સૂરજના સોનેરી કિરણો પથરાતા જ ધરા આળસ મરડીને જાગી ઊઠી અને તેણે પહેરેલી હરિયાળી કુંપણો રૂપી ચુનર સમગ્ર સૃષ્ટિ ઉપર છવાઈ ગઇ, તેમાં મહેકતા ફૂલોની મધુર સોડમ અને પક્ષીઓના મધુર કલરવથી ગામની બરોબર વચ્ચે આવેલ ગગન વિલા ચહેકી ઉઠ્યું હતું. દેશ વિદેશના ફૂલો અને વૃક્ષોની હરિયાળી વચ્ચે સુશોભિત એવા તે બંગલાની સુંદરતા જોવા સૂરજ પણ જાણે થોડી ક્ષણો ત્યાં રોકાઈ જતો અને પોતાના કિરણોથી ગગન વિલાની ઝગમગાહટ વધારતો જતો. કોઈની પણ નજરને ઠંડક પહોંચે તેવો આહ્લાદક કુદરતી સૌંદર્યનો નજારો ગગન વિલામાં સર્જાતો.
ગગન વિલાના એકમાત્ર વારસદાર એવો, રાજકુમાર જેવો સુંદર ગગન પોતાની મુલાયમ પથારીમાં નિંદ્રાધીન હતો. તેના ચહેરાની માસૂમિયત જોવા સૂરજની કિરણો છુપાઈને રૂમની બારીમાંથી ડોકિયું કરવા ધમપછાડા કરી રહી હતી પણ હવા સાથે મળીને બારી આગળ લગાવેલા પડદા તે કિરણોને પાછા બહાર ઠેલાવવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા હતા.
"Good morning my baby", રોજની જેમ એજ સુમધુર અવાજથી ગગનના કાન ગુંજી ઉઠ્યા.
"Mom I wants to sleep more, મને હજુ પણ ઊંઘ આવે છે", પોતાના માથે મમ્મીનો સુકોમળ હાથોનો સ્પર્શ અનુભવતો ગગન પોતાની નરમ પથારીમાં આંખો બંધ કરીને પડી રહ્યો.
"My honey it's school time, come on wake up. આજે હું તારી સાથે સ્કૂલે તને મૂકવા આવીશ બચ્ચા. I promised you and I never forget my promise", આજે પપ્પાની જગ્યાએ મમ્મી સ્કૂલ આવશે તે સંભાળતા જ ગગન સફાળો બેઠો થઈ ગયો.
"Oh mom I love you." પોતાની મમ્મીને વળગતો ગગન બોલી ઉઠ્યો.
"Come on fast and be ready my son, your dad is waiting for you on breakfast table", ગગનના કપાળે નાનકડી કિસ કરી એની મમ્મી ચાલી ગઈ.
પોતાના અત્યાધુનિક એવા વિશાળ અને સુંદર રીતે સુશોભિત એવા બેડરૂમમાં એકદમ વચ્ચે મૂકેલા નકશીકામથી શોભી રહેલ બેડ ઉપરથી નીચે પગ મૂકતાંની સાથે જ વિદેશી સ્લીપરની નરમાશ ગગનના કોમળ પગને સ્પર્શી. બેડથી લઈને બાથરૂમ સુધી બેનમૂન સુંદર જાજમ પાથરેલી હતી, તેના ઉપર ચાલતો ગગન તેના રૂમ જેટલા જ મોટા કદના બાથરૂમમાં જઈ પહોંચ્યો. તે બાથરૂમની સજાવટ અને બનાવટ મોટી ફાઈવસ્ટાર હોટેલમાં જોવા મળતા આધુનિક બાથરૂમની બનાવટને પણ શરમાવે તેવા અદભુત હતાં.
બ્રશ કરી સુંદર બાથટબમાં સુગંધિત પાણીમાં નહાઈને ઈસ્ત્રી કરેલા એકદમ નવા લાગતા યુનિફોર્મમાં તૈયાર થઈ ગગન જ્યારે નીચે ઊતર્યો ત્યારે એના પપ્પા સુટબુટમાં તૈયાર થઈ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને પોતાના લેટેસ્ટ આઇપેડમાં માર્કેટના ન્યૂઝ જોઈ રહ્યા હતા.
"Good morning dad", નીચે ઉતરીને ગગન તેના પપ્પાને પાછળથી વળગીને બોલ્યો.
"Good morning my son", એટલા જ વ્હાલથી તેના પપ્પાએ ગગનનો હાથ ખેંચી તેને આગળ લાવી પાસે રહેલ ડાઇનિંગ ટેબલની ખુરશી ઉપર બેસાડી દિધો. થોડીવારમાં તેની મમ્મી પણ તૈયાર થઈને નીચે આવી અને તેમની સાથે જોડાઈ ગઈ.
આખું ડાઇનિંગ ટેબલ વિવિધ જાતની બ્રેકફાસ્ટ આઈટમથી સજાવેલું હતું. મમ્મી પપ્પા સાથે વાતો કરતો ગગન પોતાનો મનપસંદ બ્રેકફાસ્ટ કરવા લાગ્યો.
"ડેડ આજે મોમ મને સ્કૂલ ડ્રોપ કરવા આવશે એટલે તમે ડાયરેક્ટ ઓફિસ જજો", ગગન બોલ્યો.
"અરે વાહ આજે mom and son day છે એમને", ગગનના પપ્પા ગગન અને તેની મમ્મી સામે મરકતા બોલ્યા.
"Ofcourse sweetheart", ગગનની મમ્મી બોલી.
"I am getting late, ચાલ મમ્મી જઈએ હવે", ડાઇનિંગ ટેબલ ઉપરથી ઊભો થતાં ગગન બોલ્યો.
ગગન તેના પપ્પાને હગ કરી મમ્મી સાથે બંગલાની બહાર નીકળ્યો. ત્યાં જ એક સુંદર મોટી લક્ઝુરિયસ કાર તેની પાસે આવીને ઉભી રહી. તેમાંથી ડ્રાઈવર બહાર નીકળ્યો અને પાછળનો દરવાજો ખોલીને ઊભો રહ્યો. ગગન રોફથી અંદર બેઠો અને સાથે આવતી મમ્મીને હાથ પકડીને પોતાની બાજુમા બેસાડવા લાગ્યો.
"મુક કહું સુ, અલા ગગા મુક મને", અચાનક તેની મમ્મી હાથ છોડાવવા લાગી અને તેનો મધુર અવાજ કર્કશ બની ગયો સાથે તે કોઈ અજીબ દેશી ભાષા બોલવા લાગી.
"Please seat in the car mom", ગગન તેની મમ્મીનો હાથ ખેંચતો બોલ્યો.
પણ આ શું? તેની મમ્મીએ કારમાં બેસવાની જગ્યાએ હાથમાં રહેલી અજીબ લાગતી પાણીની બોટલનું ઢાંકણું ખોલ્યું અને ગગન તરફ પાણીની છોળ ઉડાડવા લાગી.
"Mom what are you doing, હું પલળી જઈશ. જો મારો યુનિફોર્મ તે આખો બગાડી દીધો હવે મને આવા કપડામાં સ્કૂલમાં નહિ જવા દે." મમ્મીને આજે શું થયું છે તેમ વિચારતો ગગન આશ્ચર્ય પામતો અને થોડો નારાજ થતો તેની મમ્મીને જોઈ રહ્યો.
પણ ગગનની મમ્મી રોકાવાનું નામ નહોતી લઈ રહી. અને પેલી પાણીની બોટલમાં પાણી ખતમ થવાનું નામ નહોતું લઈ રહ્યું. શંકર ભગવાનની જટામાંથી નિરંતર વહેતી ગંગાની જેમ તે બોટલમાંથી પાણી વહી રહ્યું હતું અને ધીરે ધીરે આખી કારમાં પાણી ભરાવવા લાગ્યું. પાણી હવે ગગનના મોં સુધી પહોંચી રહ્યું હતું જેનાથી તે ગૂંગળામણ અનુભવી રહ્યો અને તે સાથે જ ગગન કાર બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો.
"ઉભો થા અલ્યા, જો ભોર થય જાહે. આ તારો સૂરજ ડોહો માથે પુગવા આયો સે. અને આ હુ હવાર હવારમાં અંગરેજીનું ભોપુ વગાડવા મોંન્ડયું સે. મને તો કય હમજણ નહિ પડતી. તને કેટલીવાર કીધું મારે પલ્લે તારું આ અંગરેજીનું ભોપુ નય વગાડવાનું. " એકદમ દેશી ભાષામાં વાત કરતી તેની મમ્મી સામે ગગન આંખો ફાડી જોઈ જ રહ્યો.તેની મમ્મીનું મોં એકદમ મોટું થઈ રહ્યું હતું, જાણે દૂરબીનમાંથી જોતા હોય એવું મોટું અને તેની આંખો ખૂબ ભયાનક લાગી રહી હતી. વળી તેનો એકદમ કર્કશ અને ખોખરો અવાજ ગગનનાં કાનોમાં ગુંજી રહ્યો હતો. તેની મમ્મીએ તેને હચમચાવી નાંખ્યો એટલે બે-ત્રણ વખત આંખો ચોળતો ગગન આખરે પોતાની સ્વપ્નસૃષ્ટિમાંથી વાસ્તવિક દુનિયામાં આવ્યો.
"મમ્મી તું પણ યાર, કેટલું સરસ સપનું જોઈ રહ્યો હતો, અને તે મારી સુંદર દુનિયા ઉપર પાણી ફેરવી દીધું", ગગન સામે ઉભી રહેલી તેની મમ્મી મીનાના હાથમાં પાણીનો ખાલી લોટો જોતા બોલ્યો.
"હા તો ટાણે ઊઠી જવાય ને. મારે આ રોજ પાણીનો લોટો તારી ઉપર ઢોળવો નો પડે. તને સુ ખબર તારી માને રોજ વેલા ઊઠી પાણી ભરવા ગામને સેડે જાવું પડે સે." મીના બોલી.
"મમ્મી તું સવાર સવારમાં તારા દુઃખડા રોવા ન બેસી જા, અને તારી રોજની એકની એક વાત સાંભળીને મારા કાન પાકી ગયા છે", ગગન ચિડાતા સ્વરે બોલ્યો.
" બઉ હારું મારા ગગા, જા જલ્દી નાય લે, પાણી ગરમ કરીને રોખ્યું સે અને નિહાળે પેરી જાવાના લૂગડાં પણ ત્યાં તિંગાડ્યા સે. તું તીયાર થાય ત્યો હુધી મુ તારા હાટુ રોટલા ઘડી રાખું. પહી ખાઈ પીને જલ્દી નિહાળે જવાય", પાલવથી હાથ લૂછતાં ગગનના માથે વ્હાલથી પોતાના હાથ ફેરવતા મીના બોલી.
કપાળે ફરતા રુક્ષ લાગતા એવા માનાં હાથને ઝટકાવતા ગગને પથારીમાંથી ઊભા થઈ બાથરૂમની વાટ પકડી. એક જ રૂમનાં ઘરમાં નાનકડા પાટિયાના આડશથી બનાવેલ ચોકડી જેવી જગ્યાને બાથરૂમનું નામ આપવામાં આવ્યું હતું. નહાઈને ત્યાંજ ખીંટીએ લટકાવેલ ચાર દિવસ પહેલા ધોયેલ યુનિફોર્મ પહેરીને ગગન સ્કૂલ જવા તૈયાર થઈ ગયો.
બાથરૂમની બહાર ટિંગાડેલા કાચમાં પડેલ તિરાડમાં વાળ ઓળતો ગગન પોતાના નસીબમાં પડેલ તિરાડ જોઈ રહ્યો.
"હાલ ગગા ગરમ ગરમ રોટલા તીયાર સે", રોજની જેમ આજે પણ પાણી જેવું દૂધ અને રોટલા જોઈને ગગનનું મોં પડી ગયું.
સ્વાદ તો જીભને હોય છે, પેટને ક્યાં ભેદભાવ હોય. એને તો બસ ભૂખ દેખાય છે. એટલે પેટ ભરવા પણ જે મળે તે ખાવું પડશે એવું વિચારી લટકેલા મોંએ ગગન બ્રેકફાસ્ટ કે લંચ જે ગણો તે, સવારે એકમાત્ર મળતું આ ભોજન કરવા બેઠો. ત્યારબાદ છેક રાતના ભાખરી શાક કે ખીચડી જે મળે તે ખાવા મળવાનું હતું.
એક હાથે પૂંઠાથી પવન વિંઝતી મીના, બીજા હાથે રોટલાના ટુકડા કરી દૂધમાં દુબોડીને કોળિયા ખવડાવતી પોતાના ગગાને સ્નેહ નીતરતી નજરોથી જોઈ રહી હતી. પણ તેનો ગગો તો પોતાની રચેલી બીજી દુનિયામાં ખોવાયેલો હતો.
ત્યાં જ રોજની જેમ બહારથી એક અવાજ આવ્યો અને તે સાંભળતા જ ગગન માનાં હાથમાં રહેલ કોળિયો અધૂરો છોડી ઊભો થઈ ભાગ્યો. પાછળ એની મા ગગાના નામની બૂમો પાડતી રહી પણ ગગનનું પૂરું ધ્યાન કોઈ બીજી વાતમાં પરોવાયેલ હતું. હા ગગનનું મન બારીમાંથી દેખાતા એક અનોખા વિશ્વમાં ડોકિયું કરવા ઉતાવાળું બન્યું હતું.
ક્રમશઃ ....*
***
✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)