Angat Diary in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - નિષ્ફળતાને સફળ થવા દો

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

અંગત ડાયરી - નિષ્ફળતાને સફળ થવા દો



શીર્ષક : નિષ્ફળતાને સફળ થવા દો
©લેખક : કમલેશ જોષી

એક મિત્રે વિચિત્ર વાક્ય કહ્યું: ‘નિષ્ફળતાને આપણે સફળ થવા દેતા નથી એટલે આપણે સફળ થતા નથી.’ કોઈ પણ નિષ્ફળતા, પછી એ પરીક્ષામાં ફેલ થવાની હોય, હરીફાઈમાં હારી જવાની હોય, ઇન્ટરવ્યુ ક્લીયર ન થવાની હોય, ચૂંટણી ન જીતી શક્યાની હોય કે જીવનનો એક આખો દસકો કાળો ડીબાંગ ગયો હોય એની હોય, કોઈ પણ નિષ્ફળતા આપણને મળે ત્યારે આપણું રિએક્શન શું હોય છે? ‘સિલેબસ બહારનું પેપર હતું’, ‘જજીસે પક્ષપાત કર્યો’, ‘લાગવગ કે પૈસા ખવડાવે એને જ નોકરી મળે છે’, ‘ઈ.વી.એમ.માં ગરબડ થઈ’ કે ‘મારા ગ્રહો કે નસીબ જ ખરાબ છે’ વગેરે વગેરે વગેરે...! મોસ્ટ ઓફ અસ આવા જ બહાનાઓ ધરીને નિષ્ફળતાને, એ જે લઈને આવી છે એને, ઠુકરાવી દઈએ છીએ, જાકારો આપીએ છીએ, નિષ્ફળતાને સફળ થવા દેતા નથી.

મનેય મુદ્દો ગંભીર લાગ્યો. આપણે નિષ્ફળ ગયા પછી કદી એવું નથી કહેતા કે ‘મેં બિલકુલ મહેનત ન કરી એટલે હું ફેલ થયો’, ‘સ્પર્ધા માટે મારી તૈયારી ઓછી હતી’, ‘નોકરી માટે મારી લાયકાત ઓછી હતી’, ‘મતદારોની સમસ્યાઓ ઉકેલવામાં હું નિષ્ફળ ગયો હતો’ કે ‘જિંદગીમાં પ્રાણ ફૂંકવા જે પોઝીટીવ વાણી, વર્તન અને વિચારો જરૂરી હતા એ મેં સ્વીકાર્યા નહિ’. બસ, નિષ્ફળતા માટેના દોષનો ટોપલો બીજા પર ઢોળી આપણામાં રજમાત્ર પરિવર્તન કર્યા વિના, નિષ્ફળતા પાસેથી કશું જ શીખ્યા વિના, જેવા હતા એવા ને એવા જ, બીજી પરીક્ષા, ઇન્ટરવ્યુ, સ્પર્ધા, ચૂંટણી કે જિંદગી માટે ઉમેદવારી નોંધાવી દઈએ છીએ.

ત્રીજી રીતે વિચારો તો સફળ લોકોના રિએક્શન તમે જુઓ: ‘પેપર મસ્ત કાઢ્યું હતું’, ‘સ્પર્ધાના જજ બહુ અનુભવી, બેસ્ટ અને એકદમ તટસ્થ વલણ વાળા હતા’, ‘ઇન્ટરવ્યુ લેનારે મને ફેરવી ફેરવીને મસ્ત પૂછ્યું બધું, મને પૂરી તક મળી જવાબ આપવાની’, ‘મતદારો બહુ સમજદાર અને જાગૃત છે, કોઈ લોભ કે લાલચમાં આવ્યા વિના મતદાન થયું’ અને ‘આખી જિંદગી સફળ ગઈ કારણ કે દરેક વખતે ભગવાને કોઈ ને કોઈ મદદ મને મોકલી દીધી, મેં ભગવાનને છોડ્યા નહિ અને એણે મને છોડ્યો નહિ...’
નાનું બાળક આપણને બહુ જિદીલું લાગે. એ જીદને લીધે જ એ નવું નવું શીખતું હોય છે. તમે કદી જિંદગીમાં પહેલી વાર કોઈના પણ સહારા વિના પ્રથમ ડગલા માંડતા બાળકને જોયું છે? એ ઉભું થાય, ડોલવા માંડે, પડી જાય. ફરી ઉભું થાય, ફરી પડે, વારંવાર નિષ્ફળ થાય. જો એ વિચારે કે બે પગે કોઈના ટેકા વિના ચાલવું એ સિલેબસ બહારનું છે, જિંદગી આખી ભાખોડિયા જ ભરવા સારા. તો? અથવા મારું નસીબ જ ફૂટેલું છે હું કદી ચાલતા નહિ શીખું. તો? પણ ના, એ પડે છે, ફરી ઉભું થાય છે. અને એક દિવસ એ સફળતાપૂર્વક ચાલી શકે છે. કોઈ વિચારકે મસ્ત કહ્યું છે : પડવું એ ભૂલ નથી, પણ પડ્યા રહેવું, પડ્યા પછી ઉભું ન થવું એ ભૂલ છે. મહત્વનું એ છે કે પડ્યા પછી તમે શું વિચારો છો. હું પડ્યો કેમ? કે કોણે મને પાડ્યો? કે પછી હું ઉભો થઈ જઈશ પછી જે મજા આવવાની છે એ અમૂલ્ય છે.
એક મિત્રે કહ્યું : ખરેખર તો નિષ્ફળતા જેવું કંઈ હોતું જ નથી. નિષ્ફળતા એટલે પૂરે પૂરો ગોલ ઍચીવ ન થવો. તમે ધાર્યા હોય નેવું ટકા અને સીત્તેર ટકા આવે તો શું તમે નિષ્ફળ ગયા? તો આખું વર્ષ તમે જે વાંચ્યું, ભણ્યું, ગણ્યું એ બધું ઝીરો થઈ ગયું? તમને તમારા વિરોધી ઉમેદવારથી પાંચ, પચાસ કે પાંચ હજાર મત ઓછા મળ્યા એટલે તમે નિષ્ફળ? શું તમે તમારા મતદારોની જે સેવા કરી કે એમણે તમને જે માન સન્માન આપ્યા એ ઝીરો થઈ ગયા? તમને અઢાર હજારને બદલે બાર હજારની નોકરી મળી તો તમે નિષ્ફળ ગયા? શું તમે નોકરીમાં આઠ કલાક ખંતથી જે કામ કરો છો એ ઝીરો થઈ ગયું? જિંદગીમાં બે'ક સંબધો બગડ્યા કે બે-પાંચ વર્ષ દુઃખભર્યા ગયા તો શું તમે નિષ્ફળ? બાળપણમાં મા-બાપે જે લાડ કર્યા, યુવાનીમાં મિત્રો સાથે જે મોજ માણી, જે રમ્યા, ભમ્યા અને જજૂમ્યા એ બધું ઝીરો થઈ ગયું? ના, ના અને ના. નિષ્ફળતા જેવું કંઈ હોતું જ નથી. ઓછી સફળતા કે વધુ સફળતા એવું ઓગણીસ-વીસના ફર્ક જેવું હોય છે. બાકી બધા સફળ જ હોય છે.
એક મિત્રે કોઈ સંતનું ઉદાહરણ કહેલું યાદ આવે છે: એક સંતે સુધરવા આવેલા સુંડલામાં છાણ વીણતા એક ભગતને કામ સોંપ્યું: સુંડલામાં નદીએથી પાણી ભરીને આશ્રમની નાનકડી ટાંકી ભરી આપવી. ભગત તો આખો દિવસ મચી પડ્યો. નદીએથી આખો સુંડલો ભરી નીકળે પણ મોટાભાગનું પાણી રસ્તામાં જ ઢોળાય જાય. આશ્રમે પહોંચે તો એકાદ વાટકી જેટલું પાણી હોય સુંડલામાં. દસમો ફેરો ચાલતો હતો ત્યારે સંત ભગતને સામા મળ્યા. ભગતે કહ્યું ‘બાપજી, મને નથી લાગતું આખી ટાંકી ભરવામાં આ જન્મે હું સફળ થઈશ.’ સંતે તરત જ એના માથેથી સુંડલો ઉતારી એની સામે ધર્યો અને કહ્યું ‘તું જો સુંડલો કેવો ચોખો થવા લાગ્યો છે.. પહેલી વાર પાણી ભર્યું ત્યારથી જ સુંડલો તો ચોખ્ખો થવા જ માંડ્યો... સફળતા શરુ થઈ જ ગઈ.’

સમજ્યા તમે? જરા ધ્યાનથી જોશો તો સમજાશે. તમે કદી નિષ્ફળ ગયા જ નથી. દર વખતે થોડા થોડા તો સફળ થયા જ છો. અનુકૂળ સંજોગોમાં વધુ સફળતા મળે, પ્રતિકૂળ સંજોગોમાં ઓછી, પણ જે રમ્યે રાખે, જજુમ્યે રાખે એ સૂર્યની જેમ ઝળહળે નહિ તો તારાની જેમ ટમટમે તો ખરા જ. શું આપણે તારલાઓને નિષ્ફળ ગણીએ છીએ?
આટલા બધા સફળ રવિવારો તમે માણ્યા છે, આજનો રવિવાર નિષ્ફળતાઓમાં રહેલી નેવું, પચાસ, દસ, પાંચ કે એક ટકા સફળતાને સેલીબ્રેટ કરીએ તો કેવું?

- kamlesh_joshi_sir@yahoo.co.in