Kidnap - 13 in Gujarati Fiction Stories by hardik joshi books and stories PDF | કીડનેપ - 13

Featured Books
Categories
Share

કીડનેપ - 13

ઋષિકેશ અને રાશિ નું અપહરણ જેણે કર્યું હતું તે જ વ્યક્તિ એ હવે રિધીમા નુ પણ અપહરણ કરી નાખ્યું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પામી અને આરામ ફરમાવી રહેલ અમિતાભ આ અપહરણ નાં સમાચાર સાંભળી ને પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. તે અને અભિમન્યુ હવે કેસમાં આગળ કઈ રીતે વધવું તે અંગે ચર્ચા કરી રહ્યા હતા હવે આગળ.

______

અમિતાભ બોલ્યો, "અભિમન્યુ, પહેલા રાશિ ત્યાર બાદ ઋષિકેશ અને હવે રિધીમા. હવે બહુ થયું. આપણે આ કીડનેપર ને પકડવો જ પડશે. તારું શું કહેવું છે?"

અભિમન્યુ પણ ગુસ્સા થી મિશ્રિત ભાવ સાથે બોલ્યો, "હા સર, આપની વાત બિલકુલ સાચી છે. પણ સર, મને એક વાત રહી રહી ને સતાવે છે."

અમિતાભે પૂછ્યું, "અને એ વાત શું છે?"

અભિમન્યુ એ કહ્યું, "એજ કે આટલા અપહરણ થયા તેમાં રાશિ ની એક ની જ હત્યા થઈ અને તે પણ પેલા હરામ નાં એવા નરેશ ની મૂર્ખતા અને વાસના નાં લીધે. પરંતુ આપણા આ કીડનેપરે હજુ સુધી કોઈ ની હત્યા નથી કરી અથવા તો આપણા હાથ માં કોઈ મૃતદેહ કે તેવી કોઈ ઘટના નાં સમાચાર આવ્યા નથી. એ ઉપરાંત નથી કોઈ નાં બદલા માં કોઈ જાત ની ખંડણી કે અન્ય કોઈ માગણી કરવા માં આવી. તો આ તમામ કીડનેપ કરવા પાછળ તે કીડનેપર ની મંછા શું હશે?"

અભિમન્યુ ની વાત ને સમર્થન પૂરું પાડતા અમિતાભે કહ્યું, "એ જ સવાલ તો મને પણ સતાવી રહ્યો છે કે આખરે એ કીડનેપર નાં મગજ માં ચાલી શું રહ્યું છે? મને અહી થી બે પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે."

અમિતાભ ની વાત ને કાન આપતા અભિમન્યુ બોલ્યો, "કઈ બે પ્રબળ સંભાવનાઓ, સર?"

અમિતાભે વાત ને આગળ વધારતા કહ્યું, "એક તો એજ કે આ ત્રણ અપહરણ ઉપરાંત પણ અન્ય અપહરણો આ કીડનેપરે કર્યા હોય અને આ તમામ અપહરણ ને કંઇક ને કંઇક કનેક્શન હોય. અને બીજી સંભાવના એ કે આ કોઈ બાળકો નાં અપહરણ નું કોઈ વ્યાવસાયિક કાવતરું હોય. જોકે મને પેલી સંભાવના વધુ દમદાર લાગે છે, કારણકે આ જો કોઈ પ્રોફેશનલ ગેંગ નું કાવતરું હોત તો આપણને આપણા ખબરી તંત્ર કે પછી ઇન્ટેલિજન્સ માં થી કંઇક લીડ જરૂર થી મળત કારણકે આવડા મોટા કાંડ આટલી સિફતતા થી અને આટલા સાયલંટલી ના જ થઈ શકે. જરૂર આ કીડનેપર કોઈ જુના બદલા ની કે અપમાન ની આગ માં આ બધું કરી રહ્યો છે."

અમિતાભે બોલવાનું પૂરું કર્યું એટલે અભિમન્યુ થોડી વાર રહી ને બોલ્યો, "સર, હું પણ આપની વાતથી સહમત છું. મને પણ એવી સ્ટ્રોંગ ફિલિંગ આવે છે કે જરૂર આ કીડનેપર કોઈ જૂની અદાવતને લઈને આટલી હદ સુધી આવી પહોંચ્યો છે કે નિર્દોષ એવા બાળકો ને કીડનેપ કરી ને તેમને અને તેના પરિવારજનો ને આટલી બધી પીડા આપી રહ્યો છે."

અમિતાભ ની વાત પૂરી થઈ ના થઈ કે તરત જ અમિતાભ બોલ્યો, "અભિમન્યુ તે દિવસે તું હોસ્પિટલ એ આવ્યો ત્યારે તું મને શહેર માં છેલ્લા ચાર પાંચ મહિના માં થયેલા અપહરણ વિશે માહિતી આપી રહ્યો હતો અને ત્યારે જ ડોકટર આવી ગયા હતા અને આપણી વાત અધૂરી રહી ગઈ હતી યાદ છે? તેમાં તે ચાર કેસ પેન્ડિંગ હોવાની વાત કરી હતી. એક કેસ કોઈ કિશોર અવસ્થા ની કન્યા નાં અપહરણ નો હતો. બીજો કેસ માલવિયા નગર પોલીસ સ્ટેશન માં કોઈ છોકરા નાં અપહરણ અંગે નો હતો અને અન્ય બે કેસ અંગે તું હજુ વાત કરી જ રહ્યો હતો અને ડોકટર આવી ગયા હતા."

અભિમન્યુ એ કહ્યું, "હા સર, આપણા કેસ ની સાથે સામ્યતા ધરાવતા ચાર કેસ મે અલગ તારવ્યા હતા જેમાંથી તે છોકરી કે જેનું અપહરણ થયું હતું તે તેના પ્રેમી જોડે જ ભાગી ગઈ હતી અને તે બંને પોલીસ માં સામે થી જ હાજર થઈ ગયા હતા. જ્યારે અન્ય એક કેસ માલવિયા નગર પોલીસ સ્ટેશન માં નોંધાયો હતો તે એક ૧૫ વર્ષ નાં સમીર નામ નાં છોકરા નું તેની સ્કુલ ખાતે થી અપહરણ આજ થી ત્રણ મહિના પહેલા કરાયું હતું. તેના બદલામાં ખંડણી નો કોઈ ફોન આવ્યો ના હતો. શરૂઆત માં તે કેસ આપણા જ અન્ય કેસ ની સાથે સામ્યતા ધરાવતો હોય તેવું મને લાગતું હતું. પરંતુ આપની સાથે દુર્ઘટના થઈ અને આપને હોસ્પિટલ માં દાખલ કરાયા ત્યાર પછી નાં બીજે જ દિવસે મે સમાચારપત્ર માં તે છોકરા ની લાશ પોલીસ ને રેલવે ટ્રેક પર મળી હોવાના સમાચાર મે વાચ્યા હતા. અને મને લાગ્યું કે કદાચ તે કેસ ને આપણા કોઈ કેસ જોડે કનેક્શન ના હોય. તેમ છતાં મે તે કેસ ની બધી ડિટેઇલ મગાવી અને જોઈ હતી પરંતુ કોઈ જ કડી મળી ના હતી."

આટલું કહી અભિમન્યુ અટક્યો, અમિતાભે આગળ વધવા કહ્યું એટલે તેણે ફરી બોલવા નું શરુ કર્યું, "ત્રીજો એક કેસ શહેર નાં કુવાડવા રોડ વિસ્તાર ખાતે નોંધાયો છે. પંદર દિવસ પહેલા એક ૧૪ વર્ષ ની ઉમર ની છોકરી કે જેનું નામ ઋચિતા છે તે અચાનક તેના ઘરે થી જ ગુમ થઈ ગઈ હતી. તેના માટે બે લાખ ની ખંડણી નો ફોન પણ આવ્યો હતો પરંતુ ત્યાર બાદ ખંડણી માટે બીજી વખત કોઈ ફોન આવ્યો જ નહિ. હજુ પણ તે છોકરી ની કોઈ જ ખબર નથી. કુવાડવા રોડ પોલીસ તેની તપાસ કરી રહી છે. મે તેના સબ ઇન્સ્પેકટર સત્યજીત સિંહ ખુમાણ કે જે મારો મિત્ર છે તેને કહ્યું છે કે જેવા કઈ અપડેટ મળે કે તરત જ મને જાણ કરે. તથા મે આપણા બંને કેસ માં શંકાસ્પદ એવા તે વ્યક્તિ નો ફોટો પણ તે કેસ માં સત્યજીત ને બતાવી જોયો પણ તેનું કહેવું છેકે હજુ સુધી તો એવો કોઈ વ્યક્તિ કેસ માં તપાસ દરમિયાન રડાર માં આવ્યો નથી."

અભિમન્યુ હજુ બોલવાનું પૂરું કરે ત્યાં જ અમિતાભ બોલ્યો, "અહી સુધી ની વાત તો આપણે થઈ હતી પરંતુ ત્યાર પછી પેલા ચોથા કેસ ની મેટર શું છે?"

અભિમન્યુ એ બોલવાનું શરૂ કર્યું, "સર તે ચોથો કેસ થોડો વિચિત્ર છે. તેમાં જે બાળક નું અપહરણ થયું છે તેનું નામ કેવિન છે અને આ કેસ મવડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે."

હજુ તો અભિમન્યુ આગળ કઈ બોલે તે પહેલાં જ અમિતાભે કહ્યું, "હા, આ કેસ વિશે મને ખબર છે. મવડી પોલીસ સ્ટેશન નો પીઆઇ રણવીર મારો ખાસ મિત્ર છે. આમ તો તે મારાથી ઉંમર માં ઘણો જ નાનો છે પરંતુ ખૂબ જ બાહોશ પોલીસ ઓફિસર છે. જ્યારે આ કેવિન નામનાં છોકરા નું અપહરણ થયું હતું તેના બીજા જ દિવસે રણવીર નો મને ફોન આવ્યો હતો. આપણે નિરાલી ત્રીપલ મર્ડર કેસ સોલ્વ કર્યો તેના વિશે મને અને તને શુભેચ્છાઓ આપવા માટે તેણે મને કોલ કર્યો હતો. વાત વાત માં તેણે મને કેવિન અપહરણ અને તેના વિશે થોડી ઘણી માહિતી આપી હતી."

અમિતાભે જેવું બોલવા નું પૂરું કર્યું એટલે અભિમન્યુ એ વાત ને આગળ ચલાવી, "હા સર, આ એજ કેસ છે. અને આ કેસ માં પણ હજુ કોઈ પ્રોગ્રેસ જોવા મળી નથી. પરંતુ મારે આ કેસ પર કામ કરી રહેલા સબ ઇન્સ્પેક્ટર વિજય હંસરાજ જોડે વાત થઈ હતી. અને મે તેને આપણા પ્રાઈમ સસ્પેક્ટ એવા તે વ્યક્તિ નો ફોટો બતાવ્યો હતો પરંતુ કેવિન અપહરણ માં તેવો કોઈ વ્યક્તિ ક્યાંય સ્પોટ નથી થયો. તેમ છતાં મે તે કેસ ની આખી ફાઈલ મંગાવી લીધી છે."

અભિમન્યુ ની વાત પૂરી થયા બાદ ઇન્સ્પેક્ટર અમિતાભ બોલ્યો, "શાબાશ અભિમન્યુ, આટઆટલા કેસો માં વ્યસ્ત હોવા છતાં, અને મારી ગેરહાજરી માં તારા પર આવી પડેલી વધારા ની જવાબદારીઓ અને અફકોર્સ મારી હોસ્પિટલ માં દાખલ થવા દરમિયાન અને ત્યાર બાદ પણ વ્યક્તિગત ધોરણે તે સેવા કરી છે તે બધા ની સાથે સાથે તે આટલું બધું વર્ક કરી ને આ તમામ માહિતી કલેકટ કરી ને તારી કાર્યક્ષમતા અને તારી કાર્યનિષ્ઠા નાં દર્શન કરાવ્યા છે."

અભિમન્યુ અમિતાભ નાં મોઢે થી આ શબ્દો સાંભળ્યા બાદ ગદ ગદ થતાં બોલ્યો, "સર, જે કંઈ પણ શીખ્યો છું તે આપની પાસે થી જ શીખ્યો છું."

અમિતાભે કહ્યું, "અભિમન્યુ એક કામ કર. મને તું તે ત્રણે કેસ ઋચીતા, સમીર અને કેવિન અપહરણ ની ફાઈલો આપી દે. હું આજે તે ત્રણે કેસ ની વ્યવસ્થિત સ્ટડી કરવા માગું છું. સાથે સાથે આપણા ત્રણે રાશિ, ઋષિકેશ અને રિધીમા કેસ ની તમામ માહિતી પણ મારી સામે રાખી દે. અને મને કોઈ ડિસ્ટર્બ નાં કરે તેની સૂચના બહાર આપી દે."

અમિતાભે જે રીતે કહ્યું તે મુજબ જ તમામ કેસો ની ફાઈલો અમિતાભ નાં ટેબલ પર રાખી અને બહાર કોઈ અમિતાભ સર ને હાલ પૂરતા ડિસ્ટર્બ ના કરે તેવી સૂચના આપી અભિમન્યુ તેના ટેબલ પર બેસી અન્ય કામ માં થોડો વ્યસ્ત થઈ ગયો.

______

પુરા ત્રણ થી ચાર કલાક સુધી અમિતાભ તેની સામે પડેલા તમામ કેસો નાં કાગળિયા એકદમ જ બારીકાઇ થી જોઈ રહ્યો હતો. હજુ શરીર માં ઘણી નબળાઈ હતી, અભિમન્યુ દર અડધા એક કલાકે કોન્સ્ટેબલ જોડે લીંબુ પાણી કે ગરમા ગરમ ચા પાણી અંદર મોકલી રહ્યો હતો. અમિતાભ ને જમવા ની ઈચ્છા ના હતી. અભિમન્યુ ને પણ સવારે પ્રિયા ને ઘરે જતા પહેલા ભારે નાસ્તો કર્યો હોવાથી ભૂખ ના હતી.

ઘડિયાળ માં બપોર નાં સવા ચાર નો સમય બતાવી રહ્યા હતા. અમિતાભે અભિમન્યુ ને બોલાવ્યો અને સાથે સાથે કોન્સ્ટેબલ જોડે બિસ્કીટ અને ચા નો નાસ્તો પણ મગાવ્યા.
થોડી વાર માં જ ચા અને નાસ્તો અમિતાભ નાં ટેબલ ની સામે પડયા હતા. તેને ન્યાય આપતા આપતા જ અમિતાભે બોલવા નું શરુ કર્યું, "અભિમન્યુ, તમામ કેસ ને બારીકાઇ થી તપાસ્યા બાદ મને રુચિતા અને કેવિન કેસ રસપ્રદ લાગ્યા છે. બંને કેસ માં આપણા કેસો નાં જેવું જ સસ્પેન્સ અને એક ના સમજાય તેવી ઘટનાઓ નો ક્રમ જોવા મળે છે. પરંતુ બંને જ કેસ માં એક અચરજ પમાડે તેવી વાત એ છે કે આપણા કેસ માં જોવા મળ્યો છે તે કીડનેપર ક્યાંય જોવા મળ્યો હોય તેવી નોંધ નથી."

આટલું બોલ્યા બાદ થોડીવાર ચૂપ રહ્યા બાદ અમિતાભ કંઇક વિચારતા બોલ્યો, "અભિમન્યુ, મને એક વિચાર આવે છે કે જેવી રીતે બીના અને નિશીથ એકબીજા ને ઓળખે છે તે રીતે જો આ રૂચિતા અને કેવિન કેસ ને રિધીમા અને ઋષિકેશ કેસ જોડે કોઈ સામ્યતા હશે તો તેમના ફેમિલી મેમ્બર્સ માં થી કોઈ ને તો બીના કે નિશીથ જરૂર ઓળખતા હશે, અને જો તેમ થયું તો આપણા માટે આ કેસ ઉકેલવો એકદમ જ સરળ બની રહેશે."

અભિમન્યુ બોલ્યો, "હા સર, સો ટકા સાચી વાત કહી. જો તેમ થયું પછી તો આપણે બસ એ તમામ ને સાંકળતી કડી શોધવા ની જ જરૂર માત્ર રહેશે. તો સર હવે આગળ શું કરીશું?"

થોડી વાર વિચાર્યા બાદ અમિતાભ બોલ્યો, "એક કામ કર અભિમન્યુ, આ બીના અને નિશીથ ને આવતીકાલે સવારે અહી બોલાવ અને રુચિતા અને કેવિન કેસ માં આપણી પાસે જેટલા પણ લોકો કેસ જોડે સંકળાયેલા હોય તેમના ફોટોગ્રાફ્સ અને તેમના નામ તેમને બતાવ. ખાસ તો બન્ને નાં માતા પિતા અને કુટુંબીજનો ની ફોટોઝ બતાવ બીના અને નિશીથ ને. જોઈએ કે આપણો આ દાવ તીર સાબિત થાય છે કે તુકો."

અમિતાભ ની વાત ને સાંભળી રહ્યા બાદ અભિમન્યુ એ સહેમતી નો સુર પુરાવ્યા બાદ મળેલી સૂચના મુજબ બીના અને નિશીથ ને બીજે દિવસે સવારે પોલીસ સ્ટેશન બોલાવ્યા. શરૂઆત માં નિશીથ આવવા બાબતે આનાકાની કરી રહ્યો હતો પરંતુ પછી આવવા માટે તૈયાર થઈ ગયો.

______

બીજે દિવસે સવારે સાડા અગિયાર વાગ્યા હશે. બીના અને નિશીથ બન્ને આવી ગયા હતા. અમિતાભ તેની ચેર પર બેઠો હતો. અભિમન્યુ બીના અને નિશીથ બેઠા હતા તે લોકો ની ચેર ની બાજુ માં ઉભો હતો અને ધીમે ધીમે કેટલાક ફોટોગ્રાફ્સ તેમને બતાવી રહ્યો હતો.

સહુ થી પહેલા તેણે રુચિતા નાં મમી અને પપ્પા ના ફોટોઝ તે બન્ને ને બતાવ્યા. ત્યાર બાદ રુચિતા કેસ માં અન્ય તેના કુટુંબીજનો નાં ફોટોઝ બતાવ્યા. બીના અને નિશીથ કોઈ જ ને ઓળખતા ના હતા. નિશીથ અકળાઈ ઉઠ્યો અને બોલ્યો, "સર, શું છે આ બધું. આ બધા લોકો નાં ફોટોઝ અમને શા માટે બતાવો છો? અમે આમાંથી કોઈને પણ નથી ઓળખતા. તમે લોકો અમારા સંતાનો નાં હત્યારા અને કીડનેપરો ને તો પકડી નથી શકતા અને ઉપર થી આવી રીતે સાવ અજાણ્યા લોકો નાં ફોટોઝ બતાવીને તમે સાબિત શું કરવા માંગો છો?"

નિશીથ ની દલીલો અને ગુસ્સે થઈ ને બોલવું અમિતાભ ને સહેજ પણ ના ગમ્યું પરંતુ તે પરિસ્થિતિ ને સમજતો હતો, અને કેટલેક અંશે નિશીથ સાચું કહી રહ્યો હતો. આથી એકદમ જ શાંતિ થી અમિતાભ બોલ્યો, "જુઓ મિસ્ટર નિશીથ આપની વાત સો ટકા સાચી છે કે અમે હજુ કીડનેપર ને પકડી નથી શક્યા. પરંતુ મારો ભરોસો કરો અમે આ બધું એટલા માટે જ કરી રહ્યા છીએ કે બહુ જલદી આપના સંતાનો ને આપની પાસે લઈ આવીએ. અને તેના માટે મારે તમારો સહયોગ જોઈએ છે. અમને એવું લાગે છે કે કીડનેપર ને જરૂર થી તમારા લોકો નાં ભૂતકાળ સાથે ક્યાંક સંબંધ છે. અને અમને એવું પણ લાગી રહ્યું છે કે જેમ તમારા સંતાનો નું કીડનેપ થયું છે તે રીતે તેણે અન્ય કીડનેપ પણ જરૂર થી કર્યા હોવા જોઈએ, અને જો તેમ છે તો જરૂર થી અન્ય કેસો માં કીડનેપ થયેલા બાળકો નાં કુટુંબીજનો જોડે આપનો કંઇક સંબંધ કે કનેકશન હોવું જોઈએ...."

અમિતાભ હજુ બોલવાનું પૂરું કરે તે દરમિયાન જ નિશીથ વચ્ચે કંઇક બોલવા ગયો પરંતુ અમિતાભે તેને તે મોકો આપ્યા વિના જ બોલવાનું ચાલુ રાખ્યું, "મને ખબર છે કે તમને એવું લાગી રહ્યું હશે કે પોલીસ નવી નવી વાતો લઈ ને આવે છે, પરંતુ મારો ભરોસો કરો આવી રીતે અલગ અલગ વિચારો પર ચાલી ને જ અમે પોલીસ દરેક કેસ ને સોલ્વ કરી શકવા સક્ષમ બનીએ છીએ. જરૂર હોય છે તો કેસ સાથે સંકળાયેલ વ્યક્તિઓ નાં સહયોગ ની."

અમિતાભ ની વાત પૂરી થયા બાદ હજુ તો નિશીથ શું બોલવું એ વિચારી રહ્યો હતો ત્યાંજ બીના રડમસ અવાજે બોલી, "સર, તમારે જે કરવું હોય તે કરો. અત્યારે અમારો ભરોસો માત્ર ને માત્ર તમે જ છો." આટલું કહ્યા બાદ બીના નિશીથ તરફ જોતા બોલી, "અને નિશીથ પ્લીઝ, આપણા ખોવાયેલા સંતાનો માટે તું પણ આ લોકો ને સહયોગ આપ પ્લીઝ."

નિશીથ એ હકાર માં સહમતી આપતા માથું હલાવ્યું. ત્યાર બાદ અભિમન્યુ એ કેવિન કેસ જોડે સંકળાયેલ તમામ લોકો નાં ફોટોઝ બીના અને નિશીથ ની સામે મૂક્યા જેમાં કેવિન નાં પપા અમરીશ ઉપાધ્યાય, તેની માતા ભૂમિકા ઉપાધ્યાય, તેનો ફ્રેન્ડ રાજુ, માધુરી તેનો ભાઈ રાઘવ વગેરે લોકો નાં ફોટોઝ શામેલ હતા.

અચાનક જ એક ફોટો તરફ બીના અને નિશીથ બન્ને ની આંખો મંડાણી અને એક આશ્ચર્ય યુક્ત મૂંઝવણ નાં ભાવ બન્ને નાં ચેહરા માં ડોકાયા, અને બન્ને અચંબા થી બોલી ઉઠ્યા, "અરે આને તો અમે ઓળખીએ છીએ. હાઇસ્કુલ માં અમે ત્રણે સાથે જ ભણતા હતા."

બીના અને નિશીથ એ જે ફોટો ને ઓળખી બતાવ્યો હતો તે જોયા બાદ અમિતાભ અને અભિમન્યુ પણ આશ્ચર્ય માં હતા અને તેઓ બન્ને પણ એકબીજા સામે જોઈ રહ્યા.

_______

બીના અને નિશીથ એ કોને ઓળખી બતાવ્યા હશે?

તે વ્યક્તિ અને બીના તથા નિશીથ ત્રણે નાં ભૂતકાળ ને આ બધા કીડનેપર ને શું સંબંધ હશે?

શું ઇન્સ્પેક્ટર અમિતાભ પંડિત અને અભિમન્યુ અપહરણ કરાયેલા તમામ છોકરાઓ ને સલામત રીતે છોડાવી શકશે?

આ તમામ સવાલો નાં જવાબ જાણવા માટે વાચતા રહો રહસ્ય, રોમાંચ થી ભરપૂર ધારાવાહિક "કિડનેપ" નાં આગામી અંકો માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા 9228276354 પર વોટ્સએપ પણ કરી શકો છો.