Alkhamano in Gujarati Children Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | અળખામણો

Featured Books
Categories
Share

અળખામણો



હાથમાંથી ચાનો કપ નીચે પડતાજ નાનકડો સૂરજ એક ધબકારો ચૂકી ગયો, કાચના આ ટુકડા જોઈ એની માં હવે એને શું સજા કરશે એ વિચારતાં જ એ ફફડી ઉઠ્યો.

હે ભગવાન આ મન્હુસ છોકરો મારાજ પાલે કેમ પડ્યો છે, શું કરું આ નક્કામા છોકરાનું હવે હું, જ્યારથી આ ઘરમાં આવી છું આ મન્હુસ મને ચેનથી નથી રહેવા દેતો, કોણ જાણે ક્યારે આ બલાથી છુટકારો મળશે. બહારથી ઊંચા અવાજે બોલેલા માનાં આવા કવેણ સાંભળી કાચના ટુકડા ભેગા કરતાં સૂરજના નાનકડા હાથ ધ્રુજી ઉઠ્યા.

જ્યારથી હોશ સાંભળ્યા ત્યારથી સૂરજે માનું આ સ્વરૂપ જ દેખ્યું છે, પોતાના નાના ભાઈ બહેનોને આટલો પ્રેમ કરતી માં પોતાનેજ કેમ હર સમય આમ હડધૂત કરે છે એ નાનકડા સૂરજને કેમે કરીને સમજાતું નહોતું. બીજા ભાઈ બહેનની જેમ ભણતર તો એના નસીબમાં હતું નહિ અને માં આખો દિવસ એની પાસે ઘરનું નાનું મોટું તમામ કામ કરાવતી. દિવસ આખો કામ કરી થાકતા સૂરજને જમવાનું પણ પૂરું ના મળતું, બધા જમી ઉભા થાય પછી વધેલું ઘટેલું જ એના ભાગમાં આવતું. એ દિવસે સજા રૂપે સૂરજ ને આખો દિવસ કંઇજ ખાવા ના મળ્યું.

રાતના બહાર ઓટલા પર નાનકડી તુટલી ફુટલી ગોદડી પાથરી પોતાના ભાઈ બહેનોને વાર્તા અને લોરી સંભળાવતી માનાં થોડા ઘણા સંભળાતા શબ્દોની ગોદમાં સૂઈ જતો સૂરજ પોતાની સાથે થતા આ ભેદભાવ અને અત્યાચાર સમજી શકે એટલો પરિપક્વ નહોતો.

પોતાનાથી થોડા મોટા એવા બાજુમાં રહેતા એના મિત્રએ એક દિવસ એને કહ્યું હતું કે તે સૂરજની સાવકી માં છે એવું પોતાની માં ના મુખે સાંભળ્યું હતું , પણ સાવકી માં નો અર્થ સમજવામાં બેઉ ભેરુ અસમર્થ હતા.

એની અસલ માતાએ એને જનમ આપતાજ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી, ત્યારબાદ એના બાપ એ ક્યારેય એની સામે એક મીઠી નજર પણ નાખી નહોતી. થોડાક જ સમયમાં બીજા લગ્નઃ કરી નવી પત્ની થકી થયેલા બાળકો જ એના બાપ માટે સર્વસ્વ બન્યા હતા.

એનો બાપ આખો દિવસ કામ માટે બહાર જતો અને રાતના જ્યારે પાછો ફરતો ત્યારે પોતાની નવી પત્ની અને બાળકો પર પોતાનો બધો વહાલ વરસાવી દેતો, અને સૂરજ હંમેશા એ વહાલના વરસાદમાં ભીંજાયા વિનાનો સાવ કોરો ધાક રહી જતો.

પોતાની માંનો એક પ્રેમભર્યો અહેસાસ પામવા એ ખડેપગે માંનો બોલ ઝીલતો, પણ પોતે ક્યાં ભૂલ કરે છે અને કેવી રીતે માની અશાઓમાં ખરો ઉતરી શકે એ વિચારતો રહેતો. ભાઈ બહેનોની જેમ એને પણ માનાં ખોળામાં રમવું હતું, માનાં પ્રેમભર્યા હાથોથી જમી માનાં પ્રેમની ભૂખ મિટાવવી હતી, પિતાના ખભા પર બેસી ઘરમાં ફરવું હતું પણ રે એવું નસીબ આ કમનસીબને ક્યારેયના મળ્યું.

સૂરજ એક દિવસ પોતાની માં સાથે ભાઈ બહેનને સ્કૂલ લેવા જઈ રહ્યો હતો, ત્યાંજ એની નાની બહેન માંને પોતાને લેવા આવતા દેખી સામેથી ઝડપી દોડતી આવે છે, અને અચાનક સૂરજની નજર રોડની બીજી બાજુ આવતી ટ્રક પર પડ્યું જે એની નાની બહેનની એકદમ સામે જ આવી રહી હતી, ક્ષણનો પણ વિચાર કર્યા વગર સૂરજ દોડી રસ્તો ક્રોસ કરતી બહેનને ધક્કો મારી રસ્તાની બીજી બાજુ ધકેલી દે છે પણ પોતે બેલેન્સ ગુમાવતા રસ્તા વચ્ચે પડી જાય છે અને ત્યાંજ ધસમસતી ટ્રક સૂરજ પર ફરી વળે છે. પોતાની માને બહેન અને ભાઈ ને ગળે વળગાળતી પોતાના તરફ એક અળખામણી નજર કરી ઝડપી રસ્તો ઓળંગતી, ઘર તરફ જતી જોઈ એક અળખામણો સૂરજ અસ્ત થઈ ગયો.


**********
Dhruti Mehta (અસમંજસ)