DFO રાજપૂત સાહેબે પોતાની સાથે ગાર્ડ્સની પણ એક ગાડી લીધી. તેઓને ફક્ત તૈયાર રહેવા સૂચના આપી. માહિતી લીક થઈ જવાની બીકે ક્યાં જવાનું છે? કઈ જગ્યાએ છાપો મારવાનો છે એવી કોઈ સૂચના ન આપી. ફક્ત પોતાની ગાડીને ફોલો કરવાનું કહ્યું. રાજપૂત સાહેબની ગાડીમાં ડ્રાઇવર,સાહેબ અને ગેલો ત્રણ જણ જ હતા. ગાડી મેંદરડાના રસ્તે ચડી. સાહેબ રસ્તામાં આવતા ગીરને માણી રહ્યા હતા. રાજપૂત સાહેબે ગાડીને માલણકા ડેમના રસ્તે લેવડાવી. ડેમ આગળ ગાડી ઘડીક થોભાવી. પાછળ ગાર્ડ્સની ગાડી પણ ઉભી રહી. તેમને ગાડીમાં જ રહેવાનું કહી રાજપૂત સાહેબ એકલા નીચે ઉતર્યા. ગેલો પણ ગાડીમાં જ બેઠો રહ્યો. ગાર્ડ્સને રાજપૂત સાહેબની યોજના સમજ આવી રહી નહોતી. રાજપૂત સાહેબ ઘૂઘવતા સાગર જેવા ડેમના પાણી પર નજર કરી પાછા ગાડીમાં બેસી ગયા. બંને ગાડી રવાના થઈ મેંદરડાના રસ્તે થઈને જુનાગઢ પહોંચી બપોર થવા આવ્યો હતો.
રાજપૂત સાહેબે જૂનાગઢમાં પહોંચીને ફરી ગાડી થોભાવી. પોતે ગેલાને લઈ નીચે ઉતર્યા. પાછળની ગાડીમાંથી છ ગાર્ડ્સને પણ નીચે ઉતાર્યા. હવે રાજપૂત સાહેબે ગેલાએ કહેલી વાત ગાર્ડ્સને કહી. અને આ આખું ઓપરેશન પાર પાડવા કેવી વ્યૂહ રચના કરવી તેના અભિપ્રાયો માંગ્યા. કારણકે મોટાભાગના ગાર્ડ્સ લોકલ હોય છે. અને તેઓ જંગલી પ્રાણીઓથી લઈ આવી શિકારી ટુકડીને કેમ હેન્ડલ કરવી તે સારી રીતે જાણતા હોય છે. અમુક ટ્રેકર્સ અને ગારડ્સની સિંહ સાથેની દોસ્તીના પણ ઘણા પ્રસંગો છે.
ઘણા વર્ષો પહેલા જ્યારે ગીરમાં પવનચક્કીઓ અને સોલાર સિસ્ટમ નહોતી ત્યારે ઉનાળાની સિઝનમાં સિંહને પાણી પીવાની ખૂબ તકલીફ પડતી. ઉનાળામાં ગીરની નદીઓ અને ધરા સુકાઈ જાય છે. આવા સમયે પ્રાણીઓને પાણી પીવાની રકાબી આકારની કુંડીઓ જ્યાં પાણીના ટેન્કર પહોંચે ત્યાં સુધી ટેન્કરો દ્વારા રોજ ભરવામાં આવતી. પરંતુ અમુક એવા દુર્ગમ વિસ્તાર છે જ્યાં કોઈ પણ વાહન જઈ શકતું નથી. એટલે આવા વિસ્તારમાં આ કુંડીઓ ભરવા માણસો રાખેલા હતા. એ માણસો ડબ્બાને દોરડાથી બાંધી કૂવામાંથી પાણી ખેંચીને કુંડા ભરતા. આવા એક હુરાભાઈ બે ત્રણ કુંડા ભરવાનું કામ કરતા. સવારથી સાંજ સુધી હુરાભાઈનું એક જ કામ કુંડા ખાલી ન રહેવા પડે. ઉનાળામાં આંકરા તડકાને લીધે પ્રાણીઓને પણ ખૂબ પાણીની જરૂર પડે. અને પાણીનું બાષ્પીભવન પણ વધારે થાય. એટલે દિવસમાં બે ત્રણ વાર આ કુંડા ખાલી થઈ જાય. હુરાભાઈ આખો દિવસ કૂવામાંથી પાણી ખેંચીને કુંડા ભર્યા કરે. સાંજે ઘરે જાય તે પહેલા પણ કુંડા છલકાવી દે. હુરાભાઈના સિંહ એવા હેવાયા કે હુરાભાઈ સવારમાં આવે ને હુરાભાઈને એવી ટેવ કે સવારના પોરમાં પ્રભાતિયા લલકારે સાથે ડબ્બાને તબલા ની જેમ વગાડતા જાય. આ અવાજ સાંભળતા વેત આખી રાત શિકારની શોધમાં ભટકેલા કે શિકાર ખાઈને આરામ કરી રહેલા સિંહ પરિવાર જેમ કૃષ્ણ ભગવાનની વાંસળીનો નાદ સાંભળી ગાયો પાછળ ચાલતી થાય તેમ હુરાભાઈની પાછળ ચાલતા થાય. હુરાભાઈને સાવજોની બીક નહીં ને સાવજોને હુરાભાઈની બીકની નહિ. ઉનાળાની સિઝનમાં સાવજ પરિવાર પાણીની આજુબાજુ જ રહેતા હોય છે.
હુરાભાઈ પાણીનો ડબ્બો કુવામાં ઉપરથી જાળી ખોલીને નાખે ત્યાં સાવજ, સિંહણોને પાઠડા પાણી પીવા અથરા થઈ તેની એકદમ નજીક આવી જતા. આ સાવજ પરિવારના સરદારનું નામ જખરો હતું. જખરા અને હુરાભાઈની દોસ્તી ખૂબ અનોખી હતી. હુરાભાઈ પાણી ખેંચતા હોય ત્યારે ઘણી વખત જખરો તેની નજીક જઈ તેની સાથે તેનો ઢીંઢુ ઘસી લેતો. ગીરનો મોટો ડાલામથ્થો જો આપણીથી આટલો નજીક આવી ગયો હોય તો આપણું તો હૃદય જ બેસી જાય. પરંતુ આ તો હુરાભાઈ હતા. ગર્યમાં જ મોટા થયેલા અને હમજણા થયા ત્યારથી ગર્યની જ નોકરી કરતા હતા. તે પાણી ખેંચતા ખેંચતા પાછુંવાળું પણ જોયા વગર તેની નજીક આવી ગયેલા જખરાને ઠપકો આપતા હાંકલો કરતા, "હ ..હ....અલ્યા ઈતરો અથરો મ થા. ઘડીક હાહ તો ખા. હમણી પાણી પીવડાવું હૂ. જોતો નથ,આ પાણી તો ખેસું સુ. આ તારી હારુ થય ન તો વેલો જાગી ડબો લય ને નિહરી ગ્યો સુ. સેટો રે હમણે પાણી આપું સુ હો! તારી કરતા તો તારા આ પાઠડા હમજણા જો તો ખરો કુંડે કેવા લેન સર બેહી ર્યા સે! જા કુંડે બેહ પાણી હમણાં નામું જ સુ."હુરાભાઈનો આ ઠપકો જાણે જખરો સમજી જતો હોય તેમ કુંડાના કાંઠે જઈ ડાયો થઈ બેસી જતો. હુરાભાઈ ઉતાવળે ઉતાવળે કૂવામાંથી ડબા ભરીને કુંડામાં ઠાલવવા લાગતા. કુંડો આખો ભરાયને પાણી આછરું થાય પછી સાવજ પરિવાર ફરતે ગોઠવાય જતો અને તેની લાંબી જીભે લપક... લપક... કરતા ધરાઈને કૂવાનું શીળુ પાણી પીને સવારના ઠંડા વાતાવરણમાં કુંડાની નજીક જ આરામ ફરમાવતા.
જ્યાં સુધી સિંહની હાજરી આજુબાજુમાં હોય ત્યાં સુધી બીજા પ્રાણીઓ આ બાજુ ફરકતા પણ નથી. તૃણાહારી પ્રાણીઓ હવામાં સિંહની વાસને પારખી લેતા હોય છે. એટલે સિંહ પરિવાર અહીં કુંડા પાસે આરામ ફરમાવે તો હરણ, રોઝ,શિયાળ,સુવર,સસલા જેવા પ્રાણીઓ આ તરફ તરસ લાગી હોવા છતાં પાણી પીવા આવતા નથી. ફક્ત કાગડા સિંહ પરિવારથી ડરતા નથી. એ તો જ્યાં સિંહ પરિવાર હોય તેની આજુબાજુ ઝાડની ડાળીઓ પર બેસી તેના કર્કશ અવાજ ક્રાઉ... ક્રાઉ... થી બીજા પ્રાણીઓને સિંહ પરિવારની અહીં મોજુદગી છે તેની જાણ કરી દે છે. અને જો સિંહે શિકાર કર્યો હોય તો પણ કાગડા આજુબાજુ ઉડ્યા કરે છે. જેવા સિંહ શિકાર ખાઈને જરા પણ આઘા પાછા થાય અથવા આરામ ફરમાવે એટલે કાગડા ઝાડની ડાળીએથી નીચે ઉતરી આજુબાજુની પરિસ્થિતિ જોતા જોતા ઠેકડા મારતા શિકારની નજીક પહોંચી જાય છે. અને શિકારમાંથી માસનો ટુકડો ચૂરાવી ઝાડની ડાળીએ બેસીને ખાય છે. અત્યારે પણ સિંહ પરિવાર જેવો આરામ કરે કે કાગડા તરત કુંડાને કાંઠે બેસીને પાણી પી લેતા હતા. હુરાભાઈને ખબર હોય છે કે જંગલના બીજા જાનવરો પણ તરસ્યા હશે. પરંતુ જ્યાં સુધી આ સિંહનો પરિવાર અહીંથી દૂર નહીં જાય ત્યાં સુધી બિચારા પાણી પીવા નહીં આવે. એટલે વળી હુરાભાઈ જખરાને ઉદેશીને ઠપકો આપતા, "તે પાણી ઢીંસી લીધું ને? હવ આયા હૂ સાસર તાણ્યા સે? ગર્યમાં બીજાય હજી ઘણાં તરસા સે હો! ગર્ય કાય એકલાં આપડા બાપાનું નહિ! ઊભા થાવ ને હવે ડાંડે પડો.કો'ક ના વારા આવવા દિયો." હુરાભાઈની આ ઠપકા ભરી રાડ સાંભળી જખરો બેઠો થઈ જતો, પછી જાણે હુરાભાઈની વાત સમજી ગયો હોય તેમ ધીમે ધીમે જંગલની કેડીએ ચડી જતો. જખરો ચાલવા લાગે એટલે પાછળ તેની સિંહણો અને પાઠડા પણ એક પછી એક ઉભા થઈને જંગલની કેડીએ ચડી જતા. ચાલ્યા જતા હાવજ પરિવારને જોઈને ડબાથી પાણી હારતા હુરાભાઈ રાજી થઈને બોલતા, " ગર્ય આખામાં જખરાનો જોટો નો જડે વાલા.પરાણી સે પણ માણા કરતાં વધું હમજણો."
સિંહ પરિવારની વિદાયથી ક્યારના પાણી પીવાની રાહે બેઠેલા સુવર તેના બચ્ચાનું લાંબુ લપસિંદર લઈ પાણી પીવા આવતું. પાછળ પાછળ હરણાનું ટોળું અધીરું થઈ કુંડે પાણી પીવા લાગતા. ખૂબ જ ડરપોક અને ચપળ હરણા પાણી પીતા પીતા ઘડી ઘડી ઉપર જોઈ કોઈ શિકારી પ્રાણી ના આવી જાય તેનું રખોપુ કરી લેતા. તેની સાથે રોઝનું ટોળું પણ હાજર થઈ જતું. આ બધાને ડારવા શિયાળવા તેની પાછળ દોડતા. આ જોઈ હુરાભાઈ શિયાળવાને પણ ઠપકો આપતા, "નખરા કર્યા વગર સાનુમાનુ પાણી પીને વેતું પડ્ય. હમણે તારો બાપ જખરો આઈ જાહે તો તારો ફોદો કાઢી લાખશે."
હુરાભાઈને આ જંગલી જનાવરોની દોસ્તી અનોખી હતી. હુરાભાઈ કૂવાને થાળી બેઠા બેઠા આ બધાને પાણી પીતા જોયા કરે, ને મનમાં ને મનમાં રાજી થાય. અહીં જંગલમાં બીજું તો કોઈ હોય નહિ એટલે આ જનાવરો સાથે આખો દાડો વાતો કર્યા કરે. હુરાભાઈની નજર એવી પારખું હતી કે તેના વિસ્તારમાં કોઈ અજાણ્યા હાવજના પગલા થયા હોય તો તે જોઈને કહી દેતા કે અજાણ્યો હાવજ આટા ફેરા કરી ગ્યો હે. ને જો કોઈ જંગલ ખાતા સિવાયના માણસોના પગલાં પડ્યા હોય, તો પણ તે તરત ખાતામાં જાણ કરી દેતા કે "ધ્યાન રાખજો રાતે અજાણ્યા હગડ (પગલાં) પડેલાં હે."એ વખતે તો મોબાઈલ ફોનનો જમાનો નહોતો પરંતુ કોઈ જંગલ ખાતાના સાહેબે તેના કેમેરામાં હુરાભાઈ કુંડાના કાંઠે બેઠા હોય ને જખરો અને એના પરિવાર તેની પડખે બેસી પાણી પીતા હોય એવો ફોટો પાડી દીધો હશે. આ ફોટો હુરાભાઈ કાયમ પોતાની સાથે રાખતા અને બધાને બતાવતા પણ ખરા.
આવી રીતે ટ્રેકર્સ ગાર્ડસ અને ગીરના જંગલમાં કામ કરતા મોટાભાગના સ્થાનિક લોકો જ પસંદ કરવામાં આવે છે.કારણ એ છે કે, સ્થાનિક લોકો અહીંના ભૂગોળ અને જંગલના નિયમોને સારી રીતે જાણતા હોય છે. બધાં ગાર્ડે રાજપુત સાહેબને આ ઓપરેશન કઈ રીતે પાર પાડવું તેની સલાહ આપી. જે રાજપૂત સાહેબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ઓપરેશન કઈ રીતે પાર પાડવું તેનો પ્લાન બની ગયો. ગારડ્સ અને રાજપૂત સાહેબ બધાં વિધાઉટ યુનિફોર્મમાં હતાં.સરકારી ગાડી પણ એક જગ્યાએ સંતાડી દિધી.ત્યાંથી લોકેશનની જગ્યાએ બે રીક્ષા બંધાવી બધાં નીકળી પડ્યાં.
ક્રમશ:
(શિકારી ટોળકી પકડાશે કે નહીં તે જાણવા માટે વાંચતાં રહો... "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ.ટાંક
Wts up no.9428810621