Aa Janamni pele paar - 33 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૩૩

Featured Books
Categories
Share

આ જનમની પેલે પાર - ૩૩

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૩

દિયાન પોતાના બેડરૂમની બહાર નીકળ્યો ત્યારે સાંજ પડી ચૂકી હતી. ઘરમાં કોઇ દેખાતું ન હતું. તેણે રસોડામાં નજર કરી. સુલુબહેન ત્યાં દેખાયા નહીં. તેને રસોડામાંથી સરસ સુગંધ આવી. ત્યાં જઇને જોયું તો એની પસંદગીનું ભોજન તૈયાર થઇ ગયું હતું. તેનું મન ભોજનની સુગંધથી જ પ્રફુલ્લિત થઇ ગયું. પણ પોતે જે વાત માતા-પિતાને કરવાનો હતો એનાથી આ ભોજનનો સ્વાદ એમના માટે કડવો થઇ જવાનો હતો. પોતે પણ આ ભોજનના સ્વાદનો આનંદ માણી શકશે કે કેમ એની શંકા હતી. એ રસોડામાંથી નિરાશ મનથી પિતા દિનકરભાઇના બેડરૂમ પાસે ગયો. એમનો રૂમ ખુલ્લો હતો. એ ત્યાં ન હતા. એણે ઘડિયાળમાં નજર નાખી. સંધ્યાકાળ હતો. એને ખ્યાલ આવ્યો કે માતા-પિતા ઉપરના માળે ભગવાનને દીવાબત્તી અને પ્રાર્થના કરવા ગયા હશે.

દિયાન ઉપરના માળે મંદિરના રૂમ પાસે ગયો ત્યારે માતા-પિતા શ્રધ્ધાથી હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. દીવાની કેસરી જ્યોત બહારથી આવતા પવન સામે ઝીંક ઝીલી રહી હતી. ચંદનની અગરબત્તીની સુગંધથી આખો ઓરડો ભરાઇ ગયો હતો. દિયાનને લાગ્યું કે આ પવિત્ર જગ્યા પર તેને મનની શાંતિ મળી જશે. તેણે બે હાથ જોડ્યા અને ઘરની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી.

સુલુબહેન એના વિચારનો પડઘો પાડતા હોય એમ બોલ્યા:'ભગવાન, અમારા ઘરને સુખ અને શાંતિથી ભરેલું રાખજો. તમારી કૃપા અમારા પરિવાર પર રાખજો. સૌ સારુંવાનું થાય એમ કરજો. અમે સાચા દિલથી તમને પ્રાર્થના કરી રહ્યા છે...'

'મા, ભગવાન બધું સારું જ કરે છે...' દિયાન બોલ્યો.

'બેટા, તું અહીં આવી ગયો? ખબર જ ના પડી. આવ અહીં અમારી સાથે બેસી જા...' સુલુબેન ખુશ થતાં બોલ્યા.

દિયાન નાનપણમાં માની સાથે બેસી જતો હતો એ જ રીતે જઇને બેસી ગયો અને માના ખોળામાં માથું મૂકી દીધું. સુલુબેનનો પ્રેમાળ હાથ એના વાળમાં ફરી રહ્યો. થોડી જ ક્ષણોમાં આંસુનું એક ઉષ્ણ ટીપું દિયાનના ગાલ પર પડ્યું. દિયાન ચમકીને બેઠો થઇ ગયો અને બોલ્યો:'મા, ભગવાન તમારી પ્રાર્થના જરૂર સાંભળશે...'

દિયાનને થયું કે તે બીજું કંઇ નહીં પણ માને આશ્વાસન તો આપી જ શકે છે. શિનામિ સાથેનો પોતાનો સંબંધ જીવનમાં કયા રસ્તે લઇ જશે એની અત્યારે કલ્પના થઇ શકતી નથી. આજે શિનામિ પહેલી વખત પૂર્વ જન્મની પત્ની બનીને રાત્રે આ ઘરમાં આવશે ત્યારે ભવિષ્યની ખબર પડશે.

'બેટા...' સુલુબેન કંઇ બોલી શક્યા નહીં. એમનાથી ડૂસકું મુકાઇ ગયું.

દિનકરભાઇએ સુલુબેનની પીઠ પર હાથ પસવારીને છાની રહેવા કહ્યું.

ત્રણેય ઊઠીને રસોડામાં ડાયનિંગ ટેબલ પાસે આવ્યા. સુલુબેન કંઇ જ બોલ્યા વગર જમવાનું પીરસવા લાગ્યા. દિયાને જોયું કે માતાએ બહુ ભાવથી આજે એની ભાવતી ચારથી વધુ વાનગીઓ બનાવી હતી. પણ એમના કે પોતાના ગળે એ જલદી ઉતરશે કે કેમ એ પ્રશ્ન હતો. દિયાને નક્કી કર્યું કે જમી લીધા બાદ જ તે પોતાનો નિર્ણય જાહેર કરશે.

દિનકરભાઇએ પહેલો જ કોળિયો ખાતાની સાથે પૂછ્યું:'દિયાન, હેવાલી ક્યાં છે?'

દિયાનને એ પ્રશ્ન અપેક્ષિત હતો:'પપ્પા, એ આપણા બંગલા પર જ છે. આપણે પહેલાં ભોજનને ન્યાય આપીએ. માએ બહુ હેતથી ભોજન બનાવ્યું છે...'

સુલુબેન અને દિનકરભાઇને અંદાજ આવી ગયો કે બંને વચ્ચે સુલેહ થઇ નથી. ત્રણેય મૂંગા મોંએ જમ્યા. ત્રણેયનું મન ભોજનમાં લાગ્યું નહીં. દિયાને ભોજનના સ્વાદના વખાણ કર્યા પણ એ સ્વાદને માણી શક્યો ન હતો. માત્ર હોજરીને ખોરાક પૂરો પાડવાની જાણે ફરજ બજાવી દીધી.

જમીને બધાં હોલમાં ગોઠવાયા ત્યારે નીરવ શાંતિ હતી. દિયાનને પોતાના માતા-પિતા માટે ગૌરવ થઇ રહ્યું હતું. તેમણે પોતાના હેવાલીથી અલગ થવાના નિર્ણય માટે નારાજગી વ્યક્ત કરી હતી પણ મોટો વિરોધ નોંધાવ્યો ન હતો. અંતે મારી જીદ સ્વીકારી લીધી હતી. હવે નિર્ણય પર પાકી મહોર મારવાની હતી. તેના ભારે પ્રત્યાઘાત આવી શકે એમ હતા. મન મક્કમ કરીને તેણે મોં ખોલ્યું.

'મમ્મી... પપ્પા, મેં નિર્ણય લઇ લીધો છે કે હું હવે હેવાલીને છૂડાછેડા આપી દઇશ. અમે સાથે રહી શકીએ એમ નથી...' એક ડર સાથે દિયાન બોલ્યો.

'વાંધો નહીં બેટા, જેવી તારી ઇચ્છા...' સુલુબેન બોલી રહ્યા હતા એમાં નારાજગી કરતાં સહાનુભૂતિ વધારે લાગી. એમની પાછળ જ દિનકરભાઇ બોલ્યા:'હા, બેટા અમે તારી ઇચ્છાને માન આપીએ છીએ. તને બીજી જે છોકરી પસંદ હોય એના વિશે કહેજે...અમે તારા લગ્ન કરાવી આપીશું...'

માતા-પિતાની વાતો સાંભળીને તે ચમકી ગયો. કલ્પનાથી વિપરિત પ્રતિભાવ હતા. દિયાન વિચારી રહ્યો. એમણે આટલી સરળતાથી મારી વાતને સ્વીકારી લીધી છે? આ કેવી રીતે બની શકે? અને પોતે શિનામિ સાથેના લગ્નની વાત કેવી રીતે કરી શકશે? શિનામિએ બીજા કોઇને આ વાત કરવાની ના પાડી છે. આમ તો ગયા જન્મથી જ શિનામિ મારી સાથે જોડાયેલી છે. પણ માનવ રૂપમાં નથી. હવે પછીનું જીવન કેવું હશે? મારે શિનામિ સાથે થોડી સ્પષ્ટતાઓ કરવી પડશે.

ક્રમશ: