ભીડ વધારેને વધારે ઘાટી થઈ રહી હતી. રાધી એ હજુ પણ કનાનું કાંડું જાલી રાખ્યું હતું.કનાનો હાથ પરસેવાથી પલળી ગયો હતો,અને કનો પણ.તે રાધીની પાછળ પાછળ ખેંચાતો જતો હતો.તે જ્યારે નાનો હતો ત્યારે તેની મા સાથે ભાવનગરના નિષ્કલંક મહાદેવના ભાદરવી અમાસનાં મેળામાં ગયો હતો.તે વાત તેને યાદ આવવા લાગી.ત્યારે પણ ત્યાં આવી જ ભીડ હતી.પોતે ભીડમાં ખોવાય ના જાય તે માટે તેની માએ તેનું કાંડું આવી રીતે જ જાલી રાખ્યું હતું. અને તે તેની માની પાછળ પાછળ આવી રીતે જ ઢસડાતો હોય તેમ જઈ રહ્યો હતો. ભીડની દિશામાં ચાલી રહેલી રાધી અચાનક ભીડના કિનારા તરફ કનાને ખેંચીને ચાલવા લાગી, ત્યારે કનો વિચારોના વમળમાં ખોવાયેલો હતો તેમાંથી બહાર નીકળ્યો. રાધી તેને ભીડમાંથી બહાર લાવી રસ્તાના કાંઠે એક હાટડી માંડીને બેઠેલી સ્ત્રીની હાટડીએ લાવી ઊભી રહી ગઈ. રસ્તાના કાંઠે પથરણુ પાથરેલું હતું તેના ઉપર આડા ઊભા લાકડા ખોડી તેના પર કપડાં બાંધી છાંયડો કરી હાટડી બનાવેલી હતી. આ હાટડી રંગબેરંગી ચૂડીયોની હતી. આ સ્ત્રી રંગબેરંગી ચૂડીયો વેચી રહી હતી. છેક હાટડીએ આવીને રાધીએ કનાનો હાથ છોડ્યો. કનાએ ખંભે રાખેલી લૂંગી વડે હાથ અને મોઢા પરનો પરસેવો લૂછ્યો.
રાધી ખુશ થઈ રંગબેરંગી ચૂડી જોવા લાગી. પેલી સ્ત્રી રાધીને કઈ ચૂડી સારી લાગશે તે પસંદ કરવામાં મદદ કરવા લાગી. કનો અવળો ફરીને ચાલી જતી ભીડ બાજુ મોઢું રાખી ઉભો હતો. રાધીની નજર અલગ અલગ બોક્સમાં ગોઠવેલી ચૂડીઓ પર ફરી રહી હતી. આ બધી ચૂડીમાં રાધીની નજર લાલ કલરની ચૂડી પર ગોલ્ડન પ્લેટ લગાડેલી હતી તેના ઉપર ઠરી. તેણે પેલી સ્ત્રી પાસે એ ચૂડી બહાર કઢાવી. તેણે ચૂડીને હાથમાં લઈ ફેરવી પછી પાછળ જોયા વગર જ તે બોલી, " જો તો કાઠીયાવાડી આ મને ભળસે?"પરંતુ લાઉડ સ્પીકરના અવાજ, ભીડનો ઘોંઘાટ અને ઢોલ નગારાના નાદમાં કનાને રાધીની વાત ન સંભળાણી. કનાનો પીઠનો ભાગ રાધીથી ઘણો નજીક હતો. રાધીએ કનાના પેડુમાં જોરદાર કોણી મારી. કનો "ઓય મા" કહી ગોટો વળી ગયો. તેણે રાધી તરફ ફરી કહ્યું, "પણ શું છે?"કનાના મોઢા પરનું દર્દ જોઈ રાધી ખડખડાટ હસી પડી. હસી રહેલી રાધીની એક સરખી બત્રીસીમાં એક ગમાણીયો દાંત થોડો વધારે બહાર દેખાતો હતો. હસતી વખતે ગાલમાં પડતા ઊંડા ખંજનને લીધે રાધી ખુબ સુંદર લાગી રહી હતી. કનો રાધીના કોણીના મારનો દર્દને સહન કરી, ઝંખવાળુ મોઢું કરી,હસી રહેલી રાધી સામે જોઈ રહ્યો. રાધીએ ફરી હાથમાં રહેલી ચૂડી ઉંચી કરી કનાને બતાવી પૂછ્યું, " જો તો આ કેવી સે?"કનાને વળી ચૂડીમાં શું ખબર પડે? પરંતુ પોતાનું અજ્ઞાન જાહેર કરીને તે રાધીની કોણીનો માર ફરી ખાવા ઇચ્છતો ન હતો. તેથી તેણે જલ્દી જવાબ આપી દીધો, "બવ હારી સે"રાધી ચુડી પોતાના હાથમાં ચડાવવા લાગી. પરંતુ ચૂડીને હાથની જાડાઈ સરખી હોવાથી ચૂડી હાથમાં પહેરાતી નહોતી. રાધીની મહેનત ચાલુ હતી. ચૂડીની હાટડીવાળી સ્ત્રી રાધીથી દૂર બેઠી હતી. કનો ભોળા ભાવે રાધીની આ મહેનત નિહાળી રહ્યો હતો. રાધીએ ફરી કરડી નજરે કના સામે જોયું. પોતે ફરી પાછો કયા ગુનામાં આવી ગયો તે કનાને ન સમજાયું. તે રાધી સામે તાકી રહ્યો. રાધીએ કશું બોલ્યા વગર જ કનાને ઈશારાથી જ "મને આ ચૂડી પહેરાવવામાં મદદ કર"એવું સમજાવ્યું. કનાને માટે તો આ નવો જ વિષય હતો. છતાં તે ફરી રાધીનો માર કે ઠપકો ન ખાવો પડે એટલે રાધીને ચૂડી પહેરાવવામાં મદદે આવ્યો. રાધીની ચુડી કાંડાના ભાગમાં અટકતી હતી. કનો ડરતો ડરતો રાધીની આંગળીઓ પકડી ચૂડી આગળ ચડાવવા મથવા લાગ્યો. તેનું ધ્યાન રાધીના હાથ પર જ હતું. રાધી કના સામે તાંકી રહી હતી. કનો કોશિશ કરી રહ્યો હતો પરંતુ ચૂડી ચડતી ન હતી. રાધી ફરીવાર ખીજાણી, "અલ્યા આમ બૈરા જેમ હૂ કરે સો. મરદની જેમ જોર લગાડય."કનાની મર્દાનગીને પડકાર મળતા તેણે એક હાથે રાધીનો પંજો દબાવી દીધો. ગુલાબનું ફૂલ ગુલકંદ બનાવવામાં જેમ મચળાઈ જાય તેમ રાધીના આંગળા કનાના પંજામાં દબાઈ ગયા. રાધીના અંગૂઠાના ઢોરાને કનાએ બીજા હાથે દબાવી ચુડીને જોરથી આગળ ધકાવતા ચૂડી રાધીના હાથમાં પહેરાવી દીધી. પરંતુ આ જોરાજોરીમાં રાધીના નાજુક કાંડા પર કનાનો અંગૂઠાનો નખ લિસોટો કરી ગયો. રાધીના નાજુક નમણા કાંડા પર લોહીની ધારા ફૂટી નીકળી. ફરીવાર રાધીની અણીયાળી આંખો વડે કનાને ઠપકો તો મળ્યો જ. હવે લોહી બંધ કરવા શું કરવું એ કનાને ન સૂઝ્યું. તે રાધીનો લોહી નીકળતો હાથ પોતાના હાથમાં જાલીને જોઈ રહ્યો. નાનપણમાં જ્યારે લોહી નીકળતું ત્યારે તે લોહીને મોઢા વડે સૂચિને બંધ કરી દેતા તે કનાને યાદ આવ્યું.
કનાએ રાધીનો હાથ પકડી કાંડે લોહી નીકળતું હતું ત્યાં પોતાનું મોઢું લગાડી દીધું. પરંતુ પછી આ હાથ રાધીનો છે તેવું સમજાતા કનો શરમાયો અને હાથ છોડી દીધો. કનાની લાળ અડતા રાધીને લોહી તો ગંઠાઈને બંધ થઈ ગયું. પરંતુ રાધીના ગાલે શરમને લીધે લોહીના શેરડા ફૂટી નીકળ્યા. તે કશું બોલી ન શકી. તેણે પોતાના બીજા હાથ વડે પોતાનું કાંડું દબાવી રાખ્યું. કનાને પણ પોતે ભૂલ કરી હોય તેવું લાગ્યું.
રાધીના હાથમાં લોહી વહેતું બંધ થઈ ગયું. પરંતુ ઊંડો ઉજરડો થીજી ગયેલા લોહીથી લાલ દેખાઈ રહ્યો હતો. ત્યાં થોડો સોજો પણ આવી ગયો હતો. કનો રાધીની સામે જોઈ નજરથી જ માફી માગી રહ્યો હતો. હાટડીવાળી સ્ત્રી આ યુવાન જોડીને જોઈ રહી હતી. તેણે રાધીને બીજી ચુડી ચડાવી દેવા હાથ આપવા કહ્યું. રાધીએ છણકો કરતા ગુસ્સા ભરી નજરે કના સામે જોઈ કહ્યું, "આવડો આ પહેરાવી દે હે. લે કાઠીયાવાડી આ બીજી કુણ પેરાવશે? ભલે બીજો ઘા પડે પણ ચૂડી તો તારે જ પેરાવી પડહે."કનાએ આ વખતે ધીમે રહી ચૂડી પકડીને રાધીનું કાંડુ દબાવી ધીમે ધીમે ચૂડી સરકાવતા રાધીને પહેરાવી દીધી. રાધી ખુશ થઈ બોલી, "હવે બરોબર લે!"રાધી બંને હાથ આગળ રાખી કનાને ચૂડી બતાવી રહી હતી.રાધીની ગોરી કોમળ કલાઈઓમાં લાલને ગોલ્ડન પ્લેટ વાળી ચૂડી ખૂબ શોભી રહી હતી. કનાનું ધ્યાન ઘડીક ચૂડી પર તો ઘડીક પોતાનાથી રાધીના હાથે પડેલા ઘા પર ફરી રહી હતી.
રાધીએ કનાની સમાધિ તોડતા કહ્યું, "ઈમ હૂ તાકી ર્યો સો? મારી કને પૈસા નહીં, તુ આપી દે. આ હાટડીવાળી આપડી માહીની છોરી નથ થાતી."કનાએ વિચારોમાંથી બહાર આવી ખિસ્સા ફંફોળી પેલી ચૂડી વાળી બાઈને પૈસા આપ્યા. એટલામાં સામેથી ગોવાળિયા આ બંનેને ગોતતા ગોતતા આવ્યા. ગેલો બંનેને જોઈ ગયો. તેણે બૂમ મારી બંનેને ગોવાળિયાની સાથે થઈ જવા કહ્યું. કનોને રાધી ફરી ભીડના મોજા પર સવાર થઈ આગળ વધવા લાગ્યા. બંને નેહડાના ગોવાળિયાની સાથે ચાલવા લાગ્યા. સાધુ સંતોના દર્શનનો લહાવો લેતા અને તેમના દ્વારા કરવામાં આવતા કરતબ નિહાળતા બધા આગળ જઈ રહ્યા છે. ચાલતા ચાલતા કનાનું ધ્યાન ઘડીએ ઘડીએ રાધીના હાથ પર સુજી આવેલા ઘા પર જઈને અટકતું હતું. રાધી પણ કનો ભીડમાં પાછળ ન રહી જાય એ જોતી જતી હતી. ચારે બાજુ દેકારા પડકારાને હર હર મહાદેવના નારા ગુંજી રહ્યા હતા.
સાંજ સુધી મેળાની મજા માણી ગોવાળિયા ફરી પાછા પીકઅપ વાહનમાં નેહડે જવા નીકળી પડ્યા. આખા દિવસના રજળપાટ અને માણસોની ભીડને લીધે જંગલમાં ભીડ ભાડ વગર રહેવા ટેવાયેલી રાધી થાકી ગઈ હતી. ચાલતા વાહનના પવનમાં રાધીની આંખો ઘેરાવા લાગી. તેને ઊંઘનું જોકુ આવી ગયું, તેનું માથું કનાના ખંભા પર ઢળી પડ્યું.તે જાગી જતા ફરી સરખી બેસી ગઈ. પરંતુ થાકેલી રાધીને નીંદર દેવતાએ પોતાના જાદુમાં લઇ લીધી. રાધીનું માથું કનાના ખંભે ઢળી ગયું. કનો કડક ખંભો રાખી બેસી ગયો.ધીમે ધીમે અંધારું ઘેરાવા લાગ્યું હતું.વાહન જંગલના ઉબડ ખાબડ રસ્તા પર આગળ વધી રહ્યું હતું.ચંદ્રમાના આછા અંજવાળામાં જંગલના ઝાડ ધોળી ચાદર ઓઢીને બેઠાં હોય તેવાં લાગતા હતાં. ચંદ્રમાના આછા અંજવાળામાં રાધીનો નિર્મળ ચહેરો વધુ સુંદર લાગી રહ્યો હતો.
ક્રમશ: ....
લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no.9428810621