વસુધા
પ્રકરણ -38
તમાકુની ખળી... આ જગ્યાં ગામનાં ખેડુ અને ગામની વાતોનો ખરખરો કરવાનો અડ્ડો હતો. અહીં ટોળકી મિત્રો આવી બેસે ગામ ગપાટા મારે પોતાને કરવાની વાતો અને ગોઠવવાનાં કામ કાર્યક્રમ અહીં થતાં. મોડી સાંજે કે રાત્રે સરખે સરખા દારૂની મેહફીલ પણ કરી લેતાં અને ગામ પંચાત કરી છુટા પડતાં.
પરંતુ આજે મોતી ચૌધરી, કૌશિક એક ખાસ કામ નક્કી કરીને ખળીએ આવેલાં. કૌશિક હાથમાં મસાલો માવો ચોળી રહેલો એ રમણ અને પકલાની રાહ જોઈ રહેલો. મોતીકાકા હાથમાં તમાકુ ચોળી રહેલાં પણ જાણે મનમાં કોઈની આકૃતિ હોય એમ જડબાથી દાઝ કાઢી તમાકુને જોર દઈ રહેલાં..... ત્યાં બાઈક પર રમણો અને પકલો આવી ગયાં. રમણો બાઈક ચલાવતો હતો એણે ખળી નજીક આવતાં સાઈડમાં બાઈક પાર્ક કરી અને કૌશિક નાઈ બેઠો હતો એની નજીક આવ્યો.
પકલો થોડો ધીમો પડી પાછળ ઉભો રહ્યોં રમણો કૌશિકની નજીક ગયો. કૌશિકની આંખમાં વેરનાં સાપોલીયા સળવળતાં હતાં આંખમાં ગુસ્સો હતો. મોતી ચૌધરીએ તમાકુ દાઢમાં દબાવતાં કહ્યું એય રમણ ... કૌશિક પાસેથી કામ સમજી લે કામનું વળતર આ મોતી ચૌધરી આપી દેશે અને ઇનામ આજે લેતો જા.... એમ કહી રમણાને કૌશિક પાસે મોકલ્યો જોકે રમણો કૌશિક તરફજ જઈ રહેલો...ત્યાં પાછળથી મોતીચૌધરી નો ઘોઘરો અવાજ આવ્યો રમણા તું આહીર હું ભરવાડ આમતો આપણી જાત એકજ.... પણ આપણી વચ્ચે આવે એવાને આપણે ફાવવા નથી દેતાં અને આપણું કાપી તેઓ આગળ વધી જાય એય ચલાવી નથી લેતાં એમ કહી ખંધુ હસ્યાં.... રમણો કહે કાકા બધી વાત સમજ્યો પણ કામ કૌશિકભાઈ પાસેથી સમજી લઉં પહેલાં પછી તમને હંકારો દઉં કે નાકારો એ કહું.
કૌશિકે કહ્યું અહી આવ રમણા તારાં માટે ડાબા હાથનો ખેલ છે. કઈ અઘરું નથી પછી રમણો નજીક ગયો એટલે કૌશિકે પોતાની પાછળ રાખેલી પેટી પેક ઈંગ્લીશ દારૂની બોટલ કાઢી અને રમણાંના હાથમાં મૂકી.
બોટલનું ખોખાનું પેકીંગ વગેરે જોઈને આકર્ષાયો એના ચહેરાં પર પિશાચી આનંદ ફેલાયો એણે કહ્યું વાહ આતો ઈમ્પોર્ટેડ લાગે છે. કૌશિકભાઈ તમે ક્યાંથી લાવ્યાં ? આતો બહું મોંઘો માલ છે મેં તો આજેજ જોયો કદી પીધો નથી પણ આવી બોટલો આવે એવી ખબર છે. આ બોટલ કેટલાની આવે ? કૌશિકભાઈ એ કહ્યું રમણા તું આંબા ના ગણીશ કેરીઓ ખા.... તારે કિંમત સાથે શું લેવા દેવા ? મોતીકાકાએ આટલી મોંઘી બોટલ તારાં અને પકલા માટે મંગાવી છે લે બોટલ લહેર કરો.... જાવ .... પકલો બોટલને રીતસર ઝૂંટવીને હાથમાં પકડી બોલ્યો સાચેજ અમારાં માટે છે કાકા ? આતો બહું મોંઘી આવે છે જલ્દી ચઢે નહીં પીવાની મઝા આવે . મોતીકાકાએ કહ્યું બસ ત્યારે જલસા કર .... રમણાએ તરત બોટલનું બોક્ષ કાઢી નાખ્યું હાથમાં બોટલ લઇ જોયાંજ કરી અને બોલ્યો વાહ શું મસ્ત માલ છે .... મોતીકાકા તમારે કંઈ કામ હોય તો કહેજો અડધી રાત્રે કરી આપીશ અને કામ તો હશેજ એટલેજ બોટલ આપી છેને ?
કૌશિકે કહ્યું ખાલી બોટલ નહીં પૈસા પણ મળશે અને કામ પૂરું થયાં પછી આવી બીજી બે બોટલ અને પૈસા અલગ .... પણ કામ એવુંજ છે.
પકલો રમણા સામે જોઈ બોલ્યો રમણા કહી દે જે પણ કામ હશે થઇ જશે પણ આવો માલ ફરી જોઈશે. કૌશિકે રામણાંને નજીક બોલાવીને કહ્યું આ બોટલ લઈશ અને કામ સમજી લે એમ કહીં એનાં કાનમાં કામ કહી દીધું. રમણાનાં હાથમાં હજી બોટલ હતી.... હજી હાથમાં હતી પીધી નથી અને જાણે નશો ચઢ્યો હોય એમ બોલ્યો.... કૌશિકભાઈ તમે તો ચોંકાવી દીધા જેવી વાત કીધી... મારે અને પીતાંબરને ઈર્ષા હશે પણ ભાઈબંધી પણ છે એમ પીતાંબરને.... હું .... ત્યાં મોતી ચૌધરી ઉભા થઇ રમણાની નજીક આવી ગયાં અને બનાવટી ક્રોધ બતાવી એનાં હાથમાંથી બોટલ લઇ લીધી અને બોલ્યાં એમતો મારેય એનાં બાપ જોડે સંબંધ છે એટલે શું થઇ ગયું ? અને અમે ક્યાં મારી નાંખવા કીધું છે ?એને હોસ્પિટલ ભેગો કરી દો એટલે એલોકોની આર્થિક સ્થિતિ પર બરાબર માર વાગે .... નહીં એ કામ કરી શકે નહીં ખેતરે જઈ શકે.... થોડો સમય ઉભો નહીં રહે એટલે નવા નવા પ્લાન કરવાનું બહું જોર ચઢ્યું છે એ ઠંડુ થઇ જશે. રહેવાદે તારાંથી કામ નહીં થાય આતો ગામની દૂધ મંડળીનાં સારાં માટે અમારે આવું આવું આવડું કામ કરવું પડે છે કારણકે સીધી આંગળીએ ઘી નહીં નીકળે ટેઢી કરવીજ પડે .... પછી બોટલ લઇ લીધી કહ્યું જા જા તારાંથી નહીં થાય અમેય ભૂલ કરી સોનાની જાળ પાણીમાં નાંખી .... પકલો અને રમણો એકબીજા સામે જોવાં લાગ્યાં અને પકલાએ રમણાને આંખથી ઈશારો કર્યો અને રમણાએ મોતીકાકાનાં હાથમાંથી બોટલ ખેંચી લીધી અને હસતો હસતો બોલ્યો તમેય શું કાકા આવી નાની નાની વાતમાં ગરમ થાવ છો ? મેં ક્યાં ના પાડી છે ? એ મારો ભાઈબંધ ખરો પણ એનાં લગ્ન પછી બહું હવામાં ઊડવા લાગ્યો છે મોટી ખેતી છે પોતે એકનો એક છે વળી વાગડની ભણેલી રૂપસુંદરી પરણીને આવ્યો છે ત્યારથી સીધા મોઢે વાત પણ નથી કરતો અને એને ક્યાં મારવો છે ? આંતરીને ઘાયલજ કરવો છે ને ? થઇ જશે .... તમે સમજી લો તમારું કામ થઇ ગયું પણ હાં પૈસા અને બીજી બે બોટલ તૈયાર રાખજો .....
કૌશિકે કહ્યું આવી ગયો લાઈન પર ? તને નરમાઇથી સમજાવીએ તને ગળે નથી ઉતરતું પણ એક મિનીટ અમારી ખબર પ્રમાણે એ આણંદ કે ક્યાંક બહાર ગયેલો છે મોડી સાંજ સુધીમાં પાછો આવશે બની શકે તો આજેજ કામ પૂરું કરી નાંખો આમાં રાહ જોવાં જેવી નથી.....
રમણાંએ કહ્યું વાંધો નહીં થઇ જશે પહેલાં અત્યારે આ બોટલનાં શ્રી ગણેશ કરીશું પછી અમને માતા આવશે એમ કરી હસતો હસતો બાઈક પર બેસી ગયો બોટલ પકલાએ પકડી લીધી અને પાછળ બેસી ગયો અને બાઈક ત્યાંથી નીકળી ગઈ.
મોતી ચૌધરીએ કૌશિકને કીધું હવે આજે કામ થઇ જવાનું વાંદરાને દારૂ પીવડાવ્યો છે એટલે કામ થઈને રહેશે અને કૌશિકે કહ્યું ચલો આપણે અહીંથી નીકળી જઈએ એમ કહી બાઈક પર બેઠો મોતી ચૌધરી પાછળ બેઠો અને બાઈક પણ ત્યાંથી નીકળી ગઈ.
******
પીતાંબર ડેરી અંગેની માહિતી લઇ એનાં બધાં લીટરેચર માહીતી પત્રક -લીસ્ટ , કોટેશનવાળી આખી ફાઈલ લઈને નરેશનાં ઘરે જવાં નીકળ્યો. નરેશનાં ઘરે પહોંચીને એણે કહ્યું નરેશ આજે તારી મદદથી મારુ બહું મોટું કામ થઇ ગયું નરેશે કહ્યું સારુંને તારી પ્રગતિ જોઈને આનંદજ થાય છે.
ત્યાં નલિની આવીને પૂછ્યું પીતાંબરભાઈ વસુધાભાભી કેમ છે ? એમને ના લાવ્યાં ? આવ્યાં છે તો જમીનેજ જજો. એક સાથે ઘણું પૂછી લીધું. પીતાંબરે કહ્યું વસુધા મઝામાં છે અને પેટથી છે ચાર મહીનાં થયાં છે તમે લોકો આવજો ઘરે એ તમને યાદ કરે છે અમે લગ્નમાં પણ નાં આવી શક્યાં. આજે જમવાનું તો નહીં ફાવે પણ ચા નાસ્તો કરીને નીકળી જઈશ વસુધા રાહ જોતી હશે. જમવા અંગે અમે સાથે આવીશું હજી મારે અમારાં મોબાઈલનાં સીમ લેવાનાં છે અને ચારજીંગ કરવાનું છે વળી સરલાબેન માટે મોબાઈલ લેવાનો છે
નયને કહ્યું અરે આપણાં ઘર પાસેજ છે મોબાઈલની દુકાન મારો મિત્રજ છે. કઇ નહીં ચા નાસ્તો કરીને તને બધું કરાવી આપું છું હું પણ મોબાઈલ લેવાનો છું તારો આજે નંબર આવી જાય એ હું રાખી લઈશ પછી મારો આવશે ત્યારે પહેલો ફોન તને કરીશ એમ કહી હસી પડ્યો.
પીતાંબરે કહ્યું ભલે.... મોબાઈલ હોય તો ગમે ત્યારે ગમે ત્યાં ફોન કરી શકાય અને હવે ડેરીનું કામ કરવું છે તો એનાંથી સુવિધા અને આસાની રહેશે.
નલિનીએ પીતાંબર અને નયનને ચા નાસ્તો આપ્યો,બંન્ને જણાએ શાંતિથી ચા નાસ્તો કર્યો પછી પીતાંબરે કહ્યું ચલ નયન મોબાઈલનું કામ પટાવીએ હજી બધું પૂરું કરી ઘરે પહોંચતાં અંધારું થઇ જશે અને વસુધા તો રાહ જોઈને બેઠી હશે.
નયન અને પીતાંબર નયનનાં ઓળખીતાની મોબાઈલની દુકાને ગયાં ત્યાં કઈ કંપનીનું સીમ કાર્ડ લેવું ત્યાં ગામમાં કોનું નેટવર્ક વધારે સારું મળી રહે એવી ચર્ચા કરી કંપની પસંદ કરી સીમકાર્ડ લીધાં સરલા માટે મોબાઈલ અને એનું પણ સીમ લઇ લીધું. પીતાંબરે બધાં પૈસા ચૂકવી દીધાં અને કહ્યું ભાઈ હવે તમારે ત્યાંજ આવીશું જો મોબાઈલ અંગે કઈ કામ પડ્યું તો..... પેલા દુકાનદારે આભાર માન્યો અને કહ્યું જરૂરથી આવજો તમારીજ દુકાન છે અહીંથી કાયમ સર્વિસ મળી રહેશે.
પીતાંબર બધું સમજી કાળજીપૂર્વક લીધું અને નયનની રજા લીધી નયને કહ્યું આવીશું તારાં ઘરે થોડાં દિવસમાં .... પીતાંબરે કહ્યું જરૂરથી આવજો. એમ કહીને પીતાંબર ગાડીમાં બેઠો અને ઘર તરફ હાંકી....
શહેર વટાવી ગામ તરફ આવ્યો અને વચ્ચે કેનાલ આવી એક છેડેથી એ કેનાલનાં રસ્તે ઘુસ્યો સામેથી પૂરઝડપે એક ટ્રેકટર ધસી આવ્યું અને .....
વધું આવતાં અંકે - પ્રકરણ 39