ધાકડ
-રાકેશ ઠક્કર
કંગના રનોતની ફિલ્મ 'ધાકડ' માં 'એક્શન, એક્શન એક્શન' જ છે. પણ એનાથી 'એન્ટરટેન્મેન્ટ એન્ટરટેન્મેન્ટ એન્ટરટેન્મેન્ટ' મળતું નથી. એકશન ફિલ્મ હોય એટલે એમાં માત્ર એક્શન જ હોય એવી ગેરમાન્યતા ધરાવતા નિર્દેશકને કારણે 'ધાકડ' ની વાર્તા પકડ જમાવી શકતી નથી. કંગનાની 'અગ્નિ' ની ભૂમિકાવાળી ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠંડી જ રહી છે. કંગનાએ વાર્તાને બદલે એક્શનને જ વધારે મહત્વ આપ્યું છે. અગ્નિ (કંગના) નામની એક આંતરરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ એજન્ટની વાર્તા છે. તે નાની હતી ત્યારે તેના માતા-પિતાની હત્યા થઇ ગઇ હોય છે. તેનો ઉછેર સીક્રેટ સર્વિસના મુખ્ય અધિકારી (શાસ્વત) દ્વારા થાય છે. અને તેને જાસૂસ તરીકે પ્રશિક્ષણ અપાય છે. અગ્નિને જાસૂસ તરીકે માનવ તસ્કરીની માહિતી મેળવવા એક ખતરનાક મિશન પર મોકલવામાં આવે છે. જેનું જોડાણ ભારતની કોલસાની ખાણો સાથે હોય છે. મિશન દરમ્યાન તેને ખતરનાક ગુનેગાર રુદ્રવીર (અર્જુન) વિશે જાણવા મળે છે. જે દસ વર્ષથી કોઇની પકડમાં આવ્યો નથી. રુદ્રવીરના ધંધામાં નિર્દયી રોહિણી (દિવ્યા) પણ હોય છે. જે હસતા- હસતા કોઇનો પણ જીવ લઇ લે છે. અગ્નિને શરૂઆતમાં નિષ્ફળતા મળે છે. પણ તે ઘાયલ શેરનીની જેમ દુશ્મનોને જવાબ આપે છે. પછી વાર્તામાં એવો વળાંક આવે છે કે અગ્નિને આંચકો લાગે છે. રુદ્રવીર સાથે તેનું એક જૂનું જોડાણ નીકળે છે. તે રુદ્રવીર સામે જીત મેળવે છે કે નહીં? અને પોતાના માતા-પિતાની હત્યાનો બદલો લઇ શકે છે કે નહીં એ જોવા ફિલ્મ જોવી પડશે.
કંગના સિવાય બીજી કોઇ અભિનેત્રી આવી ભૂમિકા ભજવી શકી ન હોત એ વાત સ્વીકારવા છતાં તે ફિલ્મની વાર્તા પસંદ કરવામાં થાપ ખાઇ ગઇ છે એ સ્વીકારવું પડશે. તે જ્યારે પણ પડદા પર દેખાય છે ત્યારે એક્શન કરતી જ હોય છે. અને જે દ્રશ્યમાં એક્શન નથી એમાં કંગના પ્રભાવિત કરતી નથી. કંગનાએ અનેક વખત રૂપ બદલ્યા છે. તે દરેક રૂપમાં કમાલનું કામ કરી ગઇ છે. તે ગ્લેમરથી પણ આકર્ષિત કરે છે. અર્જુન રામપાલ વિલન તરીકે પોતાના અંદાજથી પ્રભાવિત કરે છે. તે હજુ પણ વધુ સારું કામ કરશે એવી આશા આપી જાય છે. દિવ્યા દત્તા પણ પોતાની ક્રૂર ભૂમિકાથી ધ્યાન ખેંચે છે. ખલનાયિકા તરીકે તે એક નાની બાળકીને ત્રાસ આપે છે ત્યારે ખતરનાક લાગે છે. તેણે પોતાને અનુભવી અભિનેત્રી સાબિત કરી છે. સતત એક્શન દ્રશ્યો આવતા રહેતા હોવા છતાં સવા બે કલાકની ફિલ્મ લાંબી લાગે છે. એક્શન વધુ હોવાથી ઇમોશન પર ધ્યાન અપાયું નથી. માતા-પિતાના મોતના બદલાની બાબતમાં કે પછી માસૂમ છોકરીઓને વેચવાના મુદ્દે કોઇ દ્રશ્ય ભાવનાત્મક રીતે પ્રભાવિત કરી શકતું નથી. ક્લાઇમેક્સની પણ દર્શકો કલ્પના કરી શકે એમ છે. નિર્દેશક રજનીશ ઘઇ પાસે બજેટ ઓછું હોવા છતાં હોલિવુડ જેવા એક્શન દ્રશ્યો આપ્યા છે. એમાં કેટલાક દ્રશ્યો હોલિવૂડની ફિલ્મોની નકલ પણ લાગશે. એક્શન પર વધારે ધ્યાન આપવામાં વાર્તાની અવગણના કરવામાં આવી છે. સિનેમેટોગ્રાફી જબરદસ્ત છે. ફિલ્મમાં નામ માત્રના સંવાદ છે. કંગનાના 'મૈં જો હૂં, મુઝે ઉસકા ઘમંડ નહીં હૈ' કે દિવ્યાના 'આજકલ મૈં થોડી ફેમિનિસ્ટ હો ગઇ હૂં' જેવા એક-બે સંવાદ યાદગાર છે. પહેલી મહિલા કેન્દ્રિત એક્શન ફિલ્મ ગણાતી 'ધાકડ' ને 'એ' સર્ટિફિકેટ મળ્યું હોવાથી દર્શકો સીમીત થઇ ગયા છે. વાર્તા એવી છે કે માત્ર એક્શનના અને કંગનાના ચાહકોને જ પસંદ આવે એવી છે. અંત કેવો હશે એનો ખ્યાલ આવી જાય છે. ગીત -સંગીત પણ રાહત આપતું નથી. એકમાત્ર 'શી ઇઝ ઓન ફાયર' સારું બન્યું છે. એક સમીક્ષકે ફિલ્મ 'ધાકડ' માટે લખ્યું છે કે કંગના એક્શન હીરોઇન તરીકે બધાંની પીટાઇ કરતી હોવાથી તેના ચાહકોને તો પસંદ આવશે જ પણ તેની પીટાઇ થતી હોવાથી તેના દુશ્મનોને પણ જોવી ગમી શકે છે! કંગનાની એ કમનસીબી કહેવાય કે 'ધાકડ' એક એક્શન ફિલ્મ હોવા છતાં એક સારી એક્શન ફિલ્મ બની શકી નથી.