સાંજના ૬:૧૫ એ ફરતા ફરતા મોલ રોડ પર પહોંચ્યા.અંધારું થઈ ગયું હોવાથી ત્યાંની લાઇટિંગનો નજારો જ કંઈક અલગ હતો.ત્યાં એમ જ ફરવાની બહુ જ મજા આવે એવું હતું.ત્યાં ખૂબ જ ભીડ હતી.મનાલીમાં મોલ રોડ પર દિવસ કરતા સાંજ અને રાતના સમયે વધારે ભીડ ઉમળતી.એટલી ઠંડીમાં પણ લોકો રોડ પર વોક માટે તો કેટલાક પ્રવાસીઓ શોપીંગ કરવા માટે ત્યાં આવતા.ત્યાં નજીકમાં અમુક શોપ હતી એમાંથી બધાએ શોપિંગ કર્યું.સલોની અને શ્રેયાએ તો એક બેગ ભરાઈ જાય એટલા કપડાં જ ત્યાંથી ખરીદ્યા અને એના સિવાય બીજી વસ્તુઓ લેવાની બાકી હતી જેના માટે એ બંને મોલ રોડ તરફ આગળ વધ્યા.બાકીનાએ જે જોઈતું હતું એ એટલામાંથી જ લઇ લીધું.નિત્યાએ એના મમ્મી-પપ્પા માટે ગરમ સ્વેટર લીધા અને સાથે જશોદાબેન માટે સ્ટોલ,કાવ્યા માટે જેકેટ,પંકજકુમાર માટે ટોપી અને સ્મિતા માટે જેકેટ અને ટોપી લીધી.દેવે પણ પોતાની ફેમિલી સાથે નિત્યાના મમ્મી-પપ્પા માટે પણ એને જે ગમતું હતું એ લીધું.નિત્યાની શોપિંગ થઈ ગઈ હોવાથી એ મેઈન રોડ તરફ જતી હતી પણ ત્યાંની ભીડ અને ટ્રાફિક જોઈને રોકાઈ ગઈ.
"કેમ અહીંયા ઉભી છે?"માનુજે પૂછ્યું.
"બસ એમ જ...બધા આવે એટલે જઈએ"નિત્યાએ પોતાનો ડર છુપાવતા જવાબ આપ્યો.
"બીજા લોકોને મોડું થશે.તું જઈને એક જગ્યાએ બેસ,અમે લોકો બસ થોડા ડ્રાયફ્રુટસ અને કેસર લઈને આવીએ"
"ના ના હું અહીંયા જ બરાબર છું"
"તારે લાવવાનું છે કઈ તો અમે લેતા આવીએ?"દિપાલીએ નિત્યાને પૂછ્યું.
"ના,મારે હવે કઈ જ નથી લેવાનું"
"ઓકે"
દેવ આ બધું સાંભળી રહ્યો હતો અને એ સમજી પણ ગયો હતો કે નિત્યાને ટ્રાફિકના લીધે ડર લાગતો હોવાથી અહીંયા ઉભી છે.દેવ કઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો.નિત્યાને થયું પાછળ કોઈ ઉભું છે એટલે એને વળીને પાછળ જોયું પણ કોઈ હતું નહીં.
"યાર બહુ જ થાક લાગ્યો છે.આ લોકોની શોપિંગ ક્યારે પતશે.જો થોડી વાર સુધીમાં કોઈ ના આવ્યું તો હું અહીંયા જ ચક્કર ખાઈને પડીશ.મને વોલ્વો સુધી પહોંચવું છે પણ આ ટ્રાફિકમાં હું કેવી રીતે જઈશ.ભગવાન ન કરે ને મને ફરીથી એક્સી..........ના ના નિત્યા આ શું વિચારે છે.સારું વિચાર કઈક.અહીંયા જ ઉભી રે,હમણાં બધા આવતા હશે"નિત્યા મનમાં જ બબડી રહી હતી.
અચાનક નિત્યાની નજર રસ્તા વચ્ચે ઉભેલા દેવ પર પડી.દેવ રસ્તા વચ્ચે ઉભો રહીને ફોનમાં કઈક શોધી રહ્યો હોય એવું નિત્યાને લાગ્યું.નિત્યાને દેવને બોલાવ્યો પણ દેવે અવાજ ના સાંભળ્યો.નિત્યાની તરફ દેવની પીઠ હતી.દેવ હજી પણ ત્યાં જ ઉભો હતો.નિત્યાએ દેવને ફરીથી બૂમ મારી,"દેવ,રસ્તા વચ્ચે શું કરે છે.સાઈડમાં ખસી જા"
પણ દેવ ત્યાંથી હટવાનું નામ નહોતો લેતો.બંને બાજુથી વાહનોની અવરજવર ફૂલ હતી.
"આ પાગલ છોકરો કેમ મારુ સાંભળી નથી રહ્યો.કાનમાં ઇયરપ્લગ લગાવ્યા છે કે શું?,પાછો એક દમ રસ્તા વચ્ચે ઉભો છે ખબર નથી શું કરે છે.ભગવાન એને સાચવજો"નિત્યા ફરી મનમાં બબડી રહી હતી.
એક વાર એને દેવ પાસે જવાનો પ્રયત્ન કર્યો પણ એને રસ્તા પર ઉતરતા જ એનો એક્સિડન્ટ યાદ આવી ગયો.ફરીથી એ જ દ્રશ્યો એની આંખ આગળ ભમવા લાગ્યા હોવાથી એના પગ પાછા પડવા લાગ્યા.એને દેવને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ એના ફોનની બેટરી ડેઇડ થઈ ગઈ હતી.એને ગુસ્સામાં ફોન પછાડવાનું મન થયું.
દેવની એક્ઝેટ સામેથી સલોની અને શ્રેયા આવી રહ્યા હતા.નિત્યાની નજર એમના પર પડી.નિત્યાએ હાથ હલાવીને સલોની અને શ્રેયાને પોતાની તરફ જોવાનો ઈશારો કર્યો પણ એ બંનેનું ધ્યાન વાતો કરવામાં હતું.અચાનક સલોનીના ફોનમાં મેસેજ આવ્યો.એને મેસેજ ચેક કર્યો અને ત્યાં જ ઉભી રહી ગઈ અને દેવ સામે જોવા લાગી.દેવ હજી પણ ફોનમાં કઈક કરી રહ્યો હતો.રસ્તા પર આવતા-જતા સાધનો વચ્ચે શાંતિથી ઉભેલો દેવ નિત્યાનો જીવ અધ્ધર કરી રહ્યો હતો.જેવી સલોનીની નજર દેવ તરફ ગઈ એવી જ નિત્યાને હાશ થઈ કે હવે સલોની દેવને સાઈડ પર જવાનું કહેશે પણ અહીંયા તો કંઈક ઊંધું જ થયું.સલોનીએ હાથમાં પકડેલી બેગ્સ શ્રેયાને આપી અને પોતે બાજુમાં પડેલ હાથ લારી તરફ વળી.નિત્યાને આ જોતા વિચાર આવ્યો કે,"સલોની આ શું કરી રહી છે"સલોની હાથ લારીને રસ્તાની વચ્ચો-વચ્ચ લઈ આવી અને દેવની તરફ જોરથી ધક્કો માર્યો.નિત્યા આ જોઈને ચોંકી ગઈ અને વિચારવા લાગી કે સલોની આટલી હદ વટાવી શકે છે એ એને વિચાર્યું પણ ન હતું.હવે નિત્યા પાસે પોતે દેવને બચાવ્યા સિવાય કોઈ રસ્તો ન હતો.પણ એ શુ કરી શકવાની હતી.ઢાળ હોવાના કારણે હાથ લારી દેવ તરફ ઝડપથી આવી રહી હતી અને સાથે રસ્તા પરના વાહનો તો ખરા જ આ બધાની વચ્ચે દેવ હજી પણ ત્યાં જ સ્થિર ઉભો હતો.હાથ લારી એકદમ નજીક આવી ગઈ અને બસ દેવને ટકરાવા જ જઈ રહી હતી ત્યાં જોરથી 'ધડામમમમમમમ......'.અવાજ આવ્યો.બધાએ ડરના માર્યે પોતાની આંખો બંધ કરી દીધી હતી.આ બધું જ સેકન્ડોમાં ઘટિત થઈ રહ્યું હતું પણ ચિંતાનો બોજો ખૂબ વધી ગયો હતો.ધીમે ધીમે આંખો ખોલીને જોયું તો હાથલારી અને એક્ટિવા એકબીજા સાથે ટકરાઈને પડ્યા હતા.પેલો જે 'ધડામમમમમમમ' અવાજ હતો એ આ બે વાહનોના ટકરાવાનો અવાજ હતો.દેવ અને નિત્યા એક બાજુ પડ્યા હતા.
(ફ્લેશબેક:-નિત્યાએ જ્યારે જોયું કે હાથલારી ઝડપથી દેવની તરફ આવી રહી છે એટલે એને બાજુમાં પડેલ એક્ટિવા જોયું જેની ચાવી પહેલેથી જ લગાવેલી હતી.એક્ટિવા સ્ટાર્ટ કરીને ઝડપથી આવતી હાથલારી તરફ ફૂલ એક્સીલેટર આપીને છોડી મૂક્યું અને પોતે દેવને રસ્તા પરથી ખસેડવા માટે દોડી અને જલ્દી જલ્દીમાં ધક્કો લાગતા બંને જમીન પર પટકાયા.)
નિત્યાએ દેવને સલામત જોયો તેથી એને હાશ થઈ અને બીજી જ સેકન્ડે ગુસ્સામાં ઊંચા અવાજે બોલી,"તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં?,આમ રસ્તા વચ્ચે ઉભું રેવાની શું જરૂર હતી.અને કાનમાં શું ઇયર ફોન લગાવીને ઉભો હતો કે મારો અવાજ પણ તને નહોતો સંભળાતો"
"નિત્યા તું શાંત થઈ જઈશ પહેલા?"દેવે એને શાંત કરવા કહ્યું.
"તારી સાથે તો હું પછી વાત કરું પહેલા સલોનીને સબક શીખવાડવો પડશે.હવે એને બધી જ હદો પાર કરી દીધી છે.આજે એનો અસલી ચહેરો બધાની સામે લાવવો જ પડશે"કહીને નિત્યા ગુસ્સામાં જ સલોની તરફ આગળ વધી.
"નિત્યા તું પહેલા મારી વાત તો સાંભળ"દેવ પણ નિત્યાની પાછળ પાછળ સલોની પાસે પહોંચ્યો.
"દેવ તું ઠીક છે"સલોનીના આટલું બોલતા બોલતા તો નિત્યાએ જોરથી એના ગાલ પર તમાચો માર્યો.
"નિત્યા આ તું શું કરે છે?"દેવે નિત્યાને કહ્યું.
"એને એના કર્મોનું પરિણામ આપું છું"નિત્યાએ જવાબ આપ્યો.
"તારી હિંમત કેવી રીતે થઈ મને હાથ લગાડવાની?"સલોની ગુસ્સામાં બોલી.
"અત્યાર સુધી હું ચૂપ હતી કારણ કે તું દેવની ફ્રેન્ડ છે પણ હવે હું ચૂપ નહીં રહું.તે જે કર્યું એ હું બધાને કહીને જ રહીશ"
"શું કર્યું છે મેં,શું કહીશ તું બધાને.તને તો આદત છે આમ બધાનું અટેન્સન લેવાની"
"તું હજી ચૂપ થાય છે કે તને ફરી"નિત્યા ફરીથી બીજો તમાચો મારવા જ જતી હતી કે દેવ વચ્ચે આવ્યો અને નિત્યાને પકડી લીધી.
આ બાજુ સલોની પણ વધારે ગુસ્સે થઈ ગઈ હતી.એ સામે નિત્યાને લાફો મારવા જઇ રહી હતી પણ એટલામાં માનુજ,દિપાલી અને નકુલ ત્યાં આવી પહોંચ્યા અને એમને સલોનીને રોકી.દર વખતે સલોનીની ભૂલ કરતી હતી પણ આજ એને જે કર્યું એમાં એની જરા પણ ભૂલ ન હતી પણ એના પહેલાંના કર્મોને કારણે નિત્યા એના પર વધારે ગુસ્સે થઈ.
"તમે લોકો પ્લીઝ સલોનીને અહીંયાંથી દૂર લઈ જાવ,નિત્યાને હું સંભાળું છું"દેવે નકુલ,માનુજ અને દિપાલીને કહ્યું.
નકુલ,માનુજ અને દિપાલી સલોનીને લઈને ત્યાંથી દૂર ચાલ્યા ગયા.શ્રેયા ત્યાં ઉભી હતી પણ આજનો નિત્યાનું મહાકાલીનું રૂપ જોઈને એ પણ ત્યાંથી જતી રહી.દેવ નિત્યાને લઈને એક બાજુ કોફીશોપમાં ગાર્ડન જેવો એરિયા હતો ત્યાં બેસ્યા.