોય તો મને અહી આવીને જુએ. બુધ્ધ જાય છે. સાથીઓને કહે છે કે એ મને જોઈને અડશે, રડશે, સારું-નરસું કહેશે-તમે કઈ કહેશો નહીં.
યશોધરાનું દુઃખ કાગળ પર વિસ્તારવાનો, સંકોચાવાનો અવકાશ પામે છે. આપણે એની માટીનું બાંધવું, ચાકડા પર ચડવું, તડકામાં સુકાવું, નીંભાડામાં ટપવું બધું જોઈ શકીએ છીએ. ત્યાં સુધી જ્યાં સુધી બુધ્ધ કેટલાય વર્ષ આનાકાની કર્યા પછી અંતે પોતાનાં સંઘમાં સ્ત્રીઓને જગા નથી આપતા. પહેલાં મા પ્રજા ગૌતમી ભિક્ષુણી બને છે, પછી પરિત્યક્તા યશોધરા. ભિક્ષુણી બનીને પણ એ એમનું જ વરણ કરે છે.
હવે સંઘ પાંચસો વર્ષ પણ જીવિત નહીં રહી શકે- બુધ્ધ વચન કહે છે.
શું એ સ્વીકારોક્તિ છે એ અદૃશ્ય તારની જેનાથી હજી એ પોતાની સ્ત્રી થી બંધાયેલા છે ?
બુધ્ધ સ્ત્રીઓ માટે જગ્યા કરે છે. સ્ત્રીઓ પોતાનાં સમગ્ર પ્રકાશને લઈને સંઘમાં પ્રવેશ કરે છે.
શકુંતલાના સંતાપમાં શું કઈ પણ આકરીત થાય છે ?
ઋષિકન્યાની ઉજ્જવળ પ્રકૃતિમાં સંતાપની જગ્યા એટલી ઓછી છે એ એનું દુઃખ અનુપજાઉ રહી જાય છે, વેરાન. ત્યાગી દેવાથી, અસ્વીકાર કરવામાં આવે છે તો પણ આકાશ તૂટી પડતું નથી. ઋષિ-પિતાના આશ્રમમાં પાછી ફરીને એ પહેલાના જેવી જ માનિની રહે છે.
શું એ રાજાને યાદ કરે છે ? કે એને ભૂલી ગઈ છે ? એનાં હૃદયના રહસ્ય વિષે આપણે કઈ જાણતા નથી.
શકુંતલાની નિયતિમાં અતિમાનવી બનવાના બધાં બીજ હતાં, પરંતુ આત્મમંથનના અભાવમાં એ મહાનતાનો પોતાનો સંયોગ ગુમાવી બેસે છે. કઈક એવી રીતે કે આપણે પણ ભૂલી જઈએ છીએ કે ભાગ્યે શકુંતલાને તડકામાં ઊભી રાખી હતી.
વરદાન અને શપના અંધારા-અજવાળામાં વિતેલું એનું જીવન વિસ્મિત તો કરે છે, વ્યથિત નથી કરતું. કથામાં જ્યાં સુધી ઇનો વ્યસ્ત-અભિચારી પતિ વિસ્મરણના શાપમાથી મુક્ત થાય છે અને એમની વચ્ચે બધું પહેલાં જેવુ સુંદર, નિષ્કલંક, નિષ્પાપ થઈ જાય છે, જ્યાં સુધી ઇનો પુત્ર ભરત, આપણો આદિ પિતા, સિંહના દાંત ગણવાનું શૌર્ય દાખવે છે, આપણે એનામાંથી રુચિ ખોઈ બેસીએ છીએ.
એ એટલાં સાધારણ થઈ જાય છે કે આપણાં સ્મરણમાં ટકતા નથી. શ્રાધ્ધ-તર્પણમાં પણ નહીં.
શું આ કથા સાંકેતિક છે ?
સિંધુ નદીને કિનારે વસનારા આપણામાં આપણાં પૂર્વજોનો સ્મૃતિલોપ, એમની નૈસર્ગિક ઉજ્જવળતા, એમનું સહજ શૌર્ય આદિ બધાં ગુણ છે.
અને નિયતિ સાથેની લડાઈને નિશબ્દ, વેરાન રહેવા દેવાની અકર્મણ્યતા પણ.
3
મને વસ્તુઓ દેખાય છે – કોઈને કહેવા ઇચ્છું છું.
કોને કહું ? આસપાસ કોઈ નથી.
જેમને આ બધું કહ્યા કરતી હતી એ હવે નથી.
વધુ નહીં, તો પણ વસ્તુઓ દેખાઈ જતી હતી, એટલી કે પોતાના ઉપર અવિશ્વાસ થવા લાગે. તારા મને બહુ ગમતી હતી. બહુ જ સારી. બૌધ્ધ દેવી તારા. એમનો એક થંકા મેં ધર્મશાલામાં લીધો હતો. હરતા-ફરતાં એમ જ. જેમ ટુરિસ્ટ લઈ લે છે. તિબેટી દુકાનદારે કહ્યું, એવી રીતે નહીં, અહિયાં જેટલી દેવીઓ છે એને ધ્યાનથી જૂઓ. જે તમને એની તરફ બોલાવે, જેને જોઈને તમને લાગે કે એ તમને જોઈ રહી છે એને પસંદ કરો. એ આપના ભાગ્યની તારા છે. મે મારી તારાને તરત ઓળખી લીધી. એ મારી તરફ જ જોઈ રહી હતી.
હું એમને લઈ આવી. મારા રૂમની દીવાલ પર ટાંગેલી, મને જોયા કરતી. એમની પુજા કરું એવું ધ્યાને જ ન આવ્યું. ક્યારેક ભૂલેચૂકે અગરબત્તી કરી હશે.
તારા મને ગમે છે.
રેલયાત્રા દરમ્યાન મળી ગયેલા અજાણ્યા લામાને મે કહ્યું. લગભગ 2000ની સાલ હતી. એણે મને રેલમાં જ તારા મંત્રની એક પુસ્તિકા આપી. કહે નાનકડો મંત્ર છે. ક્યારેક ક્યારેક વાંચજો. પરંતુ જ્યારે વાંચો ત્યારે ઓછામાં ઓછું એકવીસ વાર વાંચજો. એકવીસ તારાઓ માટે.
મારી દેવીઓ. અવલોકિતેશ્વરના આંસુમાથી નીકળી તારા. તારાઓ.
ન જાણે હું શું કર્યા કરતી હતી. એ મને જોતી હશે. એની પાસે એટલો પણ સમય નથી કે.....
ખરેખર સમય નહોતો. જીવન જાણે જીવ્યા જ નહીં, ગળી ગયાં.
હવે જ્યારે સમય છે ત્યારે પણ પૂજા આદિ કરવાનું આપણું કામ નહીં. હા, જપ ક્યાંય પણ થઈ શકે, હરતા-ફરતાં, ભ્રમણ કરતાં, ગાડી ચલાવતાં, બગીચામાં બાંકડા પર પગ ફેલાવી બેસીને પણ થઈ શકે.
પરંતુ વચ્ચેના વર્ષોમાં કૈંક એવું થયું કે દેવી એવી ઘનિષ્ઠ દેખાવા લાગી, વિશેષરૂપે જપ કરતી વખતે, કે ડરને કારણે મે માળા છોડી દીધી. વસ્તુઓ મને પહેલાં પણ દેખાતી હતી પરંતુ આવું કદી થયું નહોતું. એ પણ જપ કરતી વખતે.
કોને કહું ?
એકવાર મેં કહી દીધું, અંધારામાં, કિન્નોરના નાકો ગામની બહાર, સાવ અજાણી મારી ટેન્ટ અને સેમિનારની સાથી આન્દ્રિયા લોસરીજને. શાંતિનિકેતનમાં બૌધ્ધધર્મની પ્રોફેસર-હેડ. તંત્રસાધના માટે સ્મશાનમાં જતી હતી, એ પછીથી કહ્યું.
‘આન્દ્રિયા, મારી અંદર આ બધું ન જાણે ક્યાંથી આવી ગયું. એક દેવી વિશે આ રીતે વિચારવું, આટલું અંતરંગ અનુભવવું... જાણે હું તારાની ભીતર જાઉં છું કે એ મારી અંદર...’.
ઘણીવાર સુધી અંધારામાં કોઈ અવાજ નહીં, ઉત્તર નહીં. આન્દ્રિયા જાણે રડી રહી છે.
‘શું તને માઠું લાગ્યું? મે તો તને પહેલાં જ કહી દીધું હતું કે એક વિચિત્ર વાત તને જણાવવા માગું છું.’
‘પાગલ, હું તો આનંદથી તારા માટે રડી રહી છું. ધર્મને જાણવા માટે તારે કોઈ પુસ્તકની જરૂર નથી. તું દરવાજા સુધી પહોંચી ગઈ છે.’
‘દરવાજો? કયો દરવાજો?’
‘તમે ગાયત્રીનો જપ કરો. તમારું સારું થશે. આકાર-ધ્યાન કરવું હોય તો દેવી-સ્વરૂપ, નિરાકાર-ધ્યાન કરવું હોય તો અંતરિક્ષમાં ફેલાયેલો પ્રકાશ.’
શાંતીકુંજવાળાઓએ કહ્યો એવો સંતાપ જો, પિંડદાન કરતી વખતે.
મને અંતરિક્ષ ધ્યાન ગમ્યું.
વિમાનમા જોઈએ તો આકાશ કેવું પોતાની તરફ ખેંચે છે. કોઈ અદૃશ્ય આપણને ઘુંઘટ પાછળથી જોઈ રહ્યું છે. કેવું સાચું લાગે છે.
અને તારા? જે મારો અવાજ સાંભળી દોડતી આવતી હતી? શૂન્યમાંથી જોતી એની નિષ્પલક આંખો !
‘તમે તારા અભિષેક લઈ લો. પરમ-પાવન સારનાથ આવી રહ્યા છે. તમે પણ આવો એ સમયે.’ ઘણાં વર્ષો પછી પ્રો.સામતેન કહે છે. મારો તારા વિયોગ સાંભળ્યા પછી.
4
‘शर को दोष दूं, कि दूं इस शरिर को
घाव यह मेरा मुजे किसने दिया है’
બોલતાં બોલતાં એમનો કંઠ રુંધાઇ જાય છે. બોધિચર્યાવતારનો ઉપદેશ આપી રહ્યા છે દલાઇ લામા. બૌધ્ધોનો બીજ-ગ્રંથ. ચાલીસ હજાર લોકોની વચ્ચે બેઠા છે. ન જાણે કેટલીવાર દેશ-વિદેશમાં આ ગ્રંથનો ઉપદેશ તેઓ આપી ચૂક્યા છે. છતાં પણ પીગળી જાય છે.
અવાજ અને ચહેરો એટલો પારદર્શક કે દૂર સુધી બધાને દેખાય છે. એમની ભીતરનું દૃશ્ય. જાણે માયાદેવીનું પેટ હોય, જ્યારે સિધ્ધાર્થ એમના ગર્ભમાં હતા.
આ માણસે પોતાની અંદર કીચડને ટકવા દીધો નથી, સૌ કોઈ જોઈ શકે છે.
ભલું થાજો પ્રો.સામતેનનું જેમણે સારનાથ જવાની પ્રેરણા આપી. ‘તમારે આ અવસર ચૂકવો ન જોઈએ. કશું કહ્યા વિના બધી વ્યવસ્થા એમણે કરી આપી.’
અને હું ? જાણે કોઈ સ્વપ્નમાં પાણી ઉપર ચાલવા લાગે અને આંખ ખૂલે ત્યારે જુએ કે એ પેલે પાર પહોંચી ગયું છે.
‘પેલે પાર’ એટલે પરમ-પાવનના મંચની બરાબર પાછળ. કાચની દિવાલોવાળા પૂજાકક્ષમાં.
એક તરફ અમે બેઠાં છીએ. દસ-પંદર લોકો. બહાર મેદાનની ભીડથી અછૂતાં. પરમ-પાવનના શબ્દોમાં એકદમ પાસે. મારું કોઈ સંચિત કર્મ મને અહીં સુધી લઈ આવ્યું.
मैं ही बनु बैध, मैं ही दवा
परिचारक भी मैं बनूं बीमार इस विश्व का
सबके स्वस्थ होने तक
આ પાઠના કેટલાક અંશ બહુ દ્રવિત કરનારા છે નહીં ? તેઓ કહે છે. પોતાના અવાજની આર્દ્રતાથી અનભિજ્ઞ તેઓ આગળ વધે છે પોતાના પ્રિય પુસ્તકનાં પાઠમા.
जिन्हें तलाश हो किसी द्वीप की, द्वीप बनूं उसका मैं
जिन्हें तलाश हो प्रकाश की, बनूं उसका दीप
जिन्हें चाहिए हो विश्राम, बिछौना बनूं उनका मैं
दास कि जिन्हें चाह हो, बनूं उनका दास
આ ક્ષણ વિલક્ષણ છે. પોતાના અધિનાયકને આમ જોવા ! પુસ્તકનાં એકાંત અને અનુયાયીઓની ભીડમાં એક સાથે. પુસ્તકથી ભીંજાયેલા, ભીડથી વણ-ભીંજાયેલા.
कहाँ मिलेगा मुजे इतना चर्म
कि ढँक दूं सारी पृथ्वी को?
ढँक लूँ मगर तलवे अगर
सारी पृथ्वी ढंकने के बराबर है
દૂરદૂરથી લોકો એમને સાંભળવા આવ્યા છે. બર્ફીલા પહાડો પર કરીને, સીમા-પોલીસની ગોળીઓથી સંતાતા સંતાતા. દરેક વર્ષે પોતાનો રસ્તો બદલે જેથી પકડાઈ ન જાય. તિબેટ, દૂર મંગોલિયા, રશિયા, યુરોપ, અમેરિકાથી. ભારતમાથી પણ. કેટલાક બૌધ્ધ, કેટલાક જિજ્ઞાસુ.જિજ્ઞાસા સારી વસ્તુ છે. કોઈ ધર્મ વિશે જાણવા માગો છો, જરૂર જાણો. પરંતુ ધર્માન્તરણ, એ નાજુક વિષય છે. એનાથી જીવનમાં ઘનઘોર ઊથલ-પાથલ થઈ શકે છે. ધર્માન્તરણથી લાભને બદલે હાનિ વધારે થઈ શકે છે. બને ત્યાં સુધી એવું નહીં કરવું જોઈએ. બધાં ધર્મમાં સુંદર વાતો છે. અહીં આવવાનું ફળ એ હોવું જોઈએ કે તમે પાછા જઈને તમારી પરંપરાનું ગહન અધ્યયન કરો. એનું મનન કરો.વારંવાર ચેતવે છે દલાઇ લામા. ફરી પાછા વળે છે પુસ્તકનાં પાઠમાં.
क्या लाभ इस देह का
खाने लायक नहीं जिसका गन्दा भीतर
पीने लायक नहीं जिसका रक्त
चूसने लायक नहीं जिसकी अंतड़ियाँ?
શો અર્થ છે એમના હોવાનો? પચાસ વર્ષ પહેલાં કરેલા એમના પલાયનનો? ભારતમાં શરણ લેવાનો?
શો અર્થ છે મારે માટે એમને જોઇ શકવાનો?
તિબેટમાં રહેતા હોત તો એમને આટલી નિકટતાથી જોવા-સાંભળવાનું કોઈ વિચારી પણ ન શકે.
निपट अकेले ही यदि जाना था मुजे कहीं और
क्या फल मिला इतने मित्र-शत्रु बनाकर?
ભારતમાં ન આવ્યા હોત તો આપણને સાચા-ખોટા સંત વચ્ચેના અંતરની ખબર ન પડત. સંતનું હળવાપણું શું હોય છે, એ કેવી રીતે સંસારની આગ અને જળ પર કેવી રીતે ચાલે છે એનો અંદાજ ન આવત. સદીઓ પુરાણા ઉપદેશને ઓશીકે રાખી કેવી રીતે જીવાય છે એનો સાક્ષાત્કાર ન થાત.
એવું નથી કે એમની પહેલાં આપણે ત્યાં ઉંચા સંત નહોતાં પરંતુ જે હતાં તે દુનિયાની સામે આવતા નહોતા. અને જે સામે આવતા, વહેલાં-મોડા એમના દોષ જાહેર થઈ જતાં.
क्या करना दुख उसके लिए
जिसका कोई उपाय है
क्या करना उसका दुख
जिसका कोई उपाय नहीं