Dahya Poona Hotel in Gujarati Biography by મહેશ ઠાકર books and stories PDF | ડાહ્યા પૂના ની હોટેલ

Featured Books
Categories
Share

ડાહ્યા પૂના ની હોટેલ



શેઠ ડાયા પૂનાની હોટલ એટલે એક...કડક...મીઠી…ચા.

સવારે વહેલા નીક્ળી ડાયા પુનાની ચા પીયને ટ્રેન પકડીયે આ સંવાદ ભાવનગરમાં વર્ષો સુધી બોલાતો હતો. ખાર ગેટ પાસે શેઠ ડાયા પુનાની હોટલ એક લેંડ માર્ક હતી. લગભગ એંસી કે નેવુ વર્ષ પહેલા શરૂ થયેલી આ હોટલ ની ઘણી ખુબીઓ હતી. સહેજ ઉંચી ત્રણ પગથીયાં ચડી હોટલમાં દાખલ થવાનું. ડાબી બાજુ ઉંચી ખુરશીમાં શેઠ બેઠા હોય. શરીરે સશક્ત. અવાજ પણ ભારે. હાથમાં બીડી હોય. આખું ભાવનગર તેમને ઓળખે. ડાયા પુના નામ ભાવનગરમાં એટલું પ્રચલિત થયેલું કે કોઈને મળવાનું હોય તો પણ કહેવાતું કે ડાયા પુનાની હોટલે મળીયે.

હોટલનો લાકડાનો ગલ્લો. સીસમના લાકડાના બાંકડા, ટેબલ ઉપર સફેદ માર્બલ ટોપ. માથે 56 ની સાઈઝના મોટા પંખા ફરતા હોય. રેડિયો વાગતો હોય અને અવાજ આવતા હોય એક કડક મીઠી ચાર નંબર ઉપર. છ નંબર પર બે કડક મીઠી. . આખો દિવસ બસ કડક મીઠી સંભળાતું રહેતું હોય કારણ કે આ હોટલ તેની કડક-મીઠી ચા માટે પ્રખ્યાત હતી.

એવા પણ ગ્રાહકો હતા કે સવારે ઘરની ચા પીવાને બદલે સીધા હોટલમાં આવી જાય અને પછી કડક-મીઠી પીયને ઘરે જઈ પોતાની ચા પીતા. કણબીવાડ, ભગાતળાવ,શેરડીપીઠનો ડેલો, રાધનપુરી બજાર કે જ્યાં વ્યાપાર ધંધાની બજારો સાથે રહેણાંક પણ હતા. વસતિ હોવાના કારણે ડાયા પુનાની હોટલ ધમધોકાર ચાલતી.

ડાયા પુનાની હોટલ સાથે લોકોને એક આત્મિયતા બંધાઈ ગયેલી. ચા પીને ઘણા ગ્રાહકો બીડી કે સિગારેટ પેટાવે અને માચીસ જેને પેટી કહેતા તે શેઠ પાસે માગે કે પેટી આપજો ને અને શેઠ કે જયંતિભાઈ કહેતા કે એક આનાનું આવે છે કાલથી પેટી ઘરેથી લેતો આવજે. ઘણા ગ્રાહકોના ખાતા પણ ચાલતા. ઉધારી વધી જાય એટલે શેઠ કહેતા કે હોટલ બંધ ન કરાવતો. થોડું થોડું આપતો જા. તમારી જેવા આઠ દસ ભટકાઈ જાય તો હાથમાં વાટકો લેવો પડે.

ખાર ગેટ પાસે ચાર રસ્તા પડે. એક ઘોઘા ગેટથી ઉતરી આવે અને સીધો જુના બંદર રોડ પર જાય. ત્ત્યાં લોખંડ બજાર અને તેનાથી આગળ લાતી બજાર આવતી. લાકડા કાપવાના અને વેરવાના બેનસો હતા. ભાવનગર વેજી ટેબલ પ્રોડકટસ્ની ફેકટરી પણ મોટી હતી. ત્યાં સુધી ડાયાભાઈની હોટલની ચા જતી. મામાકોઠા રોડ પરથી આવતો રસ્તો દાણા પીઠ અને રેલવે સ્ટેશન તરફ જતો.. ભીડ અને કોલાહલથી આ ચારેય રસ્તા ભરચક રહે.

ડાયા પુનાની હોટલ પ્રમાણમાં વિશાળ જગ્યામાં હતી એટલે બેસવાની મોકળાશ. કારખાનાં કે ફેકટરીમાં કામ કરતા લોકો રાતપાળી પુરી કરી સવારે ડાયા પુનાની હોટલમાં ચા પીય ઘરે જાય તેવાજ રીતે સવારની પાળીવાળા પણ ચા ઠઠાડી કામ પર જાય.

ડાયા પુનાની કડક મીઠી ચા આ બધાને તાજગી ભરી દેતા. ભાવનગરમાં તે સમયે બહુ હોટલો ન હતી બસ આવી ચા ની ગણી શકાય એવી જગ્યાઓ હતી. જ્યારે ડાયા પુનાની હોટલ તો બેસવાની સગવડ, પંખા અને રેડિયો ની સવલત આપતી હતી એટલે ભાવનગરના લોકો માટે એક લકઝરી હતી. મને યાદ આવે છે કે પચાસ પંચાવન વર્ષ પહેલા વેપારીઓ દુકાનના ચા મગાવી લેતા. બહારથી હટાણું કરવા આવતા વેપારીઓ અને ગ્રામજનો ખરીદી પતે એટલે દુકાનદારને કહેતા કે શેઠ ડાયા પુનાની કડક મીઠી ચા મંગાવો, પીયને હાલતા થઈયે.

બંદર રોડ ઉપર એક સાથે લાઈનમાં ત્રણ સિનેમા ઘર આવેલા. પેલેસ, દિપક અને સંગમ. આ ત્રણ સિનેમામાં થી રાતનો છેલ્લો શો બાર કે સાડાબાર વાગે છૂટે એટલે ડાયાભાઈની કડક-મીઠી ચા ના બંધાણી લોકો ચા નો આખો કે અર્ધો ડોઝ ઝીકી ઘર તરફ પ્રયાણ કરતા. એ સમયે હોટલની આગળ લોકોની ભીડ થઈ જતી.

અને એક સમય એવો આવ્યો કે શેઠ ડાયા પુનાની ચા ભુલાતી ગઈ. ઘરાકી સાવ ઓછી થઈ ગઈ. આજે તો એ ત્રણ મજલાના મકાનમાં દુકાનો ઉતરી ગઈ છે અને તેમ છતાં તેની દિવાલોમાંથી પેલી કડક મીઠી ચાની સુગંધ આવ્યા કરે છે.
ચા ના જાણકાર અને રસિયાઓ કહેતા કે ચા ને ગમે તે નામ આપો પણ શેઠ ડાયા પુનાની કડક-મીઠી ચાની તોલે કોઈ ન આવે.