Kite .. flying dreams in Gujarati Moral Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | પતંગ.. ઉડાન સપનાઓની

Featured Books
Categories
Share

પતંગ.. ઉડાન સપનાઓની

આખા શહેરમાં જાણે ખળભળાટ મચી ગયો હતો. રોકીનો પતંગ રોકાવાનું નામ જ લઈ રહ્યો નહોતો. રસ્તામાં આવતા દરેક પતંગને તે ધૂળ ચટાવી રહ્યો હતો. ખુલ્લા આકાશમાં અલમસ્ત લહેરાતો રોકીનો પતંગ હવાની સાથે ઊંચી ઉડાન ભરવા નીકળ્યો હતો જેને કોઈ થંભાવી શકે એમ નહોતું.

ઉપર ગગનમાં પતંગ અને નીચે ધરતી ઉપર રોકીના કદમો, બંનેમાં જાણે પાંખ લાગી ગઈ હતી. પતંગને વધુ ને વધુ ઉપર અને દૂર પહોંચાડવા રોકી એક ધાબા ઉપરથી બીજા ધાબા ઉપર ફલાંગ લગાવતો ઉડી રહ્યો હતો અને આ કુતૂહલ જોવા આખું શહેર ભેગુ થયું હતું. આજ સુધી આવી ઉત્તરાયણ આ શહેરે ક્યારે જોઈ નહોતી માટે લોકો રોકીને ઉત્તરાયણનો હીરો કહી રોકીના નામની બૂમો પાડી રહ્યા હતા. રોકીની એક એક ફ્લાંગની સાથે તે હવામાં વધુ ને વધુ અદ્ધર થઈ રહ્યો હતો. રસ્તામાં આવતી ક્યારેય ન જોઈ હોય એવી તમામ પતંગ રોકી પોતાની સાથે લઈ ઉડી રહ્યો હતો.

ઉપર ઉડતો રોકી આકાશમાં ખૂબ ઉપર સુધી પહોંચી ગયો કે ત્યાંજ એક અગન ગોળો તેની નજીક અને વધુ નજીક આવી રહ્યો હતો. તે ગોળાની ભયંકર જ્વાળાઓ ધીમે ધીમે રોકીના પૂરા શરીરને પકડીને ભીંસવા લાગી. રોકી જે પતંગ ચગાવી રહ્યો હતો તે ક્યાંય વિલીન થઈ ગયો અને તેણે ભેગી કરેલી પતંગો પણ એક પછી એક તેની પકડમાંથી છૂટીને નીચે ધરતી પર વેરાવા લાગી. રોકીનું આખું શરીર જાણે ધગધગતી ભઠ્ઠીમાં તપી રહ્યું હોય એવો તેને અહેસાસ થઈ રહ્યો હતો.

"બેટા રોકી", અચાનક કોઈ સુમધુર અવાજ તેના કાનો પર અથડાયો. સૂરજની અગન જ્વાળાઓ વચ્ચેથી એક દેવી જેવો આકાર બહાર નીકળી રોકીને પોતાની તરફ ખેંચવા લાગ્યો અને તેને ધરતી તરફ ધકેલી રહ્યો. તેણે એક જ ક્ષણમાં રોકીને આકાશમાંથી નીચે ધરતી ઉપર લાવી દીધો અને તે સાથેજ રોકીની આંખો ખૂલી ગઈ.

રોકીની આંખો ખૂલતાં સાથેજ તેના સપનાઓની પતંગ કપાઈને વાસ્તવિકતાની ધરતી ઉપર આવી પછડાઈ.

રોકીની નજરો સામે 7×7 ની લાકડા અને ઈંટોથી બનેલી, જેને ઝૂંપડી પણ ન કહી શકાય એવી ખોલી તરવરી રહી. સૂરજની કિરણો તેની છતમાં ઠેકઠેકાણે પડેલા બખ્ખામાંથી પ્રવેશી આખી ઝુંપડીને ચારણીની ભાતમાં રંગી રહી હતી.

નવી બની રહેલ ઇમારતોના બાંધકામ માટે મજૂરી કામ કરતી મા અને રસ્તા ઉપરથી નકામી વસ્તુઓ ભેગી કરી ભંગારમાં વેચી કમાણી કરતો રોકી, મા અને દીકરાનો બનેલો આ પરિવાર આખો દિવસ બહાર રહેતો અને રાતના સુવા માટેજ ખાલી આ ઝૂંપડીનો ઉપયોગ કરતા. ગણ્યા ગાંઠ્યા વાસણો અને થીગડાઓથી ભરપૂર થોડી કપડાંની જોડી સિવાય રોકીના વારસામાં કંઇજ નહોતું.

બાપતો રોકીનાં જનમ્યા પહેલા જ આ ધરતી છોડીને આસમાનમાં દૂર પહોંચી ગયો હતો. બાપનું મોં જોવા ખાતર એક ફોટો પણ એની મા પાસે નહોતો.

પ્રેમ લગ્નને હજુ પણ મહાપાપ સમજતા સમાજમાં વસેલા કોઈ દૂરના ગામડામાંથી ભાગી આવીને રોકિનાં અભણ માતા પિતાએ આ શહેરમાં પોતાની નવી ખુશહાલ દુનિયા વસવવાનાં સપના જોયા હતા. તેમની આ દુનિયામાં નાનકડા મહેમાનના આગમનની ખુશખબર હજુ સરખી રીતે ઉજવે, તે પહેલાં તો એક ગોઝારા અકસ્માતે આ જોડાને વિખેરી નાખ્યું હતું.

18 જ વર્ષની ઉંમરે જે પ્રેમીના સહારે પોતાના પરિવારને છોડીને આ મોટા શહેરમાં રંગીન દુનિયાના સપનાઓ સેવતી રોકીની માની દુનિયા ફક્ત 20 વર્ષની ઉંમરે બેરંગ થઈ ગઈ. પતિના ગયા બાદ તેની પાસે હવે કોઈ સહારો કે છત બચ્યા નહોતા. યુવાન અને એકલી સ્ત્રી માટે આ દુનિયા નર્ક સમાન છે તે વાતનો અહેસાસ તેને બહુ જલ્દી થઇ ગયો, પણ પોતાના પતિની આખરી નિશાની જે તેના પેટમાં આકાર પામી રહી હતી તેને આ દુનિયામાં લાવીને તેના સપનાઓ પૂરા કરવા એક યુવાન વિધવાએ નિર્ધાર કરી લીધો હતો. પોતાની આબરૂ અને બાળકની રખેવાળી હરહાલમાં કરશે. તે માટે એક માએ કમરકસીને મજૂરીકામ કરી કરીને આ નાનકડી ઝૂંપડી બનાવી અને રોકીને મા અને બાપ બની એક છત આપી હતી.

રોકી ફાટેલી ગોદડીની પથારી જમીન પરથી સંકેલી ઊભો થયો. રોજના નિત્યક્રમ મુજબ રોકી ઊઠે ત્યારે તેની મા સવારનું એકમાત્ર ભોજન એવું રોટલો બનાવી મજૂરીકામે નીકળી ગઈ હોય પણ આજે તે ઘરે હતી. માને ઘરે જોતાજ અને બહારનો કોલાહાલ સાંભળી રોકીને યાદ આવ્યું કે આજેતો ઉત્તરાયણ છે. ઉત્તરાયણ, એ નામ પડતાંજ રોકી પૂરેપૂરો ખીલી જતો. કેમકે આ એક તહેવાર જ એક એવો હતો કે તેની એકધારી બેરંગ દુનિયાને અવનવી રંગબેરંગી પતંગોથી ભરી દેતું.

ઉત્તરાયણના દિવસોમાં રોકી ખૂબ પતંગ ચગાવતો અને આખા વર્ષની ખુશીઓ એક સામટી પોતાની ઝોળીમાં સજાવી લેતો. વળી આ એક તહેવાર જ એવો હતો જેના માટે રોકીને તેની ગરીબી નડતી નહિ. ઉત્તરાયણમાં તે કપાયેલી પતંગો પકડતો અને ભેગી કરી રાખેલ દોરીથી તે પતંગો ઉડાવવાનો આનંદ માણતો.

જેટલો જ પ્રેમ રોકીને ઉત્તરાયણ માટે હતો તેનાથી પણ વધુ નફરત તેની માને ઉત્તરાયણ પ્રત્યે હતો. માને આખરે આ તહેવાર પ્રત્યે આટલી નફરત કેમ છે તે વાત હજુ પણ રોકી જાણતો નહોતો અને માને તે વાતનું કારણ પૂછી તે વધારે દુઃખી કરવા માંગતો નહોતો. તેની મા માટે તો ઉત્તરાયણ એટલે મંદિર આગળ ઊભા રહી દાનમાં મળતા કપડાં, જેના ઉપર થીગડાઓ મારી મારીને આખું વર્ષ તે પોતાનું શરીર ઢાંકતી, અને તેનો દીકરો ઠંડી અને ગરમી સામે રક્ષણ મેળવતો.

રોકી ઊઠીને ઘરની બહાર આવ્યો. સવારના પહોરમાં પક્ષીઓના કલરવની સાથે આજે બીજા કલરવ ભળવાને કારણે આજની સવાર વધુ મધુર બની હતી. બીજો કોઈ દિવસ હોત તો લોકોને આ મધુરો અવાજ કર્કશ લાગતો પણ આ અવાજોની ગેરહાજરી ઉત્તરાયણના આ દિવસને ફિક્કી પાડી દેતી.

અગાસીઓ ઉપર રંગબિરંગી કપડાં પહેરીને લોકોનો મેળાવળો ઉમટયો હતો. ઠેકઠેકાણે મોટા અવાજો કરતા લાઉસ્પીકરમાંથી સંગીત રેલાઈ રહ્યું હતું, તો ક્યાંક પીપૂડાનાં અવાજો તો ક્યાંક કાપ્યો છે તો ક્યાંક લપેટના અવાજો આવી રહ્યા હતા. રોજ ભેંકાર લાગતું આકાશ આજે જાતજાતના પતંગોથી ભરાઈ ગયું હતું.

અચાનક સવારનું સપનું યાદ આવતા રોકી ઘરમાં દોડ્યો અને એક ખૂણામાં રહેલ કપડામાં લપેટીને રાખેલી પતંગો બહાર નીકાળીને જોવા લાગ્યો. રંગબેરંગી પતંગોને જોઈને તેની આંખોમાં ખુશીના રંગો છવાઈ ગયા. પણ દરવખતની જેમ રોકી આ પતંગો ચગાવવાની જગ્યાએ તે વેચીને જે પૈસા મળે તેમાંથી મા માટે એક સાડી લાવવા માંગતો હતો. તેણે તપાસ પણ કરી રાખી હતી કે તેના ઘરેથી થોડે દૂર આવેલ એક વેપારી જૂની પણ સારી સાડીઓ સસ્તા ભાવમાં વેચતો હતો. કેટલી મહેનત મજૂરી કરીને માએ તેને ઉછેર્યો હતો, એ ઋણ પોતે ક્યારે ચૂકવી શકવાનો નહોતો. રોકી માને થીગડાવાળી સાડીમાં પડેલા કાણા સોંસરી વેધતી નજરોથી બચાવવા માંગતો હતો માટે એક સારી સાડી અપાવવા માંગતો હતો.

રોકી ભલે નાનો હતો પણ તે ક્યારેક મા સાથે મજૂરી કરવા જતો ત્યાં તેની ચારણી જેવી થઈ ગયેલ થિગડાવાળી સાડીમાથી ડોકાતા શરીરને ત્યાં રહેલ લોલુપ નજરોથી બચાવવા હવાતિયાં મારતી માની સ્થિતિ સમજી શકતો. તે જોઈ તેનું નાનકડું હૃદય ઉકળી ઉઠતું. માટે તે આજે પોતાની પતંગ ચગાવવાની મજા માણવાની જગ્યાએ માના ચહેરા પર ક્યારેય ન જોયેલી ખુશી જોવા માંગતો હતો.

પકડેલી તમામ પતંગો ભેગી કરીને તે માને મંદિર આગળ મૂકી થોડી વારમાં આવી જઈશ તેમ કહી પતંગ વેચવા નીકળી ગયો. માના ચહેરા ઉપર ખુશી જોવા તરસતા મનની સાથે આજે તેના પગ પણ ઉતાવળા બન્યા હતા.

બીજી તરફ મંદિરના ચોગાનમાં બીજા ભિખારીઓ સાથે બેઠેલી તેની મા પતંગ અને ઉત્તરાયણ માટે પોતાના દીકરાની ઘેલછા અને પોતાની નફરતને ખુદની નજરોના ત્રાજવે તોલી રહી હતી.

તેની આંખોમાં વર્ષો પહેલાનો એજ ઉત્તરાયણનો દિવસ આવી ઊભો.

ભાડે લીધેલી નાનકડી ખોલીના દરવાજે રઘવાઈ થયેલી પોતે પતિની રાહ જોઈ રહી હતી. ઉત્તરાયણ માટે પતંગની ખરીદી કરવા નીકળેલ પતિ ઘણો સમય વિતી ગયો છતાં પાછો ફર્યો નહોતો. કઈક અજુગતું થવાનું છે તેના એંધાણ પામી જતા તેની આંખ ફરકી રહી હતી અને તેના હૃદયમાં ગભરામણ વ્યાપી ગઈ હતી.

ત્યાંજ તેના પડોશના કેટલાક લોકો તેના પતિનાં અકસ્માતની ખબર લઇ ને આવ્યા અને તેને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પહોંચતાં સુધી તો તેનો પતિ એક નિર્જીવ દેહમાં પલટાઈ ગયો છે. પતંગ લઈ ઘરે પરત ફરી રહેલા પતિના ગળે કપાયેલ પતંગની દોરી અટવાઈ જતા તેનું ગળું કપાઈ ગયું હતું તેની સારવાર માટે હોસ્પિટલ લાવે ત્યાં સુધીતો તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. એક પાડોશી જે આં આખી ઘટનાનો સાક્ષી હતો તેના કારણે સમગ્ર ઘટનાની જાણ થઈ. બસ ત્યારથી જ આ ગોઝારો અને કાળમુખો દિવસ રોકીની મા માટે દુઃખનો અરીસો બની રહ્યો હતો, પણ આ ઘટનાની દીકરાને જાણ કરીને વર્ષના આ એકલૌતા તહેવારના દિવસે દીકરાને મળતી ખુશી તે છીનવી લેવા નહોતી માંગતી.

ત્યાંજ અચાનક વાગેલા ગાડીના હોર્નના અવાજથી તે વર્તમાનમાં પાછી ફરી. હજુ દાનમાં કઈ મળ્યું નહોતું એ વાતથી તે થોડી ઉદાસ થઈ ગઈ. એજ વખતે તેની નજર રોડની બીજી તરફ કપાઈને આવી રહેલ ખુબજ સુંદર પતંગ ઉપર પડી. તે પતંગમાં તેને દીકરાનો ખિલખિલાટ કરતો ચહેરો દેખાઈ રહ્યો હતો.

રોકીની બધી પતંગો થોડી વારમાં જ વેચાઈ ગઈ અને આવેલા પૈસામાંથી તેણે એક સરસ મજાની સાડી ખરીદી. આ સાડી પહેરીને માનો સુંદર અને ખૂશીથી છલકાતો ચહેરો જોવા તેના કદમો માને મળવા મંદિર તરફ હરખથી ભાગવા લાગ્યા.

રોકીએ મંદિર આગળ પહોંચીને જોયું તો તેની મા ક્યાંય નજરે પડી નહિ. થોડી આગળ તપાસ કરતા તેણે જોયું તો મંદિરની સામેની તરફના રોડ ઉપર ખૂબ મોટી ભીડ જામી હતી. ત્યાં જઈને જોયું તો તેને જાણવા મળ્યું કે રોડ પરથી પસાર થતી ટ્રકની અડફેટે આવતા એક ભિખારણ મૃત્યુ પામી હતી. ધડકતે હૃદયે ભીડને ચીરતો રોકી સડક પર પડેલી તે સ્ત્રી સામે જઈ ઊભો. એકદમ છુંદાઈ ગયેલ લાશ ઉપર ચીંથરા જેવી વિંટેલ માની એકમાત્ર સાડી જોઈને રોકી ત્યાંજ આઘાતથી ઢળી પડ્યો.

"કેવી બેદરકાર બાઈ હતી, એક કપાયેલ પતંગ લુંટવા માટે
બેફામ રસ્તો ઓળંગવા જતા એક ટ્રકની હડફેટે ચડી છુંદાઈ ગઈ અને જીવ ખોઈ બેઠી. એવું તો શું દેખાયું હશે તેને એ પતંગમાં કે આમ જોયા સમજ્યા વિના પાગલની જેમ તે પકડવા દોડી હતી", ભેગી થયેલ ભીડમાં બોલાયેલ એક પ્રત્યક્ષ દર્શીના શબ્દો રોકીના કાને પડ્યા.

પોતાના પતંગ પ્રેમને કારણે થઈને આજે માએ તેનો જીવ ગુમાવ્યો છે. તે જાણતા જ રોકીને આસમાનમાં ઉડતી રંગ બીરંગી પતંગો લોહી નીતરતી દેખાવા લાગી, અને તેની આંખોમાં પતંગ પ્રેમના રંગોને સ્થાને ધીરે ધીરે નફરતના રંગો ભરાઈ રહ્યા.

રોકી ત્યાંથી ઊભો થઈ ખરીદીને લાવેલી સાડી માના પાર્થિવ શરીર ઉપર ઓઢાડી, અને એક પણ વખત પાછળ નજર કર્યા વિના ઘર તરફ ચાલવા લાગ્યો.

દૂર ઉંચે આકાશમાં પતંગોની વચ્ચે નવી સાડી પહેરીને ઊભેલી એક મા વ્હાલ નીતરતી આંખે જતા દીકરાની પીઠ તરફ તાકી રહી હતી.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)