જનકભાઈને બે પુત્રો.મોટો નિતિન અને નાનો ચિરાગ. જનકભાઈને ગામમાં વર્ષોથી કરિયાણાની દુકાન.એ દુકાનની માપસરની કમાણીમાંથી બન્ને દિકરાઓને ભણાવ્યા.જનકભાઈનાં પત્ની સાવિત્રીબેને બન્ને દિકરાઓને સતત અભ્યાસમાં પ્રોત્સાહન આપ્યું પરંતુ નિતિન પ્રથમથી જ ભણવામાં ઘણો ધીમો.ધોરણ બારમાં ફેલ થઈને પિતાજીની કરિયાણાની દુકાન સંભાળીને બેસી ગયો.
ચિરાગનાં નસીબ જોર કરતાં હતાં.એને સારી સરકારી નોકરી મળી ગઈ.વારાફરતી નિતિન અને ચિરાગના વિવાહ થઈ ગયા.કમાણીનું એકમાત્ર સાધન કરિયાણાની દુકાન એટલે બન્ને ભાઈઓના લગ્ન પ્રસંગો ઉકેલતાં થોડું દેવું પણ થઈ ગયું પરંતુ જનકભાઈને એની લાંબી ચિંતા નહોતી કારણ કે, ચિરાગનો પગાર સારો હતો.
બે ભાઈઓ વચ્ચે અઢળક પ્રેમ.નિતિનની પત્ની વીણા પણ સ્વાભાવે સરળ અને માયાળું.ચિરાગની પત્ની સરિતા આમ તો સંસ્કારી અને પરિવાર સાથે હળતી ભળતી પરંતુ એકદમ આછાબોલી.ટુંકમાં જનકભાઈનો પરિવાર ઘણાંને ઈર્ષા ઉપજે એવો!
ચિરાગની પત્નિ સરિતાને શિક્ષક તરીકેની નોકરી મળતાં જ નોકરીના સ્થળે રહેવા જવાનું થયું.ચિરાગ ત્યાંથી જ અપડાઉન કરે. દર અઠવાડિયે રવિવારે આખો પરિવાર એકઠો થાય.નિતિનની પત્ની વીણા એટલી માયાળું કે સરિતાને કોઈ કામ કરવા દે નહીં.સબંધે જેઠાણી હોવા છતાં ઘરનું બધું જ કામ એ જ કરે.સરિતાને કહે, 'જો મારી નાની બેનડી!સોમથી શનિ તો તારે માથે કામ કામ ને કામ જ હોય છે.સવારમાં ચિરાગભાઈનું વેલું ઉઠીને જમવાનું બનાવવાનું, ઘરનું બધું કામ અને આખો દિવસ નોકરી. આ એક રવિવારે તો આરામ કર! સરિતા થોડી હસે ખરી પણ કોણ જાણે કેમ એ પરિવારમાં લાંબું કંઈ બોલી શકે નહીં.
રાત્રે આખા પરિવારની એવી ગોઠડી જામે કે રાત્રીના બાર ક્યારે વાગી જાય એય ખબર ના પડે.સાવિત્રીબેન સૌને ટકોરે, 'આ બાર વાગી ગયા. હવે થોડો આરામ કરો બધાં.આપણે તો આ દુકાનને આ ઘર પણ આ ચિરાગ અને વહુને તો વહેલું નોકરીએ વળગવાનું હોય છે.
સમય વિતતો ગયો.જનકભાઈનું દેવું પણ ભરાઈ ગયું. નિતિન અને ચિરાગને ત્યાં પારણાં બંધાયાં.
નિતિનને મોટી દિકરી રીયા અને નાનો દિકરો ધીર તો ચિરાગને મોટો દિકરો વંશ અને નાની દીકરી કાવ્યા.
નિતિનને તો એકમાત્ર દુકાનની આવક.રીયા અને ધીરના અભ્યાસનો બધો ખર્ચ દુકાનની આવક પર!
ચિરાગનો પરિવાર તો રવિવાર અને વેકેશનમાં નિયમિત આવે.એ જ પ્રેમ, એ જ હસી ખુશી પરંતુ બીજી કોઈ આર્થિક મદદ નહીં.
રીયાએ બીએડ્ પુરુ કર્યું તો ધીર સરકારી મેડીકલ કોલેજમાં ફાર્મસીના બીજા વર્ષમાં આવ્યો.બન્ને ભાઈ બહેનના અભ્યાસ અને ટ્યુશનના ખર્ચાઓમાં નિતિન માથે થોડું દેવું થઈ ગયું.ચિરાગ એના પરિવાર સાથે આવે ત્યારે ના તો નિતિન એક હરફ ઉચ્ચારે કે ના કદી વીણા.જનકભાઈ અને સાવિત્રીબેનને થોડી ચિંતા થાય.એ બન્ને મનમાં મુંઝાયા કરે.
યોગ્ય પાત્ર સાથે રીયાનું સગપણ થયું.નિતિન ઉપર આ વધારાનું ખર્ચ અને એમાંય વેવાઈએ લગ્ન માટે ઉતાવળ કરવાનું કહ્યું.ત્રણ માસ પછીની લગ્નતિથી પણ નક્કી થઈ ગઈ.
ચિરાગનાં બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે એણે શહેરમાં વસવાટ કર્યો હતો.
રવિવારનો દિવસ હતો પરંતુ ચિરાગનો પરિવાર ગામડે આવ્યો નહીં પરંતુ સરિતાએ વીણાને ફોન કર્યો, 'ભાભી! એકાદ અઠવાડિયું રીયાને મારી પાસે મોકલશો?આમેય એનો અભ્યાસ પુરો થયો છે ને લગ્નને હજી ત્રણ મહિનાની વાર છે. રીયા અઠવાડિયું મારી પાસે રહેશે તો મને આનંદ થશે.'
વીણાને તો અત્યારે માત્ર રીયાના લગ્ન ખર્ચની ચિંતા સતાવતી હતી પરંતુ દેરાણી સરિતાને તો એ જ લાગણી એ જ કાયમના ભાવ સાથે ફોન પર જવાબ આપ્યો, 'હા, મારી બેનડી.અત્યારે જ દશ વાગ્યાની બસમાં જ એને મોકલું છું.'
વીણાએ દશ વાગે તો રીયાને કાકાને ઘેર રવાના કરી દીધી.
બીજા રવિવારે બપોરના સમયે એક જીપગાડી આવીને જનકભાઈના આંગણે ઉભી રહી.નિતિન તો દુકાનમાં હતો. વીણાએ બહાર આવીને જોયું. જીપગાડીમાંથી સરિતા,રીયા અને કાવ્યા નીચે ઉતર્યાં.
વીણાએ ત્રણેય માથે હાથ મુકીને થોડું ખચકાઈને પૂછ્યું, 'કેમ આ જીપગાડી લઈને?ચિરાગભાઈ અને વંશ કેમ નથી?
સરિતા અને કાવ્યા તો ચૂપચાપ ઉભાં જ હતાં પરંતુ રીયા આંસું ભરેલી આંખે હસવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યાં તો જીપનો ડ્રાઈવર સરિતાને કહેવા લાગ્યો,'બહેન, આ બધો સરસામાન ક્યાં ઉતારવાનો છે? '
'આ મકાનમાં લાવો બધું.'-એમ કહીને સરિતા જેઠાણી વીણાના પગે લાગીને કહેવા લાગી,'ચાલો ભાભી અંદર.'
અરે ભાઈ! ત્રણમાંથી કોઈક તો બોલો?આ સરસામાન ને આ બધું શું છે?'વીણાને કંઈ સમજણ પડતી નહોતી.
ડ્રાઈવર સરસામાન ઉતારી, પાણી પીને ચાલતો થયો એ સાથે જ રીયા મમ્મીને ગળે વળગીને રડવા લાગી અને રડતાં રડતાં જ બોલી, 'જો મમ્મી! કાકા, કાકીએ આપણા માટે શું કર્યું છે!
વીણા કંઈ આડું અવળું વિચારે એ પહેલાં તો રીયા બધું કાઢી કાઢીને બતાવવા માંડી.સાડીઓ,ડ્રેસ અને અન્ય કપડાં એક એક કરીને રીયા મમ્મીને બતાડવા લાગી. તેની પાસે રહેલો થેલો ખોલીને સૌદર્ય પ્રસાધનો અને દરદાગીના બતાવીને કહ્યું, 'મમ્મી આ બધી મારા લગ્નની ચીજવસ્તુઓની ખરીદી છે.એક અઠવાડિયું કાકા, કાકીએ સાથે રહીને આ બધી ખરીદી કરાવી છે.આ સાડી જો, એ તારા માટે કાકીએ ખાસ ખરીદી કરી છે. ખબર છે તને! પુરા ત્રીસ હજારની છે અને તને ખાસ ગમતા કલરની.
હજી પુરુ નથી થયું. આ ચેક જો.ત્રણ લાખનો ચેક છે પપ્પાના નામે.કાકાએ એમ કહીને આપ્યો છે કે, આ તો મારી ફરજ પુરી કરુ છું.કાકાએ કહ્યું છે કે,હું આ ચેક હાથોહાથ મોટાભાઈને આપું તો એમાં મારી મોટાઈ દેખાય. અને હા મમ્મી, આ બધી જ ખરીદી કાકીએ એમની બચતમાંથી કરી છે. મારે આ બધું તને ફોન પર કહેવું હતું પરંતુ કાકીએ વંશભાઈના સોગંદ આપ્યા હતા કે, હાલ મારે આ બાબતે કંઈ ના કહેવું.'
વીણા એટલું જ બોલી, 'આછાબોલી મારી નાની બેનડી! તું તો સૌથી સવાઈ નિકળી.'
સરિતાએ કહ્યું, 'ભાભી! અમે તો અમારી ફરજ નિભાવી છે.સવાઈ હું નહીં પણ તમે છો. તમે જે પ્રેમભાવ અમને આપ્યો એ તો અનન્ય છે. '
જનકભાઈ અને સાવિત્રીબેન બપોરના આરામમાંથી ઉઠીને આ બધું સાંભળી અને જોઈ રહ્યાં હતાં.બન્ને એકસાથે બોલ્યાં, 'આજે અમે ધન્ય ધન્ય થઈ ગયાં છીએ.આવો પરિવાર તો પેઢીઓના પુણ્ય પછી મળે છે.'
દેરાણી -જેઠાણી સાસુ સસરાને નમી પડ્યાં.
થોડો કોલાહલ સાંભળીને દુકાનેથી નિતિન આવીને બોલ્યો,'અરે! આ શું છે બધું?'
જનકલાલ હસતાં હસતાં બોલ્યા, 'બેટા !આપણા પરિવારની સંસ્કાર સાહ્યબી.......'